સાર્થક સંવાદ

વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ

photo: https://en.wikipedia.org/wiki/Bibliography_of_Swami_Vivekananda

શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદનો મત એકદમ ક્રાંતિકારી હતો. તેવો માનતા હતા કે ભારતના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ તો આપવું જ જોઈએ,પણ સૌથી વધુ જરૂરી છે, તેમને વૈજ્ઞાનિક અને ટેકનિકલ શિક્ષણ આપવું તે. અમેરિકા અને યુરોપિયન પહોંચ્યા એ અગાઉ પણ સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુર્જાગૃતિ શક્ય નથી. શિક્ષણમાં વિજ્ઞાન અને ઉદ્યોગના અધ્યયન ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. ભારતના સુપ્રસિધ્દ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વ ના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે. જમશેદજી ટાટા સવામીજીના આવા વિચારોથી ઘણા જ પ્રભાવિત થયા હતા.

જમશેદજીએ 23 નવેંબર, 1898 એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં સહભાગી થવા ભારતથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે એ જ વહાણમાં ભારતના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ હતા. જમશેદજી જાપાન જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં સ્વામીજી અને જમશેદજી વચ્ચે ભારતમાં ઉદ્યોગ-વિજ્ઞાનની સ્થિતિ તેમજ અધ્યાત્મ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હશે, એ આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

સ્વામી વિવેકાનંદની સ્પષ્ટ માન્યતા હતી કે ફક્ત પુરુષોએ જ શિક્ષિત થવાનું નથી, પરંતુ મહિલાઓએ પણ શિક્ષિત થવાનું છે. સ્વામીજીએ કહ્યું કે જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહી થાય ત્યાં સુધી દેશકલ્યાણની સંભાવના નથી. સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તતા અને કુપ્રથાઓ ત્યાગીને ભારતમાતાને દેવી સ્વરૂપ જાણીને ફક્ત તેની જ આરાધના કરવાનો આગ્રહ કર્યો.

તેમણે કહ્યું: ‘આગામી પચાસ વર્ષ માટેનો જગદ્જનની જન્મભૂમિ ભારતમાતાને જ આરાધ્યદેવી માનો. આપણો દેશ જ આપણા જાગ્રત દેવતા છે. જે વિરાટ દેવતાને આપણી ચારે બાજુ જોઈ રહ્યા છીએ, તેમની જ પૂજા આપણે કરીએ!’

આ રાષ્ટ્ર જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને તેમની પૂજાનો અર્થ છે તેમની સેવા.


પ્રિય સ્વામી વિવેકાનંદ,

આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.

આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઈ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઈ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જયા ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કંઈ હોઈ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુધ્દની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. 

એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગ્રણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ.

સસન્માન, આપનો
જમશેદ એન. ટાટા. 


દિવ્યભાસ્કરના સૌજન્યથી, socialnetwork.kishormakvana@gmail.com

સુવાક્ય

 1. લાગણીની ભાષા દિલ જીતી લે છે. અધિકારની ભાષાથી બીજાના દિલમાંથી સ્થાન ગુમાવી દેવું પડે છે.
 2. જ્ઞાતિ નહી, ચારિત્રથી વ્યક્તિ સમાજમાં ઊંચો ગણાય છે.
 3. જૂઠા માણસો મોટાભાગે વધુ જોરથી બોલતા હોય છે.
 4. હિંમત એ વિજય અને ભય એ જ પરાજય છે.
 5. કીડો કાપડને ખાય છે, આળસ ઉત્કર્ષને ખાય છે.
 6. અધૂરા જ્ઞાનનો અહંકાર વધુ ખરાબ છે.
 7. દંભ સારા બનવા કરતા સારા દેખાવાની ઈચ્છા રાખે છે.
 8. પ્રમાણિકતા સારા દેખાવા કરતા સારા બનવાની ઈચ્છા રાખે છે.
 9. જ્યાં વિશ્વાસ હોય ત્યાં શંકાને કોઈ સ્થાન નથી.
 10. જે હસતો રહે છે તેને મોટે ભાગે દવાની જરૂર નથી.

રમાબેન રાવળ તરફથી ગુંજન, ભાગ ૨, મનન-ચિંતન-કંડિકાઓ, સંકલન-સંપાદક મણિલાલ એમ પટેલ

મીઠી વિરડી

સવારના સાત વાગે સેલફોનની કોલર ટ્યુનનો આઘાત થયો: જાગો મોહન પ્યારે જાગો, નવયુગ ચુમે નયન તિહારે, જાગો…એણે મહાપરાણે નૈન ખોલ્યાં, ઓહ! શ્રીમતીજીનો ફોન હતો:  “હા’હલો”

“હજી સુતા છો? ચાલવા નથી ગયા આજ? ઘરમાંથી પત્નીના જવાની જ વાટ જોતા હો છો તમે પુરૂષો.” શ્રીમતિજી ફોન ઉપર ગરજ્યા.

“અરે ભાઇ, આજ રજા છે રામનવમીની. રામચંન્દ્રજી જન્મીને આ ઊપહાર આપતા ગયા છે, માણવા દો ને જરા.”

“હા, હા માણો. માણવાનું તો બૈરી વગર જ હોય ને?”

“હશે. પણ સવાર સવારમાં હું યાદ દાસ્તાનમાં કેમ આવ્યો?”

“એ આજ રજા છે તો કપડાં બે દિવસના ભેગા થયા છે તે મશીનમાં નાખી દેજો, ઊપરની ટાંકીમાં પાણી ચડાવવાનું છે.” પત્નીએ કામ ગણાવ્યાં.

“ભલે સાહેબ, થઇ જશે. પણ લગ્ન માણવા ગયા છો તો માણોને મોજથી, બાકી બધું થયા કરશે.”

watercolor: Kishor Raval

“અરે યાદ ન કરાવીએં તો શું ધૂળ ને ઢેફાં થાય? લ્યો મુકું છું, મારી મમ્મી બોલાવે છે.” અને સેલફોન ડીસકનેક્ટ થઇ ગયો.

તેણે મોબાઇલ પલંગને સામે છેડે ફેંક્યો. માથું ઓશિકા ઊપર બરોબર ગોઠવ્યું. સુખની થોડી ક્ષણ પણ કયાં કોઇથી સહેવાય છે? આ સુખ પણ કેવી મરીચીકા છે, જે ક્યારેય મળતું નથી અને આભાસી સુખ માણવામાં ક્યારેક સફળ થઇએ તો આ સેલફોનનું ગ્રહણ અને એ દ્વારા પત્નીનું તાંડવ. સારૂં થયું સાસુએ બોલાવ્યા દિકરીને નહીં તો ફ્રી લેક્ચર સીરોઝનું એક વધુ ભાષણ આવી પડત. કોઈની મગદૂર છે કે ડાહ્યા શ્રોતાની જેમ ન સાંભળે?

પણ હવે પેલા સપનાને માણવાની ઊંઘ અત્યારે થોડી જ આવવાની છે? માણસ પણ કેવો અભાગિયો છે. ગમે તે સમયે ભોંમાંથી ભાલા ઊગી નિકળે, એક અર્ધી કલાક પછી ફોન કર્યો હોત તો?

ચાલ સુવાથી કાંઇ વળવાનું નથી. પહેલા રજાના દિવસની મસ્ત મજાની ચા તો પી લઊં. ઘણા દિવસે બે ચમચી વધારાની ખાંડ વાળી ચા પીવા મળશે.

એ ચા બનાવી પીવા બેઠો. કેવું ઝડપથી છીનવાઇ ગયું હતું બધું. એ પણ અણધારી રીતે. નહીં તો એણે અને સુધાએ નક્કી કરી જ નાખ્યું હતું કે આમ તો બન્ને ના માબાપ લગ્ન કરાવી દે એવી કોઇ શક્યતા રહી ન હતી. પેલા જુના જરીપુરાણા કારણો જ: જ્ઞાતિફેર ને આર્થિક અસમાનતા ને શોધીએં તો કેટલા બધા કારણો મળી આવે! એટલે એકવાર ભાગી જઇને લગ્ન કરી લેવા પણ સમય-સ્થળ નક્કી કરવામાં ઘણો સમય વેડફાઇ ગયો અને એક દિવસ સુધાને રાતોરાત મોસાળ મોકલી દેવાઇ અને પછી એને જાણવા મળ્યું કે સુધાને તો પરણાવી દેવાઇ છે.

એને તો હાથ ઘસવાના જ આવ્યા. પછી થયા સમયના મલમપટ્ટા. અને એ પણ પરણ્યો જ. જીવનનું ગાડું ગબડતું રહ્યું, હા રગશિયું ગાડું.

પણ સુધા ભુલાતી’તી ક્યાં? વાસ્તવિક કરતાં એ કલ્પના અને સપનાની દુનિયામાં અધિક જીવતો થઇ ગયો હતો, ત્યાં એ સુધાને મળી શકતો, અડી શકતો, એને આલિંગી શકતો, ચુમી શકતો ને એ કેટલો ખુશ રહી શકતો! આજ પણ સવારનું સપનું એનું જ હતું ને!

પણ સવારે તો પડતો જ ક્યારેક દૂધવાળાનો સાદ, ક્યારેક ફોનની રીંગ, ક્યારેક પત્ની નો નાદ.

પછી?

પછી કાંઈ નહીં. વાસ્તવિકતા એ એક એવો ખૂંટો હતો જ્યાં હરાઈ થઈને વિહરતી કલ્પનાઓને બંધાયા સિવાય છૂટકો ન હતો. એ ક્યારેક મનને વઢતો – સાચુકલું વઢતો પણ…

કરુણતાય કેવી હતી એણે હકીકતોનૂં વાવેતર કરેલું અને એ ફક્ત સપના જ લણી શક્યો અને એ સપના એની માટે આજ આશ્રયસ્થાન બની ગયા હતા. એ એમાં મહાલી શકતો, ડુબી શકતો, એ એને મીઠી વિરડી કહેતો.


ભાવનગર, November 7, 2016
Lakshman Radheshwar <lvradhe@outlook.com>

વૃક્ષો ઓછા થતા ગયા છે

વૃક્ષો ઓછા થતા ગયા છે.
વાતાવરણમાં અંગારવાયુના પ્રમાણમાં વધારો થતો રહે છે.
તાપમાનનો વધારો અટકાવવની જવાબદારી આપણીજ.

ઊર્જાના રખેવાળો, હા, તમે પણ પરિવર્તન આણી શકો છો.

watercolor by Kishor Raval
watercolor by Kishor Raval
 • BEE સ્ટાર લેબલ ધરાવતા સાધનો વાપરો.
 • જરૂર ના હોય ત્યારે પંખો, ટીવી જેવા વીજ ઉપકરણોની સ્વીચ બંધ રાખો.
 • તમામ વીજ ઉપકરણો સ્વચ્છ રાખો.
 • ફ્રિજનું બારણું ખોલતા પહેલાં શું શું તેમાંથી બહાર કાઢવાનું છે તે વિચારી રાખો.
 • કાગળ, પ્લાસ્ટિક, કાચની વસ્તુઓને પુન: ઉપયોગમાં લો.
 • કાગળની બંને બાજુ વાપરો.
 • કચરો જ્યાં ત્યાં ના નાંખો.
 • બ્રશ કરતી વખતે નળ ચાલુ ના રાખો.
 • ટપકતા નળનું સમારકામ કરાવો.
 • વ્યક્તિગત ધોરણે જીવનશૈલી બદલીને હવામાનના બદલાવને અટકાવવા પ્રયત્નનશીલ લોકોના પ્રયત્નને નજરઅંદાજ ના કરો.
 • પુન: પ્રાપ્ય ઊર્જાના વપરાશ વધારો.
 • વીજ- સંચાલિત સાધનોનો વપરાશ ઘટાડો.
 • ઊર્જા કાર્યદક્ષતા સુધારો. ગૃહક્ષેત્રે ઊર્જાબચત માટે સભાન રહો.
 • સતત જાજરુમાં વહેતા પાણીનું સમારકામ કરાવો.

મજધારે કિનારો જઈ બેઠો

મજધારે કિનારો જઈ બેઠો

watercolor by Kishor Raval
watercolor by Kishor Raval

કાંઠાની તો ઓળખ બાકી છે
ભલે જન્મોજનમની થઈવાતો
તારા પ્રેમની ઓળખ બાકી છે

જેની સાખે સપના મહોર્યા’તા
એ પાળ સરોવર બાકી છે
તારા અંતરથી આ અંતરના
અંતરને સમજવું બાકી છે.

તારા નયનોમાં ઉન્માદ હતો
જેનું સ્વપ્નમાં ગુંજન બાકી છે
પગદંડી હતી તારા પગલા હતાં
તારો પગરવ સુણવો બાકી છે.

 

લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર