મયૂરની પ્રેરણા


સ્પેનીશ લેખક કાર્લોસ વાલેસ જેણે પચાસ વર્ષ ભારતમાં ગાળ્યા અને નાગરિકત્વ મેળવ્યું. ગણીત અને ગુજરાતીના ધણાં પુસ્તકો લખ્યા. નિચેની વાર્તા મયૂરની પ્રેરણા તેમની “વિહારયાત્રા-૨, ઘેર ઘેર સોનાના ચૂલા” માંથી વીણી.

મયૂરની પ્રેરણા, ફાધર વાલેસ

આ પાનું કેમ લખાશે એ ખબર નથી. કારણ કે બાજુમાં એક છોકરો બેઠો છે, અને લખતાં લખતાં એનું ધ્યાન પણ રાખવાનું છે. છોકરો મોટો નથી, આઠ વરસની ઉંમર હશે. અને બાજુમાં બેઠો એટલે સાવ બાજુમાં. હું પલંગ ઉપર બેસીને લખી રહ્યો છું, અને તે એજ પલંગ ઉપર મને અડીનેજ બેઠો છે અને હું શું લખી રહ્યો છું એ જોય રહ્યો છે એની વાંચવાની ઝડપ ઓછી છે એટલે હું લખતો જાઉં છું એ વેગથી એ વાંચી શકતો નથી. અક્ષરો છૂટા પાડીને બોલે છે, કાનો-માત્રા ઓળખાવીને ઉચ્ચારે છે અને કોઈ પરિચિત શબ્દ આવે ત્યારે વિજયાનંદની સાથે એ આખો બોલે છે અને ખુશ થાય છે. શબ્દોના અર્થ સાથે એને હજી કામ નથી, ફક્ત શબદનીજ સાથે કામ છે, એટલે હું શું લખી રહ્યો છું એ તે જાણતો નથી અને એના વિષેજ લખી રહ્યો છું એનો પણ એને ખ્યાલ નથી, પણ એ વાંચી રહ્યો છે અને હું લખી રહ્યો છું ને બંનેની પૂરી ઊંડી એકાગ્રતા છે. પણ શું લખાશે એ ખબર નથી.

મારું ધ્યાન લખવામાંછે, પણ સાથે સાથે એ છોકરામાં પણ છે. એની સામે હું જોતો નથી, પણ એની હૂંફ અનુભવી રહ્યો છું. એ મને અઢેલીને બેઠો છે, એનો હાથ મારા ખભા ઉપર છે, એના કાળા વાળ મને ગલગલિયાં કરે છે, એનો શ્વાસ જાણે મારામાં આવી જાય છે. એની સાથે સારી દોસ્તી જામી છે. નાનપણમાં

એને કોઈ રોગ થયો હતો એને લીધે એને આજે પણ રોજ બે દવાઓ લેવાની છે. એ તેજસ્વી છે અને તંદુરસ્ત છે, પણ એના કુમળા દેહમાં એ એ અમંગળ રોગનો પગપેસારો થયો હતો ત્યારથી એનું જોખમ છે, અને તેથી એની સામે રક્ષણ કરવું પડછે એ રોજ દવા પીએ છે. અને એને દવા પીતો જોઈને હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે, આ બાળકના દેહમાં ફરીથી રોગના જંતુઓ આવવા ન દે. પહેલે દિવસે એ મારી બાજુમાં બેસતો નહોતો. નાના છોકરાઓ જલદી વિશ્વાસ બતાવતા નથી. કુદરતે એમના ઘડતરમાં સંકોચનું તત્ત્વ મૂક્યું છે જેથી અપરિચિત વ્યક્તિને જોઈને ચેતી જાય અને ફસાઈ ન જાય. અવિશ્વાસનું રક્ષણ છે. સંકોચની સલામતી છે. પરંતુ નાના છોકરાઓ માબાપનું અનુકરણ કરે છે એ વૃત્તિ પણ કુદરતે એમના બંધારણમાં મૂકી છે. માબાપ એ પરિચિત વ્યક્તિનો સત્કાર કરે, ત્યારે છોકરાઓ પણ કરે. માબાપનું વલણ છોકરાઓમાં આવે. એનું પ્રતિબિંબ પાડે, અનુકરણ કરે . એટલે એ છોકરો શરૂઆતમાં મારી બાજુમાં બેસતો નહોતો એ માબાપનું વર્તન જોઈને નજીક આવવા લાગ્યો, અને આજે હું પલંગ ઉપર બેસીને લખતો હતો એમાં એ આવ્યો અને પોતાની મેળે જેમ તેમ પલંગ ઉપર ચડીને મારી પાસે બેઠો.

મારું લેખનકાર્ય ચાલે છે. એ મારે તો બંધ કરવું નથી, અને એણે પણ બંધ કરાવવું નથી. હું શું કરું છું એ એણે જોવું છે. અને મારે તો મારું કામ આગળ ચલાવવું છે અને સાથે સાથે એ બાળકની નિકટતાનો આનંદ માણવો છે. કુદરતે દરેક બાળકમાં દીકરાની મૂર્તિ જોઈને સૌને માટે વાત્સલયની લાગણી અનુભવવાનું વરદાન આપ્યું છે. એટલે લખતાં લખતાં એ છોકરાને વહાલ પણ કરી રહ્યો છું. એક શબ્દ , એક સ્મિત , એક ચૂંટી. લખવાનું કામ પણ ચાલુ, અને દોસ્તીનો આનંદ પણ ચાલુ. લખતાં લખતાં એ હાથ છૂટો થાય અને એને માથે ભેરવાય. લખવામાં વિચારના ગાળા પડે, વચ્ચે વચ્ચે શબ્દ કે એક ખ્યાલ કે એક તર્ક કે એક અલંકારની

શોધમાં થોભી જવાય. મગજમાં કામ ચાલુ છે. પણ હાથ છૂટો છે. એ પાસે બેઠેલા છોકરાને વહાલ કરે છે.

બુધ્ધી પણ કામ કરી રહી છે,અને ઊર્મિ પણ કામ કરી રહી છે. બેનાં કામ જુદી જુદી દિશામાં ચાલે છે. બુધ્ધી લખાવે, અને ઊર્મિ વહાલ કરાવે. બુધ્ધીનું ધ્યાન લખાણ ઉપર છે, જ્યારે ઊર્મિનું બાળમિત્ર ઉપર છે. પણ ખરું જોતા બંનેનું કામ એકજ છે, બંને કલમને ચલાવે છે. બુધ્ધીના શબ્દો ન હોય તો કલમ ન ચાલે, પણ

ઊર્મિની હૂંફ ન હોય તો ચાલે ખરી?

આ એક પાનું પૂરું થયું . છોકરો ખુશ થયો. એ મારી સામે જુએ છે, અને હું આંખથી અનુમતિ દર્શાવું છું. એટલે એ પેડ લઈને પાનું કાળજીથી ફાડી આપે છે. એના હાથ તો બહુ સાફ નથી એટલે પાનું સહેજ મેલું થાય છે અને એની કાળજી છતાં ઠીક ઠીક વળી જાય છે. પણ ફાટ્યું તો નથી, એટલે એ ગર્વ સાથે પેડમાંથી ફાટેલું પાનું મારા હાથમાં મૂકે છે અને હસે છે. હું પણ હસું છું અને એની પાસેથી પાનું લઉં છું અને આભાર માનું છું. બંનેના સહકારથી કામ ચાલે છે. મારે લખવાનું અને એણે પાનાં ફાડી આપવાના. મારું કામ જેટલું અગત્યનું છે તેટલું એનું પણ છે એ સંતોષનો ભાવ એના મુખ ઉપર છે. એ પાનું ફાડી ન આપે તો હું આગળ લખું શી રીતે?

એની બા એને બોલાવે છે જેથી મને ખલેલ ન કરે. પણ એ ના પાડે છે અને હું પણ ના પાંડુ છું. એકલા બેઠા આખી જિંદગી કાઢવાની છે, તો એક પ્રેમાળ છોકરાનો સાથ મળ્યો છે એ માણવાદોને! છોકરાને એની ખબર છે એટલે પાસે રહે છે. પોતાની જવાબદારી સમજે છે: એક શુષ્ક હૃદયના વડીલને હૂંફ આપવાની છે. તે અજબ સફળતાથી અદા કરી રહ્યો છે. એ સરખો તો બેસતો નથી. અર્ધો બેસે અર્ધો ઊભો રહે, ઘડીકમાં સૂઈ જાય ઘડીકમાં ચાર પગે થાય. પણ નજીકજ રહે છે. એટલે એ હાલે ત્યારે જાણે ખબર આપે,નવા સ્પર્શ દ્વારા યાદ દેવરાવતો જાય કે હું અહીંયાં છું અને પાસે છું. અમારી વાતો તો ચાલતી નથી. હું લખતો જાઉં છું અને તે જોતો રહે. પણ એ હાલે, પાસે આવે, ગોઠવાય જાય, ઊભો થાય, મારા પડખાને અઢેલીને બેસી જાય – એ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એક જાતની સાંકેતિક વાત ચાલે છે. સ્પર્શનો સંવાદ છે. સામીપ્યનો વિનિમય છે. સંપર્કની વાતચીત છે. એ વિવિધ સ્પર્શો દ્વારા એ કહી રહ્યો છે કે, “તમે શું લખી રહ્યા છો એ મને ખબર નથી – તમે જાણો અને તમારા વાચકો જાણે! પણ જે કંઈ હોય તેમાં તમને મારો ટેકો છે. એ ચોક્કસ જાણજો. હું તમને અઢેલીને બેઠો છું એટલે તમારા લખાણમાં મારો હાથ પણ છે, ખરુંને?” અને હું પણ લખતાં લખતાં એની હૂંફ

અનુભવીને અને દિલમાં વાત્સલ્ય ઊભરાવા દઈને સાંનિધ્યની મૂક ભાષા દ્વારા એને વાત કરી રહ્યો છું:

“તું પાસે છે એટલે જ આજે સારું લાગે છે અને કાગળ ઉપર કલમ દોડે છે. હું શું લખું છું એનું કશુંજ મહત્વ નથી. પણ એમાં તારી પ્રેરણા છે, એક નિર્દોષ નિરામય મોહક પવિત્ર બાળકનો ટેકો છે એજ સાચો સંદેશ છે અને એમાં આશાનું સ્ફુરણ છે. દુનિયાને ડહાપણની જરૂર નથી, પ્રેમની જરૂર છે; લેખકના ચાતુર્યની જરૂર નથી, બાળકના નિર્મળ હાસ્યની જરૂર છે. આજે તને હજી ખબર નથી; તો ખબર પડે અને તારી નિર્દોષતા જતી રહે એ પહેલા દુનિયાને તારી આ શ્રદ્ધાનો અને તારા આ આનંદનો લાભ આપતો રહે – મને આજે આપ્યો છે એ રીતે.”

એ એકદમ નજીક આવ્યો છે. એનો નાનકડો દેહ સંકેલાઈને મારા દેહમાં લીન હોય એવું ભાસે છે. અમારો બંનેનો શ્વાસ એકલય ચાલે છે. હવે એ હાલતો નથી. એક ધ્યાન છે. લેખનો અંત આવી ગયો છે. એનો ખ્યાલ એને આપોઆપ થઈ ગયો લાગે છે. આ છેલ્લું પાનું લખાયું. એ ફાડી આપવાની પોતાની અગત્યની ફરજ બજાવવા એ તૈયાર થઈ ગયો છે. ફાડીને ખુશ થશે અને કૃતાર્થ થશે. અને હું પણ ખુશ અને કૃતાર્થ થઈશ. આ લેખ ઉપર સૌથી પહેલી એક આત્મીય બાળકની નજર પડી છે. એ ધન્યતા છે. બાળભગવાનનો આશીર્વાદ છે.

એકબીજાની સામે જોઈએ છીએ. મુક્ત દિલથી હસીએ છીએ. હૃદયના કલ્લોલથી આજનું લખાણ પૂરું થાય છે. મયૂરનો આભાર (મયૂર એ બાળકનું નામ) હું મૂક ભાવે મનોમન માની રહ્યો છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s