મારી મુંબઈથી નીકળવાની તારીખ હતી 15 March 2020.
એરપોર્ટ ઉપર અંદર જતા પહેલા એક વ્હીલચેર વાળાએ મને સામેથી પૂછ્યું, “માજી વ્હીલચેર ચાહિયે?” મુંબઈ જતી વખતે મને વજન ઉંચકવાની તકલીફ થઈ હતી એટલે મેં તરત હા પાડી દીધી. આમ તો અત્યાર સુધી કોઈવાર વ્હીલચેર લીધેલી નહીં. હું ચાલવાની હિમાયતી છું. તેણે મારા ગેટ પર પહોંચાડતા પહેલા પૈસાની માંગણી કરી, અને “હમ ઓફીસરકે સામને પૈસે નહીં લે શકતે.” એટલે મેં તેને ૧૫૦ રૂપિયા આપ્યા.
ચેકઈન, સીક્યોરિટી પાસ બરાબર થઈ ગયું. છેટ બોર્ડિંગ એરિયા સુધી મને લઈ ગયો અને મને વ્હીલચેર વાળાની લાઈનમાં બેસાડી. અને કહ્યું , “ઈધરસે આપકો દુસરા વ્હીલચેરવાલા આકે લે જાયેગા. હમ આપસમેં સમજ લેંગે.”
રાતના અગ્યાર વાગ્યાની ફ્લાઈટ હતી એટલે રાહ જોયા વગર છૂટકો નહોતો. દસ વાગે જાહેરાત થઈ કે સિક્યોરીટીને કારણે પ્લેન એક કલાક મોડું ઉપડશે. હું તો ઉંચી નીચી થતી બેસી રહી. થોડીવાર ફોન સાથે રમી. પછી વર્ડફાઈન્ડર સાથે લીધેલુ તેમાં મન પરોવ્યું. વ્હીલચેરવાળા બધાને ગોઠવતા હતા પણ મને કોઈ લેવા આવતુ નહોતુ. મેં માસ્કતો પહેરેલું, પણ મારી સાઈડમાં કોઈ ઉધરસ બહુ ખાતુ હતુ એટલે મારી મેળે લાઈન તરફ ચલાવીને ગઈ. જ્યાં હું ઊભી થતી હતી ત્યાં માણસે ઉતાવળે આવીને કહ્યું કે “માજી બેઠિયે; મૈં અભી આપકો લે જાતા હું.” પછી હું શાંતિથી બેસી રહી.

અમને ફરી બીજી સિક્યોરીટીમાં લઈ જવામાં આવ્યા. બધી વીધિ નવેસરથી કરી. પછી ગેટ ખુલે ત્યાં સુધી રાહ જોવાની હતી. વ્હીલચેર વાળાએ પૈસા માગ્યા. મે સો રૂપિયા આપ્યા. તેને તે ઓછા પડ્યા એટલે મેં બીજા સો આપ્યા તો કહે “મૈં આપકો ઠીકસે પહોંચા દુંગા થોડા ઔર દે દો…” એમ કરતા સરવાળે સાડા ત્રણસો થયા. ગેટ સુધી બોલતો જાય “માજી ટેન્સન મત કરો. હમ આપકો બરાબર પહોંચા દેંગે.” આખરે મને પહોંચાડી ખરી…
બધાં પ્લેનમાં ગોઠવાયા પછી પ્લેન ઊપડ્યું. એકાદ કલાક પ્લેન ચાલ્યુ હશે ત્યાં જાહેર થયુ કે… એક મુસાફરે પાછા જવાની ડિમાંડ કરી એટલે આપણે મુંબઈના એરપોર્ટ ઉપર પાછા જવુ પડશે. સૌ શાંતિ રાખશો. ધન્યવાદ. આવુ દર પંદર મીનિટે બોલતા હતા. સૌ શાંતિ રાખીને બેઠા હતા. મોટાભાગના બધાં ઘોરવા માંડ્યા. મારા મનમાં વિચારો ચાલતા હતા કે એક પેસેંજર માટે આખુ પ્લેન પાછુ લઈ જશે. મને અજુગતુ લાગતુ હતુ! કદાચ સાચુ કારણ બીજુ હશે. કાંતો કોઈને કોરોના વાયરસ હશે, કે આંતકવાદી ચડી ગયો હશે. કારણકે પ્લેન એક કલાક સીક્યોરિટીને કારણે મોડુ તો ઊપડ્યુજ હતુ.
અંતે તે મુસાફરને તેની બેગ શોધી ઉતાર્યો. અમને પાછા એકાદ કલાક ચલાવ્યા પછી ક્યાંક અધવચે પ્લેનને ઉભુ રાખી અને જાહેરાત થઈ કે તમને મુંબઈ પાછા લઈ જવામાં આવશે. મુંબઈમાં પ્લેનને લેંડીંગ કરવાની જગ્યા નહોવાથી તમને અહીંથી શટલબસમાં લઈ જવામાં આવશે. ત્યાં તમારા માટે હાયાટ હોટેલમાં રહેવાની સગવડ કરી છે. હજી અમેરિકાના એરપોર્ટ ખૂલ્યા નહોવાથી કોંટેક્ટ થઈ શકતો નથી. શાંતિ અને ધીરજ રાખશો. ધન્યવાદ! આ જાહેરાત થઈ ત્યારે રાતના અઢી વાગ્યા હતા.
અત્યાર સુધીમાં કોઈને પાણી કે ખાવાનુ આપ્યુ નહોતુ. તેઓ તેની ચિંતામાં હતા. અમારી ચિંતા કરતા નહોતા. બધાંને બસથી પહોંચાડતા સવારના સાડા પાંચ થયા. પહેલા તો અમને કોવિદના હેલ્થના ફોર્મ ભરાવ્યા. મુંબઈમાં અમારૂ આગમન હતુ. બધી વીધિ નવેસરથી કરી. બેગેજ ક્લેમમાંથી સામાન લઈ હાયાટ હોટેલ ભેગા કર્યાં. સવારના છ વાગે સ્ટોરેજમાં સામાન મૂકાવી બધાને હોટેલની ચેકઈન લાઈનમાં ઉભા રખાવ્યા. સાડા છ પછી બ્રેકફાસ્ટ મળશે તેમ કહેવામાં આવ્યું. એક બહેન મારી પાસે ઉભેલા તે મને કહે “મને ઈંગ્લીશ નથી આવડતુ.” મેં કહ્યુ કે “આપણે સાથે એક રૂમમાં ચેક ઈન કરાવશુ.” તેને શાતા વળી. અમે અમારો હાથનો સામાન રૂમમાં મૂકી જરા હાથમોઢુ ધોઈ તાજામાજા થઈ ગયા. બ્રેકફાસ્ટની જગ્યા હજી ગોઠવાતી’તી ત્યાં પહોંચી ગયા. ઈન્ડિયન અને વેસ્ટર્ન બફેની બીછાવત હતી. અમે બંનેએ જે ભાવતુ હતુ તે લઈ શાંતિથી બ્રેકફાસ્ટ કર્યો. મેં બે વાર ગરમ મસાલાવાળી ચા પણ ચડાવી. મજા પડી ગઈ ….
ઉપર જઈને સૂઈ ગયા. પેલા બહેને નવસારી તેના બેનને ફોન કર્યો. બેને તેને કહ્યું કે તે તેની ગાડી મોકલે છે અને આગળ મૂસાફરી કરવાનુ રહેવા દે. એટલે તે નાહી ધોઈ તૈયાર થઈ ગયા. તેણે સાથે લીધેલો નાસ્તો હાંડવો, મેથીના થેપલા આગ્રહ કરી મને આપ્યા. હું તેને નીચે સુધી મૂકવા ગઈ. તેણે સ્ટોરેજમાંથી તેનો સામાન કઢાવ્યો. ત્યાં તો દસ વાગતા તેની ગાડી લેવા આવી ગઈ. હું પાછી ઉપર જઈને સૂઈ ગઈ. નાહી ધોઈ તૈયાર થઈ ત્યાં લંચનો સમય થઈ ગયો. લંચ બફે હતુ. મજા પડી ગઈ. ઉપર જઈને પાછું કલાકવાર સૂવા મળ્યું. ત્રણ વાગે ટેલીફોનની ઘંટડી વાગી. નીચે ચેકઆઉટનો સમય થયો. ચાર વાગ્યા સુધીમાં સૌનો સામાન શોધી તૈયાર રહેવાનુ હતું. બસ ભરી ભરીને અમને પાછા એરપોર્ટ લઈ જવામાં આવ્યાં.

ત્યાં પણ લાઈનમાં રહેવાનુ હતું. નવ વાગ્યાની ફ્લાઇટ હતી. પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એરપોર્ટ ઉપર લાઈનમાં રાખ્યા. ફરી વ્હીલચેર હતી એટલે સારૂ થયું; મારે ઊભુ ન રહેવું પડ્યું.
નવ વાગે સમયસર પ્લેન ઉપડ્યું. બે દિવસના ઉજાગરા પછી સૌ ઊંઘતા હતા. મને ઉંઘ ન્હોતી આવતી. જે અલ્પાહર આવ્યું તે ખાધું પીધું અને સાથે ઝોલા પણ ખાધાં. સવારના ચાર વાગ્યામાં Newarkના એરપોર્ટ ઉપર માથાકુટ વગર ઝલ્દી બહાર કાઢયા. કદાચ વહેલી ડ્યુટીને કારણે હોય કે કોવિદની બીકે ; પણ પાંચ મીનિટમાં બહાર આવ્યા. મને વ્હીલચેરવાળી સારી મળી ગઈ. તેની સાથે બીજી ખાલી વ્હીલચેરવાળી પણ ચાલતી હતી. એટલે મારો સામાન તેની ખાલી વ્હીલચેરમાં મૂક્યો. બંને અંદરોઅંદર વાતો કરતા હતા કે જલ્દી ઘરે જવુ હતું. તેઓની રાતની ડ્યુટી પૂરી થતી હતી. મને દરવાજા સુધી મૂકવા આવ્યા ત્યારે મેં તેને વગર માગ્યે દસ ડોલર આપ્યા. મારા દીકરી જમાઈ આવે ત્યાં સુધી તે રોકાવાની હતી. મેં તેને કહ્યું મને અહીં લાઉંજચેરમાં બેસાડી ને જા. મારી દીકરી સાથે વાત થઈ ગઈ છે. તે રસ્તામાં જ છે…
લેખક અને મુસાફર — કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા
Great post 😁
LikeLike