પોકોનો માઉટન્સ ફિલાડેલ્ફિયાની નજીક આવેલી એક હરિયાળી જગા છે. આ ભૂરા પહાડો પાનખરરૂતુ પહેલા અવનવા રંગો ધારણ કરે છે. ખાસ કરીને વસંત, ગ્રીષ્મ અને હેમંત રૂતુમાં કુદરતને માણવાની જગા છે. વસંતમાં રંગ બે રંગી ફૂલો, ગ્રીષ્મમાં લીલુછમ અને હેમંતમાં રંગીન દુનિયા બની જાય છે.ત્યાં નાના નાના ગામો વસેલા છે. અમે લેઈક હારમની જવા માટેની તૈયારીઓ શરૂ કરી.

શુક્રવારની બપોરે અમે બે કારમાં જવા ઉપડ્યા. ફિલાડેલ્ફિયાથી દોઢેક કલાક દૂર લેઈક હારમની આખા કુટંબને જાત જાતની પ્રવૃતિઓ કરવા માટે સગવડતા ભરેલી જગા છે. લીલા રંગને ધારણ કરેલા પહાડો ની સાથે જી.પી. એસ જોતા જોતા રસ્તો જલ્દી કપાઈ ગયો.
કારમાં બેસીને થાક્યા હતા એટલે રજીસ્ટ્રેશન પતાવી અમારી રૂમમાં સામાન ગોઠવી ચા, કોફી પીવા ઉપડ્યા. અમારી અડધી ટુકડી કેડીઓમાં ચાલવા નીકળી બીજીટુકડી સાઈકલ સવારીએ ઉપડી. સાંજે થાક ઉતારવા લેઈક ઉપર ઓપન બાર હતો. અમે સૌ સૂર્યાસ્ત જોતા જોતા સોડા લેમન કે બીયર સાથે પોટેટો ચીપ્સની ઝ્યાફત ઉડાવી. ત્યાર પછી ડીનરની જગ્યા પસંદ કરી જે નવેક માઈલ દૂર હતી.
બીજે દિવસે સવારે સારો બ્રેકફાસ્ટ લઈ પાછા બે ટુક્ડીમાં છૂટા પડ્યા. એક ટુકડી બાળકોને વોટર સ્લાઈડ કરાવવા લઈ ગઈ. તેમાં ઉંચેથી શરૂ થતી આ સ્લાઈડ વાંકી ચૂંકી ઝડપભેર શ્વાસ અધ્ધર કરાવી દ્યે તેવી ઉપડે પછી ધૂબાકા સાથે છીછરા પાણીમાં પછાડે. બીજી ટુકડી પાછી કેડીઓમાં ચાલવા અને ટુરીસ્ટની દુકાનોમાં ફરી. આમ બે દિવસ ક્યાં ગયા તેની ખબર ન પડી.

ત્યાંની આકર્ષણની જગ્યાઓમાં વ્હાઈટ વોટર રાફ્ટીંગ, બાઈકીંગની ટ્રેઈલ, વાઈનરીમાં વાઈન ટેસ્ટીંગની જગાઓ, પોકોનો ઓપન બઝાર, એર ટુર, હિમાલય આરોગ્ય સેંટર, અમેરિકન બોટીંગ, નેટીવ ઈંડિયન મ્યુઝીયમ, હાઉસ ઓફ કેંડલ, ઈનડોર ગો કાર્ટસ, રોલર સ્કેટીંગ, પ્લેનેટ અર્થ ગેલેરી, કેન્ડી સ્ટોર્સ, વાઈલ્ડ એનીમલ પાર્ક અને ફીશ રીઝર્વેશન સેંટર . સ્ટ્રાઉટ્સબર્ગ નામના ગામ આગળ વૃજધામ પણ છે.
અમે બે દિવસ મોજ કરી રવિવારે સાંજે ઘર ભેગા થઈ ગયા.
કોકિલા રાવળ, મે ૨૦૧૯