કૂવો પૂર્યો

અરે,ના. ના. આ કંઈ કોઈ દુખિયારી વહુએ સાસરિયાના ત્રાસથી કૂવો પૂર્યો એની દાસ્તાન નથી. આપણે તો આજથી અગિયારેક દાયકા અગાઉ એટલે કે ઇ. સ. ૧૯૦૦-૧૯૦૫ના સમય ગાળામાં મુંબઈના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરે મલેરિયાના ત્રાસથી બચવા મુંબઈના કૂવાઓ પૂરી દેવાની વાત કરી ત્યારે મુંબઈગરાઓએ મચાવેલા શોરબકોરને યાદ કરવો છે.

મુંબઇગરા માટે એ જમાનામાં કૂવો અને કૂવાનું પાણી અનેક ધર્મના અનુયાયીઓ માટે મહત્વના હતા. ઇ.સ.૧૮૨૨ ના દુકાળ વખતે ધોબીતળાવ ખાતે બે મોટા કૂવાઓ ખોદાવવામાં આવ્યા હતા અને એમાંથી મીઠું પાણી નીકળતા લોકો એને ‘સાકર તળાવ’ કહેતા. માણેકજી નસરવાનજી પીટિટ જેવાઓએ પણ કૂવાઓ ખોદાવ્યા હતા. ઈ.સ. ૧૮૫૬ના જળસંકટ વખતે આજના આઝાદ મેદાનમાં અને અન્ય સ્થળે સરકારે તેમજ શ્રીમંત પારસી અને ગુજરાતી હિંદુ વેપારીઓએ કૂવા ખોદાવ્યા હતા.

મુંબઈ ફોર્ટ વિસ્તારનો ભીખી બહેરામનો કૂવો તો છેક ઇ. સ.૧૮૨૫માં બંધાવ્યો હતો. ઘોઘા સ્ટ્રીટ કે જેને આજે આપણે જન્મભૂમિ માર્ગ તરીકે ઓળખીએ છીએ ત્યાં શેરીની શરૂઆતમાં એલિસ બિલ્ડિંગ હતું જ્યાં આજે BESTનું સબસ્ટેશન છે. આ બહેરામજી જીજીભાઈ પરિવારની મિલકત હતી અને એવી માન્યતા હતી કે ત્યાંના કૂવામાં જળદેવતા વાસ કરે છે. એલિસ બિલ્ડિંગ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કૂવો બરાબર જળવાઈ રહે. એલિસ બિલ્ડિંગ બાંધનારા પારસી કોન્ટ્રેકટરને એ કૂવો પૂરવા કહ્યું તો એણે જણાવ્યું કે કોનટ્રેકટ છોડવા તૈયાર છે, પણ કૂવો ન પૂરશે. આથી ૧૯૦૦-૧૯૦૨માં મ્યુસિપલ હેલ્થ ઓફિસર ડો.ટર્નરે મુંબઈના કૂવાઓ પૂરી દેવાનો આદેશ આપ્યો ત્યારે ચકચાર મચી ગઈ. કીકાભાઈ પ્રેમચંદના સોલિસિટર મેસર્સ પેઇન એન્ડ કંપનીએ રજૂઆત કરી કે અમારા ક્લાયન્ટ ચુસ્ત હિંદુ છે અને સનાતની પ્રણાલિકાની માન્યતા પ્રમાણે ધાર્મિક વિધિ માટે કૂવાની જરૂર પડે છે, તો કૂવો પૂરવાને બદલે ઢાંકવાની પરવાનગી આપવી.

ખેતવાડી મેઇન રોડ પરના કૂવાના માલિકના સોલિસિટર મગનલાલ દલાલે રજૂઆત કરી કે એ કૂવામાં પવિત્ર આત્મા નિવાસ કરે છે અને રોજ રાત્રે મધરાતે આસપાસ ફરવા નીકળે છે. આ કૂવો પૂરવાની શરૂઆત થઈ તેજ દિવસે મારા ક્લાયન્ટનું મરણ થયું અને કૂવો પૂરાયો ત્યારે ઘરના સર્વ સભ્યો ગંભીર રીતે માંદા પડી ગયા. રાત્રે સ્વપ્નમાં આવ્યું કે કૂવો ફરી નહી ખોદશો તો કોઈ બચવા નહી પામશે. બીજે દિવસે કૂવો ખોદીને ઉઘાડ્યો. કૂવાના જળમાં આકાશનું પ્રતિબિંબ પડ્યું અને તે સાંજે જ પરિવારજનો સારા થઇ ગયા.

કાલબાદેવી પરના એડવર્ડ થિયેટરના કમ્પાઉવન્ડના કૂવાને પૂરી દીધો અને યુરોપિયન થિયેટ્રિકલ કંપનીઓ નાટક ભજવવા આવી અને ભારે ખોટ ગઈ. માલિકે રજૂઆત કરી કે કૂવો પૂર્યો માટે જળદેવતા નારાજ થઈ ગયા છે અને માટે કૂવો ઉઘાડવાની પરવાનગી આપો. પરવાનગી મળી અને જે દિવસે કૂવો ઉઘાડવામાં આવ્યો તે જ રાત્રે નાટકનું થિયેટર હાઉસફૂલ ગયું.

આવી તો ઘણી કૂવાકથાઓ છે. આ પૂચ્છ વગરની નગરી સમી મુંબઈ નગરીની. આ સાલના જળસંકટમાં જળદેવતાને રિઝવવા સરકાર દ્વારા નવા કૂવા ખોદાશે? અને તો શું આપણે ગાઈશું?

‘તેડાવો જાણતલ તેડાવો જોશી,

જોશીડા જોશ જોવરાવોજીરે.

જાણતલ જોશીડો એમ કહી બોલ્યો,

રિશ્વત ને કટકી પધરાવેલી રે….’

સ્નેહલ ન. મઝુમદાર, જન્મભૂમિ પ્રવાસીના સૌજન્યથી

photo from srds2020
photo from srds2020

નળ આવ્યા પહેલા આપણે કુવાનુ કે વહેતી નદી જ પાણી પીતા હતા. કુવાનુ પાણી કુદરતી રીતે માટી પથ્થર વચ્ચે ગણાય છે. બરફ તથા વરસાદનું પાણી ત્યાં જમા થાય છે. એટલે જ્યાં કૂવા હોય ત્યાં પૂરી દેવા ન જોઈએ. દુષ્કાળના સમયમાં કે જ્યાં નળમાં પાણી ઓછા સમય માટે આવતું હોય ત્યારે આ કુદરતમાં ઝરેલું પાણી કામ આવે છે. સાથોસાથ પરિયાવરણને પણ ચોખું રાખવા જરૂરી છે.

ઉપરની કૂવો પૂરવાની વાત છાપામાંથી લેવામાં આવી છે. શ્રધ્ધાળુ માણસો જ આ ચમત્કારો માનશે. બાકી બધા માટે નળમાં આવતા રસાયણો આપણા માટે સારા નથી એટલે શુધ્ધ વાતાવરણમાંથી ઝરેલું પાણી પીવું વધુ હિતાવહ છે. આજકાલ બહુમાળી મકાનો માટે બોરીંગ મશીનોથી બોર ખોદવામાં આવે છે. તે ઘણું મદદગારરૂપ થાય છે.

કોકિલા રાવળ

 

 

 

રેતીનું ઘર

બેબી રેતીનું ઘર બનાવવામાં મશગૂલ હતી.

પતિ-પત્ની સૂનમૂન ભવાનીમાતાના ઊછળતા દરિયા કિનારાને તાકી રહ્યાં. સામે માત્ર અફાટ ખારો-ખારો જ દરિયો. દરિયાનું એક મોજું એને કંયાયનુ ક્યાંય ઢસડી ગયું.IMG_1227

એણે હળવેકથી બારણાંને સ્પર્શ કર્યો . સ…સ … હે…જ ધક્કો માર્યો ને બારણું ખૂલ્યું. એ અંદર પ્રવેશ્યો. એ તાકી રહ્યો. આ એનો બેઠક રૂમ. આગળ વધ્યો. આ એનો બેડરૂમ. એ રોમાંચિત થયો. સુહાગરાત… બેબીનો જન્મ… ને એ મધુર સ્મરણોમાં લીન થઈ ગયો. રીડિંગરૂમમાં ધકેલાયો. આ એના પ્રિય ટેબલ ખુરશી. પ્રિય પુસ્તકો ને પ્રિય લેખકો, ટાગોરની તસવીર, કણ્વ મુનિનો આશ્રમ ને શકુંતલાનું મોટું ચિત્ર એ એની પ્રિય દુનિયામાં ખોવાઈ ગયો.

હજુય એ ઓરડા જોઈ રહ્યો હતો. બા-બાપુજીનોય જુદો ઓરડો હતો. બા-બાપુજી જ સાચું ઘર હતાં ને.

થોડી વારે બેબી પાપ્પા નો હાથ ખેંચીને ‘પોતાનું ઘર’ બતાવવા લઈ ગઈ. એ આનંદમાં આવી ગઈ હતી.

એક મોજું આવ્યું ને બેબીનું ઘર …

એક મોજું આવ્યું ને એક પછી એક બા-બાપુજી ગયા ને સાથે પોતાનું ય ઘર…

બેબી ચીસ પાડી ઊઠી. ઘર… મારું ઘર… પપ્પા! મારું ઘર… કરતીક વધુ રડવા લાગી. એ ક્યાંય સુધી હીબકાં ભરતી રહી…

એને પણ લાગી આવ્યું …

બેબીને સમજાવવું વ્યર્થ હતું કે રેતીનું ઘર તો …

એની આંખો પણ દરિયો બની ગઈ હતી …


લેખક: હરીશ મહુવાકર
નવચેતનમાં પ્રસિદ્ધ પામેલી
‘અમે’ પુસ્તક નસીમ મહુવાકર અને હરીશ મહુવાકરનુ સજોડે ટૂંકી વાર્તાઓનું સર્જન છે.
બંનેની વાર્તાઓ દિલને સ્પર્શી જાય તેવી છે.

ઝીરો વેસ્ટ ભાવનગર

ભાવનગરે સ્વચ્છતાના પગલે પા પા પગલી માંડી છે. આ શિયાળામાં જ્યારે હું ભાવનગર ગઈ ત્યારે સવાર સાંજ રોજ વાઘાવાડી રોડ ઉપર ચાલવા નીકળતી હતી. ખાણી-પીણીની લારીઓની આજુ બાજુ મોટર સાયકલો અને કાર પાર્ક થયેલી જોતી. ત્યાં સાથે કચરો પણ જોવા મળતો. પણ છાપામાં જેવા મેં ખબર વાંચ્યા કે કચરા પેટી નહી રાખે તેને દંડ ભરવો પડશે. તેને બીજે જ દિવસે બધે કચરા માટે ડબા, ટોપલા, ડોલ કે જે હાથમાં આવ્યું તે બંધાંએ રાખી દીધા હતા. ત્રીજે દિવસે થોડે થોડે અંતરે થાંભલા ઉપર સ્વચ્છતા રાખવાના સૂચનો દેખાણાં. રાતોરાત નાગરિકો સુધરી ગયા.

નિચેના બે લખાણ છાપામાંથી લેધેલા છે.


ઝીરો વેસ્ટ સીટી બનાવવા
સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તમામ વેપારીને ડસ્ટબીન રાખી કચરો એકત્ર કરવા તાકીદ

શહેરના વેપાર-ધંધા ગલ્લાઓ પર પોતાની અલગ કચરાપેટી મૂકવા મહાનગરપાલિકા તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ વેપારી-ઉદ્યોગોને ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી છે.zerowaste

ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર તેમજ ઝીરો વેસ્ટ સીટી બનાવવા માટે ભાવનગરના નાગરિકો સાથે રહીને પ્રયત્નશીલ બનીને તેના ભાગ રૂપે તમામ શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓને તથા ખાસ કરીને ભાવનગર શહેરમાં વેપાર-ધંધો પાન માવાના દુકાન ધારક, ગલ્લા ધારક તથા ચાના હોટેલવાળાઓને ખાસ અપીલ કે તેઓ પોતાના ધંધાના સ્થળે અચૂક કચરા ટોપલી (ડસ્ટબીન) રાખી તમામ ઉદભવતા કચરાને કચરા ટોપલીમાં જ નાખવો તથા ગ્રાહકોને ખાસ કચરા ટોપલીમાં જ કચરો નાખવા અપીલ કરી, ચુસ્તપણે અમલ કરવા જણાવવા આગ્રહ ભરી અપીલ કરાઈ છે. તેમજ તમામ કોમર્શીયલ એકમ ધરાવતા આસામીઓ તેઓના કોમર્શીયલ એકમમાં ફરજીયાત પણે ડસ્ટબીન (કચરા ટોપલી) રાખી ઉત્પાદિત થતા ધન કચરો અનાજ નાંખે-રાખે તથા તેઓના કોમર્શીયલ એકમમાં આવતા ગ્રાહકો પણ ધન કચરો જ્યાં ત્યાં ન ફેંકે તેની તકેદારી રાખી ઝુંબેશ હાથ ધરાવામાં આવેલ છે જેમાં સર્વે નાગરિકો, વેપારીઓ સાથ સહકાર આપે, જેથી આ ઝુંબેશને કારણે નિયમાનુસાર કેસ અને દંડનીય કાર્યવાહીથી બચી શકાય અન્યથા ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ડસ્ટબીન ન રાખતા આસામીઓ પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી હાલ શરૂ છે.

બુધવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬ ગુજરાત સમાચાર


દરેક વોર્ડમાં ૯ વાહન રાખવાની ટેંડર પ્રક્રિયા પૂર્ણ
શહેરમાં ઘર-દુકાન-ઓફિસેથી કચરો એકત્ર કરવા વાહનો દોડશે

ખાસ કરીને શહેરમાં રાખવામાં આવેલ લીલા કલરની મોટી કચરા પેટીઓ જે સ્થળે છે ત્યાં આસપાસ ખુબ જ ગંદકી અને કચરા પથરાયેલા માલૂમ પડેલા તેમજ આ કચરા પેટીઓ પાસે ગાય, ખૂંટિયા વગરે પ્રાણીઓ હોય છે અને એકંદરે નાગરિકોને ખુબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે મહાનગરપાલિકા ભાવનગર દ્વારા શહેરને બીન ફ્રી એટલે કે કોઈ સ્થળે કચરા પેટી ન રાખી શહેરમાં આવેલ તમામ ઘર, દુકાન, ઓફીસેથી રોજેરોજ કચરો લેવા માટે મીની ટીપર (નાના વાહનો) નવા ભાડેથી કોનટ્રાકટરની દરેક વોર્ડમાં ૯ (નવ) વાહનો પહેલી માર્ચથી ક્રમશ: રાખવા માટેની ટેંડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. આ પદ્ધતિથી દરેક ઘર-દુકાન-ઓફીસેથી ધન કચરો રોજેરોજ એકત્રીત કરવામાં આવશે ઉપરાંત સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરીને ભેગો કરેલ ધન કચરો સફાઈ કર્મચારીઓએ કોઈપણ જગ્યાએ એકત્ર ન કરવો પડે તે માટે દરેક વોર્ડમાં આ નવ વાહન પૈકી બે વાહનો ફક્ત સફાઈ કર્મચારીઓ પાસેથી કચરો એકત્રીત કરશે અને શહેરમાં કોઈ પણ સ્થળે ખુલ્લામાં કચરાના પોઇન્ટો રહેશે નહી અને શહેરમાં કોઈ પણ સ્થળે કચરાની મોટી લીલી પેટી પણ રહેશે નહિ અને શહેરને બીન ફ્રી બનાવી સ્વચ્છ અને સુંદર બને તેવું આયોજન કરવામાં આવેલ છે.

સંસ્કારી નગરીના સુજ્ઞ નાગરિકોના સહકારથી જ આ કામ શક્ય બનનાર હોવાથી દરેક નાગરિકોને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં અનુરોધ કરાયો છે.

આસ્ફાલ્ટ

asphalt
watercolor by kishor raval

આસ્ફાલ્ટ

આસ્ફાલ્ટની ચમકતી સડકે,
તું સામી મળે છે
ત્યારે
મને થાય છે કે મારી સામે
તારી નીલ અક્ષીઓ હસશે
તારા પરવળ હોઠ મરકશે
તારા ગોરા ગાલે રેલાશે
રતાશ
અને તું કહેશે ” .. .. ”
પણ , બનતું નથી કશુ એવું .

આસ્ફાલ્ટ ની બળતી સડકે
હું તારી દ્દષ્ટિએ ચડું છું .
ત્યારે –
તારી લાંબી પાંપણો
કીકી રત્નોને
છીપમાં છૂપાવી દે છે
તારૂં મુખ જે સફરજન જેવું
– રતાશ થી છવાયેલું –
થવું જોઈએ,
થાય છે-
પણ એમાં ઘેરાશે સમાય છે ,
અને વર્ષો થી જાણે
સડકના ડામર નીચે ખોવાએલી
કોઈ પ્રિય વસ્તુ
શોધવા મથતી હોય તેમ
સુરાહી શી તારી ગરદન
ફળોના ભારથી નમેલી શાખાની જેમ
નમી રહે છે
તારા પરવળ હોઠ
ફરફરે છે –
– કશુંજ કહેવા જાણે !
અને
આપણે એકબીજાના પાસે
બહુ પાસે આવીને
અંતર વધારી જઈએ છીએ
વિરૂદધ દિશામાં દોડતી ગાડીઓ જાણે ?
પછી
કશુંજ ખોળીને
તારી ગરદન ઊઠે છે
અને નેણ તારાં
પ્રશ્ન સૂચક દ્દષ્ટિએ
મારી પીઠને તાકી રહે છે
ગાડી ચૂક્યા મુસાફર શા ,
શા માટે। ?

આસ્ફાલ્ટની લાંબી સડકે
આસ્ફાલ્ટની સુન્ની સડકે.

– ૧૬- ૨ – ૧૯૬૨
લક્ષ્મણ રાધેશ્વર
ભાવનગર

સાકાર સ્વપ્નું

સાકાર સ્વપ્નું, કોકિલા રાવળ
(‘મમતા’ અંક ૮ની છેલ્લા પાના પરની વાર્તા સ્પર્ધાના પ્રતિભાવ રૂપે)

mamata-jun-12

પ્રતાપસિંગ ટ્રાવેલ એજન્સીમાં કામ કરતો હતો.  તેને દેશદેશાંતર જવાનો, જોવાનો બહુ શોખ હતો.  તેના કમ્પ્યુટરના જૉબ પરથી જ્યારે એ રિટાયર્ડ થયો ત્યારે એ હરવા ફરવાના સપનાં જોવા લાગ્યો.  પણ તેની વહુ પ્રકાશકોરની તબિયત સારી નહોતી રહેતી. તેથી વહુની અને ઘરની બધી જવાબદારી તેની ઉપર આવી ગઈ હતી. છતાં તેણે ગમે તેમ સમય કાઢી ટ્રાવેલ અજન્સીમાં બપોરના ચાર કલાકની જૉબ લીધી.  બપોરે બપોરે પ્રકાશની બહેન કે મા પાસે આવી બેસતી એટલે એકલી મૂકી ને કામે જવાની કોઈ ચિંતા નહોતી.  દિવસે દિવસે વહુની તબિયત ક્ષીણ થતાં અંતે બિચારી ગુજરી ગઈ.

વહુની યાદ બહુજ સતાવતી હતી.  એક વાર લંચમાં તેનો બૉસ તેને બહાર જમવા લઈ ગયો. બૉસને ખબર હતી કે પ્રતાપસિંગ બહુ ગમગીન રહેતો હતો એટલે એણે સૂચન કર્યું કે, “તને જુદા જુદા દેશમાં મોકલવાનું નક્કી કર્યું છે. તારે ત્યાં જઈ ત્યાંની બેસ્ટ હોટેલ અને રેસ્ટોરન્ટ કઈ છે તે તપાસ કરવાની. ફરવાની તથા શૉપિન્ગની જગ્યાઓની નોંધ રાખવાની. બધા સાથે ભાવતાલ કરી પૂરું બાર્ગેન કરવાનું. પછી ઍર, બસ બોટ, ટ્રેઇન વગેરેની તપાસ કરવાની.” આ પ્રતાપસિંગના  રસનું કામ હતું એટલે તેમાં તેનું મન ખૂંચે તેમ લાગ્યું.

પહેલે ઉનાળે પોર્ટો રિકો (Puerto Rico) જવાનું નક્કી થયું.  ફિલાડેલ્ફિયાથી ઉપડેલું  પ્લેઈન વચ્ચે એક સ્ટોપ કેરોલિના કરી પોર્ટો રિકોના સાન વાન (San Juan) શહેરમાં પહોંચ્યું. ત્યાંથી શટલ બસ લીધી. અહીં બધીજ બસ લેડીઝ ચલાવતી હતી.  પોર્ટો રિકો અમેરિકામાં જ ગણાય એટલે વીસા પાસપોર્ટની ઝંઝટ નહોતી. મોટી મોટી કંપનીઓ, ફાર્માસૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે જોતો જોતો સાન વાન શહેરની હોટેલમાં પહોંચી ગયો. જુના સાન વાન  શહેરની બાજુમાં નવું સાન વાન થયું છે. તેણે જુના સાન વાનની જગ્યા પસંદ કરી. ત્યાં જરા ઠરીઠામ થયા પછી ગામ જોવા નીકળ્યો. પુરાતન મકાનોની કોતરણીઓ, જુદા જુદા રંગથી રંગાયેલા ઘરો, કૉબલસ્ટોનના રસ્તાઓ જોયા. ફાવે ત્યાંથી ચડો અને ગમે ત્યાં ઊતરો. આ સર્વીસ સિટી તરફથી મફત છે. તમે ભૂલા પણ ન પડો, કારણકે બસો જુના સાન વાન અને નવા સાન વાન વચ્ચે  આંટા મારતી હોય. સ્પેનીશ ભાષા જાણો તો વધારે સહેલું અને સરળ બને. પ્રતાપસિંગે એક ઇન્ગલિશ / સ્પેનીશ ડિક્શનેરી લીધી. અને પછી આજુબાજુના બીચ જોવા નીકળી પડ્યો. ભૂખ લાગે ત્યારે લલચામણું લાગે તે લઈને ખાઈ લેતો.

બે ત્રણ દિવસમાં  બધાં ખંડિયેરો, ચર્ચ, ટાવર, મુખ્ય રસ્તાઓ, અવારનવાર આવતા ચોક, ટાવરો જોઈ નાખ્યા. એને ખબર પડી કે પોર્ટૉ રિકોની અગ્નિ દિશામાં એક સરસ ટાપુ વિઆકેઝ (Vieques) જોવા જેવો હતો. સાન વાનથી એક બસ પૂર્વ કાંઠા પરના ફાહાર્ડો (Fajardo) લઈ જાય અને ત્યાંથી એક કલાકની બોટ રાઈડ ટાપુએ પહોંચાડે. ત્યાં ઊપડ્યો. કાંઠા પરની એક હોટેલમાં ઉતારો કર્યો.  ત્યાંથી થોડે દૂર શટલ બસ કરી બાયોબૅઈઝ નામની જગાએ ફરવા ઊપડ્યો. રાતનાઅંધારું થાય તેવા સમયે લગૂનના પાણીમાં વસતા એક જ કોષવાળા જંતુઓ  રહે. રાતના સમયે એક બોટમાં બેસાડી લગૂનના કેન્દ્રમાં લઈ જાય. પછી જેને પાણીમાં ધૂબકા મારવા હોય તે મારે. પાણી હલાવવાથી જંતુઓના કોષમાંથી ઉજાસ નીકળે. (આને Bio-luminiscence કહે છે). પ્રતાપસિંગને બહુ મજા પડી અને અચરજ અનુભવ્યું.  જે પાણીમાં પડવા માગતાં ન હોય તેને માટે બે ચાર બાલદીઓમાં આ દરિયાનું પાણી ભરી બોટના તૂતક પર મૂકેલી.  અંદર હાથ નાખી હલાવો ત્યારે નરી આંખે ન દેખાય તેવા જંતુઓ ચળકવા લાગે.

પ્રતાપસિંગ બે ત્રણ દિવસ પછી બોટમાં ફાહાર્ડો પાછો ગયો. ત્યાં બોટ પર ચાર લેડી ટૂરિસ્ટની ઓળખાણ થઈ ગઈ. બધીનો સ્વભાવ મળતાવડો હતો.  કૅલી, સૅલી, મૅરી અને જ્યૂડી સાથે ફાહાર્ડોમાં અને પછી સાન વાનમાં ડિનર ડાન્સ કર્યાં, હર્યાફર્યાં.  પ્રતાપસિંગ ચારે જણીનો ખ્યાલ રાખતો. તેઓના સામાન ઉંચકાવે, તેમને હાથ પકડી બોટમાં ચડાવે ઊતરાવે.

આમ અઠવાડિયાના અંતે પાછાં ફરવાનો સમય આવ્યો. પોર્ટો રિકો છોડતાં પહેલાં છેલ્લે દિવસે બધાંની યાદગીરી રહે માટે ચારે લેડિઝ સાથે ફોટા પડાવ્યા. અને બીજા વર્ષે ગ્વાટામાલા મળવાનાં પરસ્પર આમંત્રણો આપી પ્રતાપસિંગ છૂટો પડ્યો.