કિશોર રાવળ — ૮મી ડિસેંબર ૧૯૩૦ – ૧૧મી મે ૨૦૧૩
કિશોરને ગુજરી ગયાને સાત વર્ષ પૂરા થયા. તેમના મિત્રો અને સગાઓ સાથે વાત કરૂ ત્યારે સૌ તેને બહુ યાદ કરે છે. મને પણ રોજ સ્વપનામાં મળે છે.
તેઓ હળવી વાર્તાઓનાં લેખક હતા અને ચિત્રકાર પણ. તેમની વાર્તા “એકત્રીસ-લક્ષણો” ડિસેંબર ૨૦૧૪માં “અમે ભાનવગરના ભાગ ૨” પુસ્તકમાં પ્રકાશીત થઈ હતી. વાંચો નીચે…
કોકિલા રાવળ
કશાં કોઈ વ્રતો નહોતાં કર્યાં, કોઈ દેવદેવલાં નહોતાં પૂજયાં તો ય હું કેટલી સદ્ભાગી કે મને પ્રવીણ જેવો વર મળી ગયો. એના ગુણ ગાઉં એટલા ઓછા! રૂપાળો, મનમોહક, હસતો, વાતોડિયો, સારું કમાતો, ઉદાર, ધનવાન, ઘરવાન, નાટક– સિનેમા–સંગીતનો પ્રેમી કહો તો પ્રેમી અને ભોગી કહો તો ભોગી, મિત્રોનો મોટો રાફડો, રસિક માણસ અને ’હૃદયની પીડા, દેહની અગ્નિ’ ઠારે તેવો, બત્રીસ લક્ષણોમાં માત્ર એક જ ખૂટે!
ઉદ્વેગ એક જ વાતનો હતો. અમારા લગ્નનાં આઠ વર્ષમાં આઠ બાળકો થઈ ગયેલાં. કંઈ એવું નહોતું કે બધી દીકરીઓજ મળી એટલે દીકરો મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હોય. મેં શરૂઆતમાં જ એક દીકરી અને એક દીકરો આપ્યાં. એને એ વાતમાં ફરિયાદનું કોઈ કારણ રહેવા નહોતું દીધું. મેં ત્રણ ચાર છોકરાં પછી એને ઘણો સમજાવ્યો કે બીજાને ખાતર નહિ તો રાષ્ટ્રને ખાતર પણ આપણે અટકવું જોઈએ, આ તો વીસમી સદી છે, સંતતિનિયમનના સિદ્ધાંતોથી આખું જગત માહિતગાર છે. આપણે અજ્ઞાત છીએ એવું બહાનું પણ ન કઢાય, સાધનો હાથવગાં છે અને હવે બધી જવાબદારી ઈશ્વર પર લાદવાની જરૂર નથી–એને બાપડાને પણ વિશ્વના બીજા અનેક કોયડાઓ હલ કરવાના છે.પણ એ એકનો બે ન થાય. મને કહે કે “તું તંદુરસ્ત છે, આપણે ખમતીધર છીએ અને ઘર ભરાયેલું હોય તે આપણને બન્નેને ગમે છે.છોકરાંઓને સારું ભણતર આપીશું એટલે રાષ્ટ્રને તો ફાયદો જ થવાનો છે. અને રાજકીય રીતે બીજાં અબૂધ લોકો છોકરાં જણતા રહે એને કોઈ આડા હાથ નથી દેવાતા. મને તો આ એક જ માર્ગ લાગે છે કે સાધનસંપન્ન માણસોએ પણ એકોહમ્ બહુસ્યામ્નો મંત્ર અપનાવી મતદાનમાં સમતુલા જાળવવા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. આ એક જ માર્ગ છે જેથી રાષ્ટ્ર ઊંચું આવશે. ગરીબ, અબૂધ અને અણઘડ માણસોના જ્ઞાનનો ઉદય થવાની વાટ જોવી અર્થ વગરની છે…”

પહેલી બેબી આવી અને હૉસ્પિટલે મળવા આવ્યા ત્યારે બેબીને રમાડતાં રમાડતાં મને કહેલું તે હજુ પણ યાદ છે. એ કહે “મેં ડૉક્ટરને પૂછ્યું કે સુવાવડ પછી કેટલા સમયે વાઈફ સાથે….”તો ડૉક્ટર મને વચ્ચે જ અટકાવીને કહે કે “તેનો આધાર તમારી વાઈફ પ્રાઈવેટ વૉર્ડમાં છે કે કે પબ્લિક વૉર્ડમાં તે પર રહે છે.” અને પછી તિરછી નજરથી જે ખંધું હાસ્ય આપ્યું અને આંખ મારી તેથી મને પેટમાં એક ધ્રાસકો પહોંચ્યો. મારા મોં પર એ દેખાઈ આવ્યું હશે એટલે જરા હળવેથી મારા ગાલે હાથ ફેરવ્યા અને કહ્યું, “જરા મજાક કરું છું હો.” અને હું પીગળી ગઈ.
નાની હતી ત્યારે પર્યટનો કરવાં ગમતાં, નદીનાળાંમાં જઈને ખાબકવું, કોતરોમાં રખડવું, આંબા ડાળે ચડીને લટકાવું, અને ડાળીઓ પરથી તળાવમાં ધૂબકા મારવા ગમતા. જરા કુમારવસ્થામાં આવી ત્યારે આવનજાવન માટે મારાં માબાપે થોડા અંકૂશ મૂક્યા. લગ્ન પછી એક પ્રેગનંસી પછી બીજી એક, ત્રીજી એક એવી જુદી ઝંઝીરો ભીડાઈ ગઈ.
પણ પછી તો હું ’રઘુકુલરીતિ’થી ટેવાઈ ગઈ અને આઠ બાળકો થઈ ગયાં. ગેરસમજ કોઈ ન કરતા હો. શરૂઆતના મહિનાઓમાં સવારે ઉબકા આવે એ જ એક મને અકળાવતું બાકી સગર્ભાવસ્થા સામે કશો વાંધો જ નથી. પણ મહિનાઓ આગળ વધતાં ’સાહસિક’ વૃત્તિ પર મોટો અંકુશ આવી જાય એ મોટો વાંધો. પાંચમા છઠ્ઠા મહિના પછી આમ કરાય અને આમ ન કરાય, ક્યાંય ફરવા જવું હોય તો પણ બે વાર વિચાર કરવો પડે. મન મોકળું મૂકીને સ્વચ્છંદે વિહાર કરાય એનો તલસાટ એટલો અદમ્ય હતો કે ક્યારે ક ઘણો મૂંઝારો થઈ આવે..
અવારનવાર મારી પાસે અને બીજાઓને સલાહ આપતી વખતે તેમના મગજમાં સુવર્ણાક્ષરે લખેલા ’ગુરુવચનો’ સાંભળવા મળતા. જાણવું છે તમારે? લો.
“સ્ત્રીઓનો કામાગ્નિ ભારેલા અગ્નિ જેવો હોય છે.
ક્યારે પ્રજ્વળી ઉઠે અને કોને બાઝી પડે તે
કહેવું અઘરું છે
“પ્રેગનંસી દરમિયાન એ પ્રકોપ ઓછો થાય છે
અને મગજની સમતુલા ઝળવાઈ રહે છે.
“સ્ત્રીઓને બને ત્યાં સુધી પ્રેગનંટ રાખવી જરૂરી છે,
નહિ તો કોઈને કોઈ સાથે અડપલાં કરી
બેસે એ તો જગજાહેર છે.
“વંશ–વેલો અણીશુદ્ધ રહે તે માટે પણ જાગૃત રહીને
સતત અપનાવેલી સગર્ભાવસ્થા સારી છે.
તેમને દુનિયાદારીનું, સ્ત્રીઓ વિષેનું જ્ઞાન તો બલા ક્યાંથી મળ્યું હશે તે રામ જાણે. એક બાજુથી મને ગુસ્સો આવે અને બીજી બાજુ મને હસવું આવ્યું કે આ કયા પંડિતના પોથાં વાંચી સ્ત્રીઓને સમજવા ગયા હશે! પેલો ઘેલો, બ્રહ્મચારી કોકાપંડિત આવું આવું લખતો–એને બિચારાને તો કંઈ ખબર ન પડે પણ રાજાએ આદેશ આપ્યો કે કામશાસ્ત્ર લખ એટલે લખવા બેઠો અને તર્કથી, આઘે આઘે બેસી કરેલા અવલોકનો પરથી અને કોડીઓ ઉલાળીને જે સત્યનો ભાસ થયો તે લહિયા પાસે લખાવી દીધું…મેં તો કદી એવું નથી વાંચ્યું, નથી માન્યું કે નથી માણ્યું!
આવું સાંભળ્યા પછી મને થયું કે મહેરબાનને પાઠ શીખવું. એક મોડી રાતે પથારીમાં પડ્યાં હતા અને તેની આંખમાં અનંગનો રંગ દેખાતાં મેં કહ્યું, “જરા ખમો. તમને એક વખત કોઈ સાથે વાત કરતા સાંભળેલા કે વંશવેલો વટલાય નહિ માટે સ્ત્રીઓને સતત સગર્ભાવસ્થામાં રાખવી જોઈએ“
એ મારી સામે ટગર ટગર જોઈ રહ્યા. “કેમ, તેનું આજે શું છે?”
“તમારી એ થિયરી તદ્દન નકામી છે. પુરુષો ગમે એટલા પ્રયત્નો કરે પણ સ્ત્રી બે ડગલા આગળ જ રહેશે. જ્ઞાનમાં, છલમાં, પ્રપંચમાં અમે આગળને આગળ જ રહેશું. તમે લોકો મારી મારીને કેટલાં બારણે તાળાં મારશો? સાંભળ્યું તો હશે જ ને કે ઘાઘરે તાળા નો મરાય? અમને રસ્તા કરતા આવડે છે એ નાકાબારી ચૂકાવવી હોય તો. ચપટીનું કામ“
“ન બને, કદી ન બને.”
“સાબિતી જોઈએ છે?” તે અવાચક જોઈ રહ્યા.
“મને તમારી આ ફિલ્સુફીની ખબર પડી ત્યારથી નક્કી કર્યું કે આ મહેરબાનને એક અમૂલ્ય પાઠ ભણાવવો પડશે. અને સમયની વાબારી શોધી મેં જગ વિખ્યાત સ્ત્રીચરિત્ર વાપર્યું. પરિણામે હું છાતી ઠોકીને કહી શકું કે આપણા છેલ્લા ચાર બાળકમાંનું એક તમારું નથી.”
એ ધા ખાઈ ગયા. “નૉટ પૉસિબલ” તો મેં કહ્યું, “જરા મોં નીરખી જૂઓ તો ખબર પડી જશે.” તેનું મોં ઝાંખું પડી ગયું. જુવાળ ઓસરી ગયો.કામદેવ કચ્છો મારી બારીએથી ધૂબાકો મારી પલાયન થઈ ગયા. અને એ વિચારમાં પડી ગયા. હું જરા ઓશીકું એક બાજુ સેરવી, પડખું ફેરવી એક નિરાંતનો હાશકારો નાખી મનમાં આ તાલ મમળાવતી સૂઈ ગઈ.
બીજે દિવસથી તેમનો ઢંગ બદલાયો. બાળકોને નિરખી નિરખીને જોવા લાગ્યા. છેલ્લા ચાર ને જ નહિ પણ બધાંને. નીરખતાં ચાર દિવસ ઘૂમરીઓ ખાધી. પાંચમે દિવસે આવ્યા. મને કહે “મને તો કોઈના મોંમાં મારો અણસાર નથી દેખાતો. પહેલાં ચાર કે પછીના ચાર. અને જેની સાથે રમવા જાઉં, કે વાતો કરવા જાઉં, વહાલ કરવા જાઉં અને મનમાં થાય કે આ મારું બાળક નહિ હોય તો? મારાથી વહાલ પણ નથી થઈ શકતું. મને કહે કે એ કયું બાળક છે. વચન આપું છું કે તેની સાથે જરા પણ જુદી રીતે નહિ વર્તું. પણ મને કહે એ કોણ છે.”
મેં ઘસીને ના પાડી દીધી તો ય મને પૂછ પૂછ કરે, “ક્યારે, કોની સાથે એ જાણવું નથી. પણ બસ કંઈક હિન્ટ આપ.”
“ના એટલે ના.”
બીજા ચાર દિવસ પછી યાતના વધી. મને કહે, “સમ ખાઈને કહે કે તેં કહેલી વાત સાચી છે.” મેં કહ્યું “જરૂર. તમારા સાવકા બાળકના સમ ખાઈ ને કહું છું કે એ વાત સાચી છે.”
અકથ્ય મૂંઝવણ થઈ પડી. તેનું મન ચકરાવે ચડ્યું. અઠવાડિયામાં જીવન જિરવાવું અઘરું પડ્યું. ધંધાનું કામ કાઢી, વલસાડ ઉપડી ગયા. ત્યાં અમારું એક ખેતર છે અને એક જિનિન્ગ ફૅક્ટરી છે. આમ તો મહિને ચાર પાંચ વાર જતા જ હતા. મને કહે કે આ વખતે મારે ચાર છ દિવસને બદલે ચાર છ માસ જઇને રહેવું છે. જરા કામકાજની ચકાસણી કરવી છે. મેં મશ્કરીમાં કહ્યું કે “પછી નવમું બાળક આવી જશે તેની બીક નથી?”
આંખોમાં આંખ પરોવી તે બોલ્યા, “તને મૂળ વાંધો તો વધુ બાળકો સામે છે એટલે એ ભય નથી જ. અને તેં જ કહ્યુંને કે સંતતિનિયમનનું પૂરું જ્ઞાન જગતને થઈ ચૂક્યું છે…” અને એ ઊપડી ગયા. બે–ચાર મહિનાને બદલે સાત મહિના દૂર રહ્યા. હું તો પલટન લઈને શેત્રૂંજે જઈ આવી,ગિરનારની ટૂકો ચડી આવી, તુલસીશ્યામના જંગલોમાં ફરી આવી અને બાકી તો ઘરની પાછળ આવેલા આંબે જઈ, ચોપડી વાંચતી હિલોળા લેતી પવનની લહેરખી માણતી, નાનપણમાં માણેલું મુક્ત જીવન મોકળે મને ફરી માણ્યું.
સાત મહિને એ પાછા આવ્યા. વલસાડમાં દાણચોરીનો પરદેશી માલ ઘણો મળે. હરેકે હરેક બાળકો માટે કપડાં, રમકડાં, રંગની પેટીઓ,ક્રેયોન, ચોકલેટ–પીપરમેટ,વગેરે લઈ આવ્યા અને મારા માટે? ’શનેલ ફાઈવ’નું પર્ફ્યુમ, લવન્ડરનો પાવડર, એક મોવાડોની કાંડા ઘડિયાળ અને બીજું કહી દઉં? પાંચ છ, રંગબેરંગી, અને જાણે કશું જ પહેર્યું ન હોય તેવું લાગે તેવી નાઈટી, –અને આંખોમાં એક જુદું જ સુરમિયું તોફાન!
સાંજે એકલાં પડ્યે અંધારા ખંડમાં લાઈટ ઝબકાવી મેં પરિધાન કરેલી લવન્ડર રંગની નાઈટી પહેરી દેખાડી અને એનું ઉદ્ઘાટન (!) કર્યું.સાન્નિધ્ય માણતાં બેઠાં હતા અને એણે વાત છેડી, “આટલા મહિના મગજ વલોવી નાખ્યું. અંતે હું માન્યતા પર આવ્યો છું કે તારી એક વાત સાચી. પુરુષ કરતાં સ્ત્રીઓ બધામાં વધુ પારંગત હોય છે.
“મારું મન તારી બીજી વાત માનવા તૈયાર નથી. મારા પાછા ફર્યેં તારી આંખો જોતાં, તારા આલિંગનની ઉષ્મા જોતાં મને પૂરી ખાત્રી થઈ કે એ બધું તેં બનાવી કાઢેલું હતું. તારો વિરોધ વધુ બાળકો સામે હતો–મારી સામે નહિ!
“તે લીધેલા શપથ પર વિચારતાં ઘડ બેઠી ગઈ. જો બધાં જ બાળકો મારાં હોય તો શપથનો કોઈ અર્થ રહેતો નથી, અને મારું ન હોય તેવા બાળકનાં શપથ ખાવા હોય એટલા ખા, એમાં નુકસાન શું !
“બોલ, તારું શું કહેવું છે?”
પળ એક વિચાર કરી હું બોલી, “જગતને મળી ચૂકેલું જ્ઞાન અંતે તમને કોણે…” આગળ બોલું એ પહેલાં જ એના હોઠોએ મારા હોઠને આગળ બોલતા બંધ કર્યા. નજીકથી નિરખતાં મને એમની આંખોમાં રાની પશુ જેવો ભૂરો ઝબકારો દેખાણો, અવાજમાં ઝનૂની ઘુરકાટ સાંભળ્યો.એમના પાશવી બળમાં ઓતપ્રોત થઈ ગઈ અને સૌ ભાન અને જ્ઞાન વિસરાઈ ગયાં.
(ફ્રૅન્ચ લેખક ગી ડ મોપાંસાં, Guy de Maupassantની એક વાર્તા પરથી પ્રેરાઈને)