આવજો

besanu
original watercolor by Kishor Raval

આવજો !

કોક દી રે નવરાશ વેળાએ
આવજો આંહી નિશંક-
બેસણું કૂણા ઘાસ પરે આ
જામફળીને અંક.

નમતી હશે સાંજ સુનેરી
ઢળતું હશે તેજ,
કોઈ નાનેરા પંખીને બેસણે
પાંદડાં હલશે સ્હેજ.સૂરજ ડૂબે સાવ તે પહેલાં
ઊજળા દિનનું ગીત-
આપણે ધીમે ગાઈ એકાદું
આછેરી લેશું ચિત્ત.

 

જીવનના આ વહેતા પ્રેમનું
દોરશું આછું ચિત્ર,
કોક દી તો નવરાશ વેળાએ
આવો અજાણ્યા મિત્ર!

મકરંદ દવે, જન્મભૂમિ પ્રવાસીના સૌજન્યથી

કિશોરની યાદમાં – એક સમીક્ષા અને સ્મરણિકા

“અમે ભાનવગરના ૨” – એક સમીક્ષા અને સ્મરણિકા

ડો. કનક રાવળ, મે ૧૨, ૨૦૧૫

કોકિલા અને મિનુ,

ગઈ કાલેજ પ્રિય કિશોર ક્રુત “અમે ભાનવગરના ૨” પુસ્તક મળી ગયું. રાત્રે બેસીને “દાક્તરોના દવાવાળા” સુધીની વાર્તાઓ વાંચી નાખી.

ખંત,સ્નેહ અને ઉસ્તાહથી કિશોરની આ સુંદર સ્મરણીકા પ્રસિધ્ધ કરવા માટે અમારા સૌના ખુબ ખુબ ધન્યવાદો. તેમાં પણ મિનુ માટે અધિક. આ અભિયાન માટે ગુજરાતી લખવા વાંચવાનો કસબ હસ્તગત કરવાની તેની સિધ્ધી આદરણિય છે અને દાદ માગી લે છે.

હવે અમારી સાથે પણ કોઈ વાર ગુજરાતીમાં ઈ-મેલ કરશે તો ગમશે.

ભાઈ સુધાકરના કિશોર સાથેના મૈત્રિ સ્મરણો પણ આદરણિય છે.

Kanak & Kishor at Bhavnagar 1937
Kanak & Kishor, Bhavnagar 1937

કિશોરની લગભગ બધી પ્રસિધ્ધ થયેલી વાર્તાઓ તો મેં વાંચી છે પણ ભાગ ૨-માં માળિયામાથી હજુ છુપાયેલી વાર્તાઓ પણ ઉમેરી તે કામ ઉત્તમ થયું. રાત્રે જેમ જેમ વાર્તાઓનું પુનર્વાંચન કર્યું અને અનેક કનુ-કિશોરના બાળપણ અને કુમારાવસ્થાના દિવસો ઉભરાઈ આવ્યાં. તેની અનેક વાર્તાઓ પાછળના બીજાનો હું સાક્ષી હતો એટલે તેને ચગાવીને તેણે સચિત્ર વાત્યું માંડી તે તો તેનો અજ્બ કસબ.

એક દિવસ રમેશિયો તાપડાની પિત્તળની ચકરી મોઢામાં નાખીને પોતાના સોને મઢેલા દાંત બતાવતો નાચતો આવ્યો (તે ક્યારેય સ્થિર બેસે નહી) અને ‘સોનાનો દાંત’ ગળી ગયો, કેળા પછી કેળા અને એરંડિયાના જુલાબ અને તે બનાવ “સિસોટીની જાત્રા”માં, ૧૯૪૨-૧૯૪૩નાં દિવસોમાં બાપાજી મિત્રો સાથે રાત્રે રોન મારવા નિકળતા તે  “ભાવનગરમાં હિટલરનાં પગલાં”. વગેરે…

હજુતો એવી ઘણી વાતો અતિતમાં પડી છે. ગોપનાથ વેકેશનમાં દાંતે ચોટે તેવી ખિચડી, માલસર વેકેશનમાં નર્મદાની પનાઈ સફર.

પિતરાઈ ભાઈ તરિકે અમે મોટાભાઈ-‘સ’ના લગ્નમાં મળ્યાં (૧૯૩૬ કે ૧૯૩૭?) અને ફરી તેની જનોઈમાં (જુવો “પુનર્જન્મની તૈયારીઓ”). દરેક દિવાળી અને ઉનાળાની રજાઓમાં બાપુજી મને અમદાવાદથી ભાવનગર બોલાવી લેતાં ત્યારે કિશોર-રમેશની સાથે રમઝટ. સૌથી લાંબો ગાળો નવેંબર ૧૯૪૨થી મે ૧૯૪૩ ‘ઘરશાળા’માં ક્વિટ ઈંડિયા આંદોલન વખતે. હું ચોથા ધોરણમાં અને તે ત્રીજામાં.

અમારા બન્નેના મિત્ર વર્તુળો જુદા પણ સૌ સૌને જાણે: કિશોર પારેખ, નવલ ઠક્કર, દોલત વળિયા, સુધાકર શાહ, નરેન્દ્ર દલાલ,ગુણવંત મહેતા, રજની પંડ્યા, કનુ અને નરેન્દ્ર પટેલ, જયંતિ આલગિયા, અરવિંદ જોષી, જયંત અમદાવાદી, જ્યોત્સ્ના ત્રિવેદી, દિવેચા પરિવાર, ‘મધુવન’નો પંડ્યા પરિવાર એમ થોડાં નામ અને ચ્હેરા સ્મરણમાં આવે છે.

છેલ્લે જનુભાઈ યાદ આવે છે. તે અમારા બંનેના મિત્ર અને સલાહકાર. તેમણે રાવળ પરિવાર માટે એક હસ્ત લિખીત રાઉંડ-રોબીન “ઘર દિવડી” શરુ કર્યું હતું. આ દેશમાં આવ્યા પછી તમે લોકો ફિલાડેલ્ફિયામાં વસ્યા ત્યારે તે પુન:મુદ્રિત કરવા કિશોર સાથે એક બે વાર ફોન પર વાત થઈ હતી. તેતો માત્ર રાવળ પરિવાર પુરતો વિચાર હતો. પણ “કેસુડાં”ને જન્મ આપીને તો તેણે એક નવો બ્રહદ પરિવાર ઉભો કર્યો તે તેની ‘જિનીયસ’.

અંતમાં રમેશે અમને સૌને નવા નામ આપ્યા હતાં:  નિડોપ,પતેડ, નીકીબાબા, … કદાચ પિયુષને યાદ હશે કોણ કોણ?

નાનપણમાં ઘરના વડિલો અમને લોરેલ હાર્ડી કહેતાં (જુવો સાથેના ફોટાઓ).

kishor-baba-gadi
Kishor with homemade cart, the Raval Express, c 1943

આમતો કિશોર ચોપડીઓનો આશક પણ લાગે છે કે તેનો  ઈજનેરી સ્વભાવ નાનપણથી હતો. એક વાર તેના મનમાં ફણગો ફુટ્યો કે એક ઠેલા ગાડી બનાવું. અમારે ત્યાં એક ખરેચા અને પસ્તી વેચનાર ઠાકરશી આવતો. કિશોરે તેને પકડ્યો અને તેના કાટમાળમાંથી જુની ટ્રાઈસાઈકલના પૈડાં અને લાકડાનું ખોખું લઈ ઠેલા ગાડી બનાવી. જુવો ૧૯૪૩ની આ “રાવળ એક્ષ્પ્રેસ”. કિશોર ઠેલો ધક્કેલે છે અને પ્રેક્ષકગણ પોતાના વારાની રાહ જુવે છે.

I miss Kishor often but then I re-visit the bookmarked kesuda.com and try to fill up the gap.

કનુભાઈના આષિશ

વરસાદ

વરસાદ

ઉનાળાની કાળાશ બપોરે બસ બસસ્ટેન્ડમા આવી. બધું જ જપી ગયું હતું. અમારી બસના પ્રવેશથી સ્ટેન્ડમાં થોડી હલચલ થઈ. કેટલાક મુસાફરો ઉતર્યાં, ચડ્યાં, તો કેટલાક ‘ફ્રેશ’ થવા નીચે ઉતર્યાં. મને નીચે ઉતારવાનું મન ન થયું. સીટમાં જ બેસી રહી. હું આસપાસ જોતી રહી.

બે નાના છોકરાઓ હાથમાં પાણીના ગ્લાસના સ્ટેન્ડ લઈ વાતો કરતાં-કરતાં આવતાં હતા.

“ગોપલા, તારે કેટલા ગ્લાસ વેચાણાં?”

“આની પે’લાની બસમાં ચાર ગ્યા. તારે?”

“હું તો આજ હવારથી આંટા મારું…”

છોકરો વાક્ય પૂરું કરે એ પહેલા તો ગોપલાએ બસની પાછળની સીટો તરફ જઈ ‘ઠંડું પાણી બોલે’ના નારા શરૂ કરી દીધા. પેલો છોકરો આગળના ભાગમાં આવ્યો.

બધાને પાણીનું પૂછતો-પૂછતો એ મારી પાસે આવ્યો, પૂછ્યું, “બેન પાણી આપું?”

મેં તેના પાણીના ગ્લાસ તરફ નજર કરી. પાણી ઠંડું રહ્યું હોય એવું લાગ્યું નહીં મેં ના પાડી. એ ચાલતો થયો. ‘પાણી બોલે’ ની બૂમો પાડતા બંને છોકરાઓ બસની નીચે ઉતરી ઉભા રહ્યા. ગોપલાના બે-ત્રણ ગ્લાસ વેચાયા હતા. પેલા છોકરાનો એક પણ ગ્લાસ વેચાણો નહી. એ હાથની આંગળીના નખ કરડતો-કરડતો બસ સામે તાક્યા કરતો હતો ને હું તેની સામે.

થોડીવાર પછી મેં મારા વોટરબેગમાં બાકી રહેલા પાણીમાંથી થોડુંક પીધું. ગરમ અને વાસી થઈ ગયેલું પાણી ભાવ્યું નહીં. મેં બહાર જોયું. બંને છોકરાઓ નીચે ઊભા હતા. મેં પેલા છોકરાને બોલાવ્યો. એ ઝડપથી બસમાં ચડ્યો.

મેં તેની પાસેથી એક ગ્લાસ પાણી લઈ પીધું. એ હસું-હસું થઈ રહ્યો . મેં બીજો ગ્લાસ માગ્યો. એ વધુ મરકાયો. મેં વોટરબેગમાં રહેલું થોડું પાણી ઢોળી નાખી એને કહ્યું, “બધા જ ગ્લાસ આમાં ઠાલવી દે.”

એણે ઝડપથી બધા જ ગ્લાસ વોટરબેગમાં ઠાલવી પ્રફુલ્લિત ચહેરે મારી સામે જોયું. મેં પૂછ્યું, “કેટલા આપવાના?”

“ચાર.”

મેં ચાર રૂપિયા તેના હાથમાં આપ્યા. એ વીજળીવેગે બસમાંથી નીચે ઉતરી ગોપલા તરફ દોડ્યો, ને એક શ્વાસે બધી ખુશી ઠાલવી નાંખતા કહ્યું ,

“એ ગોપલા, મારા બધાંય ગ્લાસ એક હારે ખપી ગયા, જો.” એ હરખાતો હૈયે હાથમાંના ચાર રૂપિયાને તાકી રહ્યો. હું એનામાં છલકાઈ રહેલા આનંદને માણી રહી. મને ખબર જ નહિ કે આઠ ગ્લાસ પાણીથી આટલો બધો વરસાદ થતો હશે.

૧૪.૬.૯૭

(પ્રખર લઘુકથા વિશેષાંક, સપ્ટેમ્બરના-૯૮)

“અમે” પુસ્તકમાંથી નસીમ મહુવાકર

ટ્રીપલ ડિલાઈટ

ટ્રીપલ ડિલાઈટ

triple-delight

 • ત્રણ કપ તલ
 • બે કપ શીંગદાણાં
 • એક કપ ખમણેલું ટોપરૂં તાજું ( ફર્ોઝન પણ ચાલે)
 • ચાર કપ ગોળ (ખમણેલું)
 • એક સ્ટીક (8 oz) બટર
 • ઓપશનલ સૂ્ઠ(1ts) અથવા ( 1/4 ts) એલચી
 1. ફર્ોઝન ટોપરૂં હોય તો આગળથી કાઢીને રાખવુંં.
 2. તલને તડ તડ થાય ત્યાં સુધી શેકીને બાજુમાં મૂકવા.
 3. તેજ વાસણમાં શીંગદાણાં (ફોતરા વગરના) શેકવા.
 4. બંને વસ્તુ ઠંડી થાય એટલે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લેવા.
 5. તેમાં ટોપરૂં,સૂંઠ, અથવા એલચી નાખી મીશ્રણ તૈયાર કરવું.
 6. ગોળનો ભૂકો કરી જરા ગરમ થાય, સફેદ ફીણ વળે એટલે બટરની સ્ટીક નાખી ઉતારી લેવું. કરેલા મીશ્રણને ગરમ પાયામાં (ગોળમાં) નાખી ચોસલા અથવા તો લાડુ ં વાળવા. ૩૫ થી ૪૦ લાડુ ચિત્રમાં દેખાય છે તેવડા થશે. બાળકોને દૂધમાં આપવાથી સારું પોષણ મળે છે.
 7. શાળામાં ઘણાં બાળકોને શીંગ કે તલની એલર્જી હોય છે એટલે લંચના ડબામાં ન ભરવા.

શેફાલી પટેલ
વીલટન, કનેક્ટીકટ

વેકેશન

વેકેશન, તિલોત્તમા વૈષ્ણવ

પરીક્ષાઓ પૂરી થઈ. ટયૂશનો, એકસ્ટ્રા ક્લાસ તેમજ કોર્સ પુરો કરવાનો તનાવ દૂર થયો પણ ગરમીના દિવસોમાં બે મહિનાનો સમય ગાળવો શી રીતે? માતાપિતા તેમજ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન મૂંઝવે છે. સતત પ્રવૃત્તિ પણ અકળાવતી હતી અને નિવૃત્તિ પણ અકળાવે છે. વેકેશનના કાર્યક્રમ અંગે માતાપિતામાં જાગૃતિ હોવી ખૂબ જરૂરી બને છે. સાચા અર્થમાં તો રમવા-હસવા-કૂદવા-નવું જાણવા, જોવા, માણવાનો સમય એટલે વેકેશન. તાજગી અને સ્ફૂર્તી મેળવવાનો સમય એટલે વેકેશન. એક વર્ષની કામગીરી-ભણતર-જવાબદારી પૂરી કરી બીજા વર્ષ માટે ફરીથી કમર કસી કટિબંધ થવાની તૈયારી એટલે વેકેશન. આવનાર વર્ષની કામગીરીને ભાર વગર સંભાળવાની શક્તિ સામર્થ્ય આપે તે વેકેશન. ભણતર સાથે ગણતરને વણી લેતો કાર્યક્રમ એટલે વેકેશન. વેકેશનનું સાફલ્ય વેકેશનના આયોજન ઉપર નિર્ભર છે. આ આયોજનમાં પ્રવાસ, પર્યટન, કુટુંબમેળો, ઈતર પ્રવૃત્તિમાં રસ-રુચિની કેળવણી, વ્યક્તિત્વ ખીલવણી, અભ્યાસકીય માર્ગદર્શન, દેશ-દુનિયાની જાણકારી, સુસંસ્કૃત જીવન વિશે અભિમુખતા વગેરે પાસાંઓનો સમાવેશ થઈ શકે.

girls playig hopskotchવર્ષ દરમિયાન શાળાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તેમજ વિભક્ત કુટુંબપ્રથાને કારણે બાળક સગાં સંબંધીઓના સ્નેહ સંસ્કાર પામી શકતું નથી. પરિવારના બીજા સભ્યોને પોતાને ત્યાં વેકેશન માણવા આમંત્રણ આપવાનું પણ અશક્ય બન્યુ છે. પરંતુ હાલમાં કુટુંબમેળાનો નવો અભિગમ આકાર પામ્યો છે. નજીકના સ્થળે કોઈ વિશાળ જગ્યાએ નદી કાંઠે કે દરિયાકિનારે કે પછી પર્વતની તળેટીમાં કુટુંબના બધા જ સભ્યો ભેગા થાય છે. પ્રકૃતિનું સાન્નિધ્ય માણતા મુક્ત મને પોતપોતાની વિસ્તારના વિશિષ્ટ કાર્યક્રમોની આપ લે કરે છે. આવા કાર્યક્રમોમાં સંગીત, યોગાસન, ચિત્રપ્રદર્શન, કવીઝ, અંતાક્ષરી ટ્રેકીંગ વગેરે મુખ્ય હોય છે. અહીં દાદા-દાદી પુત્ર પૌત્રીઓનું સાનિધ્ય માણે છે. બાળકોને દાદા-દાદીનું વાત્સલ્ય મળે છે. પતિ-પત્ત્નિ બન્ને વ્યવસાયી હોવાથી આવાં સ્થળોએ કાર્યક્રમ કરવાથી સ્વાગત રસોડાનો વહીવટ જેવા કામ કરવાનાં રહેતા નથી. જેમને કુટુંબમેળા શક્ય નથી તેઓ પ્રવાસનું આયોજન કરે તો વેકેશન મધુર સ્મૃતિ બની રહે. લાંબા પ્રવાસની તૈયારી એ પણ એક શિક્ષણ જ છે. વર્ષ દરમિયાન અભિયાસમાં પ્રવૃત્ત બાળકને ટ્રેઈનમાં રિઝર્વેશન કેવી રીતે કરાવવું? ક્યારે કરાવવું? સાથે કઇ કઇ વસ્તુઓ રાખવી વ. કશી સમજણ હોતી નથી.

આવા કાર્યક્રમો બાળકોના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે.

વેકેશન દરમિયાન વ્યવસાયી માતાપિતાને રજાની અનુકૂળતા ન હોય તો બાળકને રજાના દિવસો પસાર કરવાનો યક્ષપ્રશ્ન બની રહે છે. આવે વખતે માતાપિતાએ બાળકની રસરૂચિ પ્રમાણે પોતાના વિસ્તારમાં કે નજીકમાં ચાલતા હોબી ક્લાસમાં બાળકને મોકલવું જોઈએ મહેંદીક્લાસ, એમ્બ્રોઇડરી ક્લાસ, વાનગી વર્ગો, સીરામીક વર્ગો, કેંડલ મેકીંગ, ટેરાકોટા વર્ક, પેચ વર્ક, સંગીત વર્ગ, સ્ક્રીનપ્રીન્ટીગના વર્ગો, કોમ્પ્યુટરના વર્ગો પણ બાળકને વેકેશન આનંદથી માણવામાં મદદરૂપ થાય.

આ ઉપરાંત બાળકને વાંચન અભિમુખ કરવું જોઈએ. તેને સારું વાંચન ઉપલબ્ધ થાય તેવાં સામયિકો અને પુસ્તકો બાળકને boys playing w tiresઆપવા જોઈએ અને વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ. વર્તમાન પરિસ્થિતિ જોતા તો વેકેશન પડે એટલે દરેક બાળક ટી.વી. ની સામે ગોઠવાય જાય છે. જોવા લાયક કે ન ગમે તેવા કાર્યક્રમો પણ સતત જોયા કરતા હોય છે. અલબત્ત ટી. વી. મા પણ ઘણા સારા કાર્યક્રમો આવતા હોય છે. બાળકને શું જોવું અને શું ન જોવું તેનું માર્ગદર્શન આપવું જોઈએ .

છેલ્લે વેકેશન એટલે માત્ર આનંદપ્રમોદનો સમયગાળો નથી. નવા સત્રનું ભાથું અહીંજ બાંધવાનું છે. નવા સત્રમાં શાની જરૂર છે? કેવા વર્ગો છે? બાળકની ક્ષમતા પ્રમાણે તેને શાની જરૂરિયાત છે? અંગ્રેજી કે ગણિત? આ બધી તૈયારી પણ વેકેશનમાં જ કરવી પડે. લાંબા પ્રવાસ દરમિયાન મુસાફરીમાં પણ ભાષા અને ગણિતનું જ્ઞાન, ગમ્મત સાથે મેળવી શકાય. આ પ્રશ્ન જાગૃત માતાપિતા જ હલ કરી શકે.

તિલોત્તમા વૈષ્ણવ

વિદ્યાનગર (આણંદ)

પૂછી લીધું

પૂછી લીધું

કેવા ગયા દિન આપણાં મેં પૂછતાં પૂછી લીધું,
આવે ફરી દિન કાલના તે ંઘૂંટતા પૂછી લીધું.

આવ્યા હતાં ઘર આંગણે પ્રેમાળ મહેમાનો ઘણા,
સત્કારવા હર્ષાશ્રુ નયનો લૂછતાં પૂછી લીધું.

આ ઈશની વરસી કૃપા એ બાગમાં કેવી સતત?
મન ભાવતા એ ભાવપુષ્પો ચૂંટતા પૂછી લીધું.

આનંદના રંગો ભર્યા ચોપાસ સૃષ્ટિમાં બધે,
હળવા બની મેં કેસૂડાને ઘૂંટતા પૂછી લીધું.

ઢોળી રહ્યો છે ચાંદની અવની ઉપર એ ચંદ્રમા,
દૂધે ભર્યા સુખના હિંડોળે ઝૂલતા પૂછી લીધું.

વહી જાય છે પૂરપાટ દિવસોની સરિતા સાગરે,
ડૂબકી ભરી મન મોતીડાને લૂંટતા પૂછી લીધું.

summer

‘સ્પંદન’
પરિમલા કે. રાવલ

જોક જંકશન

જોક – જંકશન

yellow-line

ચાર ધામ

ગુજરાતીઓનાં ચાર ધામ …
દીવ , દમણ ને આબુ
અને પોતાના ઘરનું ધાબુ !

yellow-line

સમય

સમયની કિંમત એવા માણસને પૂછો કે જે
સંડાસની બહાર રાહ જોતો ઉભો હોય, અને
‘ઝાડા’ થયા હોય… અને અંદરવાળો ‘કબજિયાત ‘
થી પીડાતો હોય !

~

ગુજરાત સમાચારના સૌજન્યથી
તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬

કિશોરની યાદમાં

 

kishor-11-may-13કિશોરને ગુજરી ગયાને ત્રણ વર્ષ પૂરા થયા.  ત્યાર પછી તેમની ઘણી વાર્તા મળી અને અમે ભાનવગરનાં ભાગ બીજો પ્રસિદ્ધ કર્યો.

આ મહિને શમિયાણા વાર્તા મળી, જે એકે પુસ્તકોમાં નથી.

તે કોકિલાની મન્સુર વાર્તાનું બીજું વર્ઝન છ, જ્યારે કિશોર સાથે કોકિલાએ કોંપીટીશન કરી.

 

 


 

શમિયાણા, કિશોર રાવળ

શમિયાણા નખાયા હતા, મહેમાનો આવવા લાગ્યા હતા. વાજાંઓ વાગતાં હતાં, ચાંદીના ફુવારાથી હવામાં છંટાતાં અત્તરની સુગંધ પ્રસરાતી હતી.  મહેમાનો આવતાં ગયાં, પ્રતાપભાઈને આવી મળી જતાં અને હાથ મિલાવી, અભિનંદનો mamata_dec_2011_back_pgપાઠવી, શમિયાણામાં મિત્રમંડળ શોધી તેમાં ગોઠવાતાં હતાં.  જેને કોઈ ઓળખીતાં ચહેરાં ન મળે એ લોકો ક્યાક ખાલી જગા શોધી વીલાં મોએ એકલવાયાં બેઠાં હતાં.

પ્રતાપભાઈના પરિચિતોને થતું કે ભલા, પરણવાનો વિચાર આજે રહી રહીને સાઠ વર્ષે કેમ આવ્યો હશે અને વહેલો કેમ નહીં. આમ તો પ્રતાપભાઈ રંગીલા, મોજીલા, વાતોડિયા નહીં – પણ શબ્દોની રંગોળી કરી ખૂટે નહી એટલી ઘટનાઓ, વાતો, રમૂજોનું અક્ષયપાત્ર!  જવાનિયાઓને પણ ટક્કર આપે, લઘુતાનો અનુભવ કરાવી શકે એવી એમની પ્રતિભા! (કાનમાં કહું તો આને નાથી શકે એવી મમતા નામની લલના જોવા જેવી હશે જ પણ કેવી હશે એની સૌને સમસ્યા હતી.)

પ્રતાપભાઈ મળવા આવતાં માણસોને ઓળખી, વિનોદથી આવકાર આપી, અને પાત્ર પ્રમાણે ઉચિત-અનુચિત ટૂચકાઓથી નવાજતા હતા.  (પણ મનમાં એક ચિંતા હતી કે સુલભા આવશે કે નહીં.) મનમાં ત્રીસેક વર્ષ પહેલાની એક  સાંજ ઘૂમરાવો લેતી હતી.  મિત્ર રમેશની સાડીસત્તાવીશમી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે રમેશને ઘરે પાર્ટી હતી. સાડી-સત્તાવીશ એટલે કે રમેશનો જન્મ મે મહિનામાં થયો હતો અને ધંધૂકાનો મે મહિનો આકરો. ગરમી પાર વગરની, બળતો તાપ, સાંજના મોડે સુધી લૂ વાય એટલે વર્ષગાંઠ સારી મોસમમાં ઉજવવા  છ મહિના મોડી ઉજવતો..

રમેશના મિત્રોમાં રમેશની સાથે કૉલેજમાં ભણતી સુલભાનો પરિચય થયો. જોબનઝૂક સુલભા બોટાની ભણતી, તરવરતી, ઝબકારા મારતી કન્યા હતી. બહુ જીવરી. એણે સહજતાથી ચુંબકત્વ ફેલાવવા માંડ્યું. પણ આપણા પ્રતાપભાઈ એ કળામાં માસ્તરના માસ્તર!  મનમાં એમને એવું થઈ આવ્યું કે આને બે હાથમાં ભીંસી દઉં અને રદયની પીડા, દેહની અગની શાંત પાડું. પોતાનાથી અજુગતું વર્તન ન થઈ જાય એ વિષે સજાગ હતા. એટલે ખંડના એક ખૂણામાં એને તારવી.  પોતાની મોનોપૉલીમાં કોઈ માખીઓ ન ચોંટાડે તેની પાકી વ્યવસ્થા કરી. એમનાથી બોલાઈ ગયું, ‘સુલભા’  એક મિનિટ પહેલાંનાં ‘સુલભાબહેન’ અચાનક જ સુલભા બની કેમ ગયાં એ સુલભાના ધ્યાનમાં તરત જ આવ્યું. ‘સુલભા, તું મને બહુ જ વહાલી વહાલી લાગે છે.  કોઈ અસભ્યતા થઈ ન જાય એ માટે તારી મદદ માંગું?’

સુલભાની આંખો ઝીણી થઈ ગઈ, હોઠને છેડે જરા સ્મિત મરક્યું.  એક પળ રહીને બોલી, ‘જરૂર. કોઈ મનને ગમે છે એવું કહેવામાં અસભ્યતા શી? ઘણા સમયથી મનમાં એક શંકા હતી આજે એનું સમાધાન થઈ ગયું.  હું માનતી હતી કે પુરુષો વહાલા તો લાગે પણ અક્કલના ઓછા તે ઓછા’.

એક ઝાટકો તો વાગ્યો. પ્રતાપભાઈએ તક ઝડપી, ‘આ કટુવચનો મદદ કરવાની ભાવનાને દાદ નથી આપતાં. એવું શું ખૂટતું લાગ્યું?

‘છ મહિના પહેલાં કેમ ન દેખાણો?’

પ્રતાપભાઈએ બીજી તક ઝડપી. આંગળી ચીંધી પેલા રમેશ સામે. ‘આ રમેશિયાનો વાંક છે. આ અડધે વરસે વર્ષગાંઠ ન રાખી હોત તો છ મહિના વહેલાં મળત. પણ આજે ય શું ખોટું છે?’

‘ખોટું એ છે કે મને પ્રતાપ કરતાં વધુ પ્રતાપી હેતલ મળી ગયો. બે અઠવાડિયા પછી અમારાં લગ્ન છે. સમજ કે બીચમેં આયા જનાબ? આજે એ નથી આવી શક્યો નહીંતો ઓળખાણ કરાવત.’

સુલભા ક્યાં રહે છે એની ખબર રાખી હતી અને આ પ્રસંગે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. ત્રીસ વર્ષ બાદ પણ પ્રતાપભાઈને સુલભાને છ મહિના મોડાં મળ્યાંનો વસવસો હૈયે બટકાં ભરતો હતો.

પળ વાર પ્રતાપભાઈનીઆંખો બંધ થઈ ગઈ. અચાનક જ કોઈ સામે આવી ઊભું રહ્યું અને બોલ્યું ‘હેતલ, જો આ પ્રતાપ’ આંખ ખોલ્યાં પહેલાં અવાજ પરથી પ્રતાપભાઈને થયું કે સુલભા આવી ગઈ તો ખરી. આંખો ખુલી ગઈ. એનું એ હોઠના ખૂણે જાળવી રાખેલ સ્મિત, અને લોભાવતી આંખો. માથા પર ધોળા વાળ, બોખા દાંતથી પ્રાપ્ત થયેલ એકત્રીસી નિખાલતાની પ્રતીતિ આપતી હતી. બાજુમાં હેતલભાઈ ઊભા ઊભા નિરખતા  હતા.

સુલભાના હાથમાં એક પ્લાસ્ટિકનો કપ હતો. એ ખોલી કંકુમાં આંગળી બોળી. ‘મેં નક્કી કર્યું હતું કે હું પ્રતાપને કપાળે ચાંદલો કરી અભિનંદન આપીશ. જો મારી સામે’ કહી કંકુ ચોખા લગાડ્યાં. ‘મારાથી ઓછામાં ઓછા પચાસ ટકા જેટલો તો તું સુખી થા એવા આશીર્વાદ આપું છું!’

 


કિશોરે દસ વર્ષ કેસુડાંં વેબ મેગેઝીન ચલાવ્યું હતું, જે હજી જોઈ શકાય છે.

બા

gerbera daisiesબા

મારું જાહેરમાં કોઈ પ્રવચન હોય ત્યારે બા અચૂક આવે અને કોઈના ધ્યાનમાં ન હોય એ રીતે પાછળની કોઈ બેઠકમાં શ્રોતાઓની વચ્ચે બેસે. કોઈવાર એમ પણ બને કે એજ વિષય લઈને મારે બે-ત્રણ ઠેકાણે બોલવાનું હોય ત્યારે હું બાને કહું કે, આજે તો એજ વાત ચાલવાની છે એટલે તમે ન આવો તોય ચાલે. પણ એ જવાબ આપે: “મારે ક્યાં વાતોની સાથે કામ છે! તારી સાથે કામ છે. તું બોલજે, અને હું ખૂણામાં બેઠા-બેઠાં ભગવાનને કહેતી રહીશ કે તારી વાતો બધાં ને સ્પર્શી જાય. બોલ, હવે આવું કે ન આવું?”

ફાધર વોલેસ, મારી વહાલી મા
“દિવ્ય જીવન સંઘ”ના સૌજન્યથી
શિશુવિહાર, ભાવનગર