મીઠી વિરડી


સવારના સાત વાગે સેલફોનની કોલર ટ્યુનનો આઘાત થયો: જાગો મોહન પ્યારે જાગો, નવયુગ ચુમે નયન તિહારે, જાગો…એણે મહાપરાણે નૈન ખોલ્યાં, ઓહ! શ્રીમતીજીનો ફોન હતો:  “હા’હલો”

“હજી સુતા છો? ચાલવા નથી ગયા આજ? ઘરમાંથી પત્નીના જવાની જ વાટ જોતા હો છો તમે પુરૂષો.” શ્રીમતિજી ફોન ઉપર ગરજ્યા.

“અરે ભાઇ, આજ રજા છે રામનવમીની. રામચંન્દ્રજી જન્મીને આ ઊપહાર આપતા ગયા છે, માણવા દો ને જરા.”

“હા, હા માણો. માણવાનું તો બૈરી વગર જ હોય ને?”

“હશે. પણ સવાર સવારમાં હું યાદ દાસ્તાનમાં કેમ આવ્યો?”

“એ આજ રજા છે તો કપડાં બે દિવસના ભેગા થયા છે તે મશીનમાં નાખી દેજો, ઊપરની ટાંકીમાં પાણી ચડાવવાનું છે.” પત્નીએ કામ ગણાવ્યાં.

“ભલે સાહેબ, થઇ જશે. પણ લગ્ન માણવા ગયા છો તો માણોને મોજથી, બાકી બધું થયા કરશે.”

watercolor: Kishor Raval

“અરે યાદ ન કરાવીએં તો શું ધૂળ ને ઢેફાં થાય? લ્યો મુકું છું, મારી મમ્મી બોલાવે છે.” અને સેલફોન ડીસકનેક્ટ થઇ ગયો.

તેણે મોબાઇલ પલંગને સામે છેડે ફેંક્યો. માથું ઓશિકા ઊપર બરોબર ગોઠવ્યું. સુખની થોડી ક્ષણ પણ કયાં કોઇથી સહેવાય છે? આ સુખ પણ કેવી મરીચીકા છે, જે ક્યારેય મળતું નથી અને આભાસી સુખ માણવામાં ક્યારેક સફળ થઇએ તો આ સેલફોનનું ગ્રહણ અને એ દ્વારા પત્નીનું તાંડવ. સારૂં થયું સાસુએ બોલાવ્યા દિકરીને નહીં તો ફ્રી લેક્ચર સીરોઝનું એક વધુ ભાષણ આવી પડત. કોઈની મગદૂર છે કે ડાહ્યા શ્રોતાની જેમ ન સાંભળે?

પણ હવે પેલા સપનાને માણવાની ઊંઘ અત્યારે થોડી જ આવવાની છે? માણસ પણ કેવો અભાગિયો છે. ગમે તે સમયે ભોંમાંથી ભાલા ઊગી નિકળે, એક અર્ધી કલાક પછી ફોન કર્યો હોત તો?

ચાલ સુવાથી કાંઇ વળવાનું નથી. પહેલા રજાના દિવસની મસ્ત મજાની ચા તો પી લઊં. ઘણા દિવસે બે ચમચી વધારાની ખાંડ વાળી ચા પીવા મળશે.

એ ચા બનાવી પીવા બેઠો. કેવું ઝડપથી છીનવાઇ ગયું હતું બધું. એ પણ અણધારી રીતે. નહીં તો એણે અને સુધાએ નક્કી કરી જ નાખ્યું હતું કે આમ તો બન્ને ના માબાપ લગ્ન કરાવી દે એવી કોઇ શક્યતા રહી ન હતી. પેલા જુના જરીપુરાણા કારણો જ: જ્ઞાતિફેર ને આર્થિક અસમાનતા ને શોધીએં તો કેટલા બધા કારણો મળી આવે! એટલે એકવાર ભાગી જઇને લગ્ન કરી લેવા પણ સમય-સ્થળ નક્કી કરવામાં ઘણો સમય વેડફાઇ ગયો અને એક દિવસ સુધાને રાતોરાત મોસાળ મોકલી દેવાઇ અને પછી એને જાણવા મળ્યું કે સુધાને તો પરણાવી દેવાઇ છે.

એને તો હાથ ઘસવાના જ આવ્યા. પછી થયા સમયના મલમપટ્ટા. અને એ પણ પરણ્યો જ. જીવનનું ગાડું ગબડતું રહ્યું, હા રગશિયું ગાડું.

પણ સુધા ભુલાતી’તી ક્યાં? વાસ્તવિક કરતાં એ કલ્પના અને સપનાની દુનિયામાં અધિક જીવતો થઇ ગયો હતો, ત્યાં એ સુધાને મળી શકતો, અડી શકતો, એને આલિંગી શકતો, ચુમી શકતો ને એ કેટલો ખુશ રહી શકતો! આજ પણ સવારનું સપનું એનું જ હતું ને!

પણ સવારે તો પડતો જ ક્યારેક દૂધવાળાનો સાદ, ક્યારેક ફોનની રીંગ, ક્યારેક પત્ની નો નાદ.

પછી?

પછી કાંઈ નહીં. વાસ્તવિકતા એ એક એવો ખૂંટો હતો જ્યાં હરાઈ થઈને વિહરતી કલ્પનાઓને બંધાયા સિવાય છૂટકો ન હતો. એ ક્યારેક મનને વઢતો – સાચુકલું વઢતો પણ…

કરુણતાય કેવી હતી એણે હકીકતોનૂં વાવેતર કરેલું અને એ ફક્ત સપના જ લણી શક્યો અને એ સપના એની માટે આજ આશ્રયસ્થાન બની ગયા હતા. એ એમાં મહાલી શકતો, ડુબી શકતો, એ એને મીઠી વિરડી કહેતો.


ભાવનગર, November 7, 2016
Lakshman Radheshwar <lvradhe@outlook.com>

One thought on “મીઠી વિરડી

Leave a comment