ત્રિ-કિશોર


ગુત્રિ-કિશોર – નિબંધ

કિશોર, કિશોર, અને કિશોર – ત્રિ-કિશોર. મને ગમે છે આ કિશોર. મારા આંનદીપણાની પછવાડે એમનો ઘણો ફાળો રહેતો હોય છે. તન અને મનને મારા તંદુરસ્ત રાખવામાં પણ એ અગ્ર હરોળમાં. આખો દા’ડો મારા ભાગે, મોટા ભાગે, મારી સામે, મારી આજુ બાજુ એમનો પડાવ હોય!

એક કિશોર ની વાત કરવી છે. બીજા બેને કો’ક દી મોકો આપશું. ભણાવું કોલેજમાં એટલે સામે બેઠેલો વર્ગ કીશોર હોય. મને ટેવ વિચિત્ર છે -કામ કરતા કરતા સંગીત સાભળવાની તે ઘણી વખતે લખતી વખતે કિશોરદા મારા કાનમાં મધુરપ ભરતા રહે. વાંચતી વખતેય મોકો નહી છોડવાનો . વિચારમાં સરી પડવા ઝૂલા પર ઝુલુ ને ત્યારે કીશોરદા હળવે હળવે રસ્તા ખોલી દે. ડ્રાઈવ પર જઉ પણ ત્યારે સ્ટીયરિંગ પરના હાથને સળવળાવે, માથાને હલાવે ને મન ને ઝૂલાવે. ઊદાસીના માહોલમાં જિંદગીને બીજી તરફથી જોવા, ઉંડાણથી સમજ્વા કિશોરદા ખભે હાથ મૂકે.

પણ અહિ ત્રીજો કિશોર ઉપસી આવે છે – કિશોર રાવળ. મૂળ ભાવનગરી. રવિશંકર રાવળનાં ભત્રીજા, અમેરિકા સ્થિત કિશોર રાવળ. આ લખુ છુ ત્યારે એમનુ આપણી વચ્ચે થી ખસી જવું  એ બાબતનેય સાડા ત્રણ વરસ થઇ ગયા.

આજે એમની યાદે સવારથી કબજો લઇ લીધો. સામાન્યત હું એકાંગી કાર્યકર છું – મતલબ એક કામ હાથમાં લઉ તે પૂરું કરું ત્યા સુધી બીજામાં મન ખુચતું નથી. એથી હમણા સતત એટલે સતત ટ્રાન્સલેશન ચાલે છે. એથી કઈંક વિચારવાનું થાય, તો એ એના સંદર્ભ જ. મારી ફીએટીવિટી પણ એ તરફ જ વળે. એમાં હું પૂરેપુરો ખુચી જાઉ ત્યાં લગી કે ક્યારેક રાતના ઉઠીને કમ્પ્યુટર ચાલુ કરીને પણ સુધારા – વધારા કરી લેવાની નોબત આવે છે.

મૂળ વાત હવે છે. હવે આવા માહોલમાં વાંચવાનુ ટાળતો. પણ ગઈકાલે ફિલાડેલ્ફીયા અમેરિકાથી એક કવર આવ્યું. સેન્ડરનુ નામ વાંચી ઘડીક મન હબક ખાઈ ગયું સેન્ડર – કિશોર રાવળ અલબત મને ખબર છે કે એમના પત્ની શ્રીમતી કોકિલાબેને એ રવાના કરેલુ છે એટલે પેલી લાગણી મને ઘેરી વળી. કોકિલાબેનને મનોમન વંદન થઈ ગયા. કિશોર રાવળને એમણે એમને એમ, આપણી વચ્ચે છે એ ખ્યાલ ને જીવત રાખ્યો છે.

મારા પિતાના અવસાન ને આઠ વસર થયા. બાપુજીનો ફોટો ઘરમાં ગમે તે બાજુએ જાઓ એમને અમે મળી શકીએ એમ રાખ્યો છે – હાર વિનાનો. મારા કરતા વધુ લાગણી એને નસીમ, મારી પત્ની તરફ થઈ ગઈ હતી અને એમણે પણ મારા બાપુજીને એમના પિતાના ખ્યાલે જ સાચવતા. બંનેની અમારી ઈચ્છા કે બાપુજીને હાર ન પહેરાવવો. એ ક્યાં ગયા છે! અમારી સામે જ, અમારી આજુ બાજુ, મારા અમારા ખ્યાલો, આદર્શ, અભિગમ, વર્તન-વ્યવહારમાં – જીવત – ઇન બ્લડ એન્ડ સ્પિરીટ.

કિશોર રાવળનુ પણ એમ જ કર્યું ને કોકિલાબેને? કિશોર રાવળ એવી વ્યક્તિ કે જે સ્વંયભૂ ચુંબક હતી. મને એનો પરિચય 2003/04 માં થયેલો  એ વાત પછી કરુ પણ આ ફીલોડેલ્ફીયાથી આવેલા કવરે, સેન્ડરના નામથી, કોકિલાબેનના હસ્તાક્ષરથી તાત્કાલિક વાંચવા મજબૂર કરી દીધો. ખોલી ને જોઉં તો મારા માટે આંખનાં મન નો ખરો ખજાનો ખુલ્યો. ગુર્જરી ડાયજેસ્ટનો એક અંક કિશોર રાવળને સમર્પિત હતો તે  અને બીજા ચાર અંકો ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકાના  “મુખપત્ર’ ‘દેશ-વિદેશના’!

ગુર્જરી ડાઈજેસ્ટ ત્રિમાસિક જુલાઈ 2013 ના અંકના રંગીન મુખપૃષ્ઠથી કિશોર ભાઈ સ્વયં પ્રકટ થયા. kishor-c1996બેકગ્રાઉન્ડમાં અમેરિકન ફોરેસ્ટની ગ્રીનરી છે. વૃક્ષની સાવ નમેલી એક ડાળી પર ને પગપર પગ રાખી બંને હાથ જોડેલા રાખી બેઠા છે. આછા બ્લુ લગભગ વ્હાઇટીશ – ટીશર્ટ, સફેદ માથું, કાળી ફેમવાળા ચશ્માંથી મને જાણે પૂછી રહ્યા છે “કેમ છે હરીશ?”  અને મારો જવાબ “ઓહ સર ફાઈન, સીઈગ યુ વેરી વેરી ફાઈન.” એમને ખબર હોવાનો એટલે મનમાં મુસ્કાન તે એમના ચહેરે અંકિત થયેલી દેખાય.

આખા અંકમાં મોટાભાગનું એમનુ લખાણ એમના દોરેલા ચીત્રો અને એમના મિત્રોએ એમને યાદ રાખ્યા તે સમાવેલુ છે. સામયિકમાંથી સહુથી પહેલા ફોટા જોઇ લેવાનું કામ કર્યું. વ્રુધ્ધ, ગૌરવાન્વીત, પ્રેમભર્યુ દંપતિ બે ફોટામા હાજર. ચાર ફોટોગ્રાફ એમના અને બે એમના મિત્રો. વિવિધ ભાવો ખડા કરી દીધા. અંદરોના લખાણોમાંથી  મારી સામે અજાણ રહિ ગયેલુ જગત પણ ખુલી આવ્યુ.

પ્રિત ક્રિએશન નામે ૧૦૯૦ માં મંડળ રચેલું મારા વિધાર્થીઓનું. દર મંગળવારે મારા ઘરે બેઠક જમાવીએ. જાતજાતનું લખાણ, વંચાણ, ચર્ચાણ ગુજરાતી અંગ્રેજીમાં થાય. વાચ્યુ ન્યુઝ પેપરમા કે  કિશોરભાઇ ભાવનગર આવે છે. મનેય પરિચય નહોતો. એમને મળ્યો. મે કહ્યુ, “મારા વિધાર્થીઓ તમારી રાહ જુએ છે. આવશો?” બંને જણ આવ્યા. અમારા -એમના લખાણની વાંચનની આપ-લે થઈ. પછીનો ક્રમ સાહજિક બની ગયો એમના વેબ મેગેઝીન ‘કેસુડા’ માં મારી રચના ઓ પ્રકટ થઈ. મારા વિધાર્થીઓની પણ. સહુને એ પ્રિય થઈ ગયેલા.

બીજી વખતે ભાવનગર આવ્યા. ‘અમે ભાનવગરના’ લઈને વાંચી નાખ્યો ફટાફ્ટ. મારી સાથોસાથ મારા વિદ્યાર્થીઓ પણ એમના દીવાના થઈ ગયેલા. અમે સહુ ફરીથી એમને મળ્યા. અમારી સભામાં સંવાદ થયેલો “તમે અમારા આર. કે.”

“ મીન્સ?”

“નારાયણ”

“એટલે શું?”

“એકે કાલ્પનીક માલગુડી ઉભું કર્યું ને બીજાએ વાસ્તવિક ભાવનગર ઉભુ કર્યું એટલે.”

વાત આ છે વાર્તા કહેતા આવડે છે એમને. બરાબરી મલાવી – મલાવીને એવુ રસાયણ પેદા કરે સીધુ તમારા દિલો દીમાગામાં ફરી વળે અને વાર્તાને અંતે તાજા-માજા.  બહુ હાથવગુ એમને વાર્તાનુ કૌશલ્ય અને સહાયક સરંજામ. ચિત્રની વાત આવે, ઇતિહાસ આવે, ભાવનગરનો વર્તમાન અને ભૂતકાળ ભળે, રાજઘરાનાના વ્યકિતઓ, શાસક અમલદાર, સામાન્ય પ્રજાની વાત આવે. અને એ બધું લહેકા-ચહેકા સાથે ખુલે. તળજીવન અને એની પ્રજા ઉમેરાય. હસાવે ને રડાવે પણ ખરા. વિચારવા પ્રેરે ને ભૂલી જવા આંગળી ચીધે. કેટકેટલુ એના દિમાગમાં હશે. વિષય વૈવિધ્ય કેવું  ગજબનું! વાર્તા કલા શીખનારે એમના સંગ્રહમાંથી પસાર થવુ રહ્યુ.

દરેક જીવનમાં અમુક સમય એવા આવે કે મેઈન રૂટ ખોવાઈ જાય. મારુ એવુ થયુ. ખાસ્સા પાંચેક વરસ સુધી હુ કટ ઓફ  થઈ ગયો – લીટરેચર, બૃહદસમાજ, કિશોર અને આ દંપતિથી. પણ પુનઃ સ્થાપીત થયો ત્યારે માનવા ન જોઈએ તે સમાચાર હકીકત સ્વરૂપે સ્વીકારવા પડ્યા.

વળી કોકિલાબેન સામે આવ્યા. ગધસભામાંની બેઠકમાં મારા હાથમાં ‘અમે ભાનવગરના -2’ મૂકયુ અને જોઈ જવા કહ્યુ. પુન: મુદ્રણ કરવાનું હોઈ ક્ષતિઓ જોઈ જવા ભલામણ કરી. સાંજે બીજે દિવસે અમારા ઘરે અમે ફરીથી મળ્યા ત્યારે બધુ વિસરાઈ ગયેલુ ઉભરી આવ્યુ. તંતુ  સંધાયો પણ કિશોરભાઈની સદેહ ગેરહાજરી ખટકી. કિશોર રાવળ નથી એ હજુય હું સ્વીકારી શકતો નથી. બંનેને સજોડે જોયા કાયમ. કોકિલાબેન બેઠા બેઠા જમતા હતા અમારી સાથે ત્યારે એમ જ. લાગ્યું કે તે સામેની ખુરશીએ એમની બાજુમાં છે. ખુરશી એટલા સારુ ખાલી છે કે હેન્ડઝ વોશ કરવા ગયા છે! પણ આ માણસ આટલે દુર જાય એ કેમ ગળે ઉતરે?

એ નમુનેદાર રહયા હતા. હર કોઈ ને એ આદર્શ પુરો પાડી શકે. પ્રેમમાં ઉમરની શી વિસાત! તો ભલા નૃત્ય કલા સારુ ઉમરની શી વિસાત!  ચિત્રો દોરવા એ પરંપરાગત મળેલો કૌટુંબિક વારસો પણ બીજુંય કેટલું ઉમેરાયુ! સંપાદક બની મેગેઝીન સંભાળ્યું, વેબ મેગેઝીન શરૂ કર્યુ. કેવી નોવેલ્ટી! રસાળ બરફના રંગીન ગોળા જેવા કેસુડાના દરેક અંકો. ગુજરાતી ફોન્ટમાં મુશ્કેલી પડતી તો એના ઉકેલ શોધી આપ્યા. સંપાદક તરીકે વણદીઠેલા વ્યક્તિઓ સામે મૂકી આપ્યા. રસોઈ કળા પણ શીખી. વાંચન અજબ ગજબ! વિશ્વસાહિત્ય ખંખોળી નાખ્યું.  ઉધમ હરદમ અને છતાય સ્ફૂર્તિ તરવરે એમનામાં. એટલેજ સ્તો એમને નજરમાં રાખુ  ને, હું ખુદ કિશોર થવા કોશિશ કરતો રહેલો. બધાના દિલમાં અવકાશ છોડતા ગયા એક તરફ ને બીજા ખુણામાં એમણે આપેલો ખજાનો જીવનભર ફંફોસતા રહીએ તેટલુ આપતા પણ ગયા.

ખટકો મને એક કાયમનો રહ્યો. એ આવેલા ત્યારે અમે અમારો લઘુકથા સંગ્રહ ‘અમે’ તૈયાર કરતા હતા. નસીમની અને મારી એમ કુલ પચાસ લઘુકથા આપી. બીજે દિવસે દરેક લઘુકથા વિશે નાની નાની ટીપ્પણી ઓ લખી આપી. કઠણાઈ એવી થઈ કે પ્રીન્ટ વખતે એ હાથવગી થઈ નહી.  મોડેથી મળી આવી પરતું તેમનો એકેય અક્ષર અમારાં સંગ્રહમાં પ્રકટ કરી શક્યા નહિ. હવે જયારે જયારે પેન્સિલથી લખેલી નોધ હાથમાં આવે કે એક સણકો ઉપડે મનમાં.

કિશોરભાઈ એવું ન કરાય. હું લખું તે તમારી ચોપડીમાં ન આવે તમે લખો એ મારી ચોપડીમાં ન આવે. ખેર, કોઈ વેળા એ હિસાબ કરીશું. પણ ત્યાં સુધી મારા મનમાં બીજા કિશોરને ઉતારું “ચલતે ચલતે મેરે એ ગીત…”

જાઓ, કિશોરભાઈ પણ અમે નહિ કહીએ અલવિદા તમને!


લેખક: હરીશ મહુવાકર, ભાવનગર, harishmahuvakar@gmail.com

One thought on “ત્રિ-કિશોર

  1. હરીશ સર.. કિશોર રાવળના તમારાં ભીના સ્મરણોમાં અમને સામેલ કરીને તમે ભાવનગરના આર. કે. નો સુંદર પરિચય કરાવ્યો. એમની યાદમાં સાડા ત્રણ વર્ષ બાદ પણ શ્રદ્ધા સુમન ચડાવીને વાચકોને પણ તેમની હયાતી નો અણસાર અપાવ્યો. કિશોર રાવળે પેન્સિલ થી લખી આપેલી નોધો તમારાં પુસ્તકમાં સમાવી ન શક્યાના સણકાની વેદનાનું સંવેદન પણ અનુભવાયું. અમે પણ નથી કહેવાના તેમને ….અલવિદા!!
    જયંત રાઠોડ, અંજાર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s