વેકેશન


વેકેશન, તિલોત્તમા વૈષ્ણવ

પરીક્ષાઓ પૂરી થઈ. ટયૂશનો, એકસ્ટ્રા ક્લાસ તેમજ કોર્સ પુરો કરવાનો તનાવ દૂર થયો પણ ગરમીના દિવસોમાં બે મહિનાનો સમય ગાળવો શી રીતે? માતાપિતા તેમજ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન મૂંઝવે છે. સતત પ્રવૃત્તિ પણ અકળાવતી હતી અને નિવૃત્તિ પણ અકળાવે છે. વેકેશનના કાર્યક્રમ અંગે માતાપિતામાં જાગૃતિ હોવી ખૂબ જરૂરી બને છે. સાચા અર્થમાં તો રમવા-હસવા-કૂદવા-નવું જાણવા, જોવા, માણવાનો સમય એટલે વેકેશન. તાજગી અને સ્ફૂર્તી મેળવવાનો સમય એટલે વેકેશન. એક વર્ષની કામગીરી-ભણતર-જવાબદારી પૂરી કરી બીજા વર્ષ માટે ફરીથી કમર કસી કટિબંધ થવાની તૈયારી એટલે વેકેશન. આવનાર વર્ષની કામગીરીને ભાર વગર સંભાળવાની શક્તિ સામર્થ્ય આપે તે વેકેશન. ભણતર સાથે ગણતરને વણી લેતો કાર્યક્રમ એટલે વેકેશન. વેકેશનનું સાફલ્ય વેકેશનના આયોજન ઉપર નિર્ભર છે. આ આયોજનમાં પ્રવાસ, પર્યટન, કુટુંબમેળો, ઈતર પ્રવૃત્તિમાં રસ-રુચિની કેળવણી, વ્યક્તિત્વ ખીલવણી, અભ્યાસકીય માર્ગદર્શન, દેશ-દુનિયાની જાણકારી, સુસંસ્કૃત જીવન વિશે અભિમુખતા વગેરે પાસાંઓનો સમાવેશ થઈ શકે.

girls playig hopskotchવર્ષ દરમિયાન શાળાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તેમજ વિભક્ત કુટુંબપ્રથાને કારણે બાળક સગાં સંબંધીઓના સ્નેહ સંસ્કાર પામી શકતું નથી. પરિવારના બીજા સભ્યોને પોતાને ત્યાં વેકેશન માણવા આમંત્રણ આપવાનું પણ અશક્ય બન્યુ છે. પરંતુ હાલમાં કુટુંબમેળાનો નવો અભિગમ આકાર પામ્યો છે. નજીકના સ્થળે કોઈ વિશાળ જગ્યાએ નદી કાંઠે કે દરિયાકિનારે કે પછી પર્વતની તળેટીમાં કુટુંબના બધા જ સભ્યો ભેગા થાય છે. પ્રકૃતિનું સાન્નિધ્ય માણતા મુક્ત મને પોતપોતાની વિસ્તારના વિશિષ્ટ કાર્યક્રમોની આપ લે કરે છે. આવા કાર્યક્રમોમાં સંગીત, યોગાસન, ચિત્રપ્રદર્શન, કવીઝ, અંતાક્ષરી ટ્રેકીંગ વગેરે મુખ્ય હોય છે. અહીં દાદા-દાદી પુત્ર પૌત્રીઓનું સાનિધ્ય માણે છે. બાળકોને દાદા-દાદીનું વાત્સલ્ય મળે છે. પતિ-પત્ત્નિ બન્ને વ્યવસાયી હોવાથી આવાં સ્થળોએ કાર્યક્રમ કરવાથી સ્વાગત રસોડાનો વહીવટ જેવા કામ કરવાનાં રહેતા નથી. જેમને કુટુંબમેળા શક્ય નથી તેઓ પ્રવાસનું આયોજન કરે તો વેકેશન મધુર સ્મૃતિ બની રહે. લાંબા પ્રવાસની તૈયારી એ પણ એક શિક્ષણ જ છે. વર્ષ દરમિયાન અભિયાસમાં પ્રવૃત્ત બાળકને ટ્રેઈનમાં રિઝર્વેશન કેવી રીતે કરાવવું? ક્યારે કરાવવું? સાથે કઇ કઇ વસ્તુઓ રાખવી વ. કશી સમજણ હોતી નથી.

આવા કાર્યક્રમો બાળકોના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે.

વેકેશન દરમિયાન વ્યવસાયી માતાપિતાને રજાની અનુકૂળતા ન હોય તો બાળકને રજાના દિવસો પસાર કરવાનો યક્ષપ્રશ્ન બની રહે છે. આવે વખતે માતાપિતાએ બાળકની રસરૂચિ પ્રમાણે પોતાના વિસ્તારમાં કે નજીકમાં ચાલતા હોબી ક્લાસમાં બાળકને મોકલવું જોઈએ મહેંદીક્લાસ, એમ્બ્રોઇડરી ક્લાસ, વાનગી વર્ગો, સીરામીક વર્ગો, કેંડલ મેકીંગ, ટેરાકોટા વર્ક, પેચ વર્ક, સંગીત વર્ગ, સ્ક્રીનપ્રીન્ટીગના વર્ગો, કોમ્પ્યુટરના વર્ગો પણ બાળકને વેકેશન આનંદથી માણવામાં મદદરૂપ થાય.

આ ઉપરાંત બાળકને વાંચન અભિમુખ કરવું જોઈએ. તેને સારું વાંચન ઉપલબ્ધ થાય તેવાં સામયિકો અને પુસ્તકો બાળકને boys playing w tiresઆપવા જોઈએ અને વાંચવા માટે પ્રેરિત કરવા જોઈએ. વર્તમાન પરિસ્થિતિ જોતા તો વેકેશન પડે એટલે દરેક બાળક ટી.વી. ની સામે ગોઠવાય જાય છે. જોવા લાયક કે ન ગમે તેવા કાર્યક્રમો પણ સતત જોયા કરતા હોય છે. અલબત્ત ટી. વી. મા પણ ઘણા સારા કાર્યક્રમો આવતા હોય છે. બાળકને શું જોવું અને શું ન જોવું તેનું માર્ગદર્શન આપવું જોઈએ .

છેલ્લે વેકેશન એટલે માત્ર આનંદપ્રમોદનો સમયગાળો નથી. નવા સત્રનું ભાથું અહીંજ બાંધવાનું છે. નવા સત્રમાં શાની જરૂર છે? કેવા વર્ગો છે? બાળકની ક્ષમતા પ્રમાણે તેને શાની જરૂરિયાત છે? અંગ્રેજી કે ગણિત? આ બધી તૈયારી પણ વેકેશનમાં જ કરવી પડે. લાંબા પ્રવાસ દરમિયાન મુસાફરીમાં પણ ભાષા અને ગણિતનું જ્ઞાન, ગમ્મત સાથે મેળવી શકાય. આ પ્રશ્ન જાગૃત માતાપિતા જ હલ કરી શકે.

તિલોત્તમા વૈષ્ણવ

વિદ્યાનગર (આણંદ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s