પ્રતિભાવ – ફરીથી અને મારગ વારતાનો

ભાવનગરમાં નવા બે પુસ્તકો પ્રકાશિત થયા: ફરીથી અને મારગ વારતાનો. તેનો પ્રતિભાવ અહીં.

253720161037540071.jpg

ફરીથી – મહુવાકર દંપતીનું સહિયારું સંવેદનશીલ પુસ્તક એટલે ફરીથી. બંને એ મળીને ૫૦ ટૂંકી વાર્તાઓ અલગ અલગ શૈલીથી લખી છે. જાણે રોજનીશીમાંથી વાર્તાઓનું સર્જન થયું અને પરિણામ રૂપે પ્રેમયુક્ત રસમય જીવનની લાણી થઈ. તેમના વાક્ય પ્રયોગોના થોડા દાખલા વાંચવાથી ખ્યાલ આવશે કે તેમણે કાઠિયાવાડી ભાષાને કેટલો ઓપ આપ્યો છે.

નસીમ મહુવાકર:

 • સૌરાષ્ટ્રના ભાવભર્યા નગરમાંથી મુંબઈ લગ્ન કરીને આવે છે. “મીઠા જળની માછલીને મધદરિયે મૂક્યા જેવો મારો ઘાટ મુંબઈમાં થયો.” (કોઈનું કોઈ)
 • હું ‘જયશ્રી કૃષ્ણ’ કહું અને ભાભી મને. “અમારા દિવસની હળવીફુલ શરૂઆત થાય.” (નિત્યકર્મ )
 • કરકસરે કરેલી “થોડીક બચત ખભે આવી.” (રહી ગયું)
 • “પણ ભાઈ, નિહાળમાં રઈને છોકરાંવ ભણાવે એવા માસ્તર તો ઘણા આવે ને જાય, પણ આખા ગામને નિહાળ બનાવે એવા મોભી તો તમે જ.” (મોભી)
 • દાદાના ગળે ડૂમો બાઝતો જતો હતો – “માસ્તર, તમે જાહોને ગામ નોધારું થઈ જાહે.” (મોભી)
 • જમણા હાથની આંગળી ગાદલાને અડકાડી. “ને પપ્પાનું અસ્તિત્વ મારામાં મહોરી ઉઠયું.” (એ… અડી ગઈ)
 • પપ્પાની ખુરશી પાસે જઈને ઉભી રહી. “મારી આંખો ધૂંધળી થઈને બંધ થઈ.” (હવે હું)
 • પપ્પાના ખોળામાં માથું ટેકાવીને ઊંઘી જાઉં . “મારું ને ભુરીનું બાળપણ પપ્પાની હુંફમાં સમેટાઈને મોટું થઈ ગયું.” (તાંસળી)
 • સાથે જમીને અમે હીંચકે બેઠા. “કેવલ, આ એકધારું દોડવામાં પાછળ કશુંક ચૂકી જવાયું છે, ચાલને ફરીથી એકવાર જુનો સમય જીવી લઈએ.” (હું પાછો વળ્યો)
 • તમને ખબર નથી મળ્યા? “ભાભીજીના શબ્દો અંધારી ગુફામાંથી છૂટેલા તીરની જેમ વાગ્યા.” (ન્હોતો)
 • મારી ઉપાધી હવે મેલી દ્યો. ને નફકરા થઈ જાવ. “આ ગળેલા ગાતર અમથાય તમારા વિના લાંબું નઈ વેંઢારે.” (ઉપાધી)
 • હું બંધનમાંથી છૂટી ગઈ. પણ મારે ક્યા છૂટા થાવું ‘તું? “તારી ગોવાળી તો મારા જીવતરનો ટેકો હતી” (બંધન)
 • મોબાઈલ ખીસામાં મૂકી દીધો ને બાઈકને કીક મારી.” ગોરંભાયેલા આકાશ નીચે પોતેય વરસી પડવા નીકળી પડ્યો.” (અધીર)
 • હળવેકથી ડીલીટનું ઓપ્શન દબાવી દીધું. આંખ બંધ કરી.” ભીનાશ ભરેલી બંધ આંખમાં એક વખત કોળેલો ગુલમ્હોર અકબંધ મળી આવ્યો.” (ગુલમ્હોર)
 • એણે હિંચકો અટકાવ્યો. આજે દિવસ જ ક્યાં ઊગ્યો? “ઘડિયાળના કાંટાને આંખોથી ધક્કા મારી-મારી ચલાવ્યાં ત્યારે તો માંડ રાત પડી. ઘર ને મન સૂમસામ.” (રજાનો દિવસ)

બંને જણા લઘુકથાઓના ગુરૂ છે. વાંચો ફરીથીમાં હરીશ મહુવાકરનાં દાખલા:

 • મોતીનો મણકો આપતા મારું મો પાટલો થઈ ગયું. મેં કહ્યું: ‘ હા હો હવે તો આપણા છોકરાઓને પણ મચ્છર કરડવા માંડ્યા.’ પળવારમાં અમે બંને મચ્છરોની પાંખે ઝુલી રહ્યા! (મચ્છર)
 • એ ગઈ એટલે એક શિક્ષક બોલી ઊઠ્યો : ‘ પણ સર, તમે તો… કેટલા મોંઘા કપ – રકાબી…’ “ભાઈ મારા, એની કિંમત કેટલી? કપ- રકાબી તૂટી જશે તો ચાલશે, પણ આ બે છોકરીઓના હૃદય કાયમ માટે તૂટી જશે તો એની કિંમત આપણે જિંદગીભર ચૂકવી શક્ત?” (કિંમત)
 • એકાદ-બે દિવસ ઘરે એટલે કે સીટીમાં હોય ને અઠવાડિયું દસ દિવસ બહાર-આઉટ ઓફ ડીસ્ટ્રીક હોય.
 • “એ હોય તો ધરપત રહેતી. બાળકો, સાસુ, સસરા, કોળી ઉઠતાં. નિર્જીવ વસ્તુઓય એમના હાથને પામે ને હું અવકાશી પંખી બની રહેતી.” (સૂરજમુખી)
 • જેવી એ રસોડામાં ઘૂસી કે બંદા બહાર. “ગોફણમાંથી વછૂટતા ગોળાની જેમ દાદર ઉતરવા માંડ્યો.” (ચિંતા)
 • “રખડું, નિસ્તેજ શિયાળાએ માંદલી સાંજને ઘરમાં વહેલી ધકેલી દીધી. ટાઢી બોળ સાંજે ધીમે પગલે દરેક ચીજ વસ્તુ ઉપર હાથ ફેરવી લીધો ને મારા બાળકોને ઘરમાં પૂરી દીધા.” (વામન વિરાટ)

મારગ વારતાનો, હરીશ મહુવાકર – વર્ણન શક્તિ અજબ. નિરીક્ષણ શક્તિ ગજબ.IMG_0638

 • ‘ઘા’ વાર્તામાં રીંગણાનું વર્ણન વાંચો. “જુવાન જોધ કન્યકા જેવી રીંગણી માગશરની ઠંડીમાં સ્થિર ઉભી હતી. આઠમની ચાંદની રીંગણાના રૂપને ચમકાવી રહી. પાંદડા પર પડતો ઉજાસ ખેતરને અનોખું રૂપ આપતો હતો. કૂણા માખણ જેવા રીંગણા લટકી રહ્યાં હતા, ચમકી રહ્યા હતા. કોરેકોરા ખાઈ જવાનું મન થઈ જાય. એકદમ કાળા- કાળા. ક્યાંક ક્યાંક આછો ગુલાબી છાંટો. દાનાની નજર સામે તગતગતું એક મોટું રીંગણું ઝૂલી રહ્યું એની સામે દાંતિયા કરતું હોય તેમ! રીંગણું વધુ ઝુલવા માંડ્યું…” (ઘા)
 • “‘જાવ , અડતા નંય,છણકો કરતા લીલકીએ કહ્યું. ‘ એમ તો તો… પછી તો ચાંદનીનું અજવાળું નીતરતું રહ્યું – રાતભર. (ચાંદનીનું અજવાળું)
 • એક પતંગિયું પાંખો ફફડાવતું આવી રહ્યું હતું. બંનેએ એ જોયું એ એમની સાવ લગોલગ આવીને બેસી ગયું. રૂપાળું પતંગિયું હતું. સમીરને થયું કે એને પકડી પાડે. અપેક્ષાનેય થયું કે એ પણ એને હાથમાં લઈ લે. પણ એમણે પતંગિયાને બેસવા દીધું. એમણે કોઈ પ્રયત્ન કર્યો નહી. એમને ખબર હતી કે પતંગિયાને પાંખો હોય છે…. (પતંગિયાને પાંખો હોય છે.)
 • “છેવટે મેં પરેશને એન્જીન બનાવવાનું નક્કી કરી લીધું. હું ડબ્બો બન્યો. જ્યાં જ્યાં પરેશ ગયો ત્યાં ખાનગીમાં હું એની પાછળ ગયો. સૂક્ષ્મ નોંધ લેવા માંડ્યો દરેક બાબતની. રવિવારની સુધ્ધા નોંધ લીધી. શિક્ષક વિશે પૂછપરછ કરી. તેનેય ફોલો-અપ કર્યો. પછવાડેની બારીઓમાં આછી-પાતળી તિરાડ જોઈ શકાય. આંખો ત્યાં મંડાઈ ને ત્યાં ફાટી જ રહી! વીજળીનો જોરદાર કડાકો જાણે શરીરમાંથી આરપાર નીકળી ગયો. હોંશ ગુમાવવાની અણીએ હતો. મુઠ્ઠી વાળીને દોટ મૂકી. નજર સામે કાળા-લાલ-લીલા વલયો જ વલયો… હું દોડી રહ્યો હતો. બળબળતી રેતીમાં જાણે! માથે ભુખાળવી સમડીઓ મારા પર ત્રાટકવા ચકરાવા લઈ રહી.” (પ્રતિઘાત)

અષ્લિલતા દાખવયા વગર આ વિષય પર હિંમત કરી ‘પ્રત્યાઘાત ‘ નવો દોર આપે છે.

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

સપન જાગીને મને ‘ગૂડમોર્નિંગ, જયશ્રી કૃષ્ણ ‘ કહે છે. કારણ કે એને હું રોજ કહું છું. વાર્તા હું રોજ સંભળાવું તો ભાંગી તૂટી વાર્તા એ ઘડી કાઢે છે અને મને સંભળાવે. એની સાયકલ પાછળ મને દોડવા ને મારી પાછળ એ સાયકલને દોડાવે. જમતી વખતે એના મોમાં હું કંઈક આપું તો પોતાની થાળીમાંથી મનેય ખવડાવે.

પંદરમી ઓગષ્ટની એને રજા હતી. એથી એને સૂવા દીધો હતો. મારા રૂટિન પ્રમાણે હું સવારના છ વાગ્યાથી કામ કરવા લાગેલો. ચા નાસ્તો કરી હું વાર્તા લખવા બેઠો. થોડું લખાયું હશે કે ઉપરથી નીચે ઉતારવાનાં મંદ મંદ પગલા સંભળાયાં. મારા કાન ચમક્યા.

photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif
photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif

પોતાનું રમકડાનું સોફ્ટ બ્લેક પપ્પી છાતીએ વળગાડીને નીચે ઉતારતાં – ઉતરતાં એણે મને ગ્રીટીંગ કર્યું : ‘હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે ડેડ્ડી.’

કશી પૂર્વભૂમિકા વિના આવેલું આ અભિવાદન કાનમાં વારંવાર આંદોલિત થઈ રહ્યું. દરિયા કિનારે અમસ્તા ફરવા નીકળ્યા હોઈએ અને આપણને મોતી મળી આવે તો કેવું લાગે? મને આવું મોતી મળી આવ્યું.

એ આંખો દિવસ મારો હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે રહ્યો. એટલા માટે કે એણે સ્વયં જ હેપીલી પોતાનું ઈન્ડીપેન્ડન્સ પ્રકટાવ્યું હતું.

‘ફરીથી’ ના સૌજન્યથી, હરીશ મહુવાકર (લઘુકથા)

ઝવેરચંદ મેઘાણીની યાદમાં

IMG_2070ઝવેરચંદ મેઘાણીની યાદમાં

દુનિયાને ડહાપણ અને સલૂકાઈથી વાતો શીશીખવનાર અંતરે સદા કળકળતો હતો. એના આંતરિક મનોમંથનમાં સાથ કે સહાય આપે એવા મિત્ર કે મુરબ્બી વિનાનો એ એકલો અટૂલો સંસાર-ધરતી પરનો પ્રવાસી હતો.

દુનિયા એમને સમજવા જેવી સ્થિતિમાં આવી ત્યારે એણે અમર પંથ લીધો. પચીસ વર્ષ વધુ કાઢ્યાં હોત તો ગુજરાતના એ ટાગોર હતા.

“મેઘાણી: સ્મરણમૂર્તિ”, રવિશંકર મ. રાવળ

સૂરજ, ધીમા તપો!

SUN
photo credit: http://4.bp.blogspot.com/-kR4Owpf-9Jk/TaatSNq_LGI/AAAAAAAABSQ/X9BO6Ee3T9Q/s1600/SUN.jpg

સૂરજ, ધીમા તપો !

મારી મેંદીનો રંગ ઊડીજાયરે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારો કંકુનો ચાંદલો ચોળાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારી વેણી લાખેણી કરમાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

મારી પાની સુંવાળી બળી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારા કેમે નો પંથ પૂરા થાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
જેને શોધું તે દૂર સરી જાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!

‘કનકરજ’, ઝવેરચંદ મેઘાણીની કવિતાની પુસ્તિકા
સંપાદક, મહેન્દ્ર મેઘાણી

ઝવેરચંદ મેઘાણી જયંતી: ૧૭ અોગસ્ટ

 

સોના નાવડી

ગાજે ગગને મેહુલા રે,
વાજે વરસાદ ઝડી.
નદી-પૂર ઘૂઘવિયાં રે,
કાંઠે બેઠી એકલડી!
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી!

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
ડૂંડા ગાંસડી ગાંસડીએ ભરિયાં;
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયા.

ભીંજું ઓથ વિનાની રે,
અંગે અંગે ટાઢ ચડી;
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

સામે કાંઠે દેખાય રે,
વા’લું મારું ગામડિયું;
ગોવાલણ-શી વાદળીએ રે
વીંટ્યું જાણે ગોકળિયું.

મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યા,
આખી સીમેથી લોક અલોપ થયા,
દિનાનાથ રવિ પણ આથમિયા.

ગાંડી ગોરજ ટાણે રે
નદી અંકલાશ ચડી,
એને ઉજ્જડ આરે રે
ઊભી હું તો એકલડી;
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી.

પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?
મારા દિલડાનો માલિક રે
જૂનો જાણે બધું દીસે.
એની નાવ ફૂલ્યે શઢ સંચરતી,
એની પંખી-શી ડોલણહાર ગતિ,
નવ વાંકીચૂંકી એની દ્દષ્ટી થતી,

આવે મારગ કરતી રે
પ્રચંડ તરંગ વિષે;
હું તો દૂરેથી જોતી રે:
જૂનો જાણે બંધુ દીસે;
પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?

કિયા દૂર વિદેશે રે
નાવિક, તારાં ગામતરાં?
તારી નાવ થંભાવ્યે રે
આંહીં પલ એક જરા!

તારી જ્યાં ખુશી ત્યાં તું જજે સુખથી,
મારાં ધાન દઉં તુંને વા’લપથી,
તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!
મારી લાણી લેતો જા રે
મોઢું મલકાવી જરા,
મારી પાસ થાતો જા રે
આંહી પલ એક જરા.
કિયા દૂર વિદેશે રે,
નાવિક, તારાં ગામતરાં!

લે લે ભારા ને ભારા રે !
– છલોછલ નાવડલી;
‘બાકી છે ?’ – વા’લા મારા રે!
હતું તે સૌ દીધ ભરી.
મારી જૂની પછેડી ને દાતરડી,
મારાં ભાતની દોણી ને તાંસળડી,
તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.

રહ્યું લેશ ન બાકી રે,
રહ્યું નવ કંઈયે પડી;
રહી હું જ એકાકી રે,
આવું તારી નાવે ચડી;
લે લે ભારા ને ભારા રે!
– છલોછલ નાવડલી.

હું તો ચડવાને ચાલી રે,
નાવિક નીચું જોઈ રહે;
નવ તસુ પણ ખાલી રે,
નૌકા નહિ ભાર સહે.
મારી સંપત વહાલી રે,
શગોશગ માઈ રહે.

નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ – વાદળ ઘેરી વળ્યાં;
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.

સૂની સરિતાને તીરે રે,
રાખી મુંને એકલડી.
મારી સંપત લૈને રે,
ચાલી સોના – નાવલડી.
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

photo from http://www.wallpaper-wallpapers.com/2795-boat-sunset.html
photo from http://www.wallpaper-wallpapers.com/2795-boat-sunset.html

“૧૯૩૧. માનવી: ખેડુતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતા રૂપી નાવિક હરેક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ – નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે, સંસારના શ્રેયાર્થે વાપરે છે. પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રહાવમાંથી ઉદ્ધરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

રવીન્દ્રનાથના ‘સોનાર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું. ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશ: અનુવાદ નથી. બલકે, કેટલાક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તો પણ મને અફસોસ નથી.

મૂળ કાવ્ય રવિબાબુની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે. અને પોતાની કવિતા – સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પીંછીથી જ થવી જોઈએ એમ એ માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુની રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાંને ગાળા મૂકવાના પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.”

સોના-નાવડી, પાનુ ૧૬૩, સમગ્ર કવિતાના સૌજન્ય થી લેખક: ઝવેરચંદ મેઘાણી

રવિશંકર રાવળની યાદમાં – સોના નાવડી

જન્મ તારીખ: ૧ ઓગસ્ટ ૧૮૯૨, ભાવનગર
અવષાન: ૯ ડિસેમ્બર ૧૯૭૭, અમદાવાદ

artist Ravishankar M Raval
artist Ravishankar M Raval

“૧૯૨૦માં ગુરુદેવ ટાગોર અમદાવાદમાં આવ્યા ત્યારે ક્ષિતિમોહન સેને ગુરુદેવનું મૂળ બંગાળી કાવ્ય ‘સોના નાવડી‘ ગાઈ સંભળાવેલું તેનો સાર ‘સંસારનો દેવતા મનુષ્યના વ્યક્તિત્વને સંઘરતો નથી. પણ તેની સાધના વિશ્વના નિર્વાહમાં યોજી દે છે’ તે મારા મનને ચોટ મારી ગયો. ત્યારથી મેં કળાની સાધના માટે કોઈ બદલાની કે પુરસ્કારની આશા કરી નહોતી. મારા સ્વભાવના ધર્મ રૂપે જ તે સ્ફૂરાયામાન રહી છે.” – ર.મ.રા.

“ગુજરાત મારી ‘ગુણવંતી ગુજરાત’ છે. ગુજરાતે મને કદી દુભવ્યો નથી… ગુજરાતે મને પૂરતા માન-સન્માન આપ્યા છે…તેમજ સહદયી મિત્રો અને જીવનમાં યશ અને પ્રતિષ્ઠા વધારવાનાર શ્રેષ્ઠ કલાકાર – વિદ્યાર્થીઓ પણ મને પ્રાપ્ત થયા છે… આજે ગરવી ગુજરાતે તેનું બિરુદ સાર્થક કરી બતાવ્યું છે. મારા હ્દયમાં મંત્ર રૂપે ગુજરાત જીવંત હતું. તે આજે સજીવ રૂપે પોતાના હ્દયમાં મને સમાવે છે. એથી બીજી જીવનની સાર્થક્તા હું કલ્પી શકતો નથી.” – ર. મ. રા.

ગુજરાતમાં કલાના પગરણના સૌજન્ય થકી
કલા રવિ ટ્રસ્ટ અને આર્ચર પ્રકાશક

વીરાને

વીરાને, રક્ષા-બંધન નિમિતે

માડીના જાયાની મીઠડી માયા
મહિયરના એ મીઠા સંભારણા….મહિયરના

સુખનો સંતોષ, દુ:ખે આંસુડા લૂછતો
અંતર આરામવા એ અંતરથી પૂછતો
બેનીનો બેલી છે વીર…. મહિયરના

માવતરની પુંજીમાં ભાઈ છે મીઠી વીરડી
રાખડી કાંડે બાંધે બેન, યાદી કરાવે તાજગી
બેનીના અંતરની આશ …. મહિયરની

છૂટે ના છોડાવી એતો લોહીની ગાંઠડી
દૂર હો કે નજદીક, વીરને લાગે બેની મીઠડી
ભાઈ કેરી મમતા ઉભરાય…. મહિયરના

બેનીના પ્રેમથી ગુંથાએલી છે રાખડી
બાંધે છે બેની તેમાં, અંતરની ઊભરાતી લાગણી
કરમાશે ના કદિય, એતો પ્રેમ કેરી પાંખડી
મહિયરના મીઠા સંભારણા

photo credit: http://www.raksha-bandhan.com/meaning-significance-of-raksha-bandhan.html
photo credit: http://www.raksha-bandhan.com/

કવિ: હંસાબેન શાહ
+1-215-954-9446