રામ કથા

વાંદરાએ બાળી મૂકેલી લંકાથી
ચોરી લાવેલા અગ્નિમાં પરીક્ષા પાસ કર્યા પછી,
બારીમાં અથડાયેલા ચંન્દ્રના અવાજથી ચોંકેલી
દાદરા નીચે
બળેલા ખંડેરોમાં ધુમાડાથી સજ્જડ ભરાઈ
ભારે થયેલા મૌનના ઢગલા જેવી એ બેઠી હતી.

રાત્રે જ્યારે પગલાના અવાજ વગર ચાલેલી –
ઊંદરના રાહડા, કરોળિયાની લહરક લહરક પગના ઘસારા
અને મગજમાં શબ્દોની અથડામણથી ધસેલી
ગતીના ઊહાપોહ -અવાજ શોધવા ?

એની સામે બધાએ જોયું.

એણે આંખ પરથી પાંપણ ઊંચી કરી.

કશી કબુલાત કરી નહી.

પેલા માણસની હાર તો એ જ હતી :
એણે આદેશ આપ્યો હતો કસોટીની શુદ્ધતા પારખવાનો.


કવિ : હિમાંશુ પટેલ ( કવિતા : જવનચિત્રોનું અક્ષયપાત્ર )

સંપાદક : કોકિલા રાવળ

હાં રે અમે ગ્યાતા મશરૂમના ઓવારે

એક શનિવારની બપોરે અમે મશરૂમ ઉગાડવાના ગોડાઉનમાં ગોઠવેલી ટુરમાં ઉપડ્યા.

ગોડાઉનમાં ધીરે ધીરે પંદર વીસ  માણસો ભેગા થયા. ત્યાં બેસવા માટે સોફા અને ટેબલ ઉપર નાસ્તા ગોઠવાયેલા હતા. અમે સૌ નાસ્તો અને પીણાઓને માણતા એકબીજા સાથે ઓળખાણ કરી. ત્યાં તો એક ભાઈએ આવીને બેલ વગાડી. અમે સૌ તેને સાંભળવા તેની આજુબાજુ અમારી નાસ્તાની રકાબીઓ સાથે ગોઠવાઈ ગયા. સૌ પહેલા તેણે મશરૂમ કેવી રીતે ઉગાડે છે તેની ઉપર ભાષણ  આપ્યું.

એક જગ્યાએ ગેસના ચુલા ઉપર મશરૂમનો સુપ ઉકળી રહ્યો હતો. તે અમને સૌને ચખાડ્યો. 

છેલ્લે જેને  જોઈએ તે વેરાઈટી વજન પ્રમાણે વેચતા હતા. અને જેને  બગીચામાં મશરૂમ ઉગાડવા હોય તેને માટે મફત મશરૂમના માટી અને લાકડાના છોલ સાથે વળગેલા પેકીંગ આપતા હતા. માટીને શુદ્ધ કરવામાં પણ વાપરી શકાય.

આ ગોડાઉનમાં ( વેરહાઉસ ) જાત જાતના મશરૂમ ઉગાડવામાં આવ્યા હતા.

મશરૂમ લાકડાના છોલ અને માટી ઉપર ઉગાડ્યા હતા અને તે અંધારા અને ભેજવાળા વાતાવરણમાં હતાં. અમે ટુરના  સમયે થોડા થોડા  સમયના અંતરે તેની ઉપર છાંટા પડતા જોયા. જુદા જુદા ઝાડની છોલ પ્રમાણે જુદી જુદી જાતના મશરૂમ ઉગાડી શકાય. આતો થઈ ગોડાઉનની વાત.

પરંતુ કુદરતમાં ઝાડની નીચે અને તેની આસપાસ દટાયેલા સાઠીકડા ઉપર જો તેને અંધારૂ અને ભેજ મળે તો ઉગી નીકળે તેથી જંગલોમાં જોવા મળે છે. જમીન નીચે તેની શાખાઓ પથરાયેલી હોય છે. તે અંદર અંદર જોડાયેલી મશરૂમની શાખા જમીનને શુદ્ધીકરણ કરતુ હોવાથી તેની દ્વારા ઝાડને પોષણ તરીકે તેને ઘણું પ્રોટીન મળે છે.

સુથારીકામ પછી છોલને ફેંકી દેવામા આવતો હોય છે. તેને બદલે તેને માટી સાથે મેળવીને તેને અંધારી અને ભેજવાળી જગ્યામાં રાખીએ તો તેની ઉપર મશરૂમ ઉગાડી શકાય.

ફિલાડેલ્ફિયા મશરૂમની ખેતી માટે પ્રખ્યાત છે. મશરૂમની જાતોમાં શીટાકે  મશરૂમમાં વધારે પ્રોટીન હોય છે. જાપાનના શીટાકે મશરૂમ વધારે વખણાય છે. ચાઈનીઝ લોકો પણ મશરૂમનો વધારે ઉપયોગ કરે છે. 

કોઈ જાત ઝેરી હોવાને કારણે આપણે મેળે વીણવાનેબદલે જાણકાર સાથે હોય તો જ જંગલના મશરૂમ વીણવા જવા. આ બીકના કારણે ભારતમાં કોઈ ખાતુ નથી.

મશરૂમ પર્યાવરણને ઉપર જતા કાર્બનને પણ શુદ્ધ કરે છે.

This slideshow requires JavaScript.


લેખક — કોકિલા રાવળ

સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે.

પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું ઘડતર દિનરાતની અવિરત વેદનાના હથોડાના ઘાએ આત્માની એરણ પર થયું છે. હું ચાંદનીમાં ને ફૂલોમાં, દરિયાની લહરીઓ જોડે કે ઝરણાંની સાથે મહોબ્બત કરવા બેઠો છું, ત્યારે પણ એ મહોબ્બત ઉપર મારી સુખસગવડોની દુનિયાઓ ફના કરી છે. ચાંદનીમાં પણ હું સળગતો રહ્યો છું. અને દુનિયાને પ્રકમ્પોના આંચકા લેવરાવવા જેટલું કૌવત મારી કલમમાં, મારી સમવેદના અનુભવવાની ઊર્મિએ જ મૂકેલ છે.


લેખક : ઝવેરચંદ મેઘાણી ( કલમ અને કિતાબ ) ના સૌજન્યથી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

સંપાદક : કોકિલા રાવળ

થોડે થોડે પિયો!

અજરા કાંઈ જર્યા નહિ જાય.
એ જી વીરા મારા  ! અજરા કાંઈ જર્યા નહિ જાય.
થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર,
તમે જરણાંનાં જીન ધરો જી.

શીલ બરછી સત હથિયાર,
તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળિયુગ કાંટા કેરી વાડ્ય,
તમે જોઈ જોઈને પાઉં ધરોને હાં.

ચડવું મેર અસમાન,
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં. 

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં.


સંપાદક : ઝવેરચંદ મેઘાણી ( સોરઠી સંતવાણી ) ના સૌજન્યથી

સંપાદક: કોકિલા રાવળ