વ્યવહાર કુશળ


વ્યવહાર કુશળ

કોકિલા રાવળ, મમતા અંક ૬, એપ્રિલ ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

yellow-line

રમીલાકાકીનાં લગ્ન બીજવર સાથે થયેલાં. પોતે બધીજ રીતે બહુ જ કુશળ હતાં. તેના વર વેણીશંકર શાંત પ્રકૃતિના હતા અને શાકબજારના શોપિન્ગસેન્ટરમાં ઇંગલિશ બોલવાના વર્ગના શિક્ષક હતા. રમીલાકાકીએ તો આવતાં વેંત ઘરનો કબજો લઈ લીધો. તેમનાં લગ્ન થયાં ત્યારે ઘરમાં  આગલી વહુનો બારેક વર્ષનો દીકરો દેવેન્દ્ર હતો. તેને પણ તેની માની ખોટ ન સાલે તેવી રીતે રાખતાં. એટલે વેણીશંકરના તો રમીલાકાકી ઉપર ચારે હાથ હતા. તે ઘરના વ્યવહારમાં કાંઈ માથાકૂટ કરતાં નહીં. પગાર આવતાં રમીલાકાકીને આખો પગાર સોંપી દેતાં. લગ્નના એક દાયકામાં કાકીને પણ ત્રણ દીકરીઓ થઈ ગઈ…

દીકરો દેવેન્દ્ર મેટ્રિક પાસ થઈ ગયો હતો. આગળ ભણી શકે તેવો બુદ્ધિમાન નહોતો. એટલે કાકીએ પોતાની લાગવગ લગાવી વોરા બજારમાં બચુ બંગડીવાળાને ત્યાં દેવેન્દ્રને કામે લગાડી દીધો હતો. તે મેડા ઉપરથી ખોખા ઉતારે, ચડાવે, ગોઠવે. મૂંગે મોઢે કામ કર્યા કરતો.

ભાવનગરમાં તેઓ નાગરપોળમાં રહેતાં. ત્યાંથી વોરા બજાર બહુ દૂર નહોતી. એટલે દેવેન્દ્ર ચાલતો જ કામ ઉપર પહોંચી જતો. બપોરે ઘેર જમવા પણ આવી જતો.

હવે કાકી વિચાર કરવા માંડ્યાં કે દેવેન્દ્રને કયાં પરણાવવો. લાંબો વિચાર કરતાં તેમને લાગ્યું કે પરણીને દેવેન્દ્ર સાથે રહે તો સારું, કારણ કે દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેશે. જો દેવેન્દ્રની વહુ બરાબર નહીં નીકળે તો દીકરો હાથમાંથી જશે. માગાં આવવાનાં શરૂ થઈ ગયાં હતાં.  તેણે પોતાના પિયરનાં કુટુંબોમાં નજર ફેરવવા માંડી. દૂરના સગપણમાં એક  વિધવા ફઈની સત્તર વર્ષની દીકરી ઊર્મિલા હતી. તે પણ કામે કાજે હોશિયાર હતી. ફઈની દીકરી એટલે સમાઈને રહેશે. ફઈ ઉપર પણ પાડ ચડશે. ઊર્મિલાને થોડા દિવસ ઘરે રહેવા બોલાવી. ગામડેથી આવેલી ઊર્મિલાને ભાવનગર શહેર ગમી ગયું. ઘરના પણ બધાં જાણીતા હતાં. એટલે ઘરમાં પણ ફાવી ગયું. થોડા દિવસમાં તો કાકીએ ધીરે ધીરે રસોઈનો ભાર પણ તેને સોંપવા લાગ્યાં. બપોરની રસોઈ તો તેની પાસે જ કરાવતાં.   દેવેન્દ્રને જમાડવાનું કામ પણ ઊર્મિલાને સોંપી પોતે કપડાને ઘડી કરવાનું કામ, તડકે પાપડ સુકવવાનું કામ વગેરે બીજાં નાનાં મોટાં કામો કરતાં અને બંનેની ઉપર નજર રાખતાં. તેને ખ્યાલ આવી ગયો કે શરૂઆતમાં ઊર્મિલા શરમાતી તે હવે દેવેન્દ્ર સાથે હસી બોલીને વાત કરે છે.

થોડા દિવસ પછી ઊર્મીલા તેને ગામ પાછી ગઈ પછી દેવેન્દ્રને પૂછ્યું કે તને ઊર્મિલા ગમી હોય તો પાકું કરું. દેવેન્દ્રને તો ભાવતું હતું અને વૈદે બતાવ્યા જેવું થયું. તેણે શરમાતાં શરમાતાં હા પાડી. પછી કાકીએ ફૈબા આગળ માગું નાખ્યું એટલે ફઈએ ઊર્મિલાને પૂછ્યું. ઊર્મિલાને પણ ઘરે આવ્યા પછી દેવેન્દ્રના વિચાર શરૂ થઈ ગયેલા. એટલે તેણે પણ હા પાડી દીધી. આમ સગાઈ તો નક્કી થઈ ગઈ.

vyavaar kushal
મમતાનાં સૌજન્યથી, અંક ૬, એપ્રીલ ૨૦૧૨

માગશર મહિને લગ્ન નક્કી કર્યાં.  કાકીએ ફઈબાને જણાવી દીધું કે લગન ભાવનગરમાં જ કરવાં. અને એમની લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કોઈ કંઈ કહી ન જાય કે આગલીનો દીકરો હતો એટલે બરોબર ન કર્યું. ઊર્મિલાને ઘરેણાના ઘાટ તથા સાડીઓ જોવા બોલાવેલી. બન્ને સાથે જઈ ચડાવવાની સાડીઓ પણ ખરીદી લાવ્યાં. મનને ખૂણે એવું પણ ખરું કે મારાં ફઈની છોકરી છે એટલે બધું ઘરમાં જ રહેશે.  જમતી વખતે એક મિનિટ એકલાં પડ્યાં ત્યારે દેવેન્દ્રએ ઊર્મિલાને દુકાન પર આવવાનું આમંત્રણ આપ્યું અને કાનમાં કહયું કે તને મારી જાતે કોણી સુધી ચડે તેટલી બંગડી પહેરાવવી છે.

આવતી કાલે મહેમાન ઘરમાં આવવાનાં હતાં. રમીલાકાકી આજે શાક બજારે ઊપડ્યાં હતાં. તેનો માનીતો શાકવાળો કાળુભા હતો. કાકી માગ્યો ભાવ આપતાં એટલે કાળુભા તેમને નમતા તોલે શાક જોખતો. તેમના માટે ખાસ તાજો માલ પણ જુદો રાખી મૂકતો. રમીલાકાકીને ત્યાં લગન લેવાણા છે તે ખબર પડતાં તો આગળથી બધો ઓર્ડર પણ લેવા માંડ્યો હતો. કાકી શાકની લારી આગળ આવીને ઊભા ત્યાંતો કાળુભાએ ઓર્ડર પ્રમાણે થેલી તૈયાર જ રાખેલી. કાળુભા કાકીને કહે કે, “કાલથી તમે તકલીફ ન લેતાં. તમારે લગનનાં હજાર કામ હોય એટલે હું તમને ઘરે પહોંચાડી દઈશ.”

એક બહેન કાળુભા સાથે વજનની માથાકૂટ કરતાં હતાં. “ભઈલા, જરા નમતું જોખને!” બીજા બહેન વિચારતાં હતાં કે આ પહેલા શાકવાળા રંગલા પાસે કોઈ ઘરાક નથી પણ જો ત્યાંથી રવૈયા રીંગણાં લઉં તો કોથમીર મરચાં ઉપરથી મફત મળશે. પહેલો શાકવાળો વેચવામાં બેપરવા હતો. નક્કી કરેલા ભાવથી જ શાક વેચતો. કાકીને આ બધું જોવાનો સમય નહોતો. ઈન્ગલિશ ક્લાસની બાજુમાં નાસ્તાની દુકાન હતી. ત્યાંથી નાસ્તાઓ લીધા.બીજા ફેરિયા પાસેથી ટુવાલ, સાબુ, વગેરે લેતાં લેતાં કાકી ઘરે પહોંચ્યાં.

રમીલાકાકીએ પિયર પક્ષ અને જાનૈયા પક્ષની જવાબદારી ઉપાડી લીધી અને વાજતે ગાજતે લગન પાર પાડ્યાં.

yellow-line

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s