હાથબ અને સુરકાનો પ્રવાસ


હાથબ નો પ્રવાસ

કોળિયાકથી પાછા ફરતા અમે હાથબના દરિયા કિનારે થોભિયા. અહીં ગુજરાત રાજ્ય નું ગેસ્ટ હાઉસ હાથબ ચાર બંગલાના નામથી ઓળખાય છે. ત્યાં દાખલ થતાં ૧૦ રૂપિયાની પ્રેવેશ ફી છે.

ડાબી બાજુ વન વિભાગ છે. જેને ચાલવાનો શોખ હોય તેને કુદરત તથા માનવીની કરામતનો સુમેળ જોવા મળે સાથે શાંતિ અને પ્રાણવાયુ મળે તે નફામાં.

જમણી બાજુ રહેવાના બંગલા છે. એક કુટુંબ ખાલી કરીને જતુ હતું તેને મેં પૂછ્યું , ‘રહેવાનુ કેવું છે?’ તેમણે ‘ સારૂં છે’ તેવો ટુંકમાં જવાબ આપ્યો. પોતાની ખાણી પીણી લઈને શનિ-રવિમાં જવા જેવી જગ્યા ખરી. ત્યાં રસોઈ કરાવવી હોય તો પણ થઈ શકે.

સામે દરિયો છે. ઓટને કારણે દરિયો ઘણો દૂર ખસ્યો હતો. ત્યાં ખાવા- પીવાનું વેચાતું હતું પરંતુ અમને કોઈને રૂચી નહોતી. તડકો ચડ્યો હતો એટલે અમે પાછાં ફર્યા.


સૂરકા નો પ્રવાસ

હાથબથી પાછાં ફરતાં વળી પાછાં ડ્રાઈવર સાથેના મારા તડાકા શરૂ થયા. મેં પૂછ્યું “તમારૂં ગામ ક્યું?” તો મને કહે “આપણાં રસ્તામાં જ આવે બેન. હાલો તમને મારી વાડી જોવા લઈ જાઉં” અમે બધાં એક મતે જવા તૈયાર થયાં.

પછી તેણે વાત માંડી , “અમારે તો ૨૫૦ વીઘા જમીન અમારાં ચાર ભાઈઓ વચાળે હતી પણ સરકારે ૧૨,૦૦૦ વીઘાએ અમારી જમીન ખરીદી લીધી. અમને ચાર ભાઈઓ વચાળે ચાર વીઘા જમીન આલી. ત્યાં સરકારને કોલસાની ખાણ ખોદવી છે. અમે બધાં ભાઈઓ ભાવનગર જઈ વસ્યા. ત્યાં અમે નાના મોટા કામ કરીએ છીએ. જ્યારે અઠવાડિયે પંદર દ’હાડે રજા મળે ત્યારે આંટો મારી આવીએ અને ખેતીનુ જે કામ હોય તે કરી આવીએ. બાર મહિના ચાલે એટલો બાજરો અને શીંગ ઉગે છે. બાજરાના રોટલા કરીએ અને શીંગનું તેલ કઢાવીએ. બાકી ઓછા પાણીમાં કપાસ ઉગે તેનાથી અમારો બીજો ખરચો નીકળે…” ત્યાં તો સૂરકા ગામ આવી ગયું.

ગામ તેર કુટુંબથી વસેલું છે. તે લોકો મામા ફઈના છોકરા સાથે પરણી શકે એટલે બધાં એકબીજાના સગા થાય. એક બીજાની ખેતીનુ ધ્યાન રાખે. ઘેર ઘેર ભેંસ હતી.

જ્યારે સૂરકા જવાનુ નક્કી થયું ત્યારે તેણે મોબાઈલથી ઘેર સમાચાર આપી દીધાં હતાં. અમે પહોંચ્યા એટલે અમારાં માટે ખાટલો ઢાળવામાં આવ્યો. ઉપર ગોદડું પાથરવામાં આવ્યું. પહેલા પાણી ધર્યું. અંદર દીકરાની લાજ કાઢેલી વહુએ ચુલો પેટાવી ચાની તૈયારી કરી. ત્યાં ડ્રાયવરના બા સામે ખાટલે આવીને બેઠાં. અને અમારી સાથે વાતોએ વળગ્યા. ડ્રાઈવર અને તેનો દીકરો ફળિયામાં રૂ પાથરવામાં પડાયાં…. ત્યાં તો ચાની કીટલી અને સાથે રકાબીઓ આવી. એટલે બધાંએ એકએક રકાબી ચા પીધી. ઘેર ભેંસ એટલે આખો દી’ ચા બનતી જ હોય. પ્યાલો રાખવાનો રીવાજ જ નહીં.

ત્યાં બીજા તેમના સગાને ખબર મળ્યા કે મહેમાન આવ્યા છે. તેવો ખરખરો કરવા ગયા હતાં ત્યાથી સીધા આવ્યા. બાએ અમને તેને ભેળવ્યા. મહેમાનને આપણું ગામ બતાવ તેમ કહેવામાં આવ્યુ. એક બે ગલીમાં ગામ પૂરૂં થતું હતું. બીજા ત્રણ ઘેર અમારી ચાની રકાબીની મહેમાનગતી થઈ.

વરસાદનુ પાણી ક્યાં એકઠું કરવામાં આવે છે તે બતાવતા હતા ત્યાં બા આવી પહોંચ્યા. તેની વાતોમાં વધારો થયો. બાએ ગર્વ સાથે કહ્યું, “હુંપાણીના પુરવઠાની પ્રમુખ હતી. આ ટાંકુ આખા ગામ માટે સૌથી પહેલા કરાવ્યું.” આટલી ચા પીધેલી એટલે અમને બાથરૂમ લાગી. તેણે તરત સરકારે આપેલા પૈસામાંથી બનાવેલા નવા જાજરૂની અમને વીઝીટ કરાવી. જે આખા ગામ માટે હતી. કહેવું પડે કે ચોખ્ખું હતું. ત્યાં અમારી નજર આંબલીના ઝાડ પર ગઈ. તેની ઉપરના કાતરા જોઈ મને પાછું મારૂં બાળપણ યાદ આવી ગયું. અમુક ઝાડ અમેરિકામાં જોવા ન મળે.

અમે પાછા તેના ખાટલે આવીને બેઠાં એટલે બાએ વાતનો તાંતણો પકડ્યો. તેણે અમને છેલ્લા સમાચાર આપ્યા કે, “ગુજરાત સરકારને અહીં કોલસાની ખાણ ખોદવી છે. અમને ગામ ખાલી કરવાનું કીધું છે. અમે ૧૫ ગામના ગાયું, ભેંસુ, બકરા, છૈયા છોકરાં, બાયુ, ભાયુ સંધાય ભેળા થીયા. સરકાર મશીન લઈને આવેલા. અમે તેને અરજ કરી કે અમને આજના ભાવે નવી વસાહતના પૈસા આલો તો અમે ખાલી કરીએ.” વીસ વરસ પહેલા સરકારે આ લોકો પાસેથી કોલસાની ખાણ ખોદવા જમીન ખરીદેલી. કાયદો એવો છે કે વીસ વરસમાં ખાણ ખોદાણી નહોય તો જમીન પરત કરવી પડે.

“આવતે મહિને ભાણાના લગન છે, તો જરૂરથી આવજો. અમે બારથી કાંય મગાવીએ નહીં હો. અમે તો ચૂલા ગાળશું. કળીના લાડુ, દાળ ભાત રીંગણા બટેકાનું શાક, ભજીયા બનાવશું.” અમે આવતા મહિને પાછાં આવવાના આગ્રહને , હા…હા…જરૂર આવશુના વાયદા આપી ભાવ ભરી વિદાય લીધી.


લેખક: કોકિલા રાવળ

One thought on “હાથબ અને સુરકાનો પ્રવાસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s