દુશ્મન,એક લઘુકથા


‘હું કંટાળી ગઇ છું.’

image credit – indianexpress.com

મંજુએ કટાણું મોં કરીને ચોખવટ કરી : ‘આવી ગંધ તે કોણ વેઠે નિત ઊઠીને? તમે ભલે ને કકળાટ કરતા ફરો. સાંજે પાછા આવશો ત્યારે તમારું આ આસોપાલવ…’ કેતનને આગળના શબ્દો નહીં જીરવાય એમ સમજી એણે વાક્ય અધૂરું છોડી દીધું.

બધા ‘પેન્ડ્યુલા’ રોપતા હતા, એ દિવસોમાં કેતન દેશી આસોપાલવ લઇ આવેલો. મંજુએ મોં મચકોડ્યું ત્યારે એણે મલકાઇને કહ્યું હતું : ‘ગાંડી, આ તો ‘અશોક’ છે. એની છાયા પડે ત્યાં શોક ટકી ન શકે. ‘પેન્ડ્યુલા’ તો ઊંચું તાડ જેટલું વધે એટલું જ. એમાં કંઇ બુલબુલ માળો કરવા ન આવે. ને વાવઝોડા સામે ટક્કર ઝીલવાનું ય એનું ગજુ નહીં. આસોપાલવ જ વળી! ‘પેન્ડ્યુલા’ થી એના વાદ થોડા લેવાશે ?’

image credit: https://www.ganeshaspeaks.com/predictions/astrology/significance-and-benefits-of-ashoka-tree/

વખત પૂરતી તો મંજુ માની ગઇ હતી. પણ પાંચેક વરસ પછી એ જ આસોપાલવ એણે માટે માથાનો દુ:ખાવો બની રહ્યું હતું. ફાલીફૂલીને એ આખા વરંડા પર છવાઇ ગયું હતું. ચોવીસે કલાક એની ઘટામાં પંખીઓ કુંજ્યા કરતાં. સવારસાંજ શાખામૃગો (વાંદરાં) ના કૂદ્કારા પણ ચાલુ થઇ ગયા હતા. એ બધાંની ગંદકી ઓછી પડતી હોય એમ જૂન-જૂલાઇ દરમિયાન આસોપાલવનાં જાંબુ જેવાં ફળ સતત ખર્યા કરતાં. મંજુ વાળી વાળીને થાકી જતી છતાં આંગણું ગંદુ ને ગંદુ રહ્યા કરતું. બહારથી આવનાર મહેમાન-પરોણાનો પગ આસોપાલવના ગંદા ફળ પર પડી જતો, ત્યારે એના ક્ષોભનો પાર ન રહેતો. કેતનને એ વૃક્ષ પ્રત્યે કેટલી મમતા હતી એ મંજુ જાણતી હતી. એટલેસ્તો એણે આટલો સંયમ દાખવ્યો હતો. નહિતર અત્યાર લગી એના નામની આટલી બધી પજવણી વેઠે ખરી?

જો કે છેલ્લે જ્યારે એનો પોતાનો જ પગ લપસ્યો ત્યારે તો એણે મનોમન નિર્ણય જ આકરી દીધો હતો : હવે હદ થઇ ગઇ છે. એને ગમે કે ન ગમે તોય આ ગંદા ઝાડનો ફેંસલો કર્યે જ છૂટકો!

અને કેતનને અણસાર સુધ્ધાં ન આવે એ રીતે એણે ગામના નાકે રહેતાં કઠિયારાને પણ તેડું મોકલી દીધું હતું. સાંજે કેતન ઓફીસથી પાછો ફરે એ પહેલાં તો એના લાડકવાયા આસોપાલવનો સફાયો! એના ઠૂંઠાને વળગીને ભલે ને એ હિબકાં ભરે!

ઓચિંતી એ જ દિવસે બપોરની ગાડીમાં એની મમ્મી આવી ગઇ. જમી પરવારીને મંજુએ એની ગુપ્ત યોજના વિશે વાત છેડી. એને એમ કે મમ્મી પણ પોતાની વાતમાં સૂર પુરાવશે. કેતન, ઠપકો આપશે તોય એ પોતાની પડખે રહેશે.

પરંતુ એણે જુદી જ વાત કરી : ‘મંજુ બેટા, તું એનાં જાંબુડા જેવા ફળ ખરવાથી થતી ગંદકીથી કંટાળી ગઇ છે. પણ આપણે સ્ત્રીનો અવતાર. કાલે તારે ખોળે રમતું ભાણેજિયું પણ ગંદકી તો કરવાનું જ ને! અને અમસ્તાંય આપણે ઋતુમાં હોઇએ ત્યારે કેટલાં ગંદા થતાં હોઇએ છીએ ? એથી કંટાળીને કંઇ આપણે કોથળી થોડી કઢાવી નાખવાની?’

મંજુના હૈયે અજવાળું થઇ ગયું.

જે આસોપાલવ તરફ એને ઘડી પહેલાં નફરત જ નફરત થઇ ગઇ હતી, એમાં એને ઋતુમતી નારી દેખાવા માંડી. એણે તાબડતોબ કઠિયારાને ન આવવાનું કહેણ મોકલાવ્યું. આસોપાલવને પણ સમજણ પડી ગઇ હોય એમ એ મંદમંદ હસ્યું. એની ઘટામાં છુપાયેલું બુલબુલ ટહુક્યું. અને એના ફળની સાથોસાથ એકાદ-બે શુકનવંતા પર્ણ પણ ખર્યા.

સાંજે કેતન પાછો ફર્યો ત્યારે મા-દીકરી એ જ આસોપાલવની છાયામાં ખુરશીઓ નાખીને બેઠાં હતાં. એનાથી પૂછાઇ ગયું : ‘કેમ, એકાએક દુશ્મન સાથે સંધિ કરી દીધી કે શું?’

મંજુએ એટલા જ ઉમળકાથી જવાબ આપતાં કહ્યું : ‘મને શું પૂછે છે? તારા મિત્રને જ પૂછી લે ને!’


લેખક: ડૉ. કેશુભાઇ દેસાઇ, સંપાદક: હરીશ મહુવાકર & કોકિલા રાવળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s