વતનની ધૂળ


વતનની ધૂળના એકેક કણને સાચવજો
ને આરપાર આ વિસ્તરતા રણને સાચવજો

હવાને, બાગને, વહેતા ઝરણને સાચવજો
ને હેમખેમ આ વાતાવરણને સાચવજો

યુગોના ભારેલા અગ્નિની રાખ ખંખેરી
સમયના ચોકમાં એકેક ક્ષણને સાચવજો

બધું જ ખૂંપી રહ્યું છે ક્ષણે ક્ષણે ઊંડે
તમારો પગ ન પડે ત્યાં, કળણને સાચવજો

watercolor: Kishor Raval

બધાં જ એક યુગલમાંથી જન્મ તો પામ્યાં
કુટુંબમાં હવે અંતિમ મરણને સાચવજો

ક્યહીં ન હાથથી છટકીને આપને વાગે
હવામાં ઊંચે ઉગામેલા ઘણને સાચવજો

આ દુનિયા જાય જહન્નમમાં તો જવા દેજો
કોઈના નામના પ્રાત:સ્મરણને સાચવજો

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે
બની શકે તો તમે એક જણને સાચવજો

“કશો જ અર્થ નથી” કહેવુંયે નિર્થક છે
આ ભૂંડી ભાષાના પોપટરટણને સાચવજો

સુંવાળા ચર્મનાંવસ્ત્રોનો મોહ છોડીને
સુવર્ણ ભાસતાં પીળાં હરણને સાચવજો

તિમિર ને તેજના મિશ્રણ ઉપર બધો આધાર
સિતારા ચાંદને સૂરજકિરણને સાચવજો

પછી તો કર્મના ઘેંટાઓ આવશે પાછળ
પ્રથમ બને તો વિચારોનાં ધણને સાચવજો

કશુંય ધૂંધળું રહેવા નપામે ભાષામાં
દરેક શબ્દના સ્પષ્ટીકરણને સાચવજો

તિરાડમાંથી ન ટપકી પડે અમીઝરણું
હૃદયના કેન્દ્રના પાષણપણને સાચવજો

વતનની ધૂળ વિખેરાઈ જાય તે પહેલાં
વતનની ધૂળના સૌ સંસ્મરણને સાચવજો

દબાઈ જાય ના કીડીના કાફલા આદિલ
વિજયની કૂચમાં ધસમસ ચરણને સાચવજો.


વતનની ધૂળને ગઝલાંજલિ
૧૮મી માર્ચ, ૨૦૦૨. ન્યૂ યોર્ક
ગઝલકાર: આદિલ મન્સૂરી
( ગઝલના આયનાઘરમાં )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s