ખોરંભાયેલાં લગ્ન


ખોરંભાયેલાં લગ્ન

કોકિલા રાવળ, મમતા અંક ૪, ફેબરુઆરી ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

ગઈકાલે હરિહર બેવડો પીને મોડી રાતે ઘેર આવ્યો. એની રાહ જોઈ જોઈને તેની વહુ લક્ષ્મીની આંખ જરા મળી ગઈ હતી. ઊઠીને આંખો ચોળતી તે રસોડામાં ગઈ અને ઠરી ગયેલું વાળુ ગેસ પર ચડાવી ગરમ કર્યું. તેના રાંધણામાં વાંક કાઢી હરિહરે તેને ઝૂડી નાખી. પછી ગુસ્સે થઈ એલફેલ બોલવા લાગ્યો. ફળિયાનું કૂતરું પણ ડાંઉ ડાંઉ કરતું ખૂણામાં લપાઈ ગયું.

એ એન્જિન ડ્રાઈવર હતો. બીજે દિવસે મોસૂજણાંમાં કામે જવાનું હતું.  ધરાઈને માર્યા પછી ધરાઈને ખાઈ હરિહર તો નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી ગયો. બિચારી લક્ષ્મી આખી રાત કણસતી, રડતી પાસાં ઘસતી પડી રહી.

સવારે હરિહર ઊઠ્યો. લક્ષ્મીને જોઈ નહીં એટલે તેને માન્યું કે બહાર ખરચુ કરવા ગઈ હશે. ધાર્યા કરતાં મોડું થતું હોવાથી ગાળો ભાંડતો એ નીકળ્યો. પાડોશમાં રહેતાં ડોશીમા ખાટલામાં પડ્યાં પડ્યાં ઉધરસ ખાતાં હતાં. હરિહરે એના બારણાંની સાંકળ ખખડાવી.  ડોશીમા હાથમાં ફાનસ લઈ  “અટાણમાં ફરી કુણ આવ્યું હશે” તેમ બબડાટ કરતાં બહાર આવ્યાં. હરિહરે તેને કીધું કે “લક્ષ્મી ઝાડે ફરીને આવે ત્યારે એને કે’જો કે મને મોડું થતું હતું એટલે કામે જવા નીકળી ગયો છું.” ત્યાં તો ડોશીમા ફાનસ ઊંચું કરી તેના મોઢા સામે જોઈ બોલ્યાં. “‘જરા વહુને સાચવતા શીખ! એ તો પિયર જઉં છું અને પાછી નહી આવું એવું બોલતી’તી”.

સાઈંઠેક વર્ષ પહેલાંની વાત છે. ભાવનગરથી મહુવા જતી ટ્રેઈન મીટર ગેજની હતી, જેની ગતિ પાંચ માઈલની હતી. ગોકળગાયની જેમ તેની ગતિ ધીરી હતી. ચાલુ ગાડીએ ચડી ઊતરી શકો. ભાવનગરમાં સૌ તેને બાપુની ગાડી કહે કેમકે ભાવનગરના દરબારના કામ ધીરી ગતીએ ચાલતાં.

જ્યારે હરિહર ઉતાવળે મહુવાના સ્ટેશને પહોંચ્યો ત્યારે લગભગ સો ઉપર માણસોને જોયાં. જાનૈયા લગન માણવા ભાવનગર જતાં હતાં. વડિલોએ લાલ રંગના સાફા બાંધેલા. બધાં બૈરાઓ રંગીન કપડાંમાં સજધજ્જ હતાં. હરિહરને “જાનને સાચવીને પહોંચાડજે” એમ આદેશ મળ્યો.

ગાર્ડે સીટી મારી એટલે આંટા મારતાં લોકો અને છેલ્લી ઘડી સુધી ચા પીવાના શોખીનોએ અડધી ચા પડતી મેલી અને ટ્રેઈનમાં ચડી ગયાં. ટ્રેઈન “ભખછુક” કરતી ધૂમાડા કાઢતી ઊપડી. તળાજા આગળ પહોંચ્યા હશે ત્યાં એક ક્રૉસિન્ગ આગળ ટ્રેઇનનો અકસ્માત થયો.

ભાવનગરના ચાર પાંચ ગરાશિયાઓ જીપ લઈને તેતરનો શિકાર કરવા નીકળ્યા હતા. હરિહર આજે બેધ્યાનથી ગાડી ચલાવતો હતો. લાલ સિગ્નલ આવ્યું પરંતુ તેણે ગાડી થોભાવી નહીં. નસીબ જોગે જાનૈયાઓને કાંઇ થયું નહીં. ગરાશિયા થોડા ઘાયલ થયા. હરિહરને માથામાં મૂઢામાર થયો હતો. તે બેભાન થઈને પડ્યો. ટ્રેઈનના પેસેન્જરોને ઓચિંતાનો ઝાટકો લાગતાં બધાં ઊંધાં-ચત્તાં અને ઉપરાઉપરી પડ્યાં. બધાએ દેકારો બોલાવ્યો.

એક લખુભાઈએ આગેવાની લીધી. તેણે મોટેથી બૂમ મારી. બધાંને શાંત પાડ્યાં. ધીરે ધીરે બધાંને બહાર નીકળવા દોરવ્યાં. છોકરાંઓને બારીઓમાંથી બાહર નીકળેલાં માણસોને સોંપ્યાં. સૌ સૌના પોટલાં પણ બારીમાંથી સોંપ્યાં.
khorambhayela lagn

બધાં બહાર આવી ગયાં પછી શું થયું તેની ખબર પડતાં હવે આ ગાડીમાં આગળ નહીં જાવાય તેનો ખ્યાલ આવી ગયો. ત્યાં દૂર લીંમડાના ઝાડ પાછળ, ટેકરા ઉપર મંદિર તથા આશ્રમ દેખાણાં. લખુભાઈએ ચા પાણી અને પાથરણાંની વ્યવસ્થા થાય તે માટે બેચરભાઈ અને પશાભાઈને ત્યાં મોકલ્યા. ઓધવજીને સાથે લીધેલાં ગાંઠિયા અને જલેબીના પડીકાં ખોખાંમાંથી કાઢવા બેસાડ્યો.  ચા નાસ્તો પત્યા પછી બધાં શાંત પડ્યાં. વડિલોએ મસલત કરીને વેવાઈને તાર મોકલીએ તેવો નીવેડો લાવ્યા. બે ઈન્ગ્લિશ જાણતા છોકરા જસવંત અને નારણને તળાજા ગામમાં મોકલ્યા.

માગસર મહિનાની આછી ઠંડી હતી. સ્ત્રીઓએ પોટલાંઓમાંથી ધાબળા, શાલ કાઢ્યાં. રડતાં બાળિયાઓ એમની માને ધાવીને શાલમાં લપેટાઈ પોઢી ગયાં હતાં. થોડા લોકો હાથ મોઢું ધોવા આશ્રમે ગયાં. કોઈ મંદિરે દર્શન કરવાં અને માનતા માનવા ઊપડી ગયાં.

વરરાજાનો જીવ ઊડી ગયો હતો. તેને ખાવામાં જીવ લાગ્યો નહોતો. તે આઘો જઈ એકલો બધાથી દૂર જઈ ઊભો હતો.

જસવંત અને નારણ ગામમાંથી પાછા આવે ત્યાં કોણ જાણે ક્યાંથી ‘તળાજા  સમાચાર’ વાળાને અકસ્માતના સમાચાર પહોંચી ગયાં હતાં. ફોટોગ્રાફર અને ખબરપત્રી આવી ગયા. સવારના આઠેક વાગ્યા હશે. દિવસ ખૂલવા લાગ્યો હતો. ભૂરું આકાશ દેખાવા લાગ્યું હતું.

ફોટોગ્રાફર ઝપાઝપ જુદા જુદા ટોળાના ફોટા પાડતો હતો. લંબુસ તુલશી હજામ પણ અદબ વાળી ફોટો પડાવવા ઊભો. લખુભાઈ માથે મફલર બાંધી, ફોટામાં બરોબર આવે એવી રીતે ખિસ્સામાં ઘડિયાળ ગોઠવી, છાતી ફુલાવી વચ્ચે ઊભા. બટુકકાકા કહે મને નાસ્તો તો પૂરો કરવા દ્યો. જટાશંકરદાદા ખમીસની બાંય સમી કરાવવા રહ્યા.

જાનમાં જતાં એક ફઈબા વિચાર કરતાં હતાં કે વહુ કયાં પગલાની હશે કે હજી ઘરમાં પેઠી નથી અને આ ગાડી અથડાણી!

તળાજાના સ્ટેશન માસ્તરે વ્યવસ્થા કરી તાબડતોબ ચારે ગરાશિયાઓને ભાવનગરની લાલ હોસ્પિટાલમાં મોકલ્યા. ભાવનગર ટર્મિનસે તાર કરી સામેથી બીજી ટ્રેઈન મગાવી. હરિહરને પાટાપીંડી કરી  હોસ્પિટાલમાં મોકલી થોડા દિ’ રજા લેવા સૂચન કર્યું.

બે દિ’ પછી હરિહર મહુવા જવા પાછો ઊપડ્યો. અને વિચારતો હતો કેવી રીતે કેવાં મનામણાં કરી લક્ષ્મીને પાછી લાવવી. “ભવાની માના મંદિરે જઈ દારૂ પીવાની બાધા લઉં તો?”

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s