હૈયામાં સંવેદનાની ભીનાશ


હૈયામાં સંવેદનાની ભીનાશ

http://www.thehindu.com/multimedia/dynamic/02366/CB07-WALK_G3PAA5BD_2366000g.jpg
Photo credit: http://www.thehindu.com/multimedia/dynamic/02366/CB07-WALK_G3PAA5BD_2366000g.jpg

તામિલનાડુના તિરુચી જિલ્લામાં મસુરી નામનું ટચૂકડું નગર. એમાં એક ભરવાડનું કુટુંબ રહે. ગાય-ભેંસ પાળે અને દૂધ-દહીં-માખણ વેચી ગુજરાન ચલાવે. જીવનની પાયાની જરૂરિયાતો સચવાઈ જાય. ૧૬ વર્ષની સ્વાતિ બધાંની લાડકી. ભણવાની ભારે લગન. ખૂબ મહેનતુ. માનું નામ થંગાપોન્નુ. સીધી, સરળ પણ તેજસ્વી મહિલા. ઘરનો અને વ્યવસાયનો કારોબાર એ જ ચલાવે. સ્વાતિ ખૂબ ભણે એવી તમન્ના. ભરવાડની દીકરીએ તો કૃષિ વિશ્વવિદ્યાલયમાં જ જોડાવું જોઈએ એવું માને.

પ્લસ ટુ પરીક્ષામાં ડિસ્ટિંકશન માર્કસ લાવી સ્વાતિએ કોઈમ્બતુર-સ્થિત અન્ના અરંગમ તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા અરજી કરી. ઈન્ટરવ્યુ માટે ઓગસ્ટની આઠમી તારીખે સવારે ૮:૩૦ વાગ્યે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું .

ચેન્નઈમાં પણ અન્ના વિશ્વવિદ્યાલય છે. એના વિશાળ કેમ્પસમાં લોકો વહેલી સવારે ચાલવા આવે. નિયમિત આવનારાઓ પોતપોતાના ગ્રુપ બનાવે. મૈત્રીના ગાઢ સંબધ બંધાય. એવા એક ગ્રુપનું નામ ટ્વોકર્સ. આઠમી ઓગસ્ટની વહેલી સવારે ગ્રુપના સભ્યો એકસાથે ચાલતા હતા. જોયું તો સામેથી બે મહિલાઓ ભારેખમ પગલે ધીમે ધીમે ચાલીને આવી રહી હતી. નાનીના હાથમાં બેગ હતી. મોઢા પર ઘેરા વિષાદની છાયા હતી.

ટ્વોકર્સના વોકર્સ ક્ષણભર થંભી ગયા. એમણે પૃચ્છા કરી. આ સ્ત્રીઓ હતી સ્વાતિ અને થંગાપોન્નુ . અન્ના યુનિવર્સિટીના નામમાં થાપ ખાઈ ગયેલા અને કોઈમ્બતુરને બદલે ચેન્નઈ આવી પહોંચેલા. ૬:૩૦ વાગ્યા હતા. ૮:૩૦એ કોઈમ્બતુરના વિષ્વવિદ્યાલયમાં પહોંચવાનું હતું. અશક્ય વાત હતી. આશા મરી પરવારી હતી.

http://www.thehindu.com/news/cities/chennai/girl-loses-way-walkers-fly-her-to-coimbatore-for-admission/article7521315.ece
http://www.thehindu.com/news/cities/chennai/girl-loses-way-walkers-fly-her-to-coimbatore-for-admission/article7521315.ece

“અરેરે બિચારી”, “જબરો ગોટાળો થઈ ગયો ભાઈ”, જેવા ઔપચારિક અર્થીને શબ્દો ઓકવાનો બદલે ટ્વોકર્સ ગ્રુપના સભ્યો ચાલવાનું છોડી કામે લાગી ગયા. કામ વહેંચી લીધું. એક મા-દીકરી માટે નાસ્તો લેવા દોડ્યો. બીજાએ ઝાડ નીચે બેસી લેપટોપ ચલાવતા યુવાન પાસે લેપટોપ લઈ મા-દીકરીની ચેન્નઈથી કોઈમ્બતુરની પ્લેનની ટિકિટ બુક કરાવી દીધી. ભાડું થયું ૧૦,૫૦૦ રૂપિયા. ગરીબ મા-દીકરી એ ક્યાંથી લાવે? ટ્વોકર્સના સભ્યોએ ભેગા મળી રકમ ચૂકવી દીધી.

ત્રીજો સભ્ય પોતાની કાર લેવા ઘરે દોડ્યો જેથી મા-દીકરીને એરપોર્ટ સમયસર પહોંચાડી શકાય. ચોથાએ કોઈમ્બતુરના વિશ્વ વિદ્યાલયના રજિસ્ટ્રાર, આનંદકુમારનો સંપર્ક કર્યો. એ પોતે પ્રોફેસર હતા. આનંદકુમારે આશ્વાસન આપ્યુ કે સ્વાતિ ભલે મોડી પહોંચે, અમે રાહ જોઈશું.

૧૦:૧૫ વાગ્યે વિમાન ઊપડ્યું. ૧૧:૨૮એ કોઈમ્બતુર પહોંચી ગયું. ટ્વોકર્સના એક સભ્યે પોતાના મિત્રને ફોન કર્યો હતો એટલે એ ગાડી લઈ સ્વાતિને યુનિવર્સિટી પહોંચાડવા એરપોર્ટ પર હાજર હતો. ૧૨:૪૫ સુધીમાં બધી વિધિઓ પૂરી થઈ અને સ્વાતિને બાયોટેકનોલોજીમાં એડમિશન મળી ગયું. કેમ્પસની હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ થઈ ગઈ.

ટ્વોકર્સના છઠ્ઠા સભ્યે કોઈમ્બતુરમાં શું ચાલી રહ્યું હતું એની માહિતી મેળવવાનું કાર્ય માથે લીધું હતું. એણે શુભ સમાચાર મિત્રોનેઆપ્યા. સ્વાતિએ ‘હિંદુ’ ના સંવાદદાતાને કહ્યું કે “આ તો એક ચમત્કાર હતો. થંગાપોન્નુએ કહ્યું: “અમે કશુ જ કરી ન શક્યા હોત અને વીલે મોઢે ઘર પાછા ફર્યા હોત, પરંતુ ભગવાને એના ફરિશ્તાઓને મોકલી આપ્યા. સ્વાતિએ હવે બમણી મહેનત કરવી પડશે, નહિ તો એ ચેન્નઈના એના અતલસનો શું મોઢું બતાવશે?”

આપણા હૈયાને આનંદથી તરબતર કરી દે એવી આ કહાણી નવી નવાઈની નથી. સ્વાર્થલોલૂપ આ દુનિયામાં પ્રેમ અને સંવેદનાથી છલકાતા ભાઈ-બહેનો છે અને ખુદાને પ્યારાં એવા કાર્યો ગુપચુપ કર્યે જાય છે, પરંતુ એની ખાસ નોંધ લેવાતી નથી. ખૂનખરાબા, ટંટા-ફિસાદની વાતો વધારે હોઇ છે. પણ મોટા ભાગે તો ઇન્સાનની ઈનસાનિયતની ખુશબો ફેલાવતી, બીજાને પ્રેરણા આપતી આવી ઘટનાઓને શોધી કાઢવાની મહેનત પત્રકારોએ કરવી નથી.

અરે, આપણી આજુબાજુનાં વર્તુળોના ભાઈ-બહેનોને પૂછો, દરેક પાસે આવા ખૂબસૂરત અનુભવની કથાઓ પડી છે. છાપા, સામયિકોના તંત્રીઓએ રત્નો શોધવા ડૂબકી મારવી નથી, ભીંજાવું નથી. હૈયામાં સંવેદનાની ભીનાશ હોય તો મનમાં ઈચ્છાશક્તિ આવેને.

Read the English story published in The Hindu, Aug 10 2015, Girl loses way, walkers fly her to Coimbatore for admission

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s