હાં રે મને વા’લો છે
આભમાં ઊભેલી કો વાદળીનો કાળુડો રંગ.
હાં રે બીજો વા’લો છે
હીરલે મઢેલી મધરાતડીનો કાળુડો રંગ.
હાં રે મને વા’લો છે
ભાભી તણા ઘાટા અંબોલડાનો કાળુડો રંગ,
હાં રે બીજો વા’લો છે
માવડીના નેણાંની કીકીઓનો કાળુડો રંગ.
હાં રે મને વા’લો
ગોવાલણીની જાડેરી કામળીનો કાળુડો રંગ,
હાં રે બીજો વા’લો
ગોવાળ! તારી દાઢી ને મુછ કેરો કાળુડો રંગ.
હાં રે મને વા’લો છે
કાગડા ને કોયલની પાંખ તણો કાળુડો રંગ,
હાં રે મને બીજો વા’લો છે
સીદી! તારાં બાળુડાં સીદકાંનો કાળુડો રંગ.
હાં રે મને વા’લો છે
ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળુડો રંગ,
હાં રે એક દવલો છે
માનવીના મેલા કો કાળજાનો કાળુડો રંગ.
કવિ: ઝવેરચંદ મેઘાણી ( કિલ્લોલ, 1930 )
સંપાદક: કોકિલા રાવળ.
।
અતિ સુંદર કાવ્ય રચના.
અંતિમ કડીના શબ્દો શું કહી ગયા? સમજાવ્યું નહી.
LikeLike