શરૂઆત

ઘણા વખતથી હું ‘કેસુડાં’ને ફરી શરૂ કરવાનો વિચાર કરતી હતી. મારી દીકરી મીનળના કહેવાથી ‘કેસુડાં’ નામના બ્લોગથી શરૂઆત કરૂં છું. આ બ્લોગ અનિયમિત પણે પ્રગટ થતો રહેશે.

હું કિશોર સાથે કેસુડે રંગાણી. તેમણે મને સાહિત્યમાં રસ લેતા કરી. લખવાની પ્રેરણા પણ આપી.

બીજો જશ આદિલ મન્સૂરીને જાય છે. તેની સાથે મહિને એક વાર ‘સાઠદિન’ની પ્રવ્રુતિમાં અમે જોડાયા હતા. આદિલભાઇનો આગ્રહ એવો હતો કે અમારે કાંઇ પણ લખીને લાવવું. એટલે ત્યારે મેં હાયકુ તથા કવિતા લખવાનો પ્રયાસ કર્યો. અેમણે તો મને ફુલાવીને ફાળકે ચડાવી…

ત્રીજો જશ મધુરાયને જાય છે. તેના મમતા વાર્તામાસિકમાં ‘આ ચિત્ર ઉપરથી ૫૦૦ શબ્દોની એક વાર્તા મોકલો’નું આમંત્રણ જોયું. એક ચિત્ર ઉપરથી કેવી રીતે વાર્તા લખી શકાય? તેમ મને કિશોરે પૂછ્યું. મે એમને ચેલેંજ આપી કે હું લખી બતાવું. ધારી ધારીને જોયા પછી મારા મગજમાં એક વાર્તા ઉપસી આવી. મમતા માસિકમાં મેં મન્સુરના મથાળા હેઠળ વાર્તા મોકલી આપી. વાર્તા પ્રસિદ્ધ થવાથી મને તો ચાનક ચડી. ત્યાર પછી ચારેક અંકના ચિત્ર ઉપરથી વાર્તા લખી નાખી. જે હજી છપાયા વગર પડી છે. આમ મધુરાયે મને લખતી કરી તેમ કહી શકું.

બાકી તો કિશોરના અધુરા કામ પુરાં કરૂં છું. ગયા વર્ષે મેં ‘અમેં ભાનવગરના ભાગ બીજો’ બહાર પાડ્યો. બીજું તેમના ચિત્રોને મઠારવાવું અને મઢવાનું કામ શરૂ કર્યું છે. આ રીતે મારૂં જીવન તેમની યાદમાં પ્રવૃતિમય રહે છે.

કેસુડામાં તમારાં સહકારની આશા રાખું છું. તમે જે કાંઇ મોકલશો તે મને ઠીક લાગશે તે મારા કેસુડાં બ્લોગ ઉપર મૂકીશ.

જાદુ

ચંદ્રેશ ઠાકોરનું નિધન ૧૦ જુલાઇ ૨૦૧૫white_roses

ચંદ્રેશ ઠાકોર, એપ્રીલ ૨૦૧૪ ગુર્જરી ડાયજેસ્ટ પાનું ૪૧, જુવો અહિંયા.

જાદુ

એક કોરા કાગળ પર
તારું નામ લખ્યું
અને
ચેતન જાગ્યું…
મારા કોરા હાથ પર
તારો હાથ મુક્યો
અને
ભાગ્યરેખા અંકાઇ ગઇ.

આ કવિતા ચંદ્રેશભાઇના પહેલા પુસ્તકમાં (‘મોસમનો મોડો વરસાદ’) પ્રસિદ્ધ થઈ છે.