બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા, એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી. મીઠું અને કઠોળ છોડવા બાને વીનવ્યાં, ટેકામાં જાણકારોના લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહીં.
બાથી કહેવાઈ ગયું, “કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.”
સાંભળીને બાપુને દુ:ખ થયું. પણ મારો પ્રેમ ઠાલવવાનો આ પ્રસંગ છે, એમ સમજાતાં હર્ષ પણ થયો. બોલ્યા: “જા,મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.”
બાને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠ્યાં: “મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં. પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો! આ તો મને બહુ સજા કહેવાય.”
બાપુ: “તું કઠોળ-મીઠું છોડશે તો બહુજ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તો લાભ જ થવાનો. ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.”
બા: “તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહી.”
બા ખોબો આંસુ ઢાળી શાંત રહ્યાં. પણ પતિ-પત્ની વચ્ચેના આ પ્રસંગમાંથી બાપુને સત્યાગ્રહની ચાવી મળી. પ્રેમ દ્વારા કરેલા ત્યાગથી સામાના હૃદય સુધી પહોંચવું અને એના જીવનમાં કલ્યાણક પરિવર્તન સાધવામાં મદદરૂપ થવું, એ સત્યાગ્રહનો કીમિયો છે. તેથીસ્તો બાપુ આ પ્રસંગ વિશે કહે છે: “તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.”
લેખક: ઉમાશંકર જોશી ( મારા ગાંધીબાપુ )
સંપાદક: મહેન્દ્ર મેઘાણી ( લોકમિલાપ ટ્રસ્ટ )