કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ


કોળિયાક થી પાછા, કોકિલા રાવળ

હું અને અમારાં મહેમાનો કોળિયાકના પ્રવાસે ઉપડ્યા જે ભાવનગરની નજીક આવેલું ગામ છે. કારમાં અદધા કલાકમાં પહોંચી જવાય. અમે બધાં રસ્તામાં આવતી વાડીઓ અને બીજા ફંટાતા ગામના રસ્તાઓ જોતા; લીલોતરી માણતાં હતાં. હું વળી ઝાડ ઝાંખરાંની ઓળખાણ કરાવતી હતી. આને બાવળ કહેવાય જેનાથી અમે નાનપણમાં દાતણ કરતા. આ લીમડાંનુ ઝાડ છે તેની અમે લાંબોળી ખાતાં વગેરે… વાતો કરતાં કરતાં ક્યારે કોળિયાક આવી ગયું તેનો ખ્યાલ ન રહ્યો.

અમે પુનમ પહેલાના ત્રણ દિવસે ગયેલા એ સમયે દરિયાની ઓટ ચાલતી હતી. આ જગ્યાની ખાસિયાત એ છે કે કિનારાથી થોડે દૂર દરિયામાં એક ઓટલો બંધાવેલો છે. ઓટલા ઉપર ત્રણ ચાર શંકરના લીંગ છે અને એક નાનકડી દેરી છે. દેરી ઉપર બાર એક ફીટ ઉંચે ધજા લટકાવી છે. ભરતી હોય ત્યારે કિનારા ઉપરથી ખાલી ધજા જ દેખાય. ઓટના સમયે ત્યાં પુજારીઓ દેખાય.

અમને દૂરથી આખું દ્રશ્ય દેખાણુ. અમે અમારા જોડા એક ખાણી-પીણી વાળા આગળ ઉતારી હોંશે હોંશે અમારા પગ ઉપાડ્યાં. ત્યાં તો માટી ચીકણી એટલે હું લપસતા લપસતા રહી ગઈ. સામેથી દર્શન કરી વળતાં લોકો અમને સલાહ આપવા લાગ્યા. પાણીની નીકમાં ચાલો. અમે એમ કરતા નીચી મૂંડીએ ચાલવા લાગ્યા. ત્યાં તો અમારો ડ્રાઈવર મારી મદદે આવી મારો હાથ પકડ્યો. અમારાં મહેમાન ભાઈએ મારો થેલો ઉંચકી લીધો. આમ અમે અમારી જાતને સાચવતા સાચવતા ચાલવાનુ શરૂં કર્યું. જ્યારે સામેથી આવતા દર્શનાર્થી મળે ત્યારે અમે પાછા ચીકણી માટી ઉપર ઉભા રહીએ. વળી સામેવાળા અમને આશ્વાસન આપે કે આગળ કોરી જમીન આવે છે અને પછી થોડો જ કાંકરાવાળો રસ્તો છે. વળી અમે ફરી કોરી જમીનની ઝંખનામાં ચાલવા લાગ્યા. કોરી જમીન આવતાં હું ડ્રાઈવરની મદદ વગર મારી ચાલે ચાલવા લાગી. જેવો કાંકરાવાળો માર્ગ આવ્યો કે અમારાં મોતિયા મરી ગયા. પગમાં કાકરાં એટલા ખૂંચે કે દરેક પગલે એમ લાગે કે શંકરભગવાનને મેળવવા સહેલાં નથી. હું મારા મનને મનાવુ કે એક્યુપ્રેસર થઈ રહ્યું છે. અમેરિકાના ઘરમાં કારપેટ છે વળી જ્યાં કારપેટ ન હોય ત્યાં ઘરમાં ચંપલ પહેરી ને ચાલવાની ટેવ ખરીને? એટલે પગના તળિયામાં સહન ન થાય એટલું ખૂંચી રહ્યું હતું. ત્યાં તો ઓટલો આવી ગયો. ઓટલા ઉપર ચડ્યા એટલે બધી મહેનત વસુલ લાગી. પંખીઓના ટોળા જોયા. ત્યાં પણ ભાવનગરી ગાંઠિયા પહોંચી ગયા હતાં. લોકો પંખીઓને ગાંઠિયા વેરતા હતાં. મને મનમાં પંખીઓની દયા આવી કે બીચારાંનો તો આ ખોરાક નથી ક્યાંક ઝાડા થઈ ન જાય! હું તો ફોટા પાડવામાં મશ્ગુલ થઈ ગઈ અને બધું દુ:ખ ભુલાઈ ગયું હતું ત્યાં પાછા વળવાનો સમય થઈ ગયો.

કોળિયાકનો ઓટલો, કોકિલા રાવળ

સુખે દુ:ખે પાછાં વળવાનું શરૂં કર્યુ. હવે અમે સામે આવતા માણસોને ક્યાં ચાલવું અને આગળ શું આવશે તેની શિખામણ આપતા હતાં. મનમાં વિચાર આવ્યો કે અહીં કોઈ દાતાર મળી જાય અને ફ્લાઈઓવર બ્રીજ બની જાય તો કેવું સહેલું બની જાય.

કિનારે તો જાત જાતની ખાવા-પીવાની તથા આઈસ્ક્રીમ વગેરેની લારીઓ હતી. બધી લારીઓવાળા અમને નારા લગાવી બોલાવી રહ્યા હતાં. અમે જ્યાં જોડા સાચવવા આપ્યા હતાં ત્યાં પહોંચી ગયાં. સૌએ સૌની રૂચી પ્રમાણે ચા- ગાંઠિયા કે નાળિયેર પાણીની જ્યાફત ઉડાવી.

ત્યાં લારીની પાછળના ભાગમાં બે કુટુંબ રહે છે. તેઓને સમય આપ્યો હોય તો તેઓ ઓળો રોટલા અને ખીચડી બનાવી આપે છે.

પાછાં ફરતાં બધાં જોલે ચડ્યા. મારા મહેમાન ગુજરાતી જાણતા નહોતા. મેં ડ્રાઈવર સાથે ગુજરાતી માં તડાકા મારવાના શરૂં કર્યાં.


લેખક: કોકિલા રાવળ

One thought on “કોળિયાકનો પ્રવાસ – કોળિયાકનું બીજુ નામ નકળક કે નીશકલંક મહાદેવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s