બા સાજા થયા ત્યારે એનો એક જૂનો મનોરથ હતો ત્યારે એનો અમલ અમે કરી શક્યાં: વર્ષો પહેલાં અમે જ્યાં જીવ્યાં હતાં અને જ્યાં મારા બાપુજીએ એમના છેલ્લા દિવસો વિતાવ્યા હતા એ મુલકમાં જવાનો મનોરથ. બાપુજીના અવસાન પછી વર્ષો સુધી એ સ્થળની ફરીથી મુલાકાત લેવા તો દિલ ચાલ્યું નહોતું, અને પછી તો સંજોગોને લીધે, ને મારે માટે તો ભારત આવ્યાને લીધે, કદી એ જગ્યાએ અમે પાછાં જઈ શક્યાં નહોતાં. તો આ વખતે બા સાજાં થયાં ત્યારે એ, મોટાભાઈ અને હું ઉત્તર સ્પેનમાં આવેલ એ પ્રાંતમાં જવા મોટરમાં ઊપડ્યાં.
એ પ્રાંતમાં મારા બાપુજી મુખ્ય એંજિનિયર તરીકે એક વિશાળ બંધ બંધાવતા હતા ત્યારે એમને કેન્સર થતાં એમનું મૃત્યુ નીપજ્યું. આજે એ બંધ એમના નામથી ઓળખાય છે અને એમનું બાવલું પણ ત્યાં છે. બાંધકામ શરૂ થયું ત્યારથી બંધની બાજુમાં એમણે એક ઘર બંધાવ્યું હતું જેથી પોતે ત્યાં રહીને કામની બરાબર દેખરેખ રાખી શકે અને રજાઓના દિવસોમાં અમે પણ ત્યાં જઈને એમની સાથે રહી શકીએ. મોટાભાઈ અને હું ત્યારે તો નાના હતાં, અને એ રજાઓનું ઘર અમારું પ્રિય ઘર બની ગયું. ત્યાં અમે રમીએ,જંગલમાં ફરીએ, નદીમાં તરીએ,ઘોડા ઉપર બેસીને દૂર સુધી નીકળી જઈએ. ગામના લોકો અને બંધના મજુરો સૌ અમને એંજિનિયરના દીકરાઓ તરીકે ઓળખે અને બહુ પ્રેમ બતાવે. અને બા તો બાપુજીને મળતું માન અને અમને મળતો આનંદ જોઈને અત્યંત સુખ અનુભવતાં. અમારે માટે એ ખરેખર ધન્ય દિવસો હતા. આ વાતને અત્યારે ચાળીસ વર્ષ થયાં હતાં, પણ એનું સ્મરણ મનમાં તાજું ને તાજું હતું. એ સ્મરણ હવે અમને ત્રણેને એ જગ્યા તરફ લઈ જઈ રહ્યું હતું.

જેમ એ જગ્યા નજીક આવી તેમ અમે જરા ગંભીર બન્યાં. મને ચિંતા હતી. જુના સ્મરણોનો ઉભરો થતાં બા કદાચ લાગણીવશ થાય અને ભાંગી પડે. પણ એ શાંત હતાં. રસ્તામાં એક વળાંક પછી બંધનો વિશાળ જળવિસ્તાર દેખાયો. અદભુત દ્રશ્ય હતું. અને એક બાજુએ, ટેકરી ઉપર બાપુજીનું બાવલું ઊભું હતું. અમે પ્રથમ ત્યાં ગયાં. એમની ભવ્ય મૂર્તિ, સૌમ્ય સ્મિત, પ્રેમાળ નજર ધાતુમાં અંકાયેલાં જોઈને એ પોતે અમારી સામે ઊભા હોય એવો ભાસ થયો. મારા દિલમાં ખૂબ શાંતિ, આત્મીયતા, પ્રસન્નતાની લાગણી હતી. બાનાં તો આંસુ હતાં પણ એ શોકનાં નહિ, કૃતાર્થતાનાં હતાં. અને મોટાભાઈની એવી તેજ યાદશક્તિ કે આસપાસ જોઈને હું પોતે ભૂલી ગયો હતો એવી એકએક જગા, ઘર, વ્યકતિ, સ્મરણ, પ્રસંગ યાદ દેવરાવે અને શું ક્યાં બન્યું હતું એની વાતો કરતા જાય.
અમે ત્યાં ઊભાં હતાં એટલામાં બંધના આજના મુખ્ય એંજિનિયર ત્યાં આવી ચડ્યા. અમને જોઈને પ્રથમ તો એમને સંકોચ થયો, પછી નજીક આવીને અને અમારી તરફ ધ્યાનથી જોઈને અમે કંઈક કહીએ તે પહેલાં એમણે મને અને મોટાભાઈને નામથી બોલાવ્યા, ને બાને નમન કર્યું. અમને ખૂબ આશ્ચર્ય થયું. એમણે કહ્યું: “ચાળીસ વર્ષ પહેલાં આ બંધ બંધાતો હતો ત્યારે હું આ ગામમાં પંદર વર્ષનો છોકરો હતો. રજાઓમાં થોડા પૈસા કમાવા હું આપના બાપુજીની ઓફિસમાં કામ કરતો અને એમની સાથે ફરતો. એ રીતે હું આપ સૌને ઓળખું છું, અને અહીંયા તમને ઊભેલાં જોયાં એટલે તરત ઓળખી લીધાં. હવે હું પોતે એંજિનિયર બન્યો છું અને આ કામ સંભાળું છું. ચાલો, હું તમને બધું બતાવું.”

અમે પ્રચંડ બંધની વચ્ચે ઊભાં રહ્યાં ત્યારે એમણે કહ્યું: “બંધનું આખું પૃષ્ટ ઉપરથી નીચે ધ્યાનથી જુઓ. એમાં એક પણ છિદ્ર કે તિરાડ તમને નહિ દેંખાય. આટલાં વર્ષો પછી સામાન્ય રીતે બંધમાં કોઈને કોઈ મશ્કેલી આવી ગઈ હોય, એટલું જ નહિ પણ તે સમયના બે- ત્રણ બંધ તો દેશમાં તૂટી પણ ગયા છે, જ્યારે આ તો અકબંધ છે. આપના બાપુજીની કામગીરી એંજિનિયરોમાં વખણાતી હતી,અને એમણે બનાવરાવેલાં બધાં બંધ,નહેર ધોરી માર્ગ, સડકો આજે પણ ઉત્તમ અને દુરસ્ત છે.” થોડે આગળ જતાં ગામનો એક વૃદ્ધ માણસ તડકો ખાતો બેઠો હતો એની પાસે જઈને અમારા મિત્રે પૂછ્યું: “આ બંધ કોણે બાંધ્યો હતો એ યાદ છે?” ત્યારે એ વૃદ્ધે તરત જવાબ આપ્યો: “કેમ ન હોય! મેં પોતે એમના હાથ નીચે મજૂર તરીકે કામ કરેલું. એના જેવો સજ્જન માણસ ને પ્રમાણિક માણસ મેં કદી જોયો નથી.”
મેં બાની સામે જોયું.એની આંખમાં આંસુ આવું નઆવું કરતાં હતાં. એ મને કહેતાં હતાં: “એ તારા બાપનો વારસો હતો. કામ કરો તે સારું કરો; બીજાઓ પ્રત્યે વર્તો તે સજ્જન તરીકે વર્તો અને પૂરી પ્રમાણિકતાથી વર્તો. શ્રેષ્ઠતા, કોમળતા ને પ્રમાણિકતા: એ રસ્તે તારે ચાલવાનું છે.” હું વિચારું છું કે મારા દિલમાં ખરેખર આ શ્રષ્ઠાનો આગ્રહ, લોકેને માટે કોમળ લાગણી, અને નીતિમત્તામાં શ્રદ્ધા છે એ ક્યાંથી આવ્યાં ત્યારે એ જ જવાબ મળે છે. હું દસ વર્ષનો હતો ત્યારે મારા પિતાશ્રી ગુજરી ગયા, પણ આટલા સમયમાં પણ મારે માટે એ કીમતી વારસો એમણે બાંધી આપ્યો હતો. સિમેંટના બંધ કરતાં એ વધારે ટકાઉ છે.

લેખક: ફાધર વાલેસ
સંપાદન: સુરેશ દલાલ (હયાતીના હસ્તાક્ષર)
અદભુત.
LikeLike