દક્ષિણ આફ્રિકા ગયા પછી ડરબન થી પ્રિટોરિયા જવા માટે ગાંધીજી રેલ્વેની પહેલા વર્ગની ટિકિટ કઢાવી ગાડીમાં બેઠા. રાતના નવ વાગ્યે મેરિત્સબર્ગ સ્ટેશન આવ્યું. ત્યાં એક ગોરો ઉતારુ તે ડબામાં આવ્યો. ગાંધીજીને જોઈને એણે કોઈ અમલદારને બોલાવ્યો. અમલદારે ગાંધીજીને ત્રીજા વર્ગના ડબામાં જવાનું કહ્યું. ગાંધીજીની પાસે પહેલા વર્ગની ટિકિટ હતી એટલે એમણે ના પાડી. સિપાઈને બોલાવીને એલોકોએ ગાંધીજીને જબરદસ્તીથી નીચે ઉતરાવ્યા. તેમણે બીજા ડબામાં જવાની ના પાડી. ગાડી ઉપડી. ગાંધીજી પ્રતિક્ષાલયમાં બેઠા. ઠંડી ખૂબ હતી. કોટડીમાં દીવો નહોતો. એ અંધારામાં ને ટાઢમાં ગાંધીજીએ આખી રાત વિચાર કર્યો:
‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રટોરિયા પહોંચવું. અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય.મારા ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનુુ તે લક્ષણ હતું. આ મહારોગ રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુ:ખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’
સત્યાગ્રહનું આ બીજ હતું.
હિંદની આઝાદીનું આ પહેલું પ્રકરણ હતું.
લેખક: ફાધર વાલેસ (ગાંધીજી અને નવી પેઢી) ના સૌજન્યથી.