પ્રથમ પેઢી (ગાંધીજી ૧૮૮૭ માં મેટ્રીક પાસ થયા)
આ વાત મારા દાદા રાવસાહેબ મહાશંકરે મને ૧૯૪૨ ની ક્રાંતિના સમયે ગર્વ સાથે કહીહતી. હું એમને બાપુજી કહેતો. ૧૮૮૭ માં ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથીમેટ્રીક પાસ થયા, ત્યારે બાપુજી રાજકોટના તાર માસ્ટર હતા. ત્યારે મેટ્રીકનાપરિણામ મુંબઈ યુનિવર્સિટી તાર દ્વારા મોકલતી. આ સમાચાર દાદાજીએ હાથો હાથમોહનદાસને આશીર્વાદ સાથે આપેલા. ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ મોહનદાસવિશ્વનો શાંતિ દૂત અને દેશનો રાષ્ટ્રપિતા થશે?
બીજી પેઢી (૧૯૧૯ માં ગાંધીજીનો સ્કેચ બનાવ્યો)
ઓકટોબર ૧૯૧૯ માં મારા બાપુ કલાગુરૂ રવિશંકર રાવળે (મિત્રો અને શિષ્યગણનારવિભાઈ, ચિત્રકાર ર. મ. રા) ગાંધીજીની તસ્વીર બનાવી. આ તસ્વીર કેમ બની તેનોસચિત્ર અહેવાલ “ગુજરાતમાં કલાના પગરણ”માં આપેલો છે, જે હું અહીં સાભાર ટાંકુંછું.
“ગાંધીજીનો સ્કેચ કરવાનો અવસર એ તો મારા જીવનનો લહાવો હતો. હું અનેસ્વામી આનંદ ઘોડાગાડીમાં આશ્રમ પહોંચ્યા. ત્યાં નરહરિભાઈ પરીખ મળ્યા. સ્વામીઆનંદે કહ્યું, ‘સ્કેચ માટે ખેંચી લાવ્યો છું.’ તેમણે કહ્યું કે જાઓ, અંદર બાપુમહાદેવભાઈ દેસાઈને કૈંક લખાવી રહ્યા છે. સ્વામી મને અંદર લઈ ગયા અને બાપુનેકહ્યું કે રવિશંકર રાવળને સ્કેચ માટે લાવ્યો છું. મેં ખૂબ ભાવથી વંદન કર્યું, ત્યાં તેબોલ્યા,’આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારામાટે ખાસ બેઠક નહીં આપી શકું. મારૂં કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.’ “
“મને મનમાં તો ધ્રુજારી છૂટી કે આવા મહાપુરૂષનો આબેહૂબ ખ્યાલ પકડવા આવીસ્થિતિમાં કેમ હાથ ચાલશે? છતાં હિંમત કરી એક ખૂણે બેસી ગયો, અને ગાંધીજીનીઆખી બેઠકનું ચિત્ર પેન્સીલથી કર્યું. તેઓ એક પગ વાળીને ખાટલા પર બેઠા હતા. તેના પર લખવાના કાગળોની પાટી હતી, ને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાખ્યોહ્તો. ચિત્ર પૂરૂં થયું ત્યારે હું ઊઠ્યો કે તરત તે બોલ્યા, ‘બસ, તમારૂં કામ થઈ રહ્યું હોયતો જાઓ.’ મહાદેવભાઈએ તિરછી નજરે ચિત્ર જોઈ મલકી લીધું. બહાર નરહરિભાઈકહે ‘તમને તક મળી એટલી લહાણ માનો. સહી–બહી મળવાની આશા તો શાની હોય? પણ એ ચિત્ર ‘વિસમી સદી’ માં કવિ નહાનાલાલના કાવ્ય ગુજરાતનો તપસ્વી સાથેપાનું ભરીને છપાયું.
ત્રીજી પેઢી (કિશોર કનકને ૧૯૩૬ માં ગાંધીજીના આશીર્વાદ મળ્યા)
ત્રીજી પેઢી એટલે હું, કનક રવિશંકર રાવળ. ૧૯૩૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદનુંઅધિવેશન અમદાવાદમાં હતું અને તેના પ્રમુખ સ્થાને ગાંધીજી હતા. ત્યારે મારા બાપુ, કલાગુરૂ રવિશંકર રાવળને કળા વારસાનું પ્રદર્શન ગોઠવવાની જવાબદારી આપવામાંઆવી હતી. ગાંધીજી એનું ઉદઘાટન કરવાના હતા. રવિભાઈ જાતે જ ગાંધીજીનેપ્રદર્શનમાં ફેરવે એવું નક્કી થયેલું. ત્યારે મારી ઉમ્મર છ વર્ષની હતી. બાપુ મને આવાપ્રસંગોએ સાથે લઈ જતા. હું બાપુની આંગળી પકડી ચાલતો હતો. ગાંધીજી જ્યારેપ્રદાર્શનના દ્વારે આવ્યા ત્યારે બાપુએ એમને વંદન કર્યું અને મને પણ વંદન કરવાકહ્યું. જેવું મેં ગાંધીજીને નમીને વંદન કર્યું કે તરત જ હસતે ચહેરે તેમણે મારા માથાઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આજે ૮૯ વર્ષની વયે સમજ પડે છે કે મારાજીવનનો આ એક અદભૂત પ્રસંગ હતો.
પ્રદર્શન જોયા પછી ગાંધીજીએ કહ્યું,
“રવિશંકર રાવળ જેવા અમદાવાદમાં બેઠા બેઠા પીંછી માર્યા કરે છે, પણ તેગામડામાં જઈ શું કરે છે? જો કે આજે તેમનું પ્રદાર્શન જોઈને મારી છાતી ઉછળીકારણકે પહેલા અહીં આવા ચિત્રો ન હતા. રવિશંકર રાવળના ચિત્રોમાં શબ્દોનું જ્ઞાનપુરતું હતું પણ સાચી કળા તો એ મૂંગા રહે અને હું સમજી શકું એવી હોવી જોઈએ. આજે મારી છાતી એમના ચિત્રો જોઈને ઉછળી… કળાને જિહવાની જરૂર નથી.”
(સંપાદકીય સહાય માટે શ્રી પુરુષોત્તમભાઈ દાવડાના આભાર સાથે)
કનક રાવળ (એપ્રિલ ૧૬, ૨૦૧૯, પોર્ટલેંડ, ઓરીગોન)