સ્વાર્થ


“કેતુ… એ કેતુ…“

મીરામાસીની બુમ સંભળાઈ. અત્યારે જ પાછા આવ્યા હોવા જોઈએ. એમનુ કાયમ આવું જ. લાંબો સમય એમના એકાદ ભાઈને ત્યાં રહીને આવે. પાછા ફરે ત્યારે એમની જેવુ એકલવાયુ ઘર પણ ખાલીખમ હોય. પાણીનું ટીપુય ન મળે. આવે કે તરત મારા નામની કાગારોળ મચાવે. “એ આવી માસી…“

“પાણીનો જગ લેતી આવજે…“ 

“જગ નહિ, ઘડો જ ભરીને લાવું છું. જરા ઝંપો!“

મીરામાસી મારા પાડોશી. ખાલી ખોળે ચાંદલો ભુંસાયેલો એટલે સાસરેથી પાછા વળાવેલા. પરિવાર એમનો બહોળો, મા-બાપ, ચાર ભાઈ, બે બહેનો. મા-બાપ જીવ્યા ત્યાં સુધી બધુ ઠીકઠાક ચાલેલું. ધીમે ધીમે ભાઈઓ પોતાના સંસારમાં ગુંથાતા ગયા. એમણે કાયમ ટેકો આપવાનું વચન આપેલું તેટલે માસી બીજે ક્યાંય ગોઠવાયેલા નહિ. અઢી દાયકા વિત્યે વચનની અસર આછી તો પડે જ. પાછળ વધ્યા માસી એકલા. એમના સૌથી નાના ભાઈની કમાણી નાની, તોય એમના ટેકે માસીનું ગાડું રગડ્યા કરે. બીજા બધાના ઘરે સારો માઠો પ્રસંગ હોય, દવાખાને હોય કે  ઘરના કામની કંઈ મુશ્કેલી હોય કે તરત મીરામાસીને તેડાવે. માસી પણ મહિનો-દોઢ મહિનો એમનું કામ રોડવી દે. જરૂરિયાત પુરી થાય કે માસી વળતી ગાડીમા પરત. આજેય એમના એક ભાભી બિમાર પડેલા તે દોઢ મહિનો રોકાઈ, ચાકરી કરી પરત થયેલા.

માસીના ઘરનું બારણું અધખુલ્લું હતું. મેં રસોડામાં જઈ માટલુ વીછળી, ઘડામાંથી પાણી એમાં રેડ્યું. માસી પલંગ પર પગ લંબાવીને બેઠેલા. હું સામે જઈને બેઠી. 

“ભાભીને સાજા કરી આવ્યા એમને?“

“હા બેટા, જાવું તો પડેને“

“માસી, બધાને તકલીફમાં જ તમે યાદ આવો છો. મફતમાં સેવા લે છે. તમે ખાટલે પડો ત્યારે કોઈ ભાવ પૂછતું નથી.“

“બેટા ઈ રહ્યાં બધાં સંસારી જીવ. એની માયામાં અટવાતા હોય.  તે હું રહી એકલો જીવ, તે મને બોલાવે.“

“તે તમારા એકલા જીવને કાંઈ તકલીફ નથી પડતી? હવે તો તમારી ઉંમર થઈ. કેમ એકે ભાઈ કાયમ માટે નથી સંઘરતા? કામ પડે ત્યારે તમે યાદ આવો ને અમથા ભારે પડો? બધાય સ્વાર્થના સગા છે, માસી, સ્વાર્થના સગા.“ 

“કેતુ, ગમે એમ તોય મારા. હવે આ જાતી જીંદગીએ હું ક્યાં કામ ગોતવા નિકળુ? ને નાનો એકલો કેટલુ વેંઢારે? બીજા બધા કામ પડ્યે મને તેડી જાય છે ને એવે ટાણે મારા મહિના-દોઢ મહિનાના રોટલા નીકળી જાય છે. ને કેતુ, સાચુ કહું તો આમા સ્વાર્થ તો મારેય છે જ ને, એ એકલા થોડા…“

એમના ચેહરા પરની કરચલીઓમાં મને એમની લાચારી લચી પડતી દેખાઈ. એ વધુ ઓગળે એ પહેલા એમને રોકી બહાર નિકળતાં મેં કહ્યું, 

“માસી, અત્યારે રસોઈ બનાવવાની માથાકુટ નહિ કરતા. હું થાળી આપી જઉં છુ.“


લેખિકા : નસીમ મહુવાકર — ભાવનગર. સંપાદન “ છાલક “ ના સૌજન્યથી

સંપાદક : કોકિલા રાવળ

One thought on “સ્વાર્થ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s