દોડ

રણ અફાટ હતું. એ ખેંચાયે જતો હતો. પાણી દૂર દૂર જતું હતું. તરસ વધતી જતી હતી. ભટકી-ભટકી થાકી જવાયું. આખરે તળાવ મળ્યું. લાગલું જ મોઢું લગાવી પાણી પીવા માંડ્યો. તરસ છીપી જ નહીં. જાણે પેટમાં કાણું પડ્યું. બધું પાણી બહાર નીકળી ગયું.

એનાથી જાગી જવાયું. માંડ માંડ ઊંઘ આવી હતી. એણે આકાશમાં નજર ફેરવી. તારોડિયા ઝાંખો પ્રકાશ ફેલાવતા હતા.

એને પોતાની તનતોડ મહેનતને અંતે મળ્યું હતું : દિવાલો. ચાર કાળી દિવાલો. અંધારું. એનાંથી ઘેરાયેલું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.

પેલો રઘલો હતો. એને મહેનતને નામે મીંડું હતું. અંતે એને મળ્યું હતું : દિવાલો ચૂનાથી રંગાયેલી દિવાલો. બે મેડીઓ. એંશી વીઘા ખેડ. એક ટ્રેક્ટર, વીજળીની લાઇટથી ઝગતું ઘર. આવતી કાલે પણ એવું જ હશે.

પડખે વહેતી નદીનો અવાજ સંભળાયો. એ ઊભો થયો. નદી તરફ ચાલ્યો. ચોતરફ ઊંઘે ઘેરાવો ઘાલ્યો હતો. માણસ, પશુ, પંખી, વૃક્ષો – સૌ એમાં ઘેરાઇ ગયાં હતાં. ગામ આખુંય ઘસઘસાટ સૂઇ રહ્યું હતું.

Image credit: gdb.rferl.org

ભેંશો અને ગાયો ગમાણમાં બેપરવા લાંબી પડેલી હતી. પડખેથી નીકળ્યાં તોય કાળીયા કૂતરાને ખબર ન પડી. પોતાને કેમ ઊંઘ નથી આવતી?

એ નદી કિનારે પહોંચી ગયો. ઠંડી હવાનો સ્પર્શ થયો. માએ જાણે મમતાભર્યો હાથ ફેરવ્યો.

નદી પડખે એ બેઠો. પગ બોળ્યા. ઠંડું લાગ્યું. મજા આવી. શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. અજબ નશો છવાઇ જવા લાગ્યો. પ્રકૃતિ આખી શા માટે નિદ્રાધીન બની ગઇ હતી તેની એને ખબર પડી ગઇ.

એણે નદીમાંથી ખોબો પાણી પીધું. સંતોષ સાથે એ ખળખળ વહેતી નદીને જોઇ રહ્યો.


હરીશ મહુવાકર, ભાવનગર

મામી ગભરાણાં

મામી પહેલી વાર એકલા અમેરિકાથી ભારત જવા ઉપડ્યા દીકરી એરોડ્રોમ મૂકવા આવી હતી. તેણે મામીને સીક્યોરીટી સુધી પહોંચાડયા અને સૂચના આપી કે તારે A વીંગમાં જવાનું છે. ભલે કહી મામીએ તેની વિદાય લીધી.

સીક્યોરીટીની વીધિ પતાવી મામી આગળ ઉપડ્યા. A wing તો દેખાયો,પણ તેમા જમણી બાજુ કે ડાબી બાજુ જવુ તેમ વિચારતા જમણી બાજુ વળી ગયા. હજી બે કલાકની વાર હતી એટલે ધરપત હતી. વિંડો શોપીંગ કરતાં કરતાં છેવાડે પહોંચ્યાં. ત્યાં 35 C દેખાણું. તેણે હાથમાં પકડેલા પાસપોર્ટ વચે દાબેલા બોર્ડીગ પાસ પર નજર નાખી તો 35 C છેવાડે મોટા અક્ષરમાં જોયું. એટલે ટોળુ બસમાં ચડતું હતું તેની સાથે બસમાં ચડી ગયા. દરવાજે ઉભેલી બહેને ખાલી પાસપોર્ટનો ફોટો જોયો અને તેને જવા દીધી હતી.
બસ તો બીજા ટર્મીનલ માટે ઉપડી. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો, મામી તો આકાશના રંગો જોતા જોતા ભારતના સ્વપના જોતા બેઠા. પંદર મીનિટમાં બસ બીજા ટર્મીનલે પહોંચી. ત્યા ફરી બોર્ડીંગ પાસ અને પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે તમે ખોટા ટર્મીનલમાં આવ્યા છો. આ બસ પાછી જાય છે તેમાં પાછા જાવ. 35 C તેની સીટનો નંબર હતો!
મામી વીલે મોઢે પાછા ફર્યાં. 35 C માંથી ઉતરી પાછા ફરતા બધી વીંડો શોપીંગની એંધાણીઓ જોતા ચાલતા હતા.ત્યાં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પહોંચયા. એટલે ખ્યાલ આવ્યો કે હવે સીધા જવાનું છે A wing ની સાઈન જોઈ. ખાતરી કરવા કોઈ બીજાગેઈટની બાઈને પૂછ્યંુ અને તેને બોર્ડીંગ પાસ બતાવ્યો. તેણે જણાવ્યુ કે તે બરાબર જઈ રહ્યા છેપરંતુ હજી ખાસુ ચાલવાનું છે. ગભરાયેલા મામીને હિંમત આવી ગઈ અને એમણે પગ ઉપાડ્યો..
લેખક: કોકિલા રાવળ, kokila@kesuda.com

સાંજ ઢળે

સાંજ ઢળે કે આંખની પાળે
વાટ જોયાની વેળા ઉઘડે

 કંઠે કોઈના નામનો ડૂમો

watercolor: Kishor Raval
આખો દિવસ ભડભડ બળતો
પછી સાંજ ઘેરાવા ટાણે
થઈને કોમળ સૂર, પીગળતો
સૂરજ ઝીણું જંપે ત્યારે
રોમરોમમાં મેળા ઉઘડે
અને આવશે કે આવ્યાંની
ક્ષણના પગલાં ટોળે વળતાં
છૂટા પડ્યાથી ફરી મળ્યાની
વચ્ચેનાં સંતાપો ટળતા
રોજિંદી ઘટના થઈ શમણાં
હવે આપણી ભેળા ઉઘડે
કવિયત્રી: નંદિતા ઠાકોર, પુસ્તક: મારામાં તારું અજવાળું

બા ન હોય ત્યારે

બા ન હોય ત્યારે

photo: Kokila Raval, Birmingham UK

આમ તો કશું ન થાય…
બાપુજી ઓફિસે જાય
દાદીમા માળા ફેરવે,
મનુ કોલેજ જાય…
બધું જ થાય,
પણ જાણે મોળું,
ખાંડ વગરની ચા જેવુ.

બા ન હોય ત્યારે
કોઈ ગુસ્સે થાય,
મનુ રાતે મોડો આવે તો
કોઈ વારે ઘડીએ અધીરાઈથી
બારીએ ન ડોકાય,
ઘડિયાળના કાંટા બરછી-ભાલાં જેવા
ન થઈ જાય,
કોઈની વ્યાકુળ આંખે
હમણાં પડ્યા કે પડશે એવાં
અદશ્ય આંસુઓનું તોરણ ન બંધાય,
ગળે બાઝેલા ડૂમા આડે
ઠપકાને ઓગાળી દઈ
કોઈ મનુને પૂછે નહીં-
થાક્યો હોઈશ ભાઈ,
થાળી પીરસી દઉંને?

બા ન હોય ત્યારે
સવાર પડે, પણ પૂજા કરવા બેઠેલાં દાદીને
વાટ જડે નહીં
ઠાકોરજીને મોહનથાળ ને ઠોર મળે નહીં
બાપુજીને ગંજી, પાકીટ, ચાવી મળે નહીં
રસોડામાંથી વઘારની સોડમ તો આવે
પણ એમાં દાઝેલાં શાકની ગંધની
ભેળસેળ થઈ જાય,
પાણીની ઠીબ સુકાઈ જાય,
પંખી ચણ વિના ઊડી જાય,
તુલસી સુકાઈ જાય….

બા ન હોય ત્યારે આમ તો કશું ન થાય,
એટલે કે
કશું જ ન થાય…


લેખક: ઉષા ઉપાધ્યાય
પુસ્તક:
ઉષા ઉપાધ્યાયનાં કાવ્યો, સં. કેતન બુંહા

પુસ્તક પરિચય: The Blood of Flowers

photo: Kokila Raval

વાંચવા જેવુ પુસ્તક.

સત્તરમી સદીની આ વાર્તા દંતકથામાં આવતા lsfahan (Persia) શહેરની છે.

છોકરીની નાની ઉમરમાં બાપ ગુજરી જાય છે. ગામડેથી મા-દીકરી શહેરમાં કાકાને ત્યાં જાય છે. તે જમાનામાં દાયજા (davari)ની પ્રથા હતી. બાપ જીવતા હતાં ત્યારે કાકા સાથે વરસો સુધી સબંધ ન્હોતો. કાકા તેને નોકરની જેમ રાખે છે. દાયજાના પૈસા ભેગા ન કરી શકવાથી તેના લગ્ન થઈ શકે તેમ નથી.

કાકા શાહના રાજ્યમાં જાજમ (carpet) બનાવવાના ડિઝાયનર હતાં. તેની સાથોસાથ મદદ કરતાં કરતાં તે પોતે તેમાં પારંગત થઈ જાય છે. તેને જાજમની ગુથણી કરતાં તો નાનપણથી આવડતું હતું.

મોટી થતાં તેને પૈસાદાર માણસ સાથે (contract marriage) મુદતિયા લગ્ન થાય છે,જે દર ત્રણ મહિને પૈસાના સોદા સાથે સહી સીકા કરીને થાય. પોતાના મરજી વિરૂધના લગ્નમાંથી નીકળવા પોતે સામે ચાલીને લગ્ન ફોક કરે છે. કાકા મા-દીકરીને કાઢી મૂકે છે. તેઓ બીજા ગરીબ દંપતીને ત્યા આશરો મેળવે છે. પૂરૂ થતંુ નહોવાથી તેને ભીખ માગવાનો વારો આવે છે. પછી કેવી રીતે પોતાની મેળે પોતાના માન ગૌરવ અને મોભાવાળી જીંદગી પોતે બનાવે છે…

લેખક: Anita Amirrezvani

પુસ્તક પરિચય: Kokila Raval, કોકિલા રાવળ, kokila@kesuda.com

વેળા વિરમવાની

આજે કિશોરની પૂણ્ય તીથિ છે. ચાર વર્ષ થઈ ગયા. ઘરમાં બધી ભીતો તેમના ચિત્રોથી સજેલી છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં તેમની યાદ પડી છે. તેઓ ચિત્રકાર અને વાર્તાકાર બંન્ને હતાં. ભાવનગરની ઘણી વાર્તાઓ તેમની યાદદાસ્તનમાંથી લખાયેલી છે. તેઓ યુથેનેશિયામાં માનતા હતાં. તે વિચાર ‘વેળા વિરમવાની’માં પરિણમી છે. -કોકિલા

 

 

વેળા વિરમવાની

રોજ સવારે ઉઠતાં તપેલા સોનાં સમા સૂરજના પ્રકાશમા દુનિયાને નવા નવા રૂપમા નિહાળવાનો આનંદ તો રોજ માણતા હોઈએ છીએ પણ એ આનંદનુ જ્ઞાન આપણને નથી હોતું. એનુ મૂલ્ય મોટા થયે જ પરખાય.

water color: Kishor Raval

સવારે સાથે ઊઠી, નિત્યકર્મો સાથે શરૂ કરતા કરતા અમે બેઉ પાછલી બાલ્કનીએ ઊગતા સૂરજના કિરણોને આકાશમા રેલાતા, પ્રસરાતા જોતા જોતા દાતણ કરતા, સંસારીનુ સુખ મનમાં માણતાં ઊભા રહીએ. સંસારીનુ સુખ કોણે ઝાંઝવાના જળ જેવુ અને શા માટે કહ્યું હતું એ સમજાતું નથી. અમે સાથે બેસી જીવનના વૃત્તાંતો ફરી ફરી આલેખતા. વર્ષોની સતત ખોજ કરવા છતા પણ મારા બાળપણની નવી નવી વાતો કોઈ છૂપાયેલા, ભૂલાઈ ગયેલા રત્નોની જેમ કેવી રીતે ફરી હાથમા આવતી હશે એ એક મોટી અજાયબી છે! જસુના બાળપણની સાહેલીઓ, તેની સાથે ગાયેલા ગીતો, માણેલી મોજો તેના જ શબ્દોમા સજીવન થયે હું પણ ત્યાં હાજર હોઉં એટલી તાદૃશ રીતે અનુભવી શકતો. અમે પરણ્યા, પરણીને છોકરાઓ થયા, તેમના શૈશવનો કિલ્લોલ, કિશોરાવસ્થાની ધીંગામસ્તી, કૌમાર્યમા કરેલાં સપનાંઓ અને યુવાવસ્થાના થનગનાટો હજુ પણ આ તુંબડા જેટલા ખોપરામા કેવી રીતે સમાયા હશે તેનો કોઈ તાગ નથી આવતો.

આજે એ બાળકો પંખીની જેમ તેમના ભેરુઓ શોધી પોતપોતાના માળામાં કેવાં મજાનાં ગોઠવાઈ ગયા છે અને આજે આફુડા વ્હાલા લાગે તેવા તેમના બાળકો મળે ત્યારે તેમના કિલ્લોલથી અમારું જીવન ભરી દે. કયા અભાગિયાએ અનાશક્તિ યોગનો વિચાર સર્જી બીજાઓના જીવન ચૂંથી નાખવા અળવીતરાઈ કરી હશે?

અમે બન્ને મુંબઈની અમારી મઢુલીમા ગોઠવાઈને સંધ્યાકાળના શમણા જોતાં અને મોજ કરતાં.

પાંસઠ વરસે ઝાખું દેખાવા માંડ્યું. મોતિયો ઊતરાવ્યો. પણ કંઈ સીધૂં ન પડ્યું. આંખે દેખાતા ધાબાઓ જરા વધૂ સ્પષ્ટ થયા અને દુનિયા જરા ધુંધળી બની. વાંચવાનુ છોડી દેવુ પડ્યું. જસુ કહે કે કંઈ નહિ. હુ વાંચી સભળાવીશ. સારું થયુ કે એને પણ અંગ્રેજી વાંચવુ ફાવતું. ચિત્રોથી, સિનેમાના દૃષ્યોથી જે સૃષ્ટિ ન રચી શકાય તે શબ્દોથી કેવી અદભુત ખડી થાય છે. પ્રેમ કથાઓ વાંચીએ, મર્ડર મિસ્ટરિઝ વાંચીએ, ગુજરાતીમા કવિતાઓ વાંચી કે વાંર્તાઓ વાંચી. એ વાંચીને ચર્ચા કરીએ, વિચારણા કરીએ અને ખાઈ પીને મઝા કરીએ.

મને વસ્તુઓ લેવા મૂકવામાં, એક વખત મૂકેલી ફરી લેવામા ગોથાં ખાવા પડે અને અકળામણ થઈ આવે. વાળ ઓળ્યા છે કે નહિ, સેથો બરોબર છે કે નહિ, બધા શર્ટના બટનો બીડાયા, ઝીપર ખુલ્લી નથી રહીને એ વિશે સતત ચિંતા રહે. દ્રષ્ટિ વગર લૂલા બનેલા દેહ પર ગુસ્સો આવતો. જસુ હસીને ઠંડો પાડે અને બહાર જતાં પહેલાં કે કોઈ ઘરે મળવા આવતા પહેલા મને કનૈયા કુંવર જેવો કરી પ્રદર્શનીય કરી દે.

અજંપો પાર વગરનો. મન ખૂબ જ વ્યસ્ત રહે. જોઈ ન શકાય તેવુ જગત કડવું લાગતું હતું. એમા જસુને બરડાનો દુખાવો ઊભો થયો. હાલતા દુખે, ચાલતા દુખે, સૂતા દુખે અને પડખુ ફરતા દુખે. દાક્તરોને દેખાડ્યું. ગોળીઓ ખાધી પણ ગાડી કેમે પાટે ન ચડે. વા હશે, પિત્ત પ્રકોપ હશે, આર્થરાઇટીસ હશે, બધુ સાંભળ્યુ અને એ પણ ઓછું હોય તેમ પૂર્વ જન્મના પાપ હશે તેમ ધારી બેઠા. દુખાવો ઉપડે એડલે જસુની આંખોમાંથી આસુની ધારા થાય. મને તો એ દેખાય નહિ, જ્યારે દાબી રાખેલો કણસાટ કે ધ્રુસ્કા સાંભળુ ત્યારે ખ્યાલ આવે. હું જઈને પાસે બેસી જઉ અને વાંસે હાથ ફેરવુ ત્યારે મને વળગીને છૂટથી રડી લે અને મન હળવુ કરે.

મનમા ઘણુ થાય કે પેલા બાદશાહ બાબરે તેના દીકરા હુમાયુંનું મોત લઈ લીઘું તેમ મારાથી જસુનુ દુ:ખ લઈ શકત તો કેવુ સારું! પચાસ ટકા તો પ્રશ્ન હલ થઈ જાત!રાંધવામાં આંધળી આંખે જેટલી થાય તેટલી મદદ કરું. પણ દુ:ખાવાનું શું થાય.

એક દિવસ રાત્રે લાંબા થઈને સૂતા. જસુને કળ વળતી નહોતી. એકબીજાને સથવારો આપતાં, સાંત્વન શોધતાં પડ્યાં હતાં.

જસુએ વાત કાઢી “જૂઓને, એક વાત પૂછું?”

મેં હંકારો કર્યો “બત્રીશ ભોજન તેત્રીશ શાકની સામે બેઠા હોઈએ. પેટ ભરાઈ ગયુ હોય અને તો પણ ખાધે જવાનું શું કારણ? ઊલટી થાય, આફરો ચડે કે બાદી થાય તો પણ રોકાવુ નહિ.”

મને કંઈ સંદર્ભ ન સમજાયો. “આપણે ક્યારેય એવુ કદી નથી કર્યુ. કેમ આ વિચાર આવ્યો?”

“આપણે અત્યારે બીજુ શુ કરી રહ્યા છીએ? મજાની જિંદગી માણી. અને હવે આપણે બન્ને તરફડિયા નાખીએ છીએ. તમને આંખનો બળાપો અને મને આ બરડો કેડો છોડે નહિ. એવુ જીવે જવાનો કઈ અર્થ? કંઈ એવુ સ્વિચ જેવુ હોય કે જ્યારે આપણને થાય કે બહુ મજા માણી, હવે સંતોષાઇ ગયા, બીજુ કશુ જોઇતુ નથી અને સ્વિચ દાબીએ–અને એક પળમા અસ્તિત્વનો, આ યાતનાનો અંત આવે. બસ એટલુ જ મળી જાય તો જીવન કેવુ જીવવા જેવુ થઈ જાય?”

તેની પાછળનો વિષાદ ન સમજાયો હોત તો જરૂર એ વાક્ય પર હસવું આવત. પણ એ વિષાદ પૂરો સમજતો હતો. શારીરિક દુખ માણસને કેટલો લાચાર કરી દે છે? કલાક સુધી વાતો કરી. હૃદયના હુમલાથી માણસો મરી જતા હોય છે તે કેટલા સુખી હશે! એક, બે અને ત્રણ, મામલો ખતમ! પછી પગની નળીઓ કાપી, હૈયે થિગડા કરવાં એ બધું શા માટે? યુવાન હોય તો તો સમજ્યા પણ અમારા જેવા ચોપડીના પ્રકરણો પૂરા કરી બેઠા હોય એને ઝાઝું થાગડ થીગડ કરવાની શું જરૂર?

મે પૂછ્યું, “એ તો બધું બરોબર. પણ હૃદયનો હુમલો કંઈ આપણા હાથની વાત છે? અને એમાં પણ સ્ટ્રોક થઈ જાય તો? વાત વધુ વણસે.”

“ઉપાય તો નિકળે. એક વાત કહું?” જસુ બોલી. “યાદ છે કે પંચાવનની સાલમા મુંબઈમાં રમખાણો થયેલાં? અને ગુજરાતીઓ તેનો શિકાર થઈ બેઠેલા? કંઈ કેટલીક ગુજરાતી નારીઓની આબરુ લૂટાણી હતી. મારા બાપુને એ વખતે દહેશત બેસી ગઈ. પોતે વૈદ એટલે મારા માને એમણે એક સોગઠી બનાવી આપેલી. એક ચણાભાર સોગઠી પાણીમા ઘુંટી અને પી જવાથી બહુ જ ઓછી યાતનાથી દેહ પડી જાય તેવી એ હતી. માને આપેલી, કે ન થવાનુ થાય તો આ લેવી–અને નેપથ્યમાં મારા વિચારો પણ હશે એમ માનુ છુ. માને કે મને ત્યારે તો કંઈ જરૂર ન પડી. સંઘરી રાખેલી સોગઠી મરતાં પહેલા માએ મને એ આપેલી. મે હજુ સાચવી રાખી છે.

“મારાથી હવે આ સહન થતું નથી અને તમને એકલા મૂકીને જતા રહેતાં મન નથી ચાલતુ…”

અત્યારે રાતના બે વાગ્યા છે. જસુની વાતમા હું પૂરો સમ્મત થાઉ છું. જસુએ બે ચમચી તૈયાર કરી છે. કોઈ ખોટો રંજ કરશો નહિ. સ્વેચ્છાથી જ, પૂરા વિચારથી અને પ્રસન્નતાથી જ આ પગલું લઈએ છીએ અને મનમા રામનારાયણ પાઠકની નીચેની બે લીટીઓ રમે છે અને જીવન સરસ ગયું તેનો અપાર સંતોષ છે.

“રુઝવે જગનાં જખમો આદર્યાને પૂરાં કરે
ચલાવે સૃષ્ટીનાં તંતુ ધન્ય તે નવયૉવન.”

લેખક: કિશોર રાવળ
પુસ્તક: અમે ભાનવગરનાં ૨
contact: kokila@kesuda.com

બાળકોનું ચિપકો આંદોલન

લાર્જેસ્ટ ટ્રી હગનો રેકોર્ડ હવે ભારતને નામે થઈ ગયો છે. જામનગરના મીઠાપુરમાં ટાટા કેમીકલ્સમાં આવેલી ડી.એ.વી. પબ્લિક સ્કૂલ (દ્વારકા) ના ૧૩૧૬ બાળકોએ ઝાડને આલિંગન આપીને ભારતના નામે આ રેકોર્ડ કરી દીધો છે. અગાઉ, આ રેકોર્ડ કોરિયાના નામે હતો. સ્કુલના બાળકો ઉપરાંત શિક્ષક અને સ્ટાફ કર્મી સહિત ૧૪૫૦થી વધુ લોકોએ આ વિક્રમી આયોજનમાં ભાગ લીધો હતો. સ્કુલના પ્રિન્સિપાલ આર. કે. શર્માએ જણાવ્યું કે, લાર્જેસ્ટ ટ્રી હગને ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ તરફથી માન્યતા મળી ગઈ છે. કુદરતી સ્ત્રોત અને સુંદરતાને બચાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

દિવ્યભાસ્કર
ગુજરાત અમદાવાદ, શનિવાર, ૧૧ માર્ચ, ૨૦૧૭ (પાનુ ૭)

મામીની સાચવણી

બે વર્ષ પહેલા મામી ભારત ગયા. તેઓ બરાબર ભાણેજના ઘેર વડોદરામાં પહોંચી ગયા. ત્યાં તેની નાની બેન લંડનથી આવેલી. ભાણેજ સાથે બે અઠવાડિયા પછી રાજકોટ ગાડી કરીને જવું તેવું નક્કી કર્યું.

તે બે અઠવાડિયા દરમિયાન મામી દસ દિવસ માટે આરોગ્ય ભવનમાં રહેવા ગયા. ત્યાં જરૂર કરતાં વધારે પૈસા ન લઈ જવા તેવો વિચાર કરીને મામીએ પૈસા સૂટકેઈસમાં સંતાડ્યા. દસ દિવસ પછી પાછાં આવ્યા ત્યારે સૂટકેઈસમાં પૈસા ક્યાં સંતાડ્યા હતાં તે ભૂલી ગયા….

બંને બહેનોએ મળીને સૂટકેઈસમાંથી બધાં કપડાં કાઢી તેની ઘડીઓ ખોલી. મામીને ખાતરી હતી કે જ્યારે જડશે ત્યારે સૂટકેઈસમાંથી જ મળશે. એટલે તેમણે ધરપત રાખી. બહેન શોપીંગ કરવા જતી હતી. તેણે મામીને સાથે આવવાનો આગ્રહ કર્યો. મામી કહે મારી પાસે પૈસા નથી એટલે મારે શોપીંગ કરવા નથી આવવું.

રાજકોટ જવાની તૈયારી થવા માંડી. બહેન અને ભાણેજ કહે બીજા પૈસા અમેરિકાથી છોકરાંઓ પાસેથી મગાવી લ્યો.

મામી કહે ના, મારે નથી મગાવવા. મને જડીજ જશે. હમણાં તમે આપો પછી અમેરિકા પહોંચતા સુધીમાં નહીં મળે તો હું તમને ત્યાંથી મોકલી આપીશ. મામીએ આરોગ્યભવનમાં પણ ફોન કર્યો. કારણકે તેમણે થોડાં કપડાં ત્યાંની કામવાળીને આપેલા. તે દિવસે કામવાળી રજા ઉપર હતી એટલે જવાબ હતો કે તપાસ કરીને જણાવશે.

તેઓ તો રંગેચંગે રાજકોટ જવા ઊપડ્યા. ત્યાંની હોટેલમાં પાંચેક દિવસ રહ્યાં. બધાં સગા-વ્હાલા અને મિત્રોને મળી લીધું. ત્યાંથી દ્વારકા જવાનુ નક્કી થયું.

મામી પાછાં સૂટકેઈસ ગોઠવવા બેસી ગયા. બધી દવાઓ ગોઠવતા, વિચાર કર્યો કે દવાની બાટલીના ખોખા બહુ જગ્યા રોકે છે એટલે ખોખાઓને ફેંકી દેવા. એક ખોખામાથી રોલ વાળેલા અમેરિકાથી જેટલા ડોલર્સ લઈ ગયેલા તે બધાં ડોલર્સ નીકળ્યા!

મામીના જીવમાં જીવ આવ્યો. યુરેકા યુરેકા કરીને મામીએ પોકાર કરી બહેન અને ભાણેજને જણાવ્યું. પછી તરત આરોગ્યભવનમાં ફોન કરી બધી હકિકત વીગતે જણાવી.

દીકરીને અમેરિકા જઈને વાત કરી તો કહે: મમ્મી, તું મરી જઈશ પછી તારા એકોએક કપડાંની સળ ખોલીશ તો ઘણાં સંતાડેલા પૈસા નીકળશે…

કોકિલા રાવળ, Kokila Raval, kokila@kesuda.com

બાપ-દીકરી 

એ બોસની ઓફિસમાંથી બહાર આવી. ફાઈલ સાંજ સુધીમાં ફાઈનલ કરવાની હતી. ફાઈલ ખોલવા જાય ત્યાં ફોનની રીંગ વાગી. અનનોન નબર કોણ હશે? અવઢવમાં ફોન ઉપાડ્યો ”કોણ?”

“હું બારડોલી થી બોલું છું.” – સામેનો છેડો ધ્રુજતો હતો. અવાજનું કંપન ટાવરમાં થઈ કાન સુધી પહોંચ્યું. બધિર મગજ સાથે અથડાઈ પાછું પડ્યું/ અવાજ અજાણ્યો લાગ્યો. તેણે ફોન કાપી નાખ્યો.

દિવસભર કામની વ્યસ્તતા. ફાઈલોમાં પેપર્સની ઉથલ-પાથલ. સવારનો સૂરજ ઊંધો વળી સાંજે ડૂબી ગયો. ઓફિસથી નીકળતાં પહેલાં ફોન પર નજર કરી. ચોંકી ગઈ. સવારે આવેલા નંબર પરથી ત્રણ મિસ-કોલ જોયા. કોલબેક કરવાની પરવાહ કરી નહી પણ, કોણ હશે? કોઈ જાણીતું કે જરૂરીયાતવાળું તો નહી હોય ને? એવા વિચારનો ઝબકારો થયો… એવો જ બુજાઈ ગયો!

બીજા દિવસે, એજ સમયે, એ નંબર પરથી મિસકોલ. વિચાર વંટોળે ચડ્યા. થયું આ ફોન ચાળો કરવા વાળું છે કોણ? ખોટી રીતે હેરાન કરવા વાળાને ખબર પાડી દઉં…

ફોન હાથમાં લીધો. ઉશ્કેરાટમાં ડાયલ કર્યો. ફોન રીસીવ થયો કે ગુસ્સોને અકળામણ ઠલવાઈ ગયા – “કેમ ભાઈ? વારંવાર ફોન કરવાનું કારણ? કોણ છો? ક્યાંથી બોલો છો? પ્રત્યુતરમાં નિ:શબ્દતા સામો છેડો ગૂંચવાયેલો લાગ્યો.

તેનો ગુસ્સો કાબુ બહાર ગયો “તમારા જેવાને જાણું છું. બપોરે એકલી સ્ત્રી જાણી હેરાન કરવાનો ઈરાદો હોય તો માંડી વાળજો. પોલીસ ને જાણ કરતા વાર નહી લાગે…”

સામેનો છેડો સળવળ્યો “મારી દીકરીને ફોન કરું છું, બે-દિવસ થયા મુંબઈ જવા નીકળી છે. પહોંચી કે નહી સમાચાર નથી. ફોન નંબરમાં એક આંકડા નો જ ફરક છે, એટલે તારો નંબર લાગી જાય છે. માફ કરજે બેટા” વૃદ્ધ બાપની લાચારી અને નિ:સહાયતા ફોનમાં ધરબાઈ ગઈ. એ ફોન સામે તાકી રહી. સવેદના જાગી ગઈ…

તેને પપ્પા આંખોમાં ઉતરી આવ્યાં. તેમનો આંખો પણ…..

તેને ડૂમાને રોક્યો, આંખે ભરાયેલા ઝળઝળીયા ને લૂછ્યા બોલી પડી, “ઓ કે… કોઈ વાંધો નહી પણ તમારી દીકરીનો સંપર્ક થયે અમુક જાણ કરજો. હું તેના ખબર પૂછીશ” પછી જાણે પોતાના પપ્પા સાથે વાત કરતી હોય તેમ તેનાથી બોલી જવાયું  “તમારું ધ્યાન રાખજો…. અને હા, ચશ્માં ઠીક કરવી લે જો.”

આરતીબા ગોહિલ ‘શ્રી’, ૯૫/A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪૦૦૨.