મન્સૂર

મન્સૂર, કોકિલા રાવળ, મમતા વાર્તામાસિક, વર્ષ ૧, અંક ૬, એપ્રીલ ૨૦૧૨

મમતા અને મન્સુર સાથે મોટાં થયાં હતાં. બંને પડોશીના નાતે બહું નજીક આવી ગયેલાં. બંનેના જીવ મળી ગયા હતા. બંનેને વાંચવાનો બહું શોખ હતો. ચોપડીઓની અદલબદલ કરતાં, જુવાન થતાં, બંને વચ્ચે ચિઠ્ઠીઓની આપલે પણ થવા લાગી.

મમતાની માના ચારે હાથ મન્સૂરની ઉપર હતા. તે મન્સૂર પર ઓવારી જતી. તેને ભાવતા મગજના લાડુ, ગોળપાડી વગેરે બનાવતી ત્યારે મન્સૂરનો ભાગ રાખતી. મન્સૂર અને મમતા એક બીજાના ઘરે ગમે ત્યારે આવતાં જતાં.

કોલેજનો સમય આવતાં મન્સૂર આગળ ભણવા અમેરિકા જવાની ઇચ્છા રાખતો હતો. તેણે પોતાના માબાપને વાત કરી. તેના માબાપને મન્સૂર શાદી કરીને જાય તેવી ઇચ્છા હતી. તેઓએ કહ્યું કે એમની નજરમાં અકબરભાઇ સલાટવાળાની દીકરી રોશન હતી. જ્યારે મન્સૂરે કહ્યું કે ‘મારું મન બાજુવાળી મમતા પર ઢળે છે.’ ત્યારે માબાપે કહ્યું કે ‘હમણાં હિન્દુ મુસલમાનના મન ઊંચા છે. એટલે અમારી સલાહ મમતા સાથે લગન ન કર તેવી છે.’ મન્સૂરે જણાવ્યું કે ‘તો પછી હું લગ્ન કર્યા વગર અમેરિકા જઇશ.’

અમેરિકા જઇ મન્સૂરે થોડાં વરસ ગાળ્યાં. કામ કરતાં કરતાં ભણ્યો એટલે વધારે વર્ષ નીકળી ગયાં. મમતા સાથે પત્રવ્યવહાર તો ચાલુ હતો. અમેરિકામાં તેને રચના અને કવિતા નામની બહેનપણીઓ પણ થઇ. પરંતુ મમતાની તોલે કોઇ ન આવે!

લગ્ન માટે મમતાના ઘણાં માગાં આવ્યાં હતાં પણ તેણે કોઇને કોઠું આપ્યું નહોતું.

આ બાજુ મન્સૂરનાં માબાપની તબિયત લથડતી ચાલી. તેમણે મન્સૂરને ભારત આવી એક વખત તેમને મળી જવા કહ્યું. મમતા ઘણીવાર મન્સૂરના માબાપને મળવા જતી અને એમનો ખ્યાલ રાખતી. મન્સૂર ભારત આવ્યો ત્યારે માબાપે કહ્યું કે ‘આ વખતે લગ્ન કરીને મમતાને સાથે લેતો જા. તારે તો ત્યાં રહેવું છે. ત્યાં તને નાતજાતનો વાંધો નડશે નહિ.’

મમતા અને મન્સૂર પહેલાની જેમ મળવાં લાગ્યાં. બંને સાહિત્યની વાત કરતાં અને તેમની વાત ખૂટતી જ નહિ. બંનેએ એક બીજાને લગ્નના કોલ આપ્યાં. તેની મા તેનું સુખ ઇચ્છતી હતી એટલે તેને મન્સૂર સાથે લગ્ન કરે તેનો કશોજ વાંધો નહોતો. મમતાના બાપાને મુસલમાન સાથે લગ્ન કરે તે બહુ પસંદ નહોતું. મા-દીકરી બંનેની ઇચ્છા હોવાથી બહુમતી સામે નમતું મૂક્યું. મન્સૂર અને મમતા તો એમના બાળકો થશે અેનાં નામ શું પાડવાં, કોની અટક એમને લગાડવી, એવાં એવાં સ્વપ્નાં જોવાં લાગ્યાં.

એક દિવસ બંનેએ નક્કી કર્યું કે બે દિવસ પછી થનાર સાહિત્ય સભાનો લાભ લઇ, ત્યાં તેમણે લગ્ન વિષે જાહેરાત કરવી.mamata_dec_2011_back_pg

સાહિત્ય સભાનો દિવસ આવ્યો. ભરી સભામાં તક મળતાં મમતાની માએ મન્સૂરને ચાંદલો કરી વધાવ્યો અને તેમનાં લગ્નની વાત જાહેર કરનાં કહ્યું કે, ‘મારી મમતા તને સોંપું છું.’ મમતા સ્મિત કરતી પાછળ જ ઊભી હતી. મોટા ભાગનાં સભાનાં માણસો મલકી ઊઠ્યાં. કોઇએ અવાચક થઇ મોંઅે હાથ દઇ દીધા. કોઇએ સેલ ફોન  ઉપાડી તેની પત્નીને ખબર આપ્યાં. આગળ બેઠેલા એક વયોવૃદ્ધ ભાઇ સ્થિતપ્રગ્ન થઇ બેઠા હતા – કાનનું હીઅરિન્ગ એઇડ ઘરે રહી ગયું હતું.

મમતાની માએ આગળ ચલાવ્યું, ‘છ-છ છોકરાંનો બાપ થજે એવા આશીર્વાદ આપું છું, સામન્ય રીતે સોનો શુભ આંકડો વપરાય પણ મમતાની મા છું, એનો વિચાર કરવો જોઇએ ને!’ મમતાના બાપ મોઢું વકાસી જોઇ રહ્યા, હાથમાં કેમેરા હોવા છતાં ફોટા પાડી ન શક્યા.