ઘાત ગઇ


કોકિલા રાવળ

હું સત્તરેક વર્ષની હોઇશ ત્યારનો આ બનેલો બનાવ છે. ત્યારે અમે લીમ્બીમાં (મલાવી, આફ્રિકા) રહેતા હતા. ત્યાં છઠ્ઠા ધોરણ સુધીનુંજ ભણતર હતું. ત્યારે ત્યાં બ્રીટીશનું રાજ હતું. ઈંગ્લીશ શીખવું જરુરી હોવાથી હું અને મારી મોટીબેન મીસીસ ડાલ્વી, એક ખ્રિસ્તી આંટી, પાસે ટ્યુશન લેવા જતા.

એકાદ માઇલ દૂર તેનું ઘર હતું ત્યાં બપોરના સમયે અમે ચાલતા ચાલતા જતા. રસ્તામાં કાર રીપેરીંગનું એક ગરાજ આવતું. બે દેશી ભાઇઓ આ ગરાજ ચલાવતાં. ગામમાં તેની છાપ દારુડિયા તરીકેની હતી એટલે અમે તેનાથી બહુ ડરતા. જ્યારે તે ગરાજ પાસેથી અમે પસાર થઇએ ત્યારે અમે નીચુ જોઇ ઝડપથી ચાલતા. અમને ખબર હતી કે તેઓ અમારી સામે તાકી તાકીને જોયા કરે છે. આમ તો બીચારા એકલા-અટુલા પરદેશમાં આવી પડેલા મહેનતું માણસો હતા.

મીસીસ ડાલ્વી ભણાવવા કરતાં અમારી પાસે કામ કરાવવામાં મહા હુશિયાર હતા. તેમને ખાવાનો બહુ શોખ હતો. આપણું ખાવાનું તેને બહુ ભાવતું. તેના ઘરની પાછળ એકાદ એકર જેટલી જમીન હતી. તેમાં તેણે ઘણી જાતના શકભાજી વાવેલા. તે શરીરે બહુ ઝાડા હતા, એટલે મને આ લઇ આવ અને પેલુ લઇ આવ કરીને શાકભાજીની વાડીમાં દોડાવે. મારી બેનને રસોઇ કરવાનો બહુ શોખ હતો. તેને ભણવામાં ઓછો રસ હતો. તેની રસોઇના વખાણ થાય એટલે તે હોંશે હોંશે રસોઇ કરી આપતી. આમ થોડા વખતથી ચાલતુ હતુ.

અમે મીસીસ ડાલ્વીને ત્યાં જતા હતા તે દરમ્યાન ઉનાળો હોવાથી દર રવીવારે અમારું કુટુંબ મિત્રો સાથે બે ત્રણ કાર લઇને ભાતા પોતા લઇને ફરવા નીકળી પડતા.

એક વખત અમે લીકુબ્લા નદીએ ગયા હતા. આજુ બાજુ મોટા પથ્થરો હતા. ઝરણામાથી પાણી ભરાઇ કુંડ જેવુ થતું હતું. પાણીમાં બધા છબછબિયા કરતાં હતાં. હું ઉંચી હતી એટલે મને થયું કે હું ડોક સુધી પાણીમાં જઇ શકું. મને તરતાં ન્હોતું આવડતું. શોલો ચડ્યો એટલે હું તો આગળ વધી. ડોક સુધી પાણીમાં કુદકા મારતી હતી. ત્યાં પગ નીચાણવાળા પાણીમાં પહોંચી ગયો અને મારા માથેથી પાણી ફરી વળ્યું.

Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek--likhubula-falls.html
Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek–likhubula-falls.html

હું મુંજાઇ ગઇ. હવે હું આમાંથી બચીશ નહીં તેનો ખ્યાલ આવી ગયો. એટલે બધાંને યાદ કરીને મનમાં અલવિદા કહેવા માંડી. બધાની સાથે કિશોરને પણ અલવિદા કરી દીધી. છેલ્લે ભગવાન પાસે મારી જીંદગીમાં કાંઇ ભુલચુક થઇ હોય તો માફી પણ માગી લીધી. બે ચાર વાર પાણીની સપાટી ઉપર આવી. હાથ ઉંચા કરવા માંડી. પગ તળિયાને અડતા ન્હોતા. ત્યાં સામેના પથ્થર ઉપર પેલા બે ભાઇઓ પણ ઉજાણી કરવા બેઠેલા. તરત તેમાંથી એકે પાણીમાં ધુબાકો માર્યો. તે મને બચાવવા આવી રહ્યો હતો. કહેવત છે ને કે ડુબતો માણસ તરણાને પણ પકડે. હું તો જેવો તે નજીક આવ્યો તેવો તેને વળગી પડી.

ડુબવાના પ્રસંગ પછી જ્યારે મીસીસ ડાલ્વીને ત્યાં અમે જતાં ત્યારે પેલા ગરાજ આગળથી પસાર થતાં. તે વખતે અચુક હું હાથ ઉંચો કરીને તેઓને મીઠું સ્મીત આપતી. તેઓ તો તેટલાથી જ બહુ ખુશ હતા અને મને સામુ સ્મીત આપતા.

કોણ કહે છે કે દારુડિયા સારા નથી હોતા!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s