બ્લુબેરી અને મેપલ-સિરપનો શીરો

૧ * એક કપ રવો (ક્રીમ ઓફ વ્હીટ)
૨* ૩/૪કપ બ્લુ બેરીઝ
૩* એક ચમચો ધી અથવા સ્વીટ બટર
૪* ત્રણ કપ ઉકળતુ ગરમ પાણી
૫* મેપલ સિરપ અથવા મધ(સ્વાદ અનુસાર)

બનાવવાની રીત:

૧- ધીમી આંચે રવાને પાંચ મીનીટ માટે ઘીમાં શેકો.

૨- ત્રણ કપ ઉકળતુ પાણી અંદર નાખી હલાવો.

૩ – ૩/૪ કપ બ્લુ બેરીઝ અંદર નાખી હલાવો .

૪- ગરમ ગરમ ખાતી વખતે સ્વાદ અનુસાર મેપલ શીરપ મેળવો.

ચાર જણને બ્રેકફાસ્ટ માટે પૂરતો થઈ રહેશે.


કોકિલા રાવળ

આજ્ઞાંકિત

આપ કહો તો યુગ થઈ જીવું, આપ કહો તો પળ થઈ જાવું,
સ્વીકારો તો અગ્રિમ થાવું, તરછોડો, પાછળ થઈ જાવું.

આપ કહો એ સ્થાને બેસું, આપ કહો એ સ્થળ થઈ જાવું;
પટકો તો પાતાળે પહોંચું, ઝીલો તો વાદળ થઈ જાવું.

આ જીવને તો કોઈ પ્રકારે જળ થઈ રહેવું, જળ થઈ જાવું,
સાંનિધ્યે સાગર સમ લહેરું, ઝૂરું તો ઝાકળ થઈ જાવું.

દિવસ-રજની થાક્યાં હો તો આ પથ પરથી પાછાં વળો!

પેટાવો, હું ઝગમગ દીવો, બાળો તો કાજળ થઈ જાવું,
અલગારી મન, આસવ પીધો કોઈ નયનથી સીધેસીધો,
પગ લથડ્યા તો કોઈ રૂપાળી કેશલતામાં વળ થઈ જાવુ.

જાણી જોઈ આ છલનાને જીવ- મૃગે સંતોષી દેવી,
નહીંતર ભવરણ બાળી દેશે મૃગજળનું નિષ્ફળ થઈ જાવું.

પાંપણ સમ અડખેપડખેની હરિયાળીએ રહેવું ઝૂમી;
હૈયા સમ સ્પંદન ઝીલીને ઝરણાએ વિહવળ થઈ જાવું.

સાંજ સુધીનો સથવારો છે પથદર્શકનો,પથ્યાચકનો;
દોસ્તરૂપે જે વર્તે એના દાસ ‘ગની,’ કેવળ થઈ જાવું.


કવિ: ગની દહીંવાળા (મધુરપમાંથી)

સંપાદક: કોકિલા રાવળ

અમારા બાપુ રવિશંકર રાવળની યાદમાં…

Credit: BookPratha.com

પહેલી ઓગષ્ટ અમારા બાપુ રવિશંકર રાવળની યાદ આવતા તેમની જિંદગીના પ્રસંગો વિષે વાંચતી હતી અને તેમના ચિત્રો જોતી હતી ત્યારે તેમનુ એક રેખાચિત્ર મારા ધ્યાનમાં આવ્યું. રસ પડ્યો એટલે વાંચી ગઈ.

રવિશંકર રાવળની આત્મકથા (કલાના પાગરણ) માં વિગતપૂર્વક જે જે લોકો તેની જિદંગીમાં આવ્યા તેનુ બ્યાન પણ કરવામાં આવ્યુ છે. અહીં તો તેમના લગ્નનુ કેવી રીતે ઓચિંતાનુ નક્કી થયુ તે તથા તે જમાનાનો ચિતાર આલેખવામાં આવ્યો છે. — કોકિલા


અને હું ઝડપાયો…

એવામાં એક દિવસે મારા સસરાના કુટુંબી ખરા બપોરે સ્ટેશનેથી ઉતરી હાંફળા-ફાંફળા આવી પૂછવા લાગ્યા: “માણેકબા, વાત શું છે? કંકોત્રી મોકલાવ્યાને વખત થયો અને જવાબ કેમ નથી?” મારા બા પણ સડક થઇ ગયા: “કંકોત્રી કોના સરનામે મોકલી છે?”

“કેમ તે વળી રાવળજીના નામથી જ છે.” મારા પિતા ડીસ્ટ્રીક માં હતા એટલે એમના નામની ટપાલ એકઠી કરીને એક ખાનામાં મુકાતી. તે મંગાવી ફંફોળી, તો લાલ અક્ષરનું સાદી પોસ્ટનું કવર મળ્યુ અને ખોલ્યું તો મારા જ લગ્નની કંકોત્રી હતી! બાએ મહેમાનને ખુલાસો કર્યો: “ભાઈ,  એમના નામનું કવર હોય તે એ જ ફોડે; એટલે અમે શું જાણીએ કે કંકોત્રી છે? પણ હવે વધાવી લઈએ છીએ.”

Credit: Ravishankar M Raval

મહેમાન કહે: “પણ અમારો જીવ ઉડી ગયો હતો. અમે તો સાંભળ્યું હતું કે છોકરો હમણાં પરણવાની ના કહે છે. અમારે કન્યાને તેરમું વર્ષ જાય છે. વળી સાથેસાથે નાનીને ય પરણાવી દેવી છે. માટે હવે વેળાસર જાન લઇ આવી પહોંચો.

અમારા સમુદાયમાં લગ્નપ્રસંગે વરપક્ષને બહુ ચિંતા હોતી નથી. કન્યાપક્ષ ટેક રાખે કે જે વરપક્ષ કન્યા માટે જે કૈં વસ્ત્રાલંકાર લઈ આવે તે વધાવી લેવાં. પિતાશ્રીએ ડિસ્ટ્રીકટમાંથી આવી જાનમાં કુટુંબનાં અને સબંધીના મળી પંદર માણસોથી વધુ ન લઈ જવાં એમ જાહેર કર્યું. આપણે ગમે તેવી સારી સ્થિતિમાં હોઈએ પણ વેવાઇ પર અણઘટતો ભાર થવો ન જોઈએ એવો તેમનો સિદ્ધાંત હતો. (ઘણા પોતાની મોટાઈ બતાવવા મોટી જાનો વેવાઈને પાદર લઈ જતા અને કન્યાપક્ષને ઉતારા ભોજનની મૂંઝવણ કરાવતા.) એટલે હું મારા કોઈ મિત્ર ને સાથે લઈ શક્યો નહીં.

જાનને રસ્તામાં એક ટંક ભાતું ખવડાવવાનું હતું, એટલે કંદોઇ બોલાવી સુખડી કરાવી અને ખાસ નવાઈ કરવા કેળના પાણીમાં ગાંઠિયા કરાવ્યા. એ સમયમાં જેમાં પાણી વપરાય તેવી મીઠાઈ કે વસ્તુ બ્રાહ્મણો ભાતામાં કે ઘરમાં ન વાપરતા. આથી બ્રાહ્મણો સેવગાંઠીયા, બુંદી કે પુરીની દુકાનો ન કરી શકતા. કેળના પાણીની ચીજો ચાલુ થયા પછી શહેરના ખૂણે એકાદ બ્રાહ્મણે સેવ-ગાંઠિયા-પેંડાની દુકાન કરેલી. ત્યાં પાટિયું રહેતું કે “કેળના પાણીમાં બનાવેલા સેવગાંઠિયા મળશે.”

જાન નીકળવાને દિવસે જાનમાં જનારાની પેટીઓની રેંકડીમાં ભાતાના મોટા દાબડા વિદાય થયા. કાકા રેલવેની નોકરીમાં હતા, એટલે એક ડબો સુવાંગ ખાલી રાખવા દબાના બારણે રેલવેનોં નોકર ઉભો રાખ્યો હતો. મેં વરરાજાનો ઠાઠ સજ્યો હતો. ખબર મળતાં સ્ટેશન-બંગલામાંથી મસ્તરામ વગેરે મિત્રો વિદાય આપવા આવી પહોંચ્યા. મિત્રોના મનમાં પણ અજાણી મંડળીની જાનમાં જવાની કોઈ ઉત્સુકતા નહોતી. તેવો તો મિત્રના નવા જીવનની મશ્કરીઓ ઉડાવી મજા લેતા હતા. 

Credit: Ravishankar M Raval

ડબાંમા ખાલી જગ્યા જોઈ ગામડાના એક બાપુ હોકો લઈ અંદર બેસવા આવ્યા કે કાકાએ આગળ જવા કહ્યું. બાપુ જરા મિજાજ કરી દાખલ થવા આગળ વધ્યા, એટલે કાકાએ પણ મિજાજ ગુમાવી ધક્કો માર્યો. પાઘડી પડતી અટકાવવા બાપુએ એક હાથે પકડી રાખી પણ ચલમ હેઠે પડી ગઈ અને તેના ટુકડા થઈ ગયા. કાકા પોતાના પડમાં હતા, એટલે કકળતા બાપુ બીજે બેસવા ગયા. આ પ્રસંગે મોટા ભાઈના મિત્રો પણ બાપુને હસ્યા. મને તો તે બિચારાની દયા આવી કે ચલમ વગર તેનું શું થશે?

Credit: Ravishankar M Raval

જાન લાઠી સ્ટેશને ઉતરી ગઈ. ત્યાંની પોસ્ટ ઓફિસમાં બપોર ગુજારીને સાંજ પડતા થોડા ગાઉ ઉપર આવેલા વેવાઈનાં ગામને પાદર સંધ્યાકાળે ગૌધૂલી સમયે પહોંચવાનું હતું. સાથે આણેલું ભાતું સૌએ ખાધુ. પછી જૂની રીતે વેવાઇ તરફથી કણબી ખેડૂતો ગાડા લઈ આવ્યા હતા તેમાં જાન ઉપડી. રામ-લક્ષ્મણ નામના બે રજપૂત ભાઈઓ પોસ્ટમેન હતા તેમણે પોતાની બંદૂકો ભરી ધડાકા કર્યા અને ગોરજ સમયે આંસોદર ગામે જાનનુ સામૈયું થયું. બીજા સગાંઓને ત્યાં પણ તે જ મુહૂર્તે લગ્નો હતા, તે જાનો પણ આવી હતી. એ બધું સરઘસ ગામડાની બજારમાં થઈ પોત-પોતાને ઉતારે વહેંચાઇ ગયું. અમારો ઉતારો કે જાનવાસો (જાનીવસો) એક મોટા ચોગાનવાળા ડેલીબંધ વંડામાં ઊંચી ઓસરીવાળા મકાનમાં હતો.


લેખક: રવિશંકર રાવળ, ગુજારાતમાં કલાના પગરણ, પાનું ૧૧૬

સંપાદક: કોકિલા રાવળ

ઘરશાળાનાં સ્મરણો ૧૯૪૮-૧૯૫૫

જ્યારે દક્ષિણામૂર્તિ અને ઘરશાળા જોડાયેલા હતા ત્યારની વાત છે. મેં કુમારમંદિરમાં બીજી શ્રેણીથી શરૂઆત કરી. પાંચમી શ્રેણીમાં આવી ત્યારે વાઘાવાડી રોડ ઉપરના ઘરશાળામાં આવી. ત્યારે ઘરશાળા એક માળની હતી. આજે તેના બે માળ થઈ ગયા છે.

Image credit: facebook.com/R-K-GharShala-Vinay-Mandir-Bhavnagar

ઘરશાળામાં  ભણવાની પ્રથા અનોખી હતી. ત્યારે ભાઈઓ અને બહેનોનો સાથે અભ્યાસ કરવાનો નવો પ્રયોગ હતો. સ્વામીનારાયણની જેમ એક વર્ગમા બે ભાગલા હતા. એક બાજુ બહેનો બેસે, અને બીજી બાજુ ભાઈઓ બેસે.

જો આખા વર્ષ દરમિયાન દર બે મહિને લેવાતી પરિક્ષાઓમાં તમને અ કે બ+ મળે તો બાર મહિને લેવાતી પરિક્ષામાં તમને મૂક્તિ મળતી. મને કાયમ મૂક્તિ મળી છે. ભણવાનુ બહુ સરળ હતુ. આજની જેવો ભણતરનો ભાર ન્હોતો. ત્યારે વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂરત નહોતી.

ઈત્તર પ્રવૃતિઓ ઘણી હતી. સંગીત, ચીત્રકામ, સુથારીકામ, ઉદ્યોગનો વર્ગ, ભરત-ગુથણ, અને રેંટિયો કાંતવાનો પણ વર્ગ હતો.

સવારના સૌથી પહેલા સંમેલનમાં સૌ એકઠાં થતા. આ પાછલા મકાનની લાંબી ઓંસરીમાં થતું. શરૂઆત બાબુભાઈ અંધારિયાના મીઠા સૂર અને હારમોનિયમથી થતી. થોડી રોજની જાહેરાતો પછી સૌ છૂટા પડી સૌ સૌના વર્ગમાં ગોઠવાઈ જતા.

છેલ્લો વર્ગ રમત ગમત માટેનો હતો. આ જયદેવસિંહભાઈ લેતા. તેઓ અમાારા બાલમંદિરના મકાનમાં જ રહેતા. અમે બધી બેનપણીઓ તેમના ઘેર ઘણીવાર જતા . તેમના પત્ની અમને સારો આવકાર આપતા. જયદેવસિંહનો સ્વભાવ આનંદી હતો. તેઓને અમારી મશ્કરી કરવાની મજા આવતી. હાઈસ્કુલમાં ગયા પછી જ્યોતિબેન પંડ્યા અમારો રમત ગમતનો વર્ગ લેતા.

શનિવારે સફેદ ગણવેશ પહેરવાનો હતો. બાકીના દિવસોમાં જે પહેરવુ હોય તે પહેરતા. તે જમાનામાં ડિઝાઈનરના કપડાં નહોતા. શનિવારે કવાયત થતી જે જયદેવસિંહભાઈ કરાવતા. ઉંચાઈસે એક કતારમાં મારો ત્રીજો નંબર આવતો.

અમે હુતુતુ, લંગડી, ઉભી ખો, બેઠી ખો, નારગેલ, રૂમાલ દાવ અને સંગીત ખુરશી રમતાં.

વર્ષમાં એકવાર રમત દીન આવતો. ત્યારે નવી રમતો રમાતી. જેવી કે રસ્સીખેંચ,ચમચીમાં લીમ્બુ રાખી ચાલવાનુ, પગમાં રસ્સી બાંધી કોથળામાં કુદતા કુદતા ચાલવાનુ, પાછળ હાથ બાંધી કુદકો મારીને ટીંગાળેલા જામફળને ખાવાનુ. ભાઈઓ સાથે હુતુતુની હરિફાઈ કરવાની,બાલકંનજી બારીની પણ શરુઆત ત્યારે થઈ!

આઠમીમાં આવ્યા પછી ભણવાની પધ્ધતિ બદલાઈ ગઈ. સ્વાધ્યાય પધ્ધતિ ઉમેરાઈ જેમાં બહાર ઓંસરીમાં ભાઈઓ-બહેનો સંપથી સાથે બેસી એકબીજાને મદદ કરતા. તેને બુનિયાદી વિભાગ કહેતા. 

વર્ષમાં એક વાર ભાઈઓ-બહેનો સાથે મળીને સ્વયંમપાક રાખતા જે પાછલી ઓંસરીમાં કે બાવર (bower)– જે લાંબો મોટો લાકડાનો માંડવો હતો; જેમાં મધુમાલતીના ફુલ ખુલતા અને ઝુલતા.  

વર્ષમાં એક દિવસ સ્વયંમ શિક્ષણનો દિવસ હતો. ત્યારે વિદ્યાર્થીઓ ક્લાસ લેતા અને શિક્ષક પાછલી બેંચમાં બેસતા. મેં નવમીમાં સંસ્કૃતનો ક્લાસ ભણાવ્યો હતો તેની યાદ છે. 

શાળાની વચોવચ મોટો હોલ હતો. ત્યાં શાળાના અધિપતિ બેસતા. અમને હરભાઈની કે એકે શિક્ષકની બીક ન લાગતી. હરભાઈને માથે મૂંડો હતો. અમે તેની માથે હાથ ફેરવતા. બીજા શિક્ષકો સાથે ધબાધબી કરતા અને મશ્કરી કરતાં. આમ બધાં સાથે કુટુંબી ભાવ હતો. આ હોલનાં દિવાલોમાં લાઈબ્રેરી તથા કલાકારોના ચિત્રો હતા. મને વાંચવાનો બહુ શોખ હતો. મેં આખી લાઈબ્રેરી ના પુસ્તકો વાંચી કાઢેલા.

થોડાં શિક્ષકોના નામ યાદ છે — બા.પ્ર.ભટ્ટ (ગણિતના શિક્ષક) — કાંતિભાઈ દોશી (સંસ્કૃતના શિક્ષક) — મુકુંદભાઈ (વિજ્ઞાનના શિક્ષક) — મંચ્છાબેન ભટ્ટ (ગુજરાતીના શિક્ષક) — ત્યાર પછી હરભાઈના દીકરી ઈંદુબેન (ગુજરાતીના શિક્ષક) — ધરમશીભાઈ (ઈતિહાસ અને નૃત્યકળાના શિક્ષક) — પ્રફુલભાઈ ઝાલા (ઈંગલીશના શિક્ષક) જેણે અમને અંગ્રેજી વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો. બધાં શિક્ષકોના અમે નામ પાડેલા. કાંતિભાઈ દોશીને અમે કાંદો કહેતા. કયુમભાઈ હંમેશા કાળા કપડાં પહેરતા એટલે તેનુ નામ કયુમ કાગડો રાખેલુ. પ્રતાપભાઈ પહેલવાન હતા એટલે તેને દાદા કહીને બોલાવતા.

હું મારી બીજી પ્રવૃતિમાં અમારા ક્લાસનુ નામનુ માસીક ચલાવતી. ત્યારે મારી કલ્પનાને પાંખો આવતી. હું તેમાં નીબંધો પણ લખતી. બીજા વિદ્યાર્થીઓ પણ તેમાં સહાય કરતાં. તેમાં વળી કોઈ ચિત્રો પણ કરી આપતા. મારાથી આગળ ભણતા બે ભાઈઓ સાથે નાગરિક પત્રિકાની પણ મંત્રી હતી. જે પત્રિકા અમે બહાર પાટિયા ઉપર મૂકતા. 

પહેલા વરસાદમાં અમને રજા મળતી. ભીંજાવાની અને માટીની સુગંધ લેવાની મજા આવતી. બોરની સીઝનમાં વિકટોરિયા પાર્કમાં લઈ જતા. ત્યાં અડાબીડ ચણી બોરના જંગલ હતા. આજે જે ચાલવાના રસ્તા થયા છે તે નહોતા. 

દરેક સત્રમાં અમને પર્યટનોમાં લઈ જતા. ખોડિયાર મંદિર, શીહોર, પાલીતાણાં, જુનાગઢ, ગોપનાથ, ગઢડા,  નાગધણિંબા, પ્રભાસપાટણ અને તુલસીશ્યામની ઘણી યાદો છે. પાલીતાણાનો આખો ડુંગરો ચડી ગયેલી. તેવીજ રીતે જુનાગઢમાં પણ બધી ટુંક ચડી ગયેલી. પગની પીંડીઓ બે ત્રણ દિવસ દુ:ખેલી તે પણ યાદ છે. ગોપનાથનો પથરાળો દરિયો,ગઢડામાં પાણીમાં ડુબી ગયેલી, નાગધણિંબાના ટેકરાઓ, પ્રભાસપાટણમાં ખળખળ વહેતી નદી, ત્યાં મોટામોટા પથ્થર ઉપર બેઠેલા, પીકનીક કરેલી. સૌથી વધારે યાદ તો તુલસીશ્યામની છે. તે પ્રવાસમાં અમે ચાર-પાંચ બહેનો જ પચાસેક ભાઈઓ અને શિક્ષકોની સાથે હતા. ગીરગઢડા સુધી ટ્રેનમાં અને ત્યાર પછી વીસેક ગાઉ ચાલ્યા હતાં. રસ્તામાં અમે બહેનો પાછળ રહી જતી હતી. સાથે ભાતા પોતા અને એક રાત રોકાવાનુ હતુ એટલે કપડાં પણ લીધેલા. અમારાથી આગળ ભણતાં વિદ્યાર્થી શરદભાઈ ચૌહાણ અમને સંભળાવ્યુ પણ હતું કે આ “આફતના પડિકા ક્યાં લીધા!” સાંજ પડતાં પહોંચવાનુ હતુ. રસ્તામાં એક ટુકડી ભુલી પડી ગઈ હતી. તેઓ જેટલા વટેમાર્ગુ મળતા તેને પૂછતા પૂછતા અમારી સાથે જોડાઈ ગયેલા. ત્યાં પહોંચ્યા ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. ખીચડી શાક જમ્યા. રાતે સિંહના ડણકા સાંભળવાની બીકમાં બહુ સૂઈ નહોતા શક્યા. બીજે દિવસે પુરી, શાક, લાડુ, દાળ ભાતનું જમણ જમ્યા હતા. ત્યારે અમે ખાવાની શરત પણ મારેલી કે કોણ કેટલા લાડુ કે પુરી ખાઈ શકશે. બીજે દિવસે ભીમચાસ ગયેલાં. ભીમે પાટુ મારીને જમીનમાંથી પાણી કેવી રીતે કાઢ્યું હતુ તે જગ્યા જોઈ. આમ રંગે ચંગે પાછા ફર્યા.

આમ અમે મજા કરતા અને રમતા-રમતા ભણ્યા. માધવજીભાઈ પટેલ અમને અવાર-નવાર વાર્તાઓ કહેવા શાળામાં આવતા. ખાસ કરીને ભીમના ટોળાની વાતો કરીને અમને હસાવતા.

ઘરશાળામાં ભણેલા વિદ્યાર્થીઓ જીંદગીમાં ઘાણાં આગળ આવ્યા છે. ઘરશાળા આજે ઘણી બદલાઈ ગઈ છે. બહારના પાટિયા જોતા ઘણી પ્રવૃતિઓ વધી ગઈ છે. તેની ઉપર બીજો માળ પણ બંધાયો છે. મને લાગે છે કે બાળકોને તક મળતા ઘણા ખીલી શકે છે.

ઘરશાળામાં ભણવાથી મારામાં ઘણો આત્મવિશ્વાસ પેદા થયો છે. પુરૂષો સાથે વાત કરવાની શરમ છૂટી. વાણી સ્વાતંત્ર્યની શરૂઆત ઘરશાળામાં થઈ. અમેરિકામાં જઈને તેને વધારે દાદ મળી.


કોકિલા રાવળ, ઘરશાળાનાં સ્મરણો ૧૯૪૮-૧૯૫૫, kokila.raval22@gmail.com, July 2019

શ્રેયા — દિવ્યાક્ષી શુકલ

છબી તારી

છબી તારી

માવડી,

એકડો ઘૂંટાવતી

મને લાગે

વ્હાલી વ્હાલી, ને

સરી પડે

ટપ ટપ અશ્રુ-બિન્દુ

તારી યાદમાં!


પ્રભાતે સંચરે                                                                                 

પ્રભાતે સંચરે

પ્રવાસે

પંખીગણ

સ્વેચ્છાએ નિજાનંદે,

નિશ્ચિત

નકશા વિના!

watercolor: Kishor Raval

કામણગારું

પર્ણ-વેલીનું

પ્રણય-નર્તન

બની રહે કામણગારું,

સમીર-સાંજનાં

સુમધુર સાથમાં!


   પ્રભાતે પ્રભાતે

થાય

ઉઘાડ

સૌરભ ભર્યો

પ્રભાતે પ્રભાતે,

ને મન

બની જાય વૃંદાવન!


કવિયત્રી: ડો. દિવ્યાક્ષી શુકલ, પુસ્તક:શ્રેયા, લઘુ ક।વ્ય

સંપાદક:  કોકિલા રાવળ

                                                                                           

લીમડો (લઘુકથા)

અગાસીમાં થતાં સળવળાટથી મોટાની આંખ ઊઘડી ગઇ. એ પથારીમાં બેઠો થઇ ગયો. બાપુજીને એણે હળવે – હળવે દાદરો ઉતરતા જોયા. એનાં હૈયામાં ફાળ પડી. બાપુજીને રોકવા એ ઊભો થઇ ગયો પણ પગ આગળ વધ્યા નહિ. એણે ટોર્ચ હાથમાં લઇ ઘડિયાળમાં જોયું. બરાબર પાંચ વાગ્યા હતા. – બસ એ જ સમય. એ ફફડી ઊઠ્યો. એની નજર બાપુજીને જકડી રહી.

બાપુજી દાદર ઉતરી ફળિયામાં રહેલા લીમડાનાં ઝાડ પાસે ગ્યા. લીમડાના કાળા પડી ગયેલા થડને એમણે જોયું. ધીમે – ધીમે ઊંચે ચડતી જતી એમની નજર લીમડાના બળી ગયેલા પાંદડાઓમાં અટવાતી રહી. એ ક્યાંય સુધી ગુમસુમ ઊભા રહ્યા. 

Image credit: currentkids.in

મોટાની આંખ ઊભરાણી. ત્રણ જ દિવસ થયા’તા એ લીમડા નીચે ઘટેલી ગોઝારી ઘટનાને. સવારમાં પાંચ વાગ્યામાં ઊઠી રસોડામાં સ્ટવ પર પાણી ગરમ કરવા ગયેલી બાને આગની જ્વાળાઓએ ભરખી લીધેલી. અંત ઘડીએય ઘરમાં બીજું નુકશાન ન થાય એવું વિચારી બા બહાર નીકળી આ લીમડા નીચે ઊભી રહેલી. એની ચીસોથી જાગી બધાં નીચે ઉતરે એ પહેલાં લીમડાના પાન મૂરઝાઇ ગયાં હતાં.બાપુજી થોડીવાર એ લીમડા નીચે બેઠાં. બા ઊભેલી એ જગ્યાને એમણે પસવારવી શરૂ કરી.

બાપુજીને જોઇ રહેલ મોટાએ ડૂસકાંને ગળામાં જ દાબી દીધું, ને એમની પાસે જઇ બેઠો. લીમડાને જોતાં – જોતાં એમનું માથું મોટાના ખભા પર ઢળ્યું, ને ત્રણ – ત્રણ દિવસથી થીજેલી એમની આંખો બાને ઠારવા મથતી હોય એમ પીગળવા લાગી. 


લેખિકા: નસીમ મહુવાકર
ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, અજરામર ટાવર પાસે, સુરેંદ્રનગર
મોબાઇલ: 99 1313 5028 / ઇમેઇલ: nasim2304@gmail.com


 

The Sound of Gravel (પુસ્તક પરિચય)

રૂથ તેની માની ચોથી બાળકી હતી.અને નવાબાપના બેતાળીસમાં તેનો નંબર ઓગણચાલીસમો હતો. તેઓના બાપ દાદા ચુસ્ત મોરમન ધર્મ પાળતા અને બહુ પત્નીમાં માનતા. બધા અંદરોઅંદર લગ્ન પણ કરતા. તેઓ મેક્સીકોના નાના ગામમાં ખેતીવાડી કરી જીવન ચલાવતા. તેઓના ઘરમાં વીજળી કે પાણીની વ્યવસ્થા નહોતી. જે સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે તેને સ્વર્ગ મળશે તેવી માન્યતા ધરાવતા.  રૂથના કાકા ધર્મના  અધિપતી થવા માટે તેના બાપની હત્યા કરે છે. મા બીજા ધાર્મીક માણસ સાથે લગ્ન કરે છે. 

રૂથ જ્યારે બાર તેર વર્ષની થાય છે ત્યારે તેને નવાે બાપ છેડતી કરવાની શરૂઆત કરે છે. નવા બાપની બીજી પત્નીઓ પણ નજીક રહેતી હોય છે. રૂથ જયારે તેઓની છોકરીઓ સાથે રમતી હોય છે ત્યારે તેને બીજી છોકરીઓ દ્વારા ખબર પડે છે કે તેઓ ને પણ  તેવો અનુભવ થયો છે.

આર્થીક મદદ લેવા રૂથની મા બાળકો સાથે મેક્સીકોની બોર્ડર ક્રોસ કરી અવારનવાર આવન જાવન કરતી હોય છે. બાપ બીજા નાના મોટા કામ પણ કરતો હોય છે.નવા બાપનેનજીકમાં પાેતાની કામ કરવાની જગ્યા હતી ત્યાંથી વીજળીનુ કનેકશન ઘર માટે નાખે છે. એક વખત જ્યારે બહુ વરસાદ પડતો હોય છે ત્યારે રૂથના નાના બે ભાઈઓ વરસાદમાં રમવા નીકળે છે ત્યારે વાયર બરાબર ઉંડા ડાટ્યા ન હોવાથી બંને ભાઈઓને શોક લાગવાથી મરી જાય છે. તેને બચાવવા જતા તેની મા પણ મરી જાય છે. રૂથને બહુ આઘાત લાગે છે.

રૂથને અમેરિકા વધારે પસંદ હોય છે.  તે વિચાર કરતી થાય છે કે જે ધર્મમા તે જન્મી છે તે તેને માટે નથી. અને તે તેના ભાઈબહેનોની જિંદગી વિષે પણ ચિંતા કરતી હોય છે.

આ વાર્તા રૂથની દશ્ટીએથી કહેવામા આવી છે. શાંતિ અને પ્રેમ માટે હિંમતથી બધાં ભાઈબહેનને કેવી રીતે અમેરિકા પલાયન કરે છે અને તેઓને સ્થાઈ કરે છે. તે દીલચશ્પ કહાની  આપણને છેક લગી જકડી રાખે છે.

ઝીણી ઝીણી વીગતથી લખાયેલી આ વાર્તા જાણે ચલચિત્ર જોતા હોઈએ તેમ લાગે. સાથે રોજનીશીમાંથી લખાયેલી પણ લાગે. લેખિકાનુ આ પ્રથમ પુસ્તક છે. તેની યાદ દાસ્તાનમાથી લખાયેલી આ સત્યઘટના છે. 


લેખિકા: રૂથ વોરનિઅર (Ruth warnier)

પુસ્તક પરિચારક: કોકિલા રાવળ.

વિચારોની વસંત

હાસ્યની છોળો ઉડાડ્યા કરવી, સમજદાર લોકોનો આદર
અને શિશુઓનો સ્નેહ પામવો,
દિલેર ટીકાકારોની કદર મેળવવી અને
દગાખોર દોસ્તોને ખમી ખાવા, જીવનના સૌં દર્યને માણવું,
અન્યોમાં અનોખું હોય તેની ખોજ કરવી,
એકાદ ઉમદા બાળકને ઉછેરીને કે એક નાનો બાગ સીંચીને
જગતને થોડું બહેતર બનાવી દેવું,
અરે, આપણા થકી એકાદ જિંદગી મધુર બની એ જાણવું
– તેનું નામ સફળતા.

— એમર્સન


વિચારોની વસંત, વેરાયેલા થોડા વિચાર-પુષ્પો
વીણ્યાં ને ગુજરાતીમાં ઉતાર્યાં, જયંત મેઘાળી
સંપાદક કોકિલા રાવળ