
પાછળ લાગ્યા હતા મારા ભાઈબંધો કેટલાય વખતથી. જવું જવું કર્યા કરતા પણ જઈ શકાતું નહોતું અને આખરે વીકએન્ડમાં અમે આવી પહોંચ્યા દીવના દરિયા–કિનારે.
રેતાળ, સૂંવાળો કિનારો તમારા ક્ષુબ્ધ મનને શાંતિ આપી રહે. રમતિયાળ પવન વાળની ઝૂલ્ફોમાંથી નીકળી જાય ત્યારે અંદર ધરબાયેલી ચિંતા, પીડાઓ દૂર દૂર નીકળી પડે. ઠંડુ, આહલાદ્ક પાણી નિરાશાને સ્પર્શે ત્યારે તે પણ ઓગળી જાય. નર્યું સુખ રમી રહે – મન અને તનમાં.
સાંજ ઢળી ગઈ. અહીં આવવાના મુખ્ય આશયની અમલવારી કરવાની હતી. મજાના ફૂલ છોડ અને ગાર્ડનવાળી રેસ્ટોરાંમાં ઘૂસ્યા અમે. સૌ સૌએ પોતપોતાની પસંદને વહેતી મૂકી ઝૂકીને ઊભા રહેલા વેઈટર પાસે. પ્રશ્ન મારો હતો.
ચાર વરસ એમ.બી.બી.એસ.ના ગયા. દોઢ વરસ ઇન્ટર્નનું. ઘરથી દૂર મોજીલા મેટ્રો શહેરમાં પાસ કર્યા હતા મેં. કેટકેટલી તકોમળી હતી જિંદગીને બીજી તરફ ઢાળવાની, પણ કશું સ્પર્શ્યું જ ક્યાં હતું! મંઝિલ એક હતી – સ્પષ્ટ હતી. મા–બાપનો ઓશિયાળો ચહેરો તબકીજતો મનમાં અને હું સ્ફટિક હીરો બની રહેતો.
પ્રેક્ટીસ શરૂ કરી વતનના ગામમાં આવી. સગા–વ્હાલા અને જાણીતા લોકો વચ્ચે રહેવાનું થતું. હું બહાર નીકળું તો પણ ગામમાં સમાચાર વહેતા થઇ જાય. મારી વાણી, મારું વર્તન મને ઉચ્ચસ્થાને લઇ ગયું. માત્ર દવા, સારવાર નહી પણ અંગત કે સામાજિક પ્રશ્નોનાઉકેલ સારુંય લોક મારી પાસે આવતું. મારા શબ્દોની આમન્યા રાખતા. જીંદગીમાં ખૂટતું કશું નહિ.
હું પણ સેટ થઇ ગયો. સારા પૈસા મળ્યા. મા–બાપ છૂટથી હરતા–ફરતા થયા. સારા વાના થવા લાગ્યા. લગ્ન પણ થયું અને સંતાનનો પિતા પણ થયો.
પણ આ ભાઈબંધો… ‘શું મંગાવવું છે તારે દર્શન?’
પપ્પાનો હોંશભર્યો ચહેરો, ગૌરવભર્યો ચહેરો આવ્યો મારી સામે. એ માત્ર સ્મિત રેલાવતા હતા, પણ મારા મનમાં શબ્દો ઉઘડતા હતા, ‘કોઈનું હરામનું ખાવું નહિ ને બેટા કોઈ દિવસ હરામનું પીવું નહિ.’
અને એમના આશ્ચર્ય વચ્ચે મેં ઓર્ડર આપ્યો, ‘ઓન્લી અ સિમ્પલ સોડા’ – માત્ર સાદી સોડા.
હરીશમહુવાકર | harishmahuvakar@gmail.com | mobile : 9426 22 35 22
‘અમે’, 3 /A, 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર 364002