પારિતોષિક પહેલા પતરાં

પારિતોષિક પહેલા પતરાં

આફ્રિકાના ઊંડાણમાં પચાસ વરસ સુધી ગરીબીની, દર્દીઓની, રકતપિત્તિયાંઓની સેવા કરતાં ૧૯૬૫માં સ્વર્ગે સિધાવેલા ડોકટર આલ્બટ શ્વાઇત્ઝર એક દિવસ રકતપિત્તિયાં માટેની હોસ્પીટલનું છાપરું બાંધી રહ્યા હતા. તે વેળાએ સ્વીડનથી ખાસ આવેલ એક સંદેશવાહક તેમની સમક્ષ ખડો થયો અને ખૂબ ખુશાલી દર્શાવતાં બોલ્યો: “હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રીને મારે …..”

ડોકટરે વચ્ચે જ કહ્યું: “ઠીક, ઠીક, આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો? સારું થયું તમે વખતસર આવી ચડ્યા – એકલે હાથે ખીલા મારતાં મને ફાવતું નહોતું.”

પોતાનો ઉમળકો માંડ શમાવીને પેલા સજ્જને ડોકટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠોકાઇ રહ્યા એટલે એણે વાત આગળ ચલાવી: “ડોકટર શ્વાઇત્ઝર, નોબેલ પારિતોષિક સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતી છે.”

ડોકટરે સહજભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહયું: “હું આવીશ – પણ હમણાં આવીશકાય તેવું નથી. મારે હજી આ મકાન તૈયાર કરવાનું છે. દર્દીઓને બાપડાને બહુ અગવડ પડે છે. તમે મારાવતી સમિતિનો આભાર માનજો…એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામ લાગશે.”

એટલું બોલીને ડોકટર શ્વાઇત્ઝર નીચું ઘાલીને પાછા પતરાં બેસાડવાના કામે લાગી ગયા.

મુકુલ કલાર્થી, અરધી સદીની વાચનયાત્રા, સંપાદક મહેન્દ્ર મેઘાણી, પાનું ૨૫૬

હાસ્યના લાભો

હાસ્ય-ચિકિત્સા વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય છે.

આદર્શ કસરત એટલે જેમાં એરોબિક વિભાગ, સ્નાયુનો વિભાગ અને સાંધાનો વિભાગ આવે.

  1. એરોબિક વિભાગમાં તમારા હ્રદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા વધે. જાણીતી બધી કસરતો જેવી કે ચાલવું, દોડવું, ધીમી ગતિએ દોડવું (જોગીંગ), સાઇકલ ચલાવવી, તરવું, હલેસા મારવા, પર્વતારોહણ, દાદરો ચઢવો – ઊતરવો, અને હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિંટન વગરે એરોબિક કસરતો ગણાય. આ કસરતો કરતી વખતે તમારા હ્રદયની અને ફેફસાની ગતિ વધે અને રુધિરાભિસરણ કરનારી રક્તવાહિનીઓની ક્ષમતા વધે. ત્રીસ (૩૦) મિનિટના સમયગાળા માટે આ કસરતો કરવાની હોય છે. આ દરમિયાન તમારા શરીરને ખૂબ ઓકસિજન મળે.
  2. સ્નાયુના વિભાગમાં જૂની અખાડાની કસરતો અને નવી હેલથ-કલ્બની કસરતો આવે જે ફક્ત પાંચ (૫) મિનિટ વોરમ-અપ કસરત તરીકે એરોબિક કસરત શરૂ કરતા પહેલા કરવાની છે.
  3. સાંધાના વિભાગની કસરતો એટલે આસનો જે એરોબિક કસરતના અંતે પાંચ (૫) મિનિટ માટે કરવાની છે.
  4. તમારી તંદુરસ્તી અકબંધ રાખવા માટે ચાલિસ (૪૦) મિનિટનો સમય ગાળો ઉપરની ત્રણે કસરતના વિભાગ માટે રાખવાનો છે.
  5. હાસ્ય થેરેપીની કસરત વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય, કારણ હાસ્ય પ્રાણાયામ અને હોલ-બોડી કસરતોમાં એરોબિક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગની કસરત આવી જાય છે.

ડો મુકુન્ચદ મહેતા, આરોગ્ય પુસ્તિકા: ૧, હાસ્યચિકિત્સા, પાનુ ૧૧-૧૨

ચલો મારી સાથે… ક્રષ્ણનગર લાફિંગ ક્લબ, સાયંશાખા, સવારના ૬:૩૦!

નવી જિંદગી

નવી જિંદગી, કોકિલા રાવળ, મમતા અંક ૭, મે ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

yellow-line

જ્યારે હેલનનો વર જમૈકામાં કાર એક્સીડન્ટમાં મરી ગયો ત્યારે હેલનને બહુજ મોટો ફટકો લાગ્યો. થોડા દિવસ તો સગાં સંબંધીઓ આશ્વાસન આપવા મળવા આવતાં. પણ પછી એકલી પડી ત્યારે વિચાર કરવા લાગી કે હવે સાત વર્ષની દીકરી ટીનાને કેવી રીતે મોટી કરશે? આજીવિકા બંધ થવાથી જીવવાનું મુશ્કેલ હતું. જમૈકામાં ચારેબાજુ બધે સખત ગરીબી હતી. કોણ કોને મદદ કરે?

મોટીબહેન સલીના અમેરિકા હતી. તે દસેક વર્ષથી ત્યાં હતી અને સ્થાયી થઈ ગઈ હતી. જ્યારે હેલને તેની આગળ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે સલીનાએ અમેરિકા આવવા આગ્રહ કર્યો. હેલન વધારે વિચાર કરે એ પહેલાં તો સલીનાએ સ્પોન્સર કરવાનો કાગળ મોકલી આપ્યો. સાથે અમેરિકા જવાની ટિકીટ પણ મોકલી આપી.

તે વખતે અમેરિકા આવવાના કાયદાઓ કડક નહોતા. હેલન અને ટીના તરતજ વિઝિટિન્ગ વીસા પર આવી ગયાં અને ન્યૂયોર્ક શહેરમાં બીજા અગણિત લોકો સાથે સમાઈ ગયાં.

હેલન બહેનની ઓળખાણથી મોટા ઘરમાં સાફસૂફીના કામ કરવા લાગી.  શરૂમાં થોડો વખત ટીનાને સાથે લઈ જતી. ટીનાને હજુ ડેડીની ખોટ બહુ સાલતી હતી અને બહુ ઇનસિક્યોરટી લાગતી હતી તેથી માને વળગતી હતી. સગીર હોવાના કારણે એકલી મુકાય તેમ નહોતું.

ત્રણચાર મહિને થોડાં પૈસા ભેગાં થતાં સલીનાની મદદથી નજીકમાં અપાર્ટમેન્ટની વ્યવસ્થા કરી ટીનાને સ્કૂલમાં મૂકી. પછી હેલનને થોડી હિંમત આવી. થોડી ઠરીઠામ થઈ. ટીનાને પણ સ્કૂલમાં બીજાં છોકરાંઓ સાથે થોડી દોસ્તી થઈ પછી ગમવા લાગ્યું.

સલીનાને “ટીશર્ટ લેન્ડ”ની કપડાંની હાટડી હતી. હેલન સલીનાને છુટ્ટી કરવા ટીનાને લઈ હાટડીએ જતી. આવતાં જતાં લોકો ટીના સાથે વાતો કરતાં. આજુબાજુ જુદી જુદી વસ્તુઓની હાટડીઓ હતી. એક બાજુ હેરીની પ્લાસ્ટિક્નાં રમકડાંની હાટડી હતી અને બીજી બાજુ હોઝે અને મારિયાની ઘડિયાળની દુકાન હતી. હેરી ટીનાને અવારનવાર રમકડાંઓ ભેટ આપતો. હેલન પણ વાતોડિયણ હતી એટલે હેરી સાથે ગપાટા મારતી.  ધીરે ધીરે તેઓની દોસ્તી બંધાતી ગઈ. પછીતો હેરી હેલનના અપાર્ટમેન્ટ પર આવતો થયો. આવીને ટીના સાથે ચેસ, મોનોપોલી, જિગસો પઝલ્સ રમતો. ક્યારે બાળવાર્તાઓ કહેતો અથવા કોઈ ચોપડીઓમાંથી વાંચી સંભળાવતો. રજાઓ હોય ત્યારે એ ત્રણેય લોકો ક્યાંક પિકનિક પર જતાં.  આમ ત્રિપુટીને સારું જામતું. ટીનાને ડેડીની ખોટ પૂરાવા લાગી. થોડા વખત પછી હેરી અને હેલન લગ્ન કરવાનાં મંતવ્ય ઉપર આવ્યાં. આજે તેઓ કોઈ ઇટાલીઅન રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવાનાં હતાં. કારણ હેરી ગોઠણે પડી હેલનને સગાઈની વીંટી પહેરાવવાનો હતો અને પછી તેની સાથે લગ્નના પ્લાન કરવાનો હતો.

મમતાના સૌજન્યથી, અંક ૭, મે ૨૦૧૨
મમતાના સૌજન્યથી, અંક ૭, મે ૨૦૧૨

સલીના ડિનર લઈને આવે એટલી વાર માટે દસ વર્ષની ટીનાને દુકાન સોંપી, બાજુવાળા હોઝે અને મારિયાને ટીનાની ભલામણ કરીને હેરી-હેલન નીકળી ગયાં.

ટીના આજે બહુ મોજમાં હતી. કમર પર મનીબેલ્ટ બાંધી, ખુરશી ઉપર પગ લાંબા કરીને ગોઠવાઈ ગઈ હતી. સાથે તેની એક ઢીંગલી, નાસ્તાનો ડબ્બો હાથવગાં હતાં. ‘ટીશર્ટ લેન્ડ’માં દુનિયાભરના ટીશર્ટ હતાં. ખાસ કરીને અરૂબાનો માલ વધારે હતો. જાણે આખું અરૂબા અહીં ખડું કરી દીધું હતું. ડ્રેસિઝ, ટેન્ક-ટોપ, થેલીઓ વગેરેથી દુકાન ભરેલી હતી. ટેબલની નીચે પણ માલ ભરેલો હતો. જે લોકો પરદેશ જઈ ન શકતાં હોય કે જુદાં જુદાં લખાણવાળાં અને ચિત્રોવાળાં ટીશર્ટ જેને ગમતાં હોય તેઓ ખરીદતાં. અને મનમાં મહાલતાં કે પોતે અરૂબા,પારિસ કે વેનિસ જઈ આવ્યાં છે તેમ બીજાં લોકો ધારશે.

ટીના આજે એકાદ કલાક માટે દુકાનની રાણી હતી. હેરી એનો ડેડી બનશે તેનાં સપનાં જોતી બેઠી બેઠી મલકતી હતી.

yellow-line