ઉનાળો: ગામડે વહાલો


ઉનાળો: ગામડે વહાલો

ઉનાળો એટલે તડકાઓનું સામ્રાજ્ય, તડકાનું લશ્કર ચારે તરફ છાવણીઓ તાણીને નીરવ પડેલું દેખાય. પંખીઓ ગાવાનું મૂકી દે ને ઢોર ઘાસ ખાવાનું મૂકી ને વાગોળવા ચઢે, વાગોળતાં વાગોળતાં ભેંસ – બળદ – ગાયો ઊંઘી પણ જાય. વૃક્ષોની છાયાઓ પણ છેક થડમાં સમેટાઈ જાય.

ઠંડક ખોળીને કૂતરાંય જંપી જતા હોય છે ત્યારે પરીક્ષામાંથી છૂટીને રજાઓ ભોગવતા બાળકો કૈંક ને કૈંક રમતા હોય, પણ એમના એ અવાજો શાંતિને ખલેલ નથી પહોંચાડતા. તડકો સૃષ્ટિ માટે વરસતો રહે છે. વૃક્ષોમાં એ આશિષરૂપ પમાય ને ખુલ્લાં ખાલીખમ ખેડેલાં ખેતરોમાં એ આવતી કાલના વરદાન માટે ઢેફાંને તપાવતો લાગે. શહેર શિકારી કૂતરા જેવું હાંફતું અને ભાગતું રહે છે – સિમેન્ટનાં તોતિંગોની વચાળે કાળી સડકો – બધું ચૂનાની ભઠ્ઠી જેવું ફદફદતું હોય. ભિખારી ક્યાંક ભીંત છાંયે ને લારી ખેંચતો મજૂર ઝાડવું શોધીને પોરો ખાતા ભળાય, પણ ઉનાળાનો બપોર તો ગામડાની ઋતુ ગણાય. એના નોંખા રૂપ તો ગામડે સીમવગડે કળાય.

ઉનાળો ‘કાળો’ કહેવાય છે. આમ તો એનો રંગ સોનેરી છે. તપીને સાંજે એ તાંબાવરણો થાય છે. દિવસે ચઢેલા વંટોળિયા સાંજે નીચે ઉતરે છે ને આંખો દિવસ વાયરાએ ઉરાડેલી ધૂળ દિશાઓને માદરપાટ જેવી મેલી કરી મૂકે છે. ઉનાળાને ગામડે ‘ધુળિયો બાવો’ કહે છે. શહેરમાં એને ‘જોગી’ કહ્યો છે. ‘ઉનાળો કહે હું ન્યારો!’

હા, ઉનાળો સહવાસની, શૃંગારની ઋતુ નથી. એકલપંડ પથારીમાં ઠંડી સવારોમાં આબોહવાનું સુખ ઉનાળે જ મળે છે. જોકે ઝંખનાઓ તો દરેક મોસમમાં જાગતી જ હોય છે. પ્રિય જનો સાથે જળક્રીડા કરવાના દિવસો પણ આજ. ત્યારે તો લગ્ન પણ વૈશાખે જ થતા. એટલે વૈશાખ વરણાગિયો કહેવાયો હતો. વરરાજાઓનો મહિનો તે વૈશાખ. તપતો ને તોય ગામડે તો ગમતો.

‘આવ્યો આવ્યો ધખ ધખ થતો
દેખ જોગી ઉનાળો
વા વૈશાખી પ્રબલ વહતા
ઊઠતી અગ્નિજાળો!’

ઉનાળાના દિવસો એટલે ગામડે તો નર્યા નવરાશના દિવસો. પાંચ વાગ્યા તો પરોઢ પોયણા જેવું ને છ પહેલા તો સૂર્યોદયની વેળા કમળ જેવી અડે… પણ જોતજોતાંમાં તડકા એવું તો ચડે કે આઠ વાગ્યાનો સૂરજ આંખ માંડીને સામો જોવા ના દે. તડકાનું રુદ્ર રૂપ આ ઋતુમાં પમાય. ગૃહિણીઓ આઠ નવ વાગતાંમાં તો રસોઈ કરી દે. કપડાં વાસણને કચરા પોતાંય પતી જાય! પછી ગૃહિણીઓ ઘઉં વીણે, ચોખા-દાળ દીવેલમાં ‘મોઈ’ને ભરી દે. બપોરે મરચાં હળદર ને મસાલા દળે. બેચાર દિવસમાં તો એય પતી જાય. છતાં નવરી બેસે તો ગૃહિણી શાની? જૂનાં કપડાં સાંધે ને સાવ નકામા કપડાં પાથરીને દેશી ગોદડીઓ બનાવે.

ભાભીઓ ગોરમટીથી ભીંતો લીંપતી હોય, માટી છાણના ગારા કરીને પરસાળો-ઓસરીએ લીંપાતી જાય અને બીજ ત્રીજના ચંદ્ર જેવી આકળીઓની ભાત ઊપસી આવે. અમે તાજા લીંપણને સાચવીએ. એમાં કૂતરા – બિલાડાં ફરી જાય તો એમના પંજા એમાં ઊપસી આવે. બા જાતભાતનાં અથાણા બનાવવામાં ડૂબી જાય. નવરા દિવસો ભાળીને મોટા ભાભી પિયર જાય – મામા મોસાળે ને ફોઈ-માસીને ત્યાં ફરી આવે. ઘરમાં ભાભી તથા એનો વસ્તાર જતાં ઉનાળો વધારે મોકળો થઇને ઘોરતો સંભળાતો. અમારી ફોઈ પણ આજ દિવસોમાં (એનું પિયર) અમારે ત્યાં આવતી રહેતી. એના સમોવડિયણ દીકરાઓ જોડે અમે ભમરડા ને લખોટીઓ, ગિલ્લીદંડા અને સંતાકુકડી રમતા. છોકરાંઓની ધમાલથી ઘરડેરાંની બપોરી ઊંઘ તૂટતી ને બાપા અકળાઈ જતા, પણ ઘડીવાર સનસનાટી પછી બધું મોજમસ્તીમાં લહેરવા માંડતું. મોટી બહેનો ભાણાંઓને લઈ રહેવા આવતી ને બા બાપુજી એમની સેવા ચાકરીમાં ખડે પગે રહેતા.

napping on porch
original watercolor by Kishor Raval

બહેનો આવે એટલે બા બેત્રણ કામ ખાસ કાઢતી. એક તો કંટાળાની (સફેદ કોળાની) વડીઓ બનાવીને ખાટલાઓ પર સૂકવાતી. અમને વડીઓને લીલો લોટ ખૂબ ભાવતો. આ વડીઓ પછી કઢી શાકમાં આખ્ખું વર્ષ વપરાતી. પાપડનો લોટ બાંધવા-ગૂંદવા તો મોટા ભાઈ ઘણ લઈને વળગતા. સાંબેલાથી લોટને ગૂંદવો પડતો. પાપડનો લોટ તો કૂટવોજ પડતો. પાપડ સૂકવાતી જાય એટલે એની થપ્પીઓ મોટા માટીગોળામાં મૂકી દેવાતી. પછી ચોખા દળીને એનો લોટ બફાતો એમાથી પાપડી વણાય. વણેલી પાપડી તે સારેવડાં! આ સારેવડાં તે ઉનાળાની સવારનો નાસ્તો. સારેવડાં તળાય અને શેકાય પણ ખરા. એનો સ્વાદ તે ઉનાળાના તડકાનો સ્વાદ!

બહેનો પાછી સાસરે જાય એ પહેલા ખાટલે પાટલા માંડીને ઘઉંની સેવો વણવાનો પ્રોગ્રામ ચાલે. સેવો વણવા-ઝીલવાની કળામાં અમેય મહેર થયેલા છીએ. પછી આખું વર્ષ આ સેવો બાફીને ઘી-ગોળમાં ખાવાની મજા પડે. પાપડ, પાપડી, વડી, સેવોની મજાની સાથે નવા ખાટલા ગોદડા, નવી લીંપાયેલી ઓસરી પડસાળો અને ભાઈ-ભાણાં-બહેનો સાથેની ગમ્મતો… અરે એ સ્તો! ખરો વૈભવ હતો. આજે ક્યાં છે એ બધું? ક્યા ગયું એ બધું?

ઉનાળે આમ લોક ખેતીકામથી નવરું લાગે, પણ બીજા સો જાતના કામ કરી લેવાની મોસમ એટલે ચૈત્ર-વૈશાખના દિવસો! જૂની કોઠીઓ ભાંગીને નવી કોઠીઓ આ દિવસોમાં જ થાય. કેમ કે તડકો આ દિવસોમાં ભલભલાને સૂકવી દે એવો હોય. કોઠીઓની થળીઓ ઘલાય. આંગણાં પુરાય…જૂના લૂગડે થીગડાં દેવાય. જે વરસાદે ખેતરોમાં પહેરવા ચાલે.

બાપદાદાને વળી જુદા કામ હોય. દાદા ભીંડીના ફેલાની ‘પાન કાઢે’ -ચકરડી ફેરવે. ખાટલાનું ‘વાણ’ તૈયાર કરે. જૂના ખાટલા ઉકેલી નવા વાણથી ભરે. બાપા પણ ચકરડીમાં ભીંડી વીંટી રાસડા-દોરડા તૈયાર કરાવે. બળદોની રાશો ને ભેંસોનાં દામણાં તૈયાર કરવાં જ પડે. દાદા દહીંની દોણી લટકાવવા શીકા તૈયાર કરે – એના દોરડાં વણવામાં દિવસો જાય. બાપા પાતળી દોરી તૈયાર કરે. એમાંથી બળદોને મોઢે પહેરાવવાની ‘હીંચીઓ’ ગૂંથાતી. ધૂંસરી માટેના જોતરાં ને વલોણાના રવૈયા માટેના નેતરાં પણ દાદાએ આ જ દિવસોમાં મેળવવાં પડતા. આમ આખું ઘર નવરું લાગે છતાં આખ્ખું ઘર કામે વળગેલું હોય! વરસાદ પહેલાં તો બધા જ પરચૂરણ કામ પતી જવા ઘટે. ચોમાસું બેસતા પહેલાં ખેડુતોના ગામ- ઘર-ખેતર જાણે તૈયારીઓ કરતા જાય અને બપોરિયાં ગાળતા જાય!

વિવાહગાળો નીકળે. સવારે માંડવા રોપ્યા ને બપોરે ગ્રહશાંતિ. સાંજે ગોતેડા ભરાય અને વરરાજા ‘શેરી ચાંપવા’ નીકળે. ઢળતી રાતોના ફુલાકાં ફરે ને ઢોલ વાગે. બૈરાં ધારો રમે અને જુવાનિયા ઘૂમર માંડે. નવચંડીઓ અને ગંગાપૂજનો થાય. ન્યાતનાં દાળભાતલાડુનાં જમણ સૌને ભાવે. બટાટાનું રસાદાર શાક અને ન્યાતની દાળની સુગંધ સુસવાટા મારતી રહે.

પછી ઉકરડાનાં ખાતર કાઢવા ગાડાં જોડાય. ખેતરોમાં ખાતરના પૂંજેરાઓની હારો શોભી ઊઠે. વાડો થાય ને શેઢા વળાય. ખેતરો ચોખ્ખાં બનાવવા સૌ વળગી પડે. ધરુ નખાય અને વરસાદની વાટ જોવાય. અઠવાડિયું મળે તો એમાં ખાખરાના પાનાં લાવી બાંધી રખાય, જેના ચોમાસે પડિયા પતરાળાં બને! ઉનાળો આમ નિરાંતવો ને તોય જાણે જપવા ન દે એવો! ગામડે વહાલો ને વગડે તો નખરાળો લાગે. આંબા વેડાય ને કેરીઓની મોસમ જામી પડે.

ચકલીઓ ધૂળમાં નહાય ને કાગડો માળો બાંધે. કીડી-મંકોડા બહાર નીકળી સ્થળાંતર કરે. ઊંટો-ઘેટાંનાં ટોળા લઈને રાયકા-રબારી ઉત્તરમાં પાછા વળે. બાવળના થડે ગુંદર ફૂટી નીકળે, સવારે વાદળીઓથી આભ લીલછાયું થાય. ને એક સાંજે ઉકળાટ બાદ પહેલો વરસાદ તોફાન સાથે ત્રાટકે! ઉનાળો જમીનદોસ્ત થઈ જાય!

આડા ડુંગર ઊભી વાટના સૌજન્યથી

લેખક: મણિલાલ હ. પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s