પ્રલય

mother & child, watercolor Kishor Raval

“પ્રલય આવવાનો છે,” વાતો ચાલતી હતી: “બહુ ખતરો છે, કોઈક સુરક્ષિત જગ્યા શોધવી પડશે.”
 સાંભળીને એક 3 વર્ષનો છોકરો માઁના ખોળામાં છુપાઈ ગયો.

લઘુકથા લેખક: ભાર્ગવ રાવલ, ભાવનાગર, કલરફુલ કલમ

ઉદાસ રહેવાના

જે ભીતરથી ખલાસ રહેવાના
આદમી એ ઉદાસ રહેવાના

બાદશાહી છે જેને અંતરની
એ ફકીરી લિબાસ રહેવાના

જે રહે છે દિવાને-આમ સદા
એ જ દિવાને- ખાસ રહેવાના

સમજી બેઠા જ રણને દરિયો જે
એને મૃગજળ ને પ્યાસ રહેવાના

જેને મળવું નથી ખરા દિલથી
એને બહાનાં પચાસ રહેવાના

દિલને બદલે બળે છે દીવો જ્યાં
દૂર ત્યાંથી ઉજાસ રહેવાના

આંખથી દૂર હો ભલે ‘ સુધીર’
એ હૃદય આસપાસ રહેવાના

જાણ્યો જેણે જીવનનો લય ‘સુધીર’
હાથમાં એના પ્રાસ રહેવાના


કવિ: સુધીર પટેલ (જળ પર લકીર)

બારી બહાર

watercolor by Kishor Raval

એ મને ક્લાસમાં જોવા આવતો, ને હું ચહેરો છુપાવવા બારી બહાર જોઈ જતી, શરમાળ નજરે.
 આજે પણ કોઈ મને જોવા આવ્યું છે ને હું ચહેરો છુપાવવા બારી બહાર જોઈ રહી છું, ભીની નજરે.

 

લઘુકથા લેખક: ભાર્ગવ રાવલ, ભાવનાગર, કલરફુલ કલમ


કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ

કોળિયાક થી પાછા, કોકિલા રાવળ

હું અને અમારાં મહેમાનો કોળિયાકના પ્રવાસે ઉપડ્યા જે ભાવનગરની નજીક આવેલું ગામ છે. કારમાં અદધા કલાકમાં પહોંચી જવાય. અમે બધાં રસ્તામાં આવતી વાડીઓ અને બીજા ફંટાતા ગામના રસ્તાઓ જોતા; લીલોતરી માણતાં હતાં. હું વળી ઝાડ ઝાંખરાંની ઓળખાણ કરાવતી હતી. આને બાવળ કહેવાય જેનાથી અમે નાનપણમાં દાતણ કરતા. આ લીમડાંનુ ઝાડ છે તેની અમે લાંબોળી ખાતાં વગેરે… વાતો કરતાં કરતાં ક્યારે કોળિયાક આવી ગયું તેનો ખ્યાલ ન રહ્યો.

અમે પુનમ પહેલાના ત્રણ દિવસે ગયેલા એ સમયે દરિયાની ઓટ ચાલતી હતી. આ જગ્યાની ખાસિયાત એ છે કે કિનારાથી થોડે દૂર દરિયામાં એક ઓટલો બંધાવેલો છે. ઓટલા ઉપર ત્રણ ચાર શંકરના લીંગ છે અને એક નાનકડી દેરી છે. દેરી ઉપર બાર એક ફીટ ઉંચે ધજા લટકાવી છે. ભરતી હોય ત્યારે કિનારા ઉપરથી ખાલી ધજા જ દેખાય. ઓટના સમયે ત્યાં પુજારીઓ દેખાય.

અમને દૂરથી આખું દ્રશ્ય દેખાણુ. અમે અમારા જોડા એક ખાણી-પીણી વાળા આગળ ઉતારી હોંશે હોંશે અમારા પગ ઉપાડ્યાં. ત્યાં તો માટી ચીકણી એટલે હું લપસતા લપસતા રહી ગઈ. સામેથી દર્શન કરી વળતાં લોકો અમને સલાહ આપવા લાગ્યા. પાણીની નીકમાં ચાલો. અમે એમ કરતા નીચી મૂંડીએ ચાલવા લાગ્યા. ત્યાં તો અમારો ડ્રાઈવર મારી મદદે આવી મારો હાથ પકડ્યો. અમારાં મહેમાન ભાઈએ મારો થેલો ઉંચકી લીધો. આમ અમે અમારી જાતને સાચવતા સાચવતા ચાલવાનુ શરૂં કર્યું. જ્યારે સામેથી આવતા દર્શનાર્થી મળે ત્યારે અમે પાછા ચીકણી માટી ઉપર ઉભા રહીએ. વળી સામેવાળા અમને આશ્વાસન આપે કે આગળ કોરી જમીન આવે છે અને પછી થોડો જ કાંકરાવાળો રસ્તો છે. વળી અમે ફરી કોરી જમીનની ઝંખનામાં ચાલવા લાગ્યા. કોરી જમીન આવતાં હું ડ્રાઈવરની મદદ વગર મારી ચાલે ચાલવા લાગી. જેવો કાંકરાવાળો માર્ગ આવ્યો કે અમારાં મોતિયા મરી ગયા. પગમાં કાકરાં એટલા ખૂંચે કે દરેક પગલે એમ લાગે કે શંકરભગવાનને મેળવવા સહેલાં નથી. હું મારા મનને મનાવુ કે એક્યુપ્રેસર થઈ રહ્યું છે. અમેરિકાના ઘરમાં કારપેટ છે વળી જ્યાં કારપેટ ન હોય ત્યાં ઘરમાં ચંપલ પહેરી ને ચાલવાની ટેવ ખરીને? એટલે પગના તળિયામાં સહન ન થાય એટલું ખૂંચી રહ્યું હતું. ત્યાં તો ઓટલો આવી ગયો. ઓટલા ઉપર ચડ્યા એટલે બધી મહેનત વસુલ લાગી. પંખીઓના ટોળા જોયા. ત્યાં પણ ભાવનગરી ગાંઠિયા પહોંચી ગયા હતાં. લોકો પંખીઓને ગાંઠિયા વેરતા હતાં. મને મનમાં પંખીઓની દયા આવી કે બીચારાંનો તો આ ખોરાક નથી ક્યાંક ઝાડા થઈ ન જાય! હું તો ફોટા પાડવામાં મશ્ગુલ થઈ ગઈ અને બધું દુ:ખ ભુલાઈ ગયું હતું ત્યાં પાછા વળવાનો સમય થઈ ગયો.

કોળિયાકનો ઓટલો, કોકિલા રાવળ

સુખે દુ:ખે પાછાં વળવાનું શરૂં કર્યુ. હવે અમે સામે આવતા માણસોને ક્યાં ચાલવું અને આગળ શું આવશે તેની શિખામણ આપતા હતાં. મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ દાતાર મળી જાય અને ફ્લાઈઓવર બ્રીજ બની જાય તો કેવું સહેલું બની જાય.

કિનારે તો જાત જાતની ખાવા-પીવાની તથા આઈસ્ક્રીમ વગેરેની લારીઓ હતી. બધી લારીઓવાળા અમને નારા લગાવી બોલાવી રહ્યા હતાં. અમે જ્યાં જોડા સાચવવા આપ્યા હતાં ત્યાં પહોંચી ગયાં. સૌએ સૌની રૂચી પ્રમાણે ચા- ગાંઠિયા કે નાળિયેર પાણીની જ્યાફત ઉડાવી.

ત્યાં લારીની પાછળના ભાગમાં બે કુટુંબ રહે છે. તેઓને સમય આપ્યો હોય તો તેઓ ઓળો રોટલા અને ખીચડી બનાવી આપે છે.

પાછાં ફરતાં બધાં જોલે ચડ્યા. મારા મહેમાન ગુજરાતી જાણતા નહોતા. મેં ડ્રાઈવર સાથે ગુજરાતી માં તડાકા મારવાના શરૂં કર્યાં.


લેખક: કોકિલા રાવળ

મેંદીના પાંદમાં

Image credit: readmyinsights.blogspot.com/2015/07/benefits-from-henna-mehendi-fragrant.html

મેંદીના પાંદમાં લાલી બેઠી,
એવી કવિઓના ગાનમાં ગુલાલી બેઠી;
મેંદીના પાંદમાં લાલી બેઠી.

આંબાના મોરમાં કેરી બેઠી,
એવી રંકોના હૃદયમાં દિલેરી બેઠી,
મેંદીના પાંદમાં લાલી બેઠી.

દિનડાના તાપમાં રજની બેઠી,
એવી શૂરવીરના સોણલામાં સજની બેઠી;
મેંદીના પાંદમાં લાલી બેઠી.

સંતોની સાનમાં વાણી બેઠી
એવી સૈયરના પ્રાણમાં જુવાની બેઠી;
મેંદીના પાંદમાં લાલી બેઠી.


કવિ : ઝવેરચંદ મેઘાણી, પુસ્તક: કિલ્લોલ

“મારાં થોડાંઘણાં જે ગીતો છે, તેમાં વેણીનાં ફૂલ મોટી બહેનને સ્થાને છે… પીડિતોના અવાજને અને રાષ્ટ્રાભિમાની ભાવનાને છેડતાં મારાં કાવ્યો કરતાં વેણીનાં ફૂલ ને કિલ્લોલ નાં સુકુમાર ભાવગીતો મને પોતાને અધિક પ્રિય છે. મારું પોતાપણું તે ગીતોમાં જ વિશેષ નીતરેલ છે…”

રૂપાળી કન્યા

કાંતા નીશાળમાંથી છૂટી ઘેર જતી હતી. રોજ તો શાંતા સાથે ગપાટા મારતી ઘેર જતી. આજે શાંતાને પેટમાં દુ:ખતું હોવાથી નીશાળમાં આવી નહોતી. એટલે કાંતા એકલી હતી. મનમાં જરા ફડક હતી એટલે ઉતાવળે ઉતાવળે ચાલતી હતી. ત્યાં ગામનો મૂખી સામેથી આવતો હતો. કાંતા નીચી નજરે ગભરાતી ચાલતી હતી. મૂખી આડો ઉતર્યો.

કાંતા રૂપની ખીલતી કળી હતી. મુખીની ઘણાં વખતથી કાંતા ઉપર નજર હતી. તેણે કાંતાને બાજુના ખેતરમાં ખેંચી, પછાડી, પછી કહે આજે તને નહીં છોડું. કાંતા ઘણું કરગરી. પણ તેનું કાંઈ ચાલ્યુ નહીં. મૂખીએ તેનો દેહભોગ કર્યો. બીચારી માંડ માંડ ઘેર પહોંચી. માને બાઝી ધ્રુસકે ધુ્સકે રડી પડી. માને ત્રુટક અવાજે વાત કરી. માં આખી વાત સમજી ગઈ.

ગામમાં મુખીનુ જોર બહુ હતું. અને કોઈ સાક્ષી પણ ન હતું એટલે મા કાંઈ કરી શકી નહીં. બે મહિનામાં ખ્યાલ આવી ગયો કે તે ગર્ભવતી છે. માએ ગામમાં વાત ફેલાવી કે તેની મામીની તબિયત સારી રહેતી નથી એટલે અમે થોડાં મહિના માટે કલકત્તા જવાનો વિચાર કરીએ છીએ. એક દિવસ વહેલી સવારે પાડોશીને વાત કરી કે તાર આવ્યો છે એટલે અમારે જવું જ પડશે. પછી ઘરની ભલામણ કરી મા દીકરી કલકત્તા જવા ઉપડી ગયા.

કાંતા તો બીચારી મૂંઢ જેવી થઈ ગઈ. તેનો થનગનાટ ઊડી ગયો. તેના શરીરમાં શું થઈ રહ્યું છે તે તેને સમજ પડતી નહોતી. અભાવા શરૂ થઈ ગયા. દાકતરને બતાવી પરિસ્થીતિનો ખ્યાલ આપ્યો. દાકતરે તેને ગર્ભપાત કરાવવામાં સાથ આપ્યો.

નીર્વિઘને એ કામ તો પતી ગયું. બે મહિના ત્યાં જ વધારે રહીને તેને સરખું ખવરાવી પીવરાવીને તબિયત તો સારી કરી પરંતુ કાંતાને માનસિક આઘાત ઘણો લાગ્યો હતો.

bharvad girl, by Walter Langhammer

૧૯૨૦ની આ ઘટના છે. ત્યારે છોકરીઓને વહેલી પરણાવી દેતાં. એકાદ વર્ષ પછી તેને સારો મુરતિયો ગોતીને પરણાવી. તેનો વર ધીરજલાલ માસ્તર હતો. ગરીબ હતો, પણ બહુ ગુણવાન હતો. તેને આવી રૂપાળી કન્યા મળતા ખુશ હતો.

કાંતા પરણીને તેની સાથે રહેવા લાગી. ધીરજલાલ ઘણી ધીરજથી તેની સાથે કામ લેતો. ઘરમાં મદદ કરતો. ધીરે ધીરે તેને ખ્યાલ આવ્યો કે કાંતા વિચારમાં વધારે બેસી રહે છે. તેને એમ થતું કે બીચારી માનુ ઘર છોડીને આવી છે. હજી નાની છે. વખત જતાં ઘડાશે.

પાંચેક વર્ષમાં બે છોકરાં થયાં. ધીરજલાલ જેવા ભણવામાં હોંશિયાર થયા. અને કાંતા જેવા રૂપાળા પણ થયા.

કાંતા વધારે ને વધારે હિંચકે બેસી રહેતી. ધીરજલાલે એકલે હાથે બાળકોને ઉછેરિયા…


લેખિકા: કોકિલા રાવળ, નોવેંબર ૨૦૧૭