રોલ નંબર ચાર


યસ સર. આ વંદના હતી. એનો ફોટો પણ અનોખો હતો, બે આંગળીઓનો ‘વી’ બનાવી વિનિંગ પ્રોફાઈલમાં હસતી હતી.

પહેલા જ્યારે ટેબ્લેટમાં એનો ફોટો નહોતો ત્યારે મેં એને બોલાવી. એ હળવે રહી પાસે આવી, મે કહ્યું, ‘તારો ફોટો નથી, ટેબ્લેટમાં પાડવો પડશે. અહિ ઊભી રહી જા, આ દીવાલ પાસે.’

એ દીવાલને અડકીની ઊભી રહી. હું ફોટો પાડવા જતો હતો ત્યાં કહે, ‘ઊભા રહો સાહેબ, એમ બધાના જેવો નહિ, આમ… આ રીતે પાડો મારો ફોટો.’ કહીને એણે જમણા હાથની બે આંગળીઓનો ‘વી’ બનાવી વી ફોર વિક્ટરીની પોઝીશનમાં ઊભી રહી.

એકવાર અમે બે શિક્ષકો બાળકોને સાથે લઈ સંગીત-ખુરશી રમાડતા હતા. સાથે અમે પણ રમતમાં જોડાયા. એ વખતે વંદના દોડતી પાસે આવી અને કહે, સાહેબ તમારે પેલા સાહેબને હરાવી દેવાના છે હો… જો જો, હારી ન જતા.’

photo credit: miraclefoundationindia.in

પણ રમતના અંતે હું હારી ગયેલો. એ નિરાશ થઈ અને ગુસ્સામાં પાસે આવી ને વંદના બોલી, ‘મેં કહ્યું એમ કેમ ન કર્યું? શું કામ હારી ગયા? હવે બીજી વાર ધ્યાન રાખજો, હારી ગયા તો કટ્ટી!’ એ ખરેખર ખૂબ ગુસ્સામાં હતી. પહેલી વાર એની વાત ધ્યાનમાં નહોતી લીધી પણ આ વખતે મને થયું કે હારી જઈશ તો એ રડવા જ માંડશે.

સંગીત-ખુરશી નો બીજો રાઉન્ડ શરૂ થયો. જેમ જેમ રમત આગળ ચાલી તેમ તેમ વંદનાની બૂમો અને સૂચનાઓ વધતી જ ગઈ. મને હારવા કરતા એની ચિંતા થવા લાગી. હારીશ તો એને કેમ સમજાવીશ એ વિચારતો હું રમતો હતો. અંતે એની પ્રાર્થના ફળી ને હું જીત્યો. એ પળે એ દોડતી આવી ને જોરથી મને વળગી ગઈ, ‘મેં કહ્યું તું ને સાહેબ, તમારે જીતવાનું જ હતું… મેં કહ્યું તું ને… મેં કહ્યું તું ને…’ મને જ નહિ બીજા બાળકોને પણ એ આ વાત મોટેમોટેથી કહેવા લાગી. મેં પણ વી ફોર વિક્ટરી માટે બે આંગળીઓ ઊંચી કરી.

એ વખતે એની આંખોમાં છલકાતી ખુશી જોઈ મને લાગ્યું કે હા, આજે તો હું જીતી ગયો છું!


આની સિરિઝ કેનેડાનાં ગુજારાત ટાઇમ્સમાં શરુ થઇ છે.
લેખક: અજય ઓઝા, ભાવનગર ગદ્યસભા

2 thoughts on “રોલ નંબર ચાર

  1. ઓહો..

    શિક્ષકો પાસે સહુથી વધારે માનવ મનનાં અનુભવો હોય👍

    Like

Leave a comment