ઝીરો વેસ્ટ ભાવનગર


ભાવનગરે સ્વચ્છતાના પગલે પા પા પગલી માંડી છે. આ શિયાળામાં જ્યારે હું ભાવનગર ગઈ ત્યારે સવાર સાંજ રોજ વાઘાવાડી રોડ ઉપર ચાલવા નીકળતી હતી. ખાણી-પીણીની લારીઓની આજુ બાજુ મોટર સાયકલો અને કાર પાર્ક થયેલી જોતી. ત્યાં સાથે કચરો પણ જોવા મળતો. પણ છાપામાં જેવા મેં ખબર વાંચ્યા કે કચરા પેટી નહી રાખે તેને દંડ ભરવો પડશે. તેને બીજે જ દિવસે બધે કચરા માટે ડબા, ટોપલા, ડોલ કે જે હાથમાં આવ્યું તે બંધાંએ રાખી દીધા હતા. ત્રીજે દિવસે થોડે થોડે અંતરે થાંભલા ઉપર સ્વચ્છતા રાખવાના સૂચનો દેખાણાં. રાતોરાત નાગરિકો સુધરી ગયા.

નિચેના બે લખાણ છાપામાંથી લેધેલા છે.


ઝીરો વેસ્ટ સીટી બનાવવા
સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તમામ વેપારીને ડસ્ટબીન રાખી કચરો એકત્ર કરવા તાકીદ

શહેરના વેપાર-ધંધા ગલ્લાઓ પર પોતાની અલગ કચરાપેટી મૂકવા મહાનગરપાલિકા તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ વેપારી-ઉદ્યોગોને ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી છે.zerowaste

ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર તેમજ ઝીરો વેસ્ટ સીટી બનાવવા માટે ભાવનગરના નાગરિકો સાથે રહીને પ્રયત્નશીલ બનીને તેના ભાગ રૂપે તમામ શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓને તથા ખાસ કરીને ભાવનગર શહેરમાં વેપાર-ધંધો પાન માવાના દુકાન ધારક, ગલ્લા ધારક તથા ચાના હોટેલવાળાઓને ખાસ અપીલ કે તેઓ પોતાના ધંધાના સ્થળે અચૂક કચરા ટોપલી (ડસ્ટબીન) રાખી તમામ ઉદભવતા કચરાને કચરા ટોપલીમાં જ નાખવો તથા ગ્રાહકોને ખાસ કચરા ટોપલીમાં જ કચરો નાખવા અપીલ કરી, ચુસ્તપણે અમલ કરવા જણાવવા આગ્રહ ભરી અપીલ કરાઈ છે. તેમજ તમામ કોમર્શીયલ એકમ ધરાવતા આસામીઓ તેઓના કોમર્શીયલ એકમમાં ફરજીયાત પણે ડસ્ટબીન (કચરા ટોપલી) રાખી ઉત્પાદિત થતા ધન કચરો અનાજ નાંખે-રાખે તથા તેઓના કોમર્શીયલ એકમમાં આવતા ગ્રાહકો પણ ધન કચરો જ્યાં ત્યાં ન ફેંકે તેની તકેદારી રાખી ઝુંબેશ હાથ ધરાવામાં આવેલ છે જેમાં સર્વે નાગરિકો, વેપારીઓ સાથ સહકાર આપે, જેથી આ ઝુંબેશને કારણે નિયમાનુસાર કેસ અને દંડનીય કાર્યવાહીથી બચી શકાય અન્યથા ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ડસ્ટબીન ન રાખતા આસામીઓ પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી હાલ શરૂ છે.

બુધવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬ ગુજરાત સમાચાર


દરેક વોર્ડમાં ૯ વાહન રાખવાની ટેંડર પ્રક્રિયા પૂર્ણ
શહેરમાં ઘર-દુકાન-ઓફિસેથી કચરો એકત્ર કરવા વાહનો દોડશે

ખાસ કરીને શહેરમાં રાખવામાં આવેલ લીલા કલરની મોટી કચરા પેટીઓ જે સ્થળે છે ત્યાં આસપાસ ખુબ જ ગંદકી અને કચરા પથરાયેલા માલૂમ પડેલા તેમજ આ કચરા પેટીઓ પાસે ગાય, ખૂંટિયા વગરે પ્રાણીઓ હોય છે અને એકંદરે નાગરિકોને ખુબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે. આ મુશ્કેલી દૂર કરવા માટે મહાનગરપાલિકા ભાવનગર દ્વારા શહેરને બીન ફ્રી એટલે કે કોઈ સ્થળે કચરા પેટી ન રાખી શહેરમાં આવેલ તમામ ઘર, દુકાન, ઓફીસેથી રોજેરોજ કચરો લેવા માટે મીની ટીપર (નાના વાહનો) નવા ભાડેથી કોનટ્રાકટરની દરેક વોર્ડમાં ૯ (નવ) વાહનો પહેલી માર્ચથી ક્રમશ: રાખવા માટેની ટેંડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. આ પદ્ધતિથી દરેક ઘર-દુકાન-ઓફીસેથી ધન કચરો રોજેરોજ એકત્રીત કરવામાં આવશે ઉપરાંત સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરીને ભેગો કરેલ ધન કચરો સફાઈ કર્મચારીઓએ કોઈપણ જગ્યાએ એકત્ર ન કરવો પડે તે માટે દરેક વોર્ડમાં આ નવ વાહન પૈકી બે વાહનો ફક્ત સફાઈ કર્મચારીઓ પાસેથી કચરો એકત્રીત કરશે અને શહેરમાં કોઈ પણ સ્થળે ખુલ્લામાં કચરાના પોઇન્ટો રહેશે નહી અને શહેરમાં કોઈ પણ સ્થળે કચરાની મોટી લીલી પેટી પણ રહેશે નહિ અને શહેરને બીન ફ્રી બનાવી સ્વચ્છ અને સુંદર બને તેવું આયોજન કરવામાં આવેલ છે.

સંસ્કારી નગરીના સુજ્ઞ નાગરિકોના સહકારથી જ આ કામ શક્ય બનનાર હોવાથી દરેક નાગરિકોને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં અનુરોધ કરાયો છે.

Leave a comment