કૂવો પૂર્યો


અરે,ના. ના. આ કંઈ કોઈ દુખિયારી વહુએ સાસરિયાના ત્રાસથી કૂવો પૂર્યો એની દાસ્તાન નથી. આપણે તો આજથી અગિયારેક દાયકા અગાઉ એટલે કે ઇ. સ. ૧૯૦૦-૧૯૦૫ના સમય ગાળામાં મુંબઈના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરે મલેરિયાના ત્રાસથી બચવા મુંબઈના કૂવાઓ પૂરી દેવાની વાત કરી ત્યારે મુંબઈગરાઓએ મચાવેલા શોરબકોરને યાદ કરવો છે.

મુંબઇગરા માટે એ જમાનામાં કૂવો અને કૂવાનું પાણી અનેક ધર્મના અનુયાયીઓ માટે મહત્વના હતા. ઇ.સ.૧૮૨૨ ના દુકાળ વખતે ધોબીતળાવ ખાતે બે મોટા કૂવાઓ ખોદાવવામાં આવ્યા હતા અને એમાંથી મીઠું પાણી નીકળતા લોકો એને ‘સાકર તળાવ’ કહેતા. માણેકજી નસરવાનજી પીટિટ જેવાઓએ પણ કૂવાઓ ખોદાવ્યા હતા. ઈ.સ. ૧૮૫૬ના જળસંકટ વખતે આજના આઝાદ મેદાનમાં અને અન્ય સ્થળે સરકારે તેમજ શ્રીમંત પારસી અને ગુજરાતી હિંદુ વેપારીઓએ કૂવા ખોદાવ્યા હતા.

મુંબઈ ફોર્ટ વિસ્તારનો ભીખી બહેરામનો કૂવો તો છેક ઇ. સ.૧૮૨૫માં બંધાવ્યો હતો. ઘોઘા સ્ટ્રીટ કે જેને આજે આપણે જન્મભૂમિ માર્ગ તરીકે ઓળખીએ છીએ ત્યાં શેરીની શરૂઆતમાં એલિસ બિલ્ડિંગ હતું જ્યાં આજે BESTનું સબસ્ટેશન છે. આ બહેરામજી જીજીભાઈ પરિવારની મિલકત હતી અને એવી માન્યતા હતી કે ત્યાંના કૂવામાં જળદેવતા વાસ કરે છે. એલિસ બિલ્ડિંગ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કૂવો બરાબર જળવાઈ રહે. એલિસ બિલ્ડિંગ બાંધનારા પારસી કોન્ટ્રેકટરને એ કૂવો પૂરવા કહ્યું તો એણે જણાવ્યું કે કોનટ્રેકટ છોડવા તૈયાર છે, પણ કૂવો ન પૂરશે. આથી ૧૯૦૦-૧૯૦૨માં મ્યુસિપલ હેલ્થ ઓફિસર ડો.ટર્નરે મુંબઈના કૂવાઓ પૂરી દેવાનો આદેશ આપ્યો ત્યારે ચકચાર મચી ગઈ. કીકાભાઈ પ્રેમચંદના સોલિસિટર મેસર્સ પેઇન એન્ડ કંપનીએ રજૂઆત કરી કે અમારા ક્લાયન્ટ ચુસ્ત હિંદુ છે અને સનાતની પ્રણાલિકાની માન્યતા પ્રમાણે ધાર્મિક વિધિ માટે કૂવાની જરૂર પડે છે, તો કૂવો પૂરવાને બદલે ઢાંકવાની પરવાનગી આપવી.

ખેતવાડી મેઇન રોડ પરના કૂવાના માલિકના સોલિસિટર મગનલાલ દલાલે રજૂઆત કરી કે એ કૂવામાં પવિત્ર આત્મા નિવાસ કરે છે અને રોજ રાત્રે મધરાતે આસપાસ ફરવા નીકળે છે. આ કૂવો પૂરવાની શરૂઆત થઈ તેજ દિવસે મારા ક્લાયન્ટનું મરણ થયું અને કૂવો પૂરાયો ત્યારે ઘરના સર્વ સભ્યો ગંભીર રીતે માંદા પડી ગયા. રાત્રે સ્વપ્નમાં આવ્યું કે કૂવો ફરી નહી ખોદશો તો કોઈ બચવા નહી પામશે. બીજે દિવસે કૂવો ખોદીને ઉઘાડ્યો. કૂવાના જળમાં આકાશનું પ્રતિબિંબ પડ્યું અને તે સાંજે જ પરિવારજનો સારા થઇ ગયા.

કાલબાદેવી પરના એડવર્ડ થિયેટરના કમ્પાઉવન્ડના કૂવાને પૂરી દીધો અને યુરોપિયન થિયેટ્રિકલ કંપનીઓ નાટક ભજવવા આવી અને ભારે ખોટ ગઈ. માલિકે રજૂઆત કરી કે કૂવો પૂર્યો માટે જળદેવતા નારાજ થઈ ગયા છે અને માટે કૂવો ઉઘાડવાની પરવાનગી આપો. પરવાનગી મળી અને જે દિવસે કૂવો ઉઘાડવામાં આવ્યો તે જ રાત્રે નાટકનું થિયેટર હાઉસફૂલ ગયું.

આવી તો ઘણી કૂવાકથાઓ છે. આ પૂચ્છ વગરની નગરી સમી મુંબઈ નગરીની. આ સાલના જળસંકટમાં જળદેવતાને રિઝવવા સરકાર દ્વારા નવા કૂવા ખોદાશે? અને તો શું આપણે ગાઈશું?

‘તેડાવો જાણતલ તેડાવો જોશી,

જોશીડા જોશ જોવરાવોજીરે.

જાણતલ જોશીડો એમ કહી બોલ્યો,

રિશ્વત ને કટકી પધરાવેલી રે….’

સ્નેહલ ન. મઝુમદાર, જન્મભૂમિ પ્રવાસીના સૌજન્યથી

photo from srds2020
photo from srds2020

નળ આવ્યા પહેલા આપણે કુવાનુ કે વહેતી નદી જ પાણી પીતા હતા. કુવાનુ પાણી કુદરતી રીતે માટી પથ્થર વચ્ચે ગણાય છે. બરફ તથા વરસાદનું પાણી ત્યાં જમા થાય છે. એટલે જ્યાં કૂવા હોય ત્યાં પૂરી દેવા ન જોઈએ. દુષ્કાળના સમયમાં કે જ્યાં નળમાં પાણી ઓછા સમય માટે આવતું હોય ત્યારે આ કુદરતમાં ઝરેલું પાણી કામ આવે છે. સાથોસાથ પરિયાવરણને પણ ચોખું રાખવા જરૂરી છે.

ઉપરની કૂવો પૂરવાની વાત છાપામાંથી લેવામાં આવી છે. શ્રધ્ધાળુ માણસો જ આ ચમત્કારો માનશે. બાકી બધા માટે નળમાં આવતા રસાયણો આપણા માટે સારા નથી એટલે શુધ્ધ વાતાવરણમાંથી ઝરેલું પાણી પીવું વધુ હિતાવહ છે. આજકાલ બહુમાળી મકાનો માટે બોરીંગ મશીનોથી બોર ખોદવામાં આવે છે. તે ઘણું મદદગારરૂપ થાય છે.

કોકિલા રાવળ

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s