લેડી વિથ અ ડૉટ


રાજીવ અને અલ્પા હંમેશની જેમ બે ગાડી લઈને શનિવારની પાર્ટીમાં ગયાં હતાં. રાજીવ જમીને વહેલો નીકળી જાય. અલ્પા છેલ્લે સુધી મદદ કરાવીને નીકળે.

પાછા ફરતાં અલ્પાને યાદ આવ્યું કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે. રાતના સાડા અગિયાર થયેલા. એણે ચોવીસ કલાક ખુલ્લા રહેતા ‘શોપ રાઇટ’ સુપરમાર્કેટના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી. અલ્પાએ જોયું કે સુપરમાર્કેટની બહાર થોડા છોકરાઓ ઊભા ઊભા ગપ્પાં મારતા હતા. કોઈ સિગારેટ પીતું હતું. કોઈના હાથમાં બિયરનું કેન હતું. પાર્ટીમાં જ કોઈએ વાત કરી હતી કે અમેરિકન ટીન એજર્સ ભારતીય સ્ત્રીઓને કપાળે ચાંલ્લો જોઈને ભડકે છે. અલ્પાએ ચાંલ્લો ઉખેડીને સ્ટિયરિંગ વ્હીલ પર ચીટકાવ્યો. ડાબે ખભે સાડીને સેફ્ટી પિન મારી હતી એ કાઢીને પર્સમાં મૂકી. સાડીનો પાલવ આગળ લાવી ગળાનાં ઘરેણાં ઢાંકી દીધાં. ગાડી લૉક કરી સુપરમાર્કેટના બારણા પાસે આવી. છોકરાઓનું ટોળું સહેજ ખસ્યું.

‘લેટ ધ લેડી ગો.’ કોઈ બોલ્યું.

‘હાઉ અબાઉટ અ કેન ઑફ બિયર?’ બીજું કોઈ બોલ્યું.

અલ્પા ધ્યાન આપ્યા વિના સીધી અંદર ડેરી ડિપાર્ટમેન્ટમાંથી દૂધની પ્લાસ્ટિકની બાટલીઓ લઈ કૅશ રજિસ્ટર પર ગઈ. બાટલીઓ કન્વેયર બેલ્ટ પર મૂકી. પૈસા ચૂકવવા પર્સમાંથી પાકીટ કાઢ્યું.

‘થ્રી સેવન્ટી.’ કૅશ પર કામ કરતો જાડો તગડો છોકરો બોલ્યો.

અલ્પાએ પાંચની નોટ આપી.

‘વૉટ હેપન્ડ ટુ યોર બ્લડી ડૉટ? નો બ્લિડિંગ ફોરહેડ?’ પરચૂરણ પાછું આપતાં છોકરાએ કહ્યું.

અલ્પાએ પરચૂરણ પાછું લઈ પાકીટમાં મૂક્યું. પાકીટ પર્સમાં મૂક્યું. પર્સ બંધ કરી ખભે લટકાવી છોકરાની સામે કરડાકીથી જોયું અને બહાર જવાના બારણા તરફ ધસી.

‘શી ઇઝ ઑલ ડોલ્ડ અપ ઍન્ડ નો બ્લડી ડૉટ. ઇઝન્ટ શી અ નૉવેલ્ટી?’ કૅશ રજિસ્ટરવાળો છોકરો હસીને કોઈને કહેતો હતો.

અલ્પા બોલ્યા વિના સુપરમાર્કેટની બહાર નીકળી. છોકરાઓ બહાર ઊભા હતા. એમને આંતરીને અલ્પા ગાડી તરફ ગઈ.

‘હાઉ અબાઉટ અ લિટલ ફ્લીંગ, લેડી!’ કોઈ એની પીઠ પાછળ બોલ્યું.

અલ્પાએ ફટાફટ ગાડી ખોલી, દૂધ મૂક્યું અને ગાડી સ્ટાર્ટ કરી. એ સમસમી રહી હતી. એને થયું કે ક્યારેક રાજીવ સાથે આવીને આ છોકરાઓની બોલતી બંધ કરી દેવી જોઈએ.

ઘેર આવી ત્યારે રાજીવ રસોડામાં ટીવી જોતો હતો. અલ્પા ધમધમ કરતી આવી. દૂધની બાટલીઓ ડાઇનિંગ ટેબલ પર પછાડી. ફ્રિજ ખોલી બાટલીઓ મૂકી.

‘કેમ દેવી, શાને ગુસ્સે છો?’

‘મજાક નહીં જોઈએ.’

‘શું થયું?’

અલ્પાએ સુપરમાર્કેટવાળા છોકરાએ કરેલી મશ્કરીની વાત કરી.

‘વાંક તમારો જ છે. ઇન રોમ યુ શુડ ડુ વૉટ રોમન્સ ડુ.’

‘એટલે?’

‘તમે સાડી પહેરો ને ચાંલ્લો કરો એટલે આંખમાં આવો જ.’

‘ચાંલ્લો નહોતો કર્યો.’ અલ્પા બોલી.

‘પણ સાડી તો પહેરી’તી ને?’

‘એટલે અમેરિકામાં અમારે સાડી નહીં પહેરવાની ને ચાંલ્લો નહીં કરવાનો? કપાળ અડવું રાખવાનું?’ અલ્પા સિન્કનાં વાસણ ધોતાં બોલી.

‘હા, જો તમારે બીજા કરતાં જુદા ન તરી આવવું હોય તો.’ કહી રાજીવ ઉપર ગયો.

અલ્પા કામ પતાવી ઉપર આવી. સાડી બદલી. જૂનો પંજાબી ડ્રેસ પહેર્યો. રાજીવ પથારીમાં સૂતો સૂતો છાપું વાંચતો હતો. અલ્પા આવીને બાજુમાં સૂતી. સીલિંગ સામે જોતી પડી રહી.

‘રાજીવ, તને તો ખબર છે કે જુદા ન દેખાવા માટે ઑફિસમાં સ્કર્ટ બ્લાઉઝ, સ્ટોકિંગ્ઝ, થોડી ઊંચી એડીના શૂઝ પહેરું જ છું. પણ એવો તો કંટાળો આવે છે કે ક્યારે કાઢું ને પંજાબી પહેરી લઉં.’ રાજીવના છાપાની ગડી કરતાં અલ્પા બોલી.

‘તમારો આ પંજાબી પણ તમારે ઘરમાં જ પહેરવો.’

‘કારણ?’

‘કારણ કે અમેરિકનો માને છે કે એ નાઇટસૂટ છે. મારી ઑફિસમાં લોકો પૂછતા હતા.’

‘તેં શું કહ્યું?’

‘શું કહું? આઈ ફીલ સો અનકમ્ફર્ટેબલ એક્સપ્લેઇનિંગ. મારા સમજાવ્યાથી એ લોકો થોડા કન્વિન્સ થવાના હતા? એમને એમ લાગે છે કે તમે આટલે દૂર આવીને તમારા પોતાના પોશાકને વળગી રહો છો એમાં તમારી બદલાવાની ને અહીંના સમાજમાં ભળી જવાની ચોખ્ખી ના છે. તમારે તમારી નાળ કાપવી જ નથી.’ રાજીવ બોલ્યો.

‘તું મોટું લેક્ચર આપે છે પણ તમારે પુરુષોને ઠીક છે. ઇન્ડિયાનાં શર્ટપેન્ટ અહીં પણ ચાલે. કશું બદલવાનું નહીં.’

‘ચિડાય છે શાની? અહીંની નેવું ડિગ્રીમાં ધોતિયું મોસ્ટ કમ્ફર્ટેબલ. પણ હું ધોતિયું પહેરીને ઑફિસ જાઉં તો કેવો લાગું?’ રાજીવને થયું અલ્પા અપસેટ છે. જીભાજોડી કરવી ઠીક નથી. એ પડખું ફરીને સૂઈ ગયો.

અલ્પા પાસાં ઘસતી ઘસતી સુપરમાર્કેટમાં બનેલા પ્રસંગનો વિચાર કરતી હતી. રાજીવ કહે છે કે અહીં સ્ત્રીઓએ પોશાક બદલવો જોઈએ. પણ શા માટે? હું ભારતીય છું અને અમેરિકામાં રહું છું. એનો અર્થ એ નહીં કે મારે શું પહેરીને ક્યાં જવું એ બીજા નક્કી કરે. અમારે ભારતીય સ્ત્રીઓને સાડી પહેરવી છે, પંજાબી ડ્રેસ પહેરવો છે, ચાંલ્લો કરવો છે. એ અમારી ભારતીય અસ્મિતા છે. ધોળાઓની વચ્ચે કોઈ સાડી પહેરેલું મળે ને વાત કરે તો સારું લાગે છે.

અલ્પાને થોડા દિવસ પહેલાં થયેલો હરિપ્રસાદ ચૌરસિયાનો કોન્સર્ટ યાદ આવ્યો. કોન્સર્ટમાં અલ્પા અને એની બહેનપણીઓ સાડી પહેરીને ગયેલાં. મીનાએ પેન્ટ પહેરીને આવેલી. કોન્સર્ટમાં આવેલા લોકો એની સામે જોતા હતા. એ બધાથી જુદી લાગતી હતી, જુદી પડી જતી હતી. મિસફિટ. અલ્પાને થયું કે ધોળા અમેરિકનો વચ્ચે સાડી- ચાંલ્લામાં એ પણ મિસફિટ લાગતી હશે.

પછી અલ્પાને રેણુ ગુપ્તા યાદ આવી. રેણુએ અમેરિકન પીએચ.ડી. લીધા પછી એને કોઈ યુનિવર્સિટીમાં પ્રોફેસરશિપ મળતી નહોતી. ઇન્ટર્વ્યૂમાં રેણુ હંમેશાં સાડી પહેરીને જવાનો આગ્રહ રાખતી. કોઈકે એને સલાહ આપી કે ઇન્ટર્વ્યૂમાં અમેરિકનની જેમ સિલ્ક સૂટ પહેરીને જવું. એક વાર જૉબ મળે પછી જે પહેરવું હોય તે પહેરવું. રેણુનું કહેવું હતું કે જૉબ કપડાં જોઈને નહીં પણ એના ક્રીડેન્શ્યલ્સ અને રેઝ્યુમે જોઈને અપાવી જોઈએ.

અમેરિકન કપડાંમાં એને મઝા આવતી નહોતી. ભારતીય કપડાંમાં એ આઉટસાઇડરનો અનુભવ કરતી હતી. વિચાર કરતાં કરતાં અલ્પા સૂઈ ગઈ. થોડી વારે ઝબકીને જાગી. ખરાબ સપનું હતું. એ સુપરમાર્કેટમાંથી બહાર નીકળે છે. હાથમાં ગ્રોસરી બૅગ છે. ખભે પર્સ છે. કોઈ ધોળો ટીનએજર એને આંતરે છે. ગ્રોસરી બૅગ પડી જાય છે. એ બૅગ લેવા નીચી નમે છે ત્યાં બીજો કોઈ ટીનએજર એને ‘હાઉ ડુ યુ રૅપ ધિસ થિંગ વિચ હેન્ગ્સ લાઇક અ શાવર કર્ટન’ કહીને સાડી ખેંચી કાઢે છે. એ બૂમ પાડે છે. ‘કૃષ્ણ! કૃષ્ણ!’ પણ કોઈ કૃષ્ણ ચીર પૂરવા આવતો નથી. સુપરમાર્કેટની બહાર ભેગા થયેલા લોકો વચ્ચે એ બ્લાઉઝ અને ચણિયામાં રડતી રડતી ઊભી છે. છ વારની એની સાડી ડૂચો થઈને એક ખૂણામાં પડી છે.

અલ્પાએ નક્કી કર્યું કે અમેરિકનો હોય ત્યાં સાડી પહેરીને, ચાંલ્લો કરીને જવું નહીં. જૉબ પર, ચાલવા જાય ત્યારે ને ખાસ કરીને ગ્રોસરી લેવા જાય ત્યારે જીન્સ અને ટી શર્ટ કે સ્કર્ટ બ્લાઉઝ. એ પણ નક્કી કર્યું કે ઓછી લાઇટ હોય એવા વિસ્તારમાંથી પસાર થવાનું નહીં.

‘શોપ-રાઇટ’માં જવું કે નહીં એનો એને વિચાર આવ્યા કરતો. મન સાથે નક્કી કર્યું કે એમ ડરી શા માટે જવું? આ એનો દેશ છે. કોઈ એને રોકે તો એણે શા માટે રોકાવું જોઈએ?

બે અઠવાડિયાં પછી ઑફિસેથી પાછા આવતાં અલ્પાએ ‘પિટ્ઝા હટ’માંથી પિટ્ઝા લઈને ઘેર આવવાનું નક્કી કર્યું.

‘આઈ વુડ લાઇક ટુ હેવ એ વેજી પિટ્ઝા ટુ ટેઇક હોમ. ડૉન્ટ ફરગેટ ધ રેડ પેપર.’ અલ્પાએ ઑર્ડર આપ્યો.

પિટ્ઝા લઈ ગાડીની ટ્રન્કમાં મૂક્યો. થોડે આગળ ગયા પછી યાદ આવ્યું કે પિટ્ઝા સાથે પીવા માટે કોકોકોલા લેવાનો રહી ગયો છે. ‘શોપ રાઇટ’ રસ્તામાં જ હતી. મશ્કરી કરેલી એ છોકરો કાઉન્ટર પર હશે કે કેમ એનો વિચાર આવ્યો. એ શનિવારે તો રાત હતી. આજે હજી પાંચ વાગ્યા છે. ન યે હોય. વળી પાછું મન મક્કમ કર્યું કે હોય તો શું છે? આઈ કેન હૅન્ડલ ધ સિચ્યુએશન.

અલ્પા સુપરમાર્કેટમાં કોકના સેક્શન તરફ ગઈ. કાઉન્ટર પર નજર નાંખી. પેલો છોકરો કાઉન્ટર પર નહોતો. અલ્પા કોકના સેક્શનમાં ગઈ ત્યાં એ કોકનાં કાર્ટન ગોઠવતો હતો. અલ્પાએ એને ન જોયો કર્યો. પેલો છોકરો અલ્પા પાસે આવ્યો. અલ્પા વાંકી વળી કોક લેતી હતી.

‘યુ લૂક સેક્સી ઇન યોર ઑફિસ ક્લોથ્સ.’ છોકરાએ કહ્યું.

અલ્પાને એને તમાચો મારવાનું મન થયું. સ્ટોરના મૅનેજર પાસે ઘસડી જવાનું મન થયું. પણ વિચાર બદલ્યો.

‘રીઅલી? થૅન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટસ. ડુ યુ વોન્ટ ટુ ગો વિધ ધ સેક્સી વુમન ઍન્ડ હેવ એ નાઇસ ટાઇમ?’ અલ્પાએ એકાએક પૂછ્યું.

છોકરો આભો બની ગયો.

‘યુ મીન નાઉ? આરન્ટ યુ મૅરીડ? વૉટ અબાઉટ યોર હસબન્ડ?’

‘હી ઇઝ નોટ હોમ. ઇફ યુ વોન્ટ યુ ગો, માઈ કાર ઇઝ પાર્કડ નિયર ધ મેઇલબૉક્સ.’

અલ્પા કોકની બૉટલ લઈ સુપરમાર્કેટની બહાર કાર પાસે ગઈ. ટ્રન્ક ખોલી બૉટલ મૂકી. ટ્રન્ક ખુલ્લી રાખી ઊભી રહી. થોડી વારે છોકરાને આવતો જોયો. એ ગાડી પાસે આવ્યો.

‘આર યુ શ્યોર? યુ ડોન્ટ નો મી.’ છોકરાએ કહ્યું.

‘આઈ વોન્ટ ટુ નો યુ.’ અલ્પાએ કહ્યું.

‘ધેન લેટ્સ ગો.’

‘યસ, બટ આઈ હેવ ડ્રોપ્ડ માઈ કીઝ સમવ્હેર.’

‘વ્હેર? ઈન ધ સ્ટોર?’

‘ઇન માઈ ટ્રન્ક સમવ્હેર. લેટ મી લૂક.’

અલ્પાએ વાંકી વળી પિટ્ઝાના બૉક્સની સાથે આવેલી પ્લાસ્ટિકની ડબ્બી હાથમાં લીધી. ટ્રન્ક બંધ કરી. ઝડપથી ડબ્બી ખોલી એક ઝાટકે ડબ્બીનું પિટ્ઝા પર ભભરાવવાનું મરચું છોકરાની આંખમાં ફેંક્યું. છોકરો બળતી આંખે બે ડગલાં પાછળ હઠી ગયો. ગાળો ભાંડવા લાગ્યો.

‘ધેટ્સ વૉટ અ સેક્સી વુમન વિથ બ્લડી ડૉટ ડુ’, કહી અલ્પા ધ્રૂજતી ધ્રૂજતી ગાડીમાં બેઠી અને ગાડી હંકારી મૂકી.

અલ્પા ઘેર આવી. ગાડી ગરાજમાં મૂકી પિટ્ઝા અને કોક લઈને રસોડામાં આવી. રાજીવ રાહ જોતો હતો. એણે પિટ્ઝાનું બૉક્સ ખોલી એક સ્લાઇસ એની પ્લેટમાં લીધી.

‘મરચું ક્યાં છે?’ રાજીવે પૂછ્યું.

‘મરચું? શેનું મરચું?’ કહી અલ્પાએ એક સ્લાઇસ પોતાના માટે લીધી.


પન્ના નાયક, ઋણાનુબંધ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s