પરમ 

રોઝી ઘરે આવી તેને વધૂ દિવસ થયા ન હતાં. આખો પરિવાર તેની આગળ પાછળ. રોઝી ત્યાં બેઠી, રોઝી સૂઈ ગઈ, તેણે પાણી પીધું કે નહીં? ‘મમ્મી, રોઝી મારું મોં ચાટે છે. જો ઢીંગલી લઈ બગીચામાં ભાગી.’

Image: vcahospitals.com

કોઈ બિસ્કીટ ખવરાવે, કોઈ કેક. કોઈ વળી મોઢા આગળ દૂધ મુકે. દૂધ-બ્રેડ ભેગા કરી ખવરાવવાની સલાહ પણ આપે. મારી ડોક્ટર પત્ની મીતાને ચિંતા થતી. તે કહેતી – ‘તમે બધા ખવરાવી ખવરાવી રોઝીને મારી નાંખશો.’

રોઝીના વાળ કથ્થઈ, મટમેલા રંગના. તેમાં ગુલાબી-સોનેરી ઝાંપ. ગોળમટોળ પેટનો ભાગ ઢળતો. ભરાવદાર લાંબુ મોં. આંખો ઊંડી, હંમેશા અધમીચી. તેના રેશમી વાળ પર હાથ ફરે અને લસરપટ્ટી ખાવા મજબુર થઈ જાય.

મીતાનું ડોકટરી જ્ઞાન રોઝી પાછળ લાગતું. કેટલા વાગે છોડવી, બાંધવી? ખોરાક કેવો, કેટલો આપવો. રસી ક્યારે મુકાવવી. હું રોઝીને મારી રીતે તૈયાર કરતો. એક વખતે સમજાવેલી વાત, રોઝી હંમેશા યાદ રાખતી. એકવાર કરેલી ભૂલ ફરીને ન કરતી.

એક સાંજે ફરીને પાછા આવ્યાં. નોકરે ડરતા ડરતા કહ્યું ‘રોઝી હાથમાં આવતી નથી. સાંકળે કેમ બાંધવી?’ – અમે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ રોઝી હાથ ન આવી તે ન જ આવી. દોડતી ગેરેજમાં ભરાઈ ગઈ. મેં કહ્યું, તેને બોલાવવાનું બંધ કરો. એકલી છોડી દો.’ –

બધા પોતપોતાના કામમાં લાગ્યા. જમવાનો સમય થયો, પણ તે જમવાના વાસણ નજીક ફરકી સુદ્ધા નહી. રોઝીની બેસવાની જગ્યા ખાલી….. ખાલી….. રોઝી ફરાર હતી.

નોકર કામ કરીને ગયા. મીતા અને બાળકો નિંદ્રાધીન થયો. વાંચતા-વાંચતા મારી આંખ પણ મળી ગઈ, તે છેક અડધી રાતે નીંદર ખુલી.

મારી સામેની બારીમાંથી ચાંદની ઉછળતા મોજાંની જેમ ઘસી આવી હતી. પલંગ પર સુતેલી મીતાની સુડોળ કાયા પર અથડાતી, ઓળઘોળ થઈ હસી ઉઠતી હતી. ચંદ્ર પૂરબહારમાં શીતળતા લુંટાવતો હતો, હું મીતાની મોહિનીમાં ઘેરાઈ ગયો હોત કે, અચાનક મને રોઝી યાદ આવી. ચિંતા થઈ, મારા પગ બગીચા તરફ વળ્યા.

બગીચામાં ફૂલ, પર્ણ, લતા-વેલ બધું રૂપેરી ચાંદનીમાં નહાઈ રહ્યું હતું. ચમેલીના ફૂલ, મહેંદીના પાંદડા… બધે ચાંદનીનો ઉન્માદ સળવળતો હતો. મારી નજર બગીચાના ખૂણામાં પડી. રાતરાણીના છોડ નજીક, આગળના પગ પર હડપચી ગોઠવી રોઝી મસ્તીમાં બેઠી હતી. તેની અડોઅડ પડોશીનો ‘પરમ’ મોં લાંબુ કરી, અધમીંચેલી આંખે રોઝીને જોતો નિરાંતથી બેઠો હતો. તે આનંદમાં હતો.

હું બંને ને એકી ટસે જોઈ રહયો, અને પછો મીતા તરફ વળ્યો…


લેખિકા: આરતીબા ગોહિલ ‘શ્રી’, ૯૫/A, રૂપાલી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪૦૦૨. Mobile: +91 94277 54207

પ્રેમ જેવું

photo: Kokila Raval

પ્રેમ જેવું શું હશે એ ધારવાની છે મજા,
ને પછી એથી વધારે પામવાની છે મજા.

સૂર્ય થાવાની નથી અમને લગન કે લાલસા;
એકબે ક્ષણ છાંયડામાં ગાળવાની છે મજા.

રાતરાણીની સમી યાદોની ચાદર પાથરી,
રાતની ફૂટપાથ પર આ જાગવાની છે મજા.

એ મળે તો કોણ જાણે શું થવાનું આપણું?
જે મળે કે ના મળે, પણ માગવાની છે મજા.

જ્યાં સુધી એની તને પણ વેદના થાતી હશે,
ત્યાં સુધી આ ઘાવને પંપાળવાની છે મજા.

હોય મન અંકબંધ કે તૂટેલ, એનો રંગ છે,
તૂટવાની બાદ પાછું જોડવાની છે મજા.

ભીતરે અવસર સમું ને બારણે ઓવારણાં;
તોરણોથી નેજવાં શણગારવાની છે મજા.


કવિ : અસરફ ડબાવાલા ( ધબકારાનો વારસ )

મામીની train ride

બે વર્ષ પહેલા મામીએ જુના મિત્રો તથા ભત્રીજાને મળવાનો પ્લાન કર્યો. ટ્રેઈન રસ્તે એકલા હરખભેર Philadelphia થી Connecticut ઉપડ્યા.

પહેલું ઘર Stamford માં હતું. ત્યાંથી મિત્રોએ એકબીજાને ઘેર પહોંચાડ્યા. બધાંની આગતા સ્વાગતા માણી, જુના દિવસો યાદ કર્યા તેથી મામી મોજમાં હતાં. રવિવારની સવારે ભત્રીજા અને ભત્રીજા-વહુ મામીને Stamford station સુધી કારમાં મૂકવા આવ્યા. પાર્કીંગની તકલીફ હોવાથી ભત્રીજા કારમાં રહ્યા. ભત્રીજા-વહુ મામીને સ્ટેશનની અંદર મૂકવા આવ્યા. પાટિયા ઉપર ટાઈમ ટેબલ બદલાતા હતા. અને તે પ્રમાણે લાઉડ સ્પીકર ઉપર બોલાતું હતું. મામીની ગાડી ચાર મીનીટમાં પહેલા track ઉપર આવે છે તેવી જાહેરાત થઈ. ભત્રીજા-વહુને આવજો કરી મામીએ પગથિયા ઉતરવાના શરૂ કર્યા. નીચે આવ્યા ત્યારે ગાડી ઉભેલી જોઈ. પહેલો જે ડબો જોયો તેમાં મામી ગોઠવાઈ ગયા. તરત એક મીનિટમાં ગાડી શરૂ થઈ.

image: http://i.dailymail.co.uk/i/pix/2015/10/02/07/2CFF9F5900000578-3257233-image-m-27_1443767837123.jpg

ટીકિટ ચેકર આવ્યો. થોડાં જણની ટીકિટ ચેક કરી તેણે જાહેર કર્યું કે હવે પછીના સ્ટેશને ટ્રેઇન ખાલી કરવાની છે. બધાંની સાથે મામી પણ ઉતરી ગયા. Information desk પાસે જઈ મામીએ પૂછ્યું કે તેને Philadelphia જવાનુ છે; હવે કઈ train લેવાની છે? ટીકિટ બતાવી. મામીને કહે તમે ખોટી trainમાં ચડ્યા છો. આતો સબવે સ્ટેશન છે.

તમારે Penn સ્ટેશનથી Philadelphia જવાનુ છે. એટલે પહેલા તમે ન્યુયોર્ક બાજુ જાવ ત્યાથી તમને તમારૂ Amtrakનું connection મળશે.

મામીએ બીજી ટીકિટ ખરીદી Penn સ્ટેશન તો પહોંચ્યા. પુછપરછ કર્યા પછી ખબર પડી કે Amtrak બીજા ટર્મીનલ ઉપર આવે છે. કાં બહાર નીકળીને ટેક્ષી કરો, અથવા અંદરથી ચડ ઉતર કરીને પણ જઈ શકાશે. મામીને New Yorkમાં એકલા ટેક્ષી કરીને જતા બીક લાગી એટલે અંદર જ પૂછતા પૂછતા ચડ ઉતર કરી. સાથે એક નાનકડી સૂટકેઈસ હતી. એટલે એને ખેંચતા ખેંચતા ઉપડ્યા. દાદરા આવે ત્યારે ઉંચકવી પડતી હતી. આમ ગડમથલ કરતાં કરતાં ખરી જગ્યાએ પહોંચ્યા.

દીકરી અગ્યાર વાગે Philadelphia ના સ્ટેશને તેડવા આવવાની હતી. એટલે સેલ ફોનથી થોડી થોડી વારે ટેક્ષ મેસેજ કરતાં હતાં. પરંતુ છેલ્લો ટેક્ષ ભત્રીજાને કરેલો એટલે બધાં મેસેજ તેને પહોંચતા હતાં. થાકને લીધે મામી દીકરીનુ નામ એંટર કરવાનુ ભૂલી ગયેલા.

આટલી ચડઉતર કર્યા પછી મામી ખૂબ થાક્યા હતા. સેલ ફોન કરતાં પણ હાથ ધ્રુજતા હતાં. એટલે પહેલા કોફી અને મફીન ખરીદ્દયા, ઉભા ઉભા લુસ લુસ ખાધું. જરા જીવમાં જીવ આવ્યો…

પછી ક્યા track ઉપર ગાડી આવશે તેની તપાસ કરી. ટીકીટ બારીએ ટીકીટ બતાવી. મામીને પૂછવામાં આવ્યુ કે આ ટીકીટ તો Stamford થી શરૂ થાય છે. તમે અહીં કેમ છો? મામીએ વીગતથી સમજાવ્યું. તેણે જણાવ્યુ કે તમે trainનુ connection ચુકી ગયા છો એટલે ટીકીટ રી ઈસ્યુ કરવી પડશે. તેણે મામીને બીજી બારીએ જવા કહ્યું અને સાથે બીજી એક બાઈ સાથે નોટ લખી મોકલી. મામીના મોતિયા મરી ગયા. Credit card હતું એટલે ચિંતા ન્હોતી. પરંતુ મામીની દયા ખાઈને ફરી ચાર્જ ન કર્યો, અને ક્યાંથી train ઉપડશે તે સમજાવ્યું. મામી ત્યાં જઈ ટોળા સાથે ઊભા રહ્યા. ગાડી આવી ત્યારે તેજ ટીકીટ ચેકર બધાંને ગાઈડ કરતો હતો. તેણે હસીને મામીને દોરીને વિદાય આપી.

ગાડીમાં ગોઠવાઈ ગયા પછી મામીએ દીકરીને ફોન જોડ્યો. દીકરી કહે હું સ્ટેશને જઈ પાછી ઘેર આવી. ટેક્ષ મેસેજ મળ્યા નથી. Trenton (NJ) થી ટ્રેઈન બદલવાની હતી. ટ્રેઈન બદલાવીને પાછો ફોન કરવાની સુચના આપી.

Trenton સ્ટેશન ઉપર થોડી વાટ જોવાની હતી. ત્યાં બાજુમાં બાંકડા ઉપર એક છોકરી આવીને બેઠી. મામી સાથે વાતોએ વળગી. તે પહેલી વાર Philadelphia જતી હતી. તે થોડી ગભરાટમાં હતી. મામીએ નેતા ગીરી સંભાળી. તેને સાંતવન આપ્યુ કે સ્ટેશન આવશે ત્યારે તેને જણાવશે. મામી અહીં ઘણીવાર આવેલા એટલે તેમને બધો ખ્યાલ હતો. આમ અલકમલકની વાતો કરતાં બેઠાં. તે તેના બોયફેન્ડને મળવા જતી હતી. ટ્રેઈન ફાસ્ટ હતી એટલે સમય કપાતા વાર ન લાગી. Philadelphia નુ 30th Street નું સ્ટેશન આવ્યુ એટલે તેઓ બંને સાથે ઉતર્યા. મામીએ તેને ટેક્ષીનુ સ્ટેન્ડ કઈ બાજુ છે તે બતાવ્યુ. ત્યા તો મામીએ તેમના જમાઈરાજને જોયા.

અગાયાર વાગ્યાને બદલે મામી અઢી વાગે Philadelphia પહોંચ્યા હતાં. લંચનુ સ્ટોપ કરીને તેઓ ઘર ભણી ઉપડ્યા.

ઘેર પહોંચીને વીગતે ભત્રીજાને પહોંચનો ફોન કર્યો. ત્યાં દીકરીએ ચાની તૈયારી કરી.

મામી હવે train માં બેસે તે પહેલા ટીકીટ બારીએ પૂછ્યું હોય તો પણ મુસાફરોને ચડતા પહેલા પૂછે છે. દરવાજે ટીકીટ ચેકર હોય તો તેને પણ પૂછે છે. આમ દુધનાં દાજ્યા  ફૂકી ફૂકીને છાશ પીએ છે.


લેખક: કોકિલા રાવળ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (પુસ્તક પરિચય)

photo: Kokila Raval

નટવર ગાંધીનુ નાનપણ સાવરકુંડલા જેવા નાના ગાંમમાં વીત્યું. તેમનો કોલેજનો અભ્યાસ મુંબઈમાં થયો . ભણતા ભણતા પાર્ટટાઈમ નોકરી ટ્યુશન વગેરે કર્યા. મુળજી માર્કેટમાં ગુમાસ્તાની નોકરી કરી. લગ્ન પછી નાની ઓરડી માટે ડિપોઝીટના પૈસા નહોતા. ત્રણ ત્રણ મહિને કાયદા પ્રમાણે સેનેટોરિયમ બદલવી પડી. અંતે ઉધાર પૈસા લઈને ઓરડી ભેગા થાય છે. ટ્યુશનવાળા શેઠની મદદથી મેનેનેજરની નોકરી મળે છે. નાની ઓરડીમાં પાર્ટીશન કરી નાનાભાઈને ભેગો રાખવો પડે છે.

અંતે તેનો ભાઈબંધ સામેથી ટીકિટ મોકલી તેને અમેરિકા ના અલાબામા સ્ટેટમાં બોલાવે છે. થોડો સમય ભાઈબંધ સાથે રહી તેના માર્ગદર્શન હેઠળ આગળ વધે છે. કોલેજ કેંપ્સમાં પાર્ટટાઈમ કામ કરતા કરતા આગળ પી. એચ. ડી. ની ડીગ્રી મેળવે છે. પ્રોફેસર તરિકેની નોકરી ત્યાં મળી જાય છે. વર્ષને અંતે વહુને ભારતથી તેડાવે છે. પછી તો શીક્ષણ ક્ષેત્રે બીજા બે ત્રણ સ્ટેટમાં નોકરી કરે છે.

ત્યાર પછી વોશીંગટનમાં “અમેરિકન કોંગ્રેસની ‘વોચડોગ’ એજન્સી જનરલ ઓફિસમાં એકાઉન્ટિંગ ઓફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાં જ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી ૨૦૦૦થી ૨૦૧૪ સુધી સંભાળી. એ હોદાની રૂએ વોશીંગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતાં. અમેરિકન કરવેરા અને નાણાકિય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણાં એવોડર્સથી બહુમાન થયું છે. આંતરાષ્ટ્રિય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે ૧૯૯૬માં એમને ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ પણ એનાયત થયો છે. વધુમાં ગાંધીની સાવરકંડલાથી અમેરિકાની રાજધાની વોશીંગ્ટન સુધીની જીવનયાત્રા અને વોશીંગટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી. એફ. ઓ. તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.”

હજી તેમને જન્મભૂમી માટે લગાવ છે. જ્યારે જ્યારે ભારત જાય ત્યારે બધાં સગા સંબધીઓ ને મળવા સાવરકંુડલાથી મુંબઈ સુધીની સફર કરે છે. ઘણાને આર્થીક રીતે મદદ કરે છે. સાવરકુંડલામાં સ્ત્રીઓની હોસ્પીટલને મોટુ ડોનેશન આપ્યુ છે.

ગુજરાતી ભાષા માટે પ્રેમ હોવાથી તેમણે ઘણાં સોનેટ લખ્યાછે. તેમના પુસ્તકો ‘ઈન્ડિયા ,ઈન્ડિયા’, ‘અમેરિકા, અમેરિકા’ અને ‘પેન્સિલવેનિયા એવન્યૂ ‘ છે.

ભારતે તેની શરૂઆતની કારકીર્દીમાં કદર ન કરી પણ અમેરિકાએ તેને ઘણી તક આપીને તેની કાર્યશક્તિની કદર કરી.

પુસ્તક પરિચય લેખિકા: કોકિલા રાવળ


પુસ્તક: એક અજાણ્યા ગાંધીની આત્મકથા
લેખક: નટવર ગાંધી, natwargandhi.com

પત્ર (બેનને)

પ્રિય બેલાબેન,

ખબર નહીં કે કેમ પણ આજે રોજ કરતા તમે વધારે યાદ આવ્યા. આજે મારા લગ્નનું આલ્બમ જોતી હતી. પાનેતર સાથે માથે ઓઢલો મારો ફોટો જોઈને મને આપણું બચપણ યાદ આવી ગયું.

યાદ છે… મમ્મી જ્યારે બહાર જાય ત્યારે આપણે બંને એમની સાડી પહેરીને માથે ઓઢીને નખરાં કરતાં હતાં? સાડીની પાટલી મમ્મીની જેમ ફટાફટ વાળવાની નાકામિયાબ કોશિશ પછી આખરે આપણે કંટાળીને ડૂચો વાળીને સાડી ચણિયામાં ખોસી દેતાં. પછી મોટું પેટ જોઈ હસી પડતાં. પલ્લુ માથે લઈ ને વિચારતાં કે કોણ પોતાના લગ્નમાં કેવું દેખાશે? કપાળ પર મોટો ચાંલ્લો અને બંધી કેવાં લાગશે? પછી તો એઝ યુઝવલ મારા જાડા કાચનાં ચશ્માં જોઈને હું મારા લગ્નમાં કેટલી ugli દેખાઈશ એ વિચારે મોઢું ચડાવીને બેસી જતી અને તમે મને કહેતાં:

“હું પણ મારા લગ્નમાં ચશ્માં પહેરીશ, બસ! ચલ, તંબુરાની જેમ મોઢું ના ફુલાવ, હસ હવે!”

તમને ખબર છે, મારા લગ્ન વખતે પાર્લરવાળા બહેન મને માથે બંધી પહેરાવીને પાનેતર ઓઢાડતા હતા ત્યારે મારું મન તમને બૂમો પાડીને બોલાવતું હતું કે- ‘હું બરાબર દેખાઉંછુંને? ને જુઓ, મેં તમારી જેમ ચશ્માં નથી પહેર્યા. હવે હું કોન્ટેક્ટ લેન્સ પહેરું છું!’

watercolor: Kishor Raval

સત્યાવીસ વર્ષ પહેલાંના મારા લગ્નના આલ્બમમાં દેખાતા ઘણાખરા વડીલો હવે ફોટામાં જ રહી ગયા. આપણા બા મારા લગ્ન વખતે કહે; “બેલા હોત તો તારા લગનમાં કેડે છોકરું તેડીને આઈ હોત!” કેટલું બધું પેઈન હતું એમનીવાતમાં ! બધું તમને ક્યાંથી ખબર હોય? તમે તો મને એકજ રાતમાં ચાર નાની બહેનોની મોટી બહેન બનાવીને ચુચાપ ચાલતી પકડી! તમે અંચય કરી મારી સાથે. તમને ખબર પણ છે કે કેટલી બધી બઘવાઈ ગઈ હતી હું? લોકો મને આવીને કહી જાય કે, “હવે તું મોટી છે, તારે રડવાનું નહીં. તારા મમ્મી-પપ્પાને સંભાળ , ચાર નાની બહેનોનેસંભાળ. બેલા કેટલી સમજદાર હતી….હવે તું પણ એની જેમજ સમજદાર બન!”

મારે પણ ત્યારે પોક મૂકીને રડવું હતું. મારે સમજદાર નહોતું બનવું. મને એ જ અડીયલ, જીદ્દી ધૃતિ થઈને, તમારી નાની બહેન થઈને જ રહેવું હતું. પણ મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું હતું. મારા મગજમાં એક જ ઢોલકી વાગતી હતી કે: હવે હું શું કરીશ? કોની સાથે સ્કુલમાં જઈશ? તમે તો મને એકલી મૂકીને ક્યાય નહોતા જતા, તો તમને આ શું થઈ ગયુ? તમે પાછા આવશોને? ભલે બધા કહે કે ભગવાનના ઘરેથી કોઈ પાછું ના આવે, પણ હું તો તમને મનમાં રિકવેસ્ટ કરતી જ રહી કે પ્લીઝ પાછા આવો… એક વાર! મને તો એમજ હતું કે તમે એકવાર આવીને, મને મળીને જશો. મેં નક્કીકર્યું હતું કે જેવા તમે આવશો એટલે તમારો હાથ જ નહીં છોડું એટલે તમારે રહી જ જવું પડશે. બાર વર્ષની થઈ ત્યાં સુધી તમારી જોડે રહીને મને તો કોઈ ફ્રેન્ડની ક્યારેય જરુર જ નહોતી પડી. તમને જ્યારે બધાં લઈ જતાહતા ત્યારે મેં મારા જાડા કાચવાળા ચશ્માં કાઢી નાખ્યા હતાં. ત્યારે પહેલીવાર મને મારી આંખો ગમી હતી. કારણકે મારે તમને ખુલ્લી આંખે પણ આમ જતા નહોતા જોવા.

ખબર છે… આપણે છેલ્લે તપસ્યા મુવી સાથે જોવા ગયાં હતાં અને તમે કહ્યું કે: જીવનમાં ક્યારેય આવો વખત આવે તો હું રાખીની જેમ તમારા બધાંની સંભાળ રાખીશ.’ સાલી આ વાત મગજમાં ક્યાંક ફસાઈને અટકી ગઈ હતી. તમારી જેમ મેં તો કોઈને આવું કશું કહ્યું નહોતું પણ જ્યારે અમુક ટફ નિર્ણયો લેવાના આવ્યા ત્યારે તમે હોત તો એ જગ્યાએ શું કર્યું હોત એ વિચારીને નિર્ણય લીધા હતા. સાચા કે ખોટા, નથી ખબર. ક્યારેક ડરી જતી અને ક્યારેક રડી પડતી. કાયમ ભગવાન સામે ઊભી રહીને મનમાં જ એમની સાથે ઝગડતી. બહુ એકલી પડી ગઈ હતી ત્યારે, એમ થતુંકે કોઈ મને સમજતું જ નથી. બાર થી અઢાર વર્ષની થઈ ત્યાં સુધી ડાયરી નાં દરેક પાનાંએ મારી વાત તમે બનીને સાંભળી. ત્યાર પછી તો સગાઈ થઈ અને લગ્ન થઈ ગયા. જીવનમાં ઘણું બદલાઈ ગયું. સગા, વ્હાલા, દેશ, રહેણીકરણી અને બીજું ઘણુંય! અમેરિકામાં આવીને જવાબદારી વધી અને ડાયરીમાં લખવાની આદત છૂટતી ગઈ. મનનું બધું ય મનમાં જ ધરબાઈને પડ્યું રહ્યું.

હમણાં ગુજરાત ગઈ હતી. આપણી તો બધી જ યાદો એની સાથે જોડાયેલી છે. આપણે સાથે સોમનાથ ગયાં હતાં, યાદ છે ને? હું તમને જ્યારે પણ યાદ કરું ત્યારે મને એ મંદિર આગળ દરિયા કિનારે એક બાંકડા પર બેઠેલા આપણે બંને દેખાઈએ. વર્ષોથી મને ત્યાં પાછાં જવું હતું. ખબર નથી કેમ. આટલા વર્ષોમાં હું કોઈક ને કોઈક કારણસર ન જઈ શકી. આ વખતે ત્યાં જવાનો મોકો મળ્યો. ફરી એજ દરિયા સામે ઉભી રહી ત્યારે તમને મળી હોઉં એવું લાગ્યુ.

આપણે જ્યાં રહેતાં હતાં ત્યાં પણ જઈ આવી. ઘણું બધું બદલાઈ ગયુ હવે તો. કોઈ જુના પાડોશી છે જ નહીં ત્યાં. એકદમ ભરચક એરિયા. બધે વાહનો પાર્ક કરેલાં જ દેખાય. આપણે ત્યાં હતાં ત્યારે કાર તો એક જહતી- પેલા બંગાળી અંકલની, યાદ છે? ને આપણે બધાં બહાર સતોડિયું કે કૈંક રમતાં ત્યારે બંગાળી આંટી હંમેશા બારી પાસે બેસી રહેતા ને ધ્યાન રાખતા કે એમની ગાડીને આપણે અડફેટે ના લઈ લઈએ! જબરું હસતાં આપણે.

આપણી બધી બહેનો પરણીને પોતપોતાને ઘરે સુખેથી રહેછે. જો કે તો ય હું તો એકલી જ રહી ગઈ. બે બહેનોએ એક જ ઘરમાં લગ્ન કર્યાં અને સાથે જ રહે છે. બીજી બે એ લગ્ન કરીને બાજુબાજુમાં જ ઘર બંધાવ્યા. હું બધાથી દૂર જ રહી ગઈ. ક્યારેક મને પણ વિચાર આવે છે કે તમે હોત તો આપણે સાથે નહીં તો ય આજુબાજુમાં તો રહેતાં જ હોત. આપણા મમ્મી-પપ્પા હવે નિવૃત્ત જીવનની મજા માણે છે. જો કે એક વાત છે… સ્કુલના કોઈ ટીચર ક્યારેય મળે તો પૂછે- ‘બેલાની બહેન… કેમ છે ?’ અને નડીયાદ જાઉં તો કોઈ જુનું ઓળખીતું અચૂક બોલે જ …’ધૃતિ બેલા…ધૃતિબેલા…’ અને ત્યારે તમે આસપાસ જ છો એવું લાગે!

વર્ષો વીતી ગયાં … હવે તો મારી ત્રણ દીકરીઓમાં કોઈ ને કોઈ વાતે તમે દેખાવ છો. ત્યારે સંજીવ મને હંમેશા કહે કે; ‘જો તેં એક બેલા પાછી માંગી હતી, તને વ્યાજ સાથે ત્રણ ત્રણ મળી, એટલે હવે ખુશ રહે!’

બસ, આટલુંજ કહેવું હતું કે: હવે હું ખુશ છું.

એ. જ. ધૃતિ.


લેખિકા: ધૃતિકા સંજીવ
સંપાદન: નંદિતા ઠાકોર (અનુભૂતિના અક્ષર)

શ્વાસોમાં તું, આંખોમાં તું

શ્વાસોમાં તું, આંખોમાં તું

photo: Kokila Raval

શ્વાસોમાં તું, આંખોમાં તું, સપનાંના અવસરમાં તું જ એક તું
હૈયામાં તું, હોવામાં તું, આખાયે એક જીવતરમાં તું જ એક તું

ફૂલોમા પણ સોનેરી ઝાકળ લખે
નીચું ઝૂકીને આભ વાદળ લખે
તને કુદરત પણ સામેથી કાગળ લખે
દર્પણમાં તું, સગપણમાં તું, ફળિયામાં, ઉંબરમાં તું જ એક તું

મારામાં ઊછરેલી પ્રેમની પૂનમ તું
ઈશારા સાચવીને રાખે મોઘમ તું
આસપાસ ઊગેલી ગમતી મોસમ તું
શબ્દોમાં તું, અર્થોમાં તું. લાગણીના અક્ષરમાં તું જ એક તું


કવિ: અંકિત ત્રિવેદી, પુસ્તક: ગીતપૂર્વક