સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે.

પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું ઘડતર દિનરાતની અવિરત વેદનાના હથોડાના ઘાએ આત્માની એરણ પર થયું છે. હું ચાંદનીમાં ને ફૂલોમાં, દરિયાની લહરીઓ જોડે કે ઝરણાંની સાથે મહોબ્બત કરવા બેઠો છું, ત્યારે પણ એ મહોબ્બત ઉપર મારી સુખસગવડોની દુનિયાઓ ફના કરી છે. ચાંદનીમાં પણ હું સળગતો રહ્યો છું. અને દુનિયાને પ્રકમ્પોના આંચકા લેવરાવવા જેટલું કૌવત મારી કલમમાં, મારી સમવેદના અનુભવવાની ઊર્મિએ જ મૂકેલ છે.


લેખક : ઝવેરચંદ મેઘાણી ( કલમ અને કિતાબ ) ના સૌજન્યથી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

સંપાદક : કોકિલા રાવળ

ફરી ગોવાની મુલાકાત

અમે ટ્રેનથી મુસાફરી કરવાનુ નક્કી કર્યું. વડોદરાથી બપોરે ત્રણ વાગે ઉપડવાનો સમય હોવાથી અમે સ્ટેશને લગભગ સવા બે વાગે પહોંચ્યા.

આ ભાવનગરથી શરૂ થતી ફાસ્ટ ટ્રેન હતી. અમને નોન એ.સી.નુ બુકીંગ મળ્યુ હતું. અમે ટ્રેનમાં ચડ્યા ત્યારે બે બહેનો લાંબા થઈને સુતા હતા. ટીકિટ બતાવીને અમે અમારા સ્થાને બેસી ગયા. બપોરની ઉંઘમાં તેમનો ભંગ પડ્યો હોવાથી તેમના મોઢા ચડેલા હતા.

થોડીકવાર પછી મેં બહેનો સાથે ઔપચારીક વાતો શરૂ કરી. ભાવનગરમાં તેઓ અને અમે ક્યાં રહીએ છીએ તેની આપ લે કરી. આમ મેં મિત્રતાની શરૂઆત કરી. અમે ચોકલેટ ખાતા હતા તે તેઓને ધરી. ચોકલેટ તો નાના મોટા સૌને ભાવે. થોડી વાર પછી ચાનો સમય થયો. ચાવાળો ટ્રેનમાં ચડ્યો. “ચાય વાલે!” કરીને ઘાંટા પાડી આંટા મારવા લાગ્યો. અમે સેવ મમરા અને ગ્લુકોઝ બીસ્કીટ લીધેલા તે ચા સાથે ખાધાં. અમારા નવા મિત્રોને ધર્યા પણ તેઓએ ન ખાધાં.

લંડન અમેરિકાની વાતો કરતા સમય જલ્દી પસાર થઈ ગયો. અમારા સ-મુસાફરોનો સંગાથ સુરત સુધીનો હતો. આમ અમે મિત્ર ભાવે છૂટા પડ્યાં…

તેઓના ગયા પછી સુરતથી આખી લગ્ન પાર્ટી ચડી. લગભગ સવાસોથી દોઢસો માણસો હતા. શરૂઆતમાં તો કોણ ક્યા બેસસે તેની વ્યવસ્થા કરવામાં પડ્યા. અમે અમારી જગ્યામાં બેસી રહ્યા. બીજા બે જણા અમારી સામે બેઠા હતા તેઓ લગ્નવાળી પાર્ટીમાં નહોતા. તેઓ એકજ સ્ટેશન માટે બેઠા હતા. ટીકિટ ચેકરને આવતા જોઈ તેઓ સામાન મૂકી બીજી સીટમાં જતા રહ્યા. ટીકિટ ચેકરે બધાના રીઝરવેશનના કાગળિયા તપાસ્યા. બધાં ઠરીઠામ થયા. પેલી જોડી પણ ત્યાં આવીને ગોઠવાઈ ગઈ. હું સમજી ગઈ કે આ લોકો ટીકીટ વગરના છે. મને નવી પેઢીની લુચાઈ ઉપર ખરાબ લાગ્યુ. આ દેશના યુવાનોની મનોદશા આવી હોય તો પછીની પેઢી કેવી થશે? તેઓના કપડા કે દેખાવ ઉપરથી ગરીબ પણ ન લાગ્યા. કોલેજમાં જતા છોકરાઓ જેવડા હતા. મારી ફરજ ટીકિટ ચેકરને કહેવાની હતી કે સામાન મૂકીને બે જણા ક્યાંક બીજે ગયા છે. પણ મને બત્તી જરા મોડી થઈ.

જ્યાં રાત પડી એટલે સૌ સૂવાની વ્યવસ્થા કરવા લાગ્યા. અમે ઘેરથી બટેટા-પૌઆ લાવેલા. તેનુ વાળુ કર્યું. અમે નીચેના બર્થનુ સીનિયર બુકીંગ કરાવેલુ. હું તો લાંબી થઈ ગઈ, પણ સાથે બેઠા બેનને બર્થ આપીને મારા સાથીદાર તો ઉપરની બર્થમાં ચડ્યા!

ટ્રેનમાં બહુ ઉંઘ ન થઈ. આંતકવાદી ચડ્યા તેવી શંકા હોવાથી ફાસ્ટ ટ્રેન ધીરી પડી હતી. જાહેરાત થઈ કે “આપકી સુરક્ષા કે લિયે જાંચ કી જા રહી હૈ”. હિંદી ગુજરાતી અને ઈંગલીશમાં આવી જાહેરાત થઈ. બધાંનુ થશે તે આપણું થશે. તેમ વિચાર કરી હું પડી રહી. મોટા ભાગના બધાં ઘોરતા હતા…

અમારી ટ્રેન લગભગ દોઢેક કલાક મોડી પહોંચી. અમારી હોટેલ મડગાંવ (મારગોવા)થી છ કિલોમીટર દૂર હતી એટલે અમે ટેક્ષી કરી. બસો રૂપિયા ટેક્ષી ભાડુ હતું. અમે હોટેલ ઉપર સાડા આઠે પહોંચ્યા કે તરત સમાચાર મળ્યા કે સાડા નવ વાગે બસ ટુર જોવા લાયક સ્થળોએ લઈ જશે. અમે જલ્દી ડિપોઝીટ ચૂકવી રૂમ ઉપર જઈ હાથ મોઢુ ધોઈ તૈયાર થઈ ગયા. સાથે વધેલો થોડો નાસ્તો અને પાણી લીધા. અમારા પાસપોર્ટ અને પૈસા પણ લઈ લીધાં.

ગાઈડ બહુ સારો હતો. વિગતવાર ચાલુ બસે બધી માહિતી આપી રહ્યો હતો. મુંબઈથી ગોવા માટે નવો બ્રીજ બંધાઈ રહ્યો હતો તે બતાવ્યો. ચારેક જગયાએ અમને ઉતાર્યા. લંચ બ્રેક, શોપીંગ,બાથરૂમ બ્રેક અને ચા બ્રેક વગેરે કરાવ્યા. મને સખત તડકો લાગી ગયો હતો. વજન ઉંચકીને ચાલવાનુ ફાવતુ નહોતુ. બે જગ્યાએ અમે જોવા જવાને બદલે સોડા-લેમન પીતા બેસી રહ્યા. સાંજે અમને બોટ આગળ છોડી દીધા. “ત્રેવીસ જણા પાછા ફરવાના હોય તો અમે તમને પાછા લઈ જશુ. નહીંતર તમારી મેળે હોટેલ ઉપર પહોંચી જજો”, તેમ બસમાં ઘોષણા થઈ. ઘણા ત્યાં રાત રહી પડવાના હતા એટલે ત્રેવીસ જણા પૂરા ન થયા. બે ગુજરાતી અને બે મરાઠી કપલની સાથે બસમાં ઓળખાણ થઈ ગઈ હતી. એક ક્રીશચન બેન પણ હતા. એટલે ટેક્ષી કરીને પહોંચી જશુ, તેમ નક્કી કરીને અમે બોટમાં ચડ્યા. આહલાદક હવા આખા દિવસના તાપ પછી સારી લાગી. સાંજ ઢળવા આવી હતી. સૂર્યાસ્ત અને ચંદ્રોદય નીહાળ્યા. હવાની લહેરોથી મન તરબત્તર હતુ. બધાંને ડેક ઉપર બેસવાની ખુરશીઓ હતી. બોટ-રાઈડની ટીકિટ વસુલ થઇ!

બોટ ઉપર મનોરંજન કાર્યક્રમ પણ હતો, જેથી ઓર મજા પડી ગઈ. શરૂઆતમાં કોંકણ અને ગોવાનીઝ નૃત્ય બતાવ્યા. ત્યારબાદ વાજીંત્ર અને ગાન પણ હતા. પછી ડેક ઉપર બેઠેલા અબાલવૃધ સૌને વારાફરતી સ્ટેજ ઉપર આવવાનુ આમંત્રણ મળ્યું. પહેલા બાળકોને નોતર્યા તેઓ પાસે ડાન્સ કરાવ્યો. બહુ નાના બાળકો સાથે તેના મા કે બાપ પણ ગયા હતા. બેક-ગ્રાઉંડમાં મ્યુઝીક વગાડતા હતા. ત્યાર બાદ કપલને બોલાવ્યા. તેને અનુરૂપ ફીલ્મી સંગીત પીરસાતુ હતું. એકલા પુરૂષો અને એકલી બહેનોને પણ સ્ટેજ ઉપર આમંત્રણ મળ્યુ. આમ કોઈને છોડ્યા નહીં. ફોટા વિડિયો પણ લેવાઈ રહ્યા હતા. સૌને મજા પડી ગઈ. ગોવાની દિવાબત્તી અને બીજી બોટની લાઈટો નીરખતા સમય જલ્દી પસાર થઈ ગયો. અમે સૌ એકત્રીત થઈ ઉબર બોલાવી. મજલ ઘણી લાંબી હતી. ઝોલા ખાતા અને વાતો કરતા સૌ સૌની હોટેલ આવી તેમ ઉતરતા ગયા. અમે હોટેલ ઉપર પહોંચ્યા ત્યારે સાડા દસ થઈ ગયા હતા.

અમારૂ સામૈયુ કરવા હોટેલ સેક્રેટરી ત્યાં ઊભો હતો. તેણે અમને જણાવ્યું કે તેના હિસાબમાં ભૂલ હતી. તેણે અમને સાડાપાંચ હજારની પહોંચ આપી હતી અને અમે તેને અઢી હજાર જ આપ્યા હતા. અમે કહ્યુ રૂમ ઉપર જઈ હિસાબ કરી લેણા હશે તો આપી દેશું. તે બહુ કરગર્યો. અને અમને કહ્યુ કે તેને ગાંઠના પૈસા ભરવા પડશે. તેણે ઓફર પણ કરી કે તે મેનેજર સાથે વાટાઘાટ કરી અમને દસ ટકા ઓછા કરી આપશે. અમે રૂમ સુધી પહોંચ્યા અને અંદર જતા પહેલા જ મેં નક્કી કર્યું કે તેને પૈસા રૂમ ખોલતા પહેલા જ ચૂકવી દેવા. તેને પૈસા ચૂકવ્યાં. અંદર જઈ પહેલા મેં હિસાબ કર્યો. તો તે સાચો ઠર્યો. તેણે તેના બોસ સુધી સમાચાર પહોંચડ્યા. છેલ્લે બીલ ચુકવ્યુ ત્યારે અમને દસ ટકા ઓછા કરી આપ્યા હતા, જે અમે છૂટથી કામ કરતા લોકોને આપ્યા. તે દિવસે અમે નાહ્યા વગરના રહ્યા. બહુ થાકેલા હતા એટલે પથારી ભેગા થયા.

બાકીના બે દિવસમાં અમે એકે ટ્રીપ લીધી નહીં. અમે ઘણીવાર આ પહેલા ગોવા આવેલા હતા. એટલે અમારૂ બધું જોયેલુ હતું. અમે સવારે બુફે બ્રેકફાસ્ટ લેતા. લંચ માં ફ્રુટ કે કોરો નાસ્તો કરતા. સાંજે બહાર ડીનર લેતા. એક દિવસ “સાંઈ સાગર”માં સાઉથ-ઈંડિયન ખાધું. બીજે દિવસે હોટલના બગીચામાં જ ખાધું. ત્યાં કેરીઓકી મ્યુઝીક વાગતુ હતું. અમે અમારી ફરમાઈશ આપી તે તેણે વગાડી. બોસે આવીને અમારા ફોટા પાડ્યા. તે તેની જાહેરાતમાં વાપરવાનો હતો.

અમે છેલા બે દિવસ દરિયા કિનારે ખૂબ ચાલ્યા. સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને જોતા કુદરત ઉપર ઓવારી ગયા…


લેખક: કોકિલા રાવળ, ફેબ્રુઆરી ૨૦૨૦

સુવર્ણ પ્રકાશ

image credit: sriaurobindosaction.org

સુવર્ણ પ્રકાશ
સુવર્ણ પ્રકાશ મસ્તકે ઊતર્યો,
તિમિરમાં સૂર્ય તેજ પ્રકાશ્યું,
સુશુપ્ત ડહાપણ ઉજાગર થયું,
નિરવ રોશની અને જ્યોત પ્રગટયાં.

પછી પ્રકાશ કંઠે ઉદઘાટીટ થયો,
વક્તવ્યને દિવ્યતા બક્ષી,
સંગીતનો નાદ રણક્યો,
શબ્દ અમૃત પામ્યો.

સુવર્ણ પ્રકાશ હૃદયે ઉતર્યો,
શાશ્વતીનું સાન્નિધ્ય પ્રગટ્યું,
પ્રભુનું મંદિર બન્યું,
લાગણીના સૂર ગૂંજ્યાં.

સુવર્ણ પ્રકાશ પગ સુધી પહોંચ્યો,
સ્થાયી થઈને રમમાણ બન્યો.
પગરવને દિવ્યતા બક્ષી.


મહર્ષિ શ્રી અરવિન્દના The Golden Light કાવ્યનો ભાવાનુવાદ
(સૂર્યકાંત વૈષ્ણવ, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત)
વધુ માહિતિ માટે — Sri Aurobindo Chair of Integral Studies, Sardar Patel University in Vallabh Vidyanagar

 

પતંગિયાં

ઊડતાં પતંગિયાં, નાચે પતંગિયાં,
લહેરથી હવામાં ઝૂલે રે …

રંગબેરંગી સોહે રે, ચીતરેલા જાણે પીંછીએ
ટપકાંની ભાત એની ન્યારી રે …

નાનકડી પાંખ તોય દૂ-દૂર જાય, પોતીકું લાગે એને જ્યાં જ્યાં જાય,
પરાગની લહાણ એ કરતાં જાય….

ભીતિ વિના એને ભમવું ગમે, મોજથી ફૂલો પર ઝૂમવું ગમે,
ખેલદિલી સાથે ખેલવું ગમે…

અડવા જાઉં ત્યાં તો સરકી જાય, તોય પકડવા દોડી જાઉં,
કરવી છે મારે એની દોસ્તી રે…


કવિયત્રી: નિરૂપમા મારૂ ( જીવન પગથારેના સૌજન્યથી )

સંપાદક : કોકિલા રાવળ

સ્વાર્થ

“કેતુ… એ કેતુ…“

મીરામાસીની બુમ સંભળાઈ. અત્યારે જ પાછા આવ્યા હોવા જોઈએ. એમનુ કાયમ આવું જ. લાંબો સમય એમના એકાદ ભાઈને ત્યાં રહીને આવે. પાછા ફરે ત્યારે એમની જેવુ એકલવાયુ ઘર પણ ખાલીખમ હોય. પાણીનું ટીપુય ન મળે. આવે કે તરત મારા નામની કાગારોળ મચાવે. “એ આવી માસી…“

“પાણીનો જગ લેતી આવજે…“ 

“જગ નહિ, ઘડો જ ભરીને લાવું છું. જરા ઝંપો!“

મીરામાસી મારા પાડોશી. ખાલી ખોળે ચાંદલો ભુંસાયેલો એટલે સાસરેથી પાછા વળાવેલા. પરિવાર એમનો બહોળો, મા-બાપ, ચાર ભાઈ, બે બહેનો. મા-બાપ જીવ્યા ત્યાં સુધી બધુ ઠીકઠાક ચાલેલું. ધીમે ધીમે ભાઈઓ પોતાના સંસારમાં ગુંથાતા ગયા. એમણે કાયમ ટેકો આપવાનું વચન આપેલું તેટલે માસી બીજે ક્યાંય ગોઠવાયેલા નહિ. અઢી દાયકા વિત્યે વચનની અસર આછી તો પડે જ. પાછળ વધ્યા માસી એકલા. એમના સૌથી નાના ભાઈની કમાણી નાની, તોય એમના ટેકે માસીનું ગાડું રગડ્યા કરે. બીજા બધાના ઘરે સારો માઠો પ્રસંગ હોય, દવાખાને હોય કે  ઘરના કામની કંઈ મુશ્કેલી હોય કે તરત મીરામાસીને તેડાવે. માસી પણ મહિનો-દોઢ મહિનો એમનું કામ રોડવી દે. જરૂરિયાત પુરી થાય કે માસી વળતી ગાડીમા પરત. આજેય એમના એક ભાભી બિમાર પડેલા તે દોઢ મહિનો રોકાઈ, ચાકરી કરી પરત થયેલા.

માસીના ઘરનું બારણું અધખુલ્લું હતું. મેં રસોડામાં જઈ માટલુ વીછળી, ઘડામાંથી પાણી એમાં રેડ્યું. માસી પલંગ પર પગ લંબાવીને બેઠેલા. હું સામે જઈને બેઠી. 

“ભાભીને સાજા કરી આવ્યા એમને?“

“હા બેટા, જાવું તો પડેને“

“માસી, બધાને તકલીફમાં જ તમે યાદ આવો છો. મફતમાં સેવા લે છે. તમે ખાટલે પડો ત્યારે કોઈ ભાવ પૂછતું નથી.“

“બેટા ઈ રહ્યાં બધાં સંસારી જીવ. એની માયામાં અટવાતા હોય.  તે હું રહી એકલો જીવ, તે મને બોલાવે.“

“તે તમારા એકલા જીવને કાંઈ તકલીફ નથી પડતી? હવે તો તમારી ઉંમર થઈ. કેમ એકે ભાઈ કાયમ માટે નથી સંઘરતા? કામ પડે ત્યારે તમે યાદ આવો ને અમથા ભારે પડો? બધાય સ્વાર્થના સગા છે, માસી, સ્વાર્થના સગા.“ 

“કેતુ, ગમે એમ તોય મારા. હવે આ જાતી જીંદગીએ હું ક્યાં કામ ગોતવા નિકળુ? ને નાનો એકલો કેટલુ વેંઢારે? બીજા બધા કામ પડ્યે મને તેડી જાય છે ને એવે ટાણે મારા મહિના-દોઢ મહિનાના રોટલા નીકળી જાય છે. ને કેતુ, સાચુ કહું તો આમા સ્વાર્થ તો મારેય છે જ ને, એ એકલા થોડા…“

એમના ચેહરા પરની કરચલીઓમાં મને એમની લાચારી લચી પડતી દેખાઈ. એ વધુ ઓગળે એ પહેલા એમને રોકી બહાર નિકળતાં મેં કહ્યું, 

“માસી, અત્યારે રસોઈ બનાવવાની માથાકુટ નહિ કરતા. હું થાળી આપી જઉં છુ.“


લેખિકા : નસીમ મહુવાકર — ભાવનગર. સંપાદન “ છાલક “ ના સૌજન્યથી

સંપાદક : કોકિલા રાવળ

બાર કલાક લંડન એરપોર્ટ ઉપર

અમેરિકાથી ભારત આવતા લંડનના એરપોર્ટ ઉપર બાર કલાકનુ રોકાણ હતુ. ત્યાર પછી બીજી કનેક્ટેડ ફ્લાઈટ લેવાની હતી. ઉતરતી વખતે પ્લેનમાં એનાઉન્સ થયુ કે જેને કનેકટેડ ફ્લાઈટ લેવાની હોય તેણે પર્પલ રંગના સાઈનને ફોલો કરવું. હું તો સાઈન જોતા જોતા ઉપડી.

હું વજન ઉંચકીને થાકી હતી, એટલે જ્યાં ઈન્ફોરમેશનની સાઈન જોઈ, ત્યાં મેં દોઢા થઇને પૂછ્યું… કેટલે દુર જવાનું છે? બોર્ડીંગ પાસ માગ્યો, તેણે કપ્યુટરમાં જોઈને કહ્યુ કે અહીં બેસો. તમને થોડીવારમાં લઈ જઈશુ.

હું તો બેઠી. દસ પંદર મીનિટ થઈ. પછી મને ચટપટાટી ઉપડી. અડધો કલાક પછી કલાક થયો. મારી ધીરજ ખૂટી. હું ઉંચી-નીચી થવા માંડી, એટલે પૂછવા ઉપડી. અને મેં ઉમેર્યું કે મારી પછી આવેલાને લઈ જાવ છો, તો મને ક્યારે લઈ જશો?

ત્યારે તેણે ફોડ પાડયો કે જેની પહેલી ફ્લાઈટ હોય તે પ્રમાણે લઈ જઈએ છીએ. હજી થોડીવાર બેસો. મેંતો દલીલ કરી કે મારી રાતની ફ્લાઈટ છે એટલે શું મને રાત સુધી બેસાડી રાખશો? મને મારુ બોર્ડીંગ પાસ પાછુ આપો અને મને ખાલી માર્ગદર્શન આપો. હું ચાલી શકુ છું, મારી મેળે પહોંચી જઈશ. મને કહે બહુ અટપટ્ટુ છે. કમ્પ્યુટરમાં એંટર કરેલુ છે એટલે અમારે જવાબ દેવો પડે. વ્હીલચેરવાળુ કોઈ જતુ હશે ત્યારે તેની સાથે મોકલુ છું. તમે વ્હીલચેરવાળી છોકરીની સંગાથે ચાલતા જજો.

સારૂ; કહી હું તો પાછી બેઠી. તેની વ્યવસ્થા થઈ એટલે હું ઉપડી. પછી બીજી જગ્યાએ બધાંને ભેગા કરતા હતા. ત્યાં બેસાડી. ત્યાં પણ ફ્લાઈટ પ્રમાણે લઈ જતા હતા, એટલે મેં શાંતિ ધરી. અને મનમાં વિચાર કર્યો કે મારે તો ગમે ત્યાં બાર કલાક પસાર કરવાના છે તો અહીં બેસુ કે ડિપાર્ચર લાઉંજમાં બેસુ બધું સરખુ જ છે. અહીં શાંતિ છે. મશીનમાંથી ચા લીધી, જે મફત હતી. આજુ બાજુ બેઠેલાઓ સાથે પરિચય કર્યો. રૂમ મોટો હતો. બાજુમાં બાથરૂમ હતો. તે પણ મોટો હતો. 

મારી પાસે પુસ્તક હતુ તે થોડીવાર વાંચ્યું. મારી બાજુ બેઠેલા ભાઈ સેક્રેટરીની હેલ્પર સાથે ચર્ચા કરી રહ્યા હતા તેમાં ભાગ લીધો. ભાઈનુ કહેવુ એમ હતું કે તેમને અને તેમની પત્નીને સાથે કેમ ન લાવ્યા? તેને ચિંતા થતી હતી. મેં તેને સાથ આપ્યો કે ઉમરવાળાને શું શું થઈ શકે. તેના લગ્નને સાંઈઠ વર્ષ થયા હતા, હવે એકબીજા વગર ન રહી શકીએ, વગેરે…આમ ગુસ્સે થયા વગર દલીલ કરતા હતા.

બીજી વાર કોફી લીધી. સાથે થોડો નાસ્તો ફાક્યો. ઉતર હિંદુસ્તાની બહેને મને પુરી અથાણું અને અળવીનુ શાક નો નાસ્તો કરાવ્યો. પેલા ભાઈ બ્રેઈનની બુક વાંચતા હતા, તેની સાથે થોડી વાતો કરી. અને તેની પત્ની પાસે સુડોકુ શીખી. આમ રંગે ચંગે સમય વીતાવ્યો. પછી છેક બે જણાં રહ્યા હતા ત્યારે  મારો વારો આવ્યો. અમને બંનેને બગીમાં લઈ જવામાં આવ્યા. મારી સંગાથીને બીજા ટર્મીનલ ઉપર પહેલા ઉતારવા ગયા. અમને અંડરગ્રાઉંડ રસ્તેથી લઈજવામાં આવ્યા. તેને ઉતારી ત્યાં બીજા બે જ્ણાંને લીધાં અને આમ ઉપર નીચે  કરતાં મોટી રૂમ જેવડી લીફ્ટમાં આખી બગી સાથે અમારી સફારી જઈ રહી હતી. છેલ્લે અમે બે રહ્યા અને અમે જ્યારે અમારી ટર્મીનલ ઉપર પહોંચ્યા ત્યારે એનાઉન્સ થયું કે દસ મીનીટમાં ફ્લાઈટ ઉપડશે અને દરવાજો બંધ કરવામાં આવશે.

હું તો મોટા મોટા લાંઘા ભરતી પહોંચી ગઈ, અને મેં કહ્યુ કે એક બેન લાકડીના ટેકે ધીરે ધીરે આવે છે. મારી મજાની આઈલ સીટ ઉપર જઈ ગોઠવાઈ ગઈ. ઉપર ક્યાંય સામાન મૂકવાની જગ્યા નહોતી રહી. ફ્લાઈટ એટેન્ડે આવી મારો સામાન ગોઠવી આપ્યો. અને મને કહેવામાં આવ્યુ કે દવા કે બીજી એકદમ જરૂરી ચીજો હોય તે કાઢી લ્યો. મેં તેના કહયા પ્રમાણે કર્યું . બાકીની મુસાફરી ખાતા પીતા અને ઝોલા ખાતા પૂરી કરી…


લેખક: કોકિલા રાવળ, જાન્યુઅરી ૨૦૨૦