The Space Between Us

The Space Between Us, by Thrity Umrigarspace-between-us

થ્રીટી ઉમરીગરનું આ પૂસ્તક ૨૦૦૬માં પ્રસિધ્ધ થયું.

પારસી શેઠાણીની સાસુનું બહુ જોર ચાલતુ. વર માવડિયો હતો. તે શેઠાણીને મારજુડ પણ કરતો. આ બધી દિલની વાતો ખોલવા માટે તે નોકરાણી આગળ મન ખોલતી. નોકરણી બધું સમજી શકતી હતી. તેઓ બંનેને સારુ ભળતુ હતું. નોકરાણીને ત્યકતા છોકરી અને પૌત્રીને ઉછેરવાનો ભાર હતો. આમ બંનેની વાર્તા સંમાતરે ચાલે છે. છેલ્લે શેઠાણી શા માટે નોકરાણીને છુટી કરે છે તે જાણવા આ પૂસ્તક વાંચો. નોકરાણીની દ્રષ્ટીએ લખાયેલુ આ પૂસ્તક ઉંચ નીચ જાતનાં સમાજમાં આજની તારીખે પણ ક્યાં સ્થાન છે તેની ઉપર પ્રકાશ પાડે છે.

આ વાર્તા બંને પાત્રોને સરસ રીતે ઉપસાવે છે. છેલ્લે સુધી રસ જળવાઈ રહે છે.

-કોકિલા રાવળ

કેળાની છાલ

કેળાની છાલ

નટવરલાલ અણી પેરે બોલ્યા,
સુણો બેનોને ભાય,
………તમોને સંભળાવું,
કેળાની છાલ તણો મહિમાય.

શાક લેવા ગયો બજાર,
ચાલતી’તી ત્યાં ચકચાર
જોવા વધારી મારી ચાલ,
આવી ત્યાં કેળાની છાલ.

પગ પડ્યો છાલ ઉપર,
લપસી પડ્યો હું સરરર….સર…
જોવા આવ્યું મને બહુ લોક,
મન થયું મૂકવાનું પોક.

હતી હિંમત એટલી ઝાલી,
ચાલ્યો માથું નીચું ઘાલી.
ચોકે ગયો ત્યાં મળી ઘરવાળી,
કરવા માંડી વાતુ ન્યારી.

કયા ગયા’તાં તમો પ્યારા.
ખરડાયા કયા કપડાં તમારાં?
મને વિચાર આવ્યો તુરત,
બહાર નીકળ્યો કયું જોઈ મૂરત.

ત્યાં તો ઘણા મુજ સમીપ આવ્યા,
ગડદાપાટુ દેવા માંડ્યા.
લુચ્ચા! ચોરી કરીને નાઠો,
પાછો સ્ત્રીને સતાવવા લાગ્યો.

મુંજ સ્ત્રી વંદે એ મારા પતિ,
લોક કહે બેસ હવે મોટી સતી,
ચોરી કરી નાઠો તારો પતિ,
જો થાય એની કેવી ગતિ,
લઈ ગયા મને સિપાઈ પાસ,
મૂક્યો મેં મોટો નિશ્વાસ
સાચો સરખો તેવોએ માર્યો
પછી જામીને હું તો છૂટ્યો.

કેસ મારી ઉપર ચલાવ્યો,
ન્યાયાધીશે નિર્દોષ ઠરાવ્યો,
કેવી ગોઝારી કેળાની છાલ,
જેણે કીધાં મારા આવા હાલ.

blue-line

નટવર કે. દેસાઈ, સૂરત
ગુજરાતી વિનોદ, ગ્રંથે અને કંઠે, પાનુ ૫૫

દીકરી આવી

દીકરી આવી

કોકિલા રાવળ, મમતા અંક ૩, જાન્યુઆરી ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

હીરા આજે ત્રણ મહિને પહેલી વાર સાસરેથી પીયર આવવાની હતી. આમ તો વઢવાણસીટીથી સુરેન્દ્રનગર બહુ છેટું નહીં. તેને વર બહુ હોંશીલો મળેલો. મહિનાની રજા લઈ તે બન્‍ને જણાં ભાવનગર, પાલીતાણા અમદાવાદ વગેરે સ્થળોએ ફરી આવ્યા હતા. જે ગામ ગયાં ત્યાં બસ કે ઘોડાગાડીમાં જોવાના સ્થળો જોઈ આવતાં. દરેક ગામમાં ફરવાની જગ્યા શોધી દિવસના બસ કે ઘોડાગાડી કરી કરી ફરી આવતાં. બસ અને ઘોડાગાડીમાં હીરાને ઊંઘ ચડતી, રાતના મીઠા ઉજાગરા થતા એટલે તે બસમાં વરને ખંભે માથું ઢાળી દેતી.

dikri avi tappo
ચિત્રકાર કિશોર રાવળ, ૨૦૧૨

વરને કામે ચડવાનું હતું એટલે હીરાને વઢવાણ સ્ટેશને ઊતારી, પાછો સુરેન્દ્રનગર ઊપડી ગયો. સ્ટેશનેથી ટપો (એક ગાદીએ બે ઘરાક બેસી શકે એવી ઘોડાગાડી) કરી મીઠી રાતોને મમળાવતી એ કુંવારા દિવસો યાદ કરવા લાગી. રસ્તામાં દાજીરાજ હાઈસ્કૂલ આવી, ખાંડીપોળનો દરવાજો આવ્યો, ત્યાર પછી તો ઘણાં ઓળખીતા રસ્તામાં મળ્યાં. ‘કાં ભનીબા આવી જ્યાં?’ કરતાં બધાં હાથ ઊંચા કરતાં. ડાબી બાજુ શિંગ ચણા મમરાની દુકાન આવી ત્યાં શિંગ ચણા મમરા રેતીમાં શેકાતાં હતાં. વિચારમાં અને વિચારમાં વાઘેશ્વરીનો ચોક આવી ગયો. ટપો ટપક ટપક ચાલતો પિયરના બારણે પહોંચી ઊભો રહે તે પહેલાં બે છોકરાં ટપાની પાવડી પર ટીંગાઈ ગયાં. રસ્તામાં બેઠેલા બકરાંઓ બેં બેં કરતાં આઘા પાછાં થઈ ગયાં. આડોશ પાડોશના ડોશીમાઓ માથે સાડલો સંકોરતાં બહાર આવ્યાં. ‘લો આતો ભનીબા આવી જ્યા.’ જૂની સહિયરો પણ મરકતી મરકતી ઝાળીએ ઊભી હતી. વાઘેશ્વરીના ચોકમાં જુવાનિયાઓ ઊભા હતા. હીરાએ ત્રાસી આંખે જોયું તો એ બધાં તેની સામું એકી ટશે શરમ વગર જોઈ રહ્યા હતા. બધાની નજરમાં આવી ગયું કે તે ભારેવગી છે. હીરાના ગાલ શરમથી લાલ થઈ ગયા. ત્યાંતો તેની નાની બહેન લીલાની બૂમ સંભળાઈ,  ‘બા, હીરાબોન આવી ગઈ’.  બાએ એક નજર નાખી ખાતરી કરી કે હીરા સાજી સારી છે અને બા ચા બનાવવાની જ તૈયારી કરી રહી હતી તેમાં રત થઈ ગઈ.

વચલી મંજુએ હમણાં જ સ્ટીલના વાહણનો ટોપલો ઓશરીમાં ઊતાર્યો હતો.  એ સવારે નિશાળે જતી. બપોરે મધુર ટહુકાઓથી વઢવાણની શેરીઓ ગજવી મૂકતી. ‘જૂનાં કપડાં કાઢવાનાં સે?’ જુનાં કપડાં સામે સ્ટીલના વાહણ વેંચતી. આજે માંડ એક સ્ટીલના ડબા સામે થોડાં કપડાં મળ્યાં હતાં અને તે પણ બહુ રકજક કર્યા પછી. હીરાબોન આવવાની હતી એટલે ઉતાવળે ઉતાવળે વહેલી ઘરે આવી. વઢવાણની લૂનો પરસેવો લૂછતી ઘરમાં પેઠી હતી.

બધાં પાડોશીઓ પાડોશીને નાતે ખબરઅંતર પૂછી ચા તૈયાર થાય એ પહેલાં વીખરાયાં. સટરપટર થઇ ગયાં. પછી મા અને દીકરીઓ કપ રકેબીમાં ચા પીતાં, ફૂંકો મારી સિસકારા દેતાં બેઠાં. ત્યાં મંજુ કહે કે, ‘મારે કાલે સાંજે આ કપડાં વાહણવાળા શેઠને પોચાડવાના સે’. હીરા કહે ‘મારેય રાણકદેવીના મંદિરે દર્શન કરવા જવું છે’.

બીજે દિવસે સવારે બા વાડલાવાળાને ત્યાંથી છાશ લઈ આવ્યાં. તેમને દૂજણી ગાય હતી એટલે લોકોને બપોરે ખાટી છાશ મફતમાં આપતાં. બપોરે ઘાણીએથી તાજું તલનું તેલ લેતાં આવ્યાં. ઢોકળાં બનાવવાનો વિચાર કરતાં હતાં. લીલાએ નિશાળેથી આવીને તરત જલ્દી જલ્દી લેસન પતાવી દીધું .

હીરાબોન લીલા માટે ભાવનગરથી ભૂરી ચોકડીનું ફરાક લાવ્યાં હતાં. એ તેણે પહેરી લીધું.  મંજુ માટે અમદાવાદથી આકાશી રંગનું પંજાબી અને સફેદ ઓઢણી લાવી’તી, એણે પણ એ પહેરી વટ માર્યો. હીરા મલકી ઊઠી. ‘હું પણ ઠાઠ કરું?’ હીરાએ ફૂલના ગોટા ગોટા વાળો નાયલોનનો સાડલો અને કેસરી ઝીણી બુટીનું પોલકું પહેર્યું. ‘અમે મોહનકાકાની ભેળ ખાવા જઈશું. બા, તું વાટ નો જોતી હોં’ કહી ત્રણે ઊપડ્યાં.

dikri-aavi
મમતાનાં સૌજન્યથી અંક ૩, જાન્યુઆરી ૨૦૧૨

શિયાણીની પોળે પોંચ્યાં. માણસોનો મેળો જામ્યો હતો. સાંજનું ટાણું હતું. શાક બજાર, પસ્તીવાળા, જૂની ચોપડીઓવાળા, બધાં લારીઓ માંડીને ઊભા હતા. ભાવતાલ, શોરબકોર ચાલતો હતો.  ત્રણે જણીઓ મોહનકાકાના ભેળના ખૂમચા આગળ આવી ઊભી રહી ગઈ. આ મોહનકાકાનો ધીકતી કમાણી નો સમય. એક છોકરો મોહન કાકાએ મદદ માટે રાખેલો એ ઊભો ઊભો બટેટા છોલતો હતો.

હીરાને જોઈ મોહનકાકાએ ઓળખી મોટા સ્મિતથી વધાવી. ‘ઓહોહોહો, દીકરા, ઘણે વખતે તને જોઈ. મજામાં છો? લાગછ તો ખુશખુશાલ.  હું તારા જ વિચાર કરતો હતો કે આ છોડી ગઈ ક્યાં? તારાલગન થઈ ગ્યા એ તો ખબર હતી. પણ બસ, તું આવી ગઈ અને તને જોઈને હું બૌ ખુશ છું. બોલ શું બનાવી આપું? મારી દીકરી પિયર આવી એટલે મજા મજા…’  હીરાએ કહ્યું એમ વાનગીઓ બનાવતા ગયા. ‘દીકરા બેટા, આ દિવસો સાચવવાના છે. બહુ ખાટું, મસાલાવાળું નહીં ખાવાનું હોં. બધુ પાધરું ઊતરે ન્યાં લગણ ધ્યાન રાખજે’  મોહનકાકાના બબડાટ પર ધ્યાન આપ્યા વિના હીરા ઝાપટવા માંડી’તી.  આજકાલ અભાવા થતાં એટલે તીખું તમતમતું જ ભાવતું અને બે જીવસોતી હતી એટલે ડબલ ખાતી.

આજુબાજુની લારીએ ખરીદી કરવા આવેલાં માણસો ચોપડીઓના ભાવતાલ કરતાં અને એકાદી ચોપડી ઓછી લઈને ય ભેળપુરી માટે પૈસા ફાજલ કરતાં. ખાઈ ખાઈને કાગળના પડીકાં ત્યાંજ ફેંકતા હતાં. ગાય અને કૂતરાં પણ કાગળિયા ચાટી લારીની પાછળ ચંદરવાને છાંયે આડાં પડ્યાં હતાં.

નાનકી લીલાને મોહનકાકાએ પાંવભાજી બનાવી આપ્યાં. પણ તે તો ખાવાને બદલે મોહનકાકાનો જાદુઈ હાથ મંજુ માટે ભેળ બનાવવામાં કેમ ફરે છે તે જોવામાં તલ્લીન હતી. દાડમ, સેવ, કાંદા, કોથમીર વગેરે ભેળમાં નખાતાં હતાં. હીરાએ અડધી પાવભાજી ખાધી ત્યાં તેણે કુલ્ફીવાળીનો મીઠો રણકાર સાંભળ્યો. માથે કુલ્ફીનો ડબો રાખી લલકારતી હતી.  ‘મલાઈ કુલ્ફી, બદામ પિસ્તા કુલ્ફી…’

મંજુ તો પાછળ ઊભી ઊભી વિચારમાં જ સરી ગઈ હતી કે હીરાબોનને કમાતો વર મળ્યો છે એટલે બધાં ધખારાં એને પોસાય. જૂના કપડાં વાહણવાળા શેઠને પોંચાડીશ ત્યારે શાક-પાંદડા ભેગું થવાશે. અટાણે આ ભેળપૂરી ગળે શેં ઊતરે?

છેલ્લે હીરા પૈસા આપવા ગઈ તે વખતે  મોહનકાકાએ ના પાડી. ‘દીકરી મારી પાંહે આવે એના પઈસા નો લેવાય.’ હીરાએ ‘મારા સમ, મારા બાબાના સમ’ કહ્યું એટલે પરાણે પૈસા લીધા અને મોહનકાકાએ હીરાના હાથમાં ‘આ બાબા માટે’ કહી બે રૂપિયા મૂક્યા. હીરાએ એમનું માન રાખી રૂપિયા ગજવામાં મૂક્યા, કાકાને પગે લાગી આશીર્વાદ માગ્યા.

પાછાં ફરતાં મંજુએ હીરાને સમજાવ્યું. ‘દોઢ સાલ પહેલાં મોહનકાકાની ભાનુના લગન થયાં. અને સાસરે ગઈ એ ગઈ. પહેલી સુવાવડમાં એ ગુજરી ગઈ. ગામની દીકરીઓ પરણીને મોહનકાકાને ત્યાં આવે એટલે એમને એની ભાનુ પાછી આવ્યા જેવો સંતોષ થાય અને ઓછાં ઓછાં થૈ જાય…

ગંગા

સવળી ગંગા

સ્વર્ગે થી ગંગા
વારસોએ ઉતારી
પૂર્વજો તર્યા.

blue-line

અવળી ગંગા

સ્વાતંત્ર્ય ગંગા
પૂર્વજોએ ઉતારી
વારસો તર્યા.

blue-line

લેખક નટવરલાલ બૂચ, છેલવેલલુના સૌજન્યથી, પાનુ ૧૨૬