મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દીવસે એક મીત્રની પુત્રીનાં ચીત્રોનું પ્રદશશન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠલેા કવી લાભશંકર ઠાકર બોલી ઉઠ્યા: ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવયું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું: ‘તમને ડાયાબીટીસ છ?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું: ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’
વણમાગી સલાહ આપવાની મનોવૃત્તી ધરાવતા લોકોને એમાં કશું અયોગ્ય લાગતું નથી. તેઓ સામેની વ્યક્તીના અંગત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવો વીચાર પણ એમને આવતો નથી. તેઓ માને છે કે એમની સલાહ પ્રમાણે ચાલવાથી આ સંસાર સુનીયોજીત ઢબે ચાલશે. આવા લોકો સામેની વયક્તીની નીર્ણશક્તિ અને ડહાપણનો અસ્વીકાર કરે છે. તેઓ બીજી વ્યક્તીના વીચારો, લાગણી, સંજોગો કે એની સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી. એમને ‘સલાહો’ ઓકવાનો રોગ હોય છે.
ઘણા લોકો માટે વણમાગી સલાહ આપવાની પ્રવૃત્તી ‘ટાઈમ પાસ’ હોય છે. તેઓ આ જગતમાં ઉભી થનારી બધી પરીસ્થીતિઓનો હલ જાણતા હોય છે. ટ્રેનમાં, બસમાં કે લોકો ભેગા થયા હોય ત્યાં; કોઈ પણ ઓળખાણ વીના આ નીષ્ણાતો સલાહ આપવા લાગે છે. એક બાળક ટ્રેનમાં તોફાન કરતું હતું; ત્યારે સલાહ આપવાના આજન્મ ભેખધારી એક ‘મહાત્મા’ બાળકની માતાને, કોઈ પૂર્વ ઓળખાણ વગર, બાળઉછેર વીશે જાતજાતની સલાહનો વરસાદ વરસાવવા લાગ્યા. એક ભાઈ બીમાર મીત્રને મળવા હૉસ્પીટલમાં ગયા. ડૉક્ટરના ‘પ્રીસ્ક્રીપ્શન’થી જુદી સલાહ આપવા લાગ્યા. ડૉક્ટર આવ્યા. પેલા ભાઈએ ડૉક્ટરને યોગ્ય ટ્રીટમેન્ટ માટે સલાહ આપવાનું શરુ કર્યું. સાસુ-વહુના સંબંધમાં સલાહ આપનાર બહેનોનૂં ટોળું બહુ મોટું હોય છે.
બાળકો મોટાં થાય ત્યાં સુધી સલાહો સાંભળીને થાકી જાય છે. ફીલોસોર રુસોએ વ્યક્તી અને સમાજના સંબંધના સંદર્ભમાં કહ્યું છે — ‘દરેક વ્યક્તી જન્મે ત્યારે સ્વતંત્ર વ્યક્તી હોય છે; પરંતુ પછી એ અનેક સલાહની સાંકળોથી બંધાતી જાય છે.’ દરેક વ્યક્તી પુખ્ત થયા પછી આ સાંકળના બંધનમાંથી મુક્ત થવા માગે છે, પરંતુ વણમાગી સલાહ આપનારા લોકો એમને છૂટવા દેતા નથી. સલાહકારોની પડીકી તૈયાર જ હોય છે – બાળકો માટે આ, ગૃહસ્થ જીવન માટે આ, અને વૃદ્ધાવસ્થા માટે આ પડીકી.
મેં ગ્રેજ્યુએશન માટે મુખ્ય વીષય તરીકે ‘ગુજરાતી સાહિત્ય’ મુખ્ય વીષય રાખ્યો. મારા માતૃપક્ષના દુરના સગા, અર્થશાસ્ત્રના પ્રૉફેસર હતા. એમણે કહ્યું: ‘તું ગુજરાતી લઈને શું ઉકાળશે? વધારેમાં વધારે પંતુજી થઈશ.’ મારા પીતાજી આજન્મ શીક્ષક હતા. એ ગમ ખાઈ ગયા; પરંતુ મારી બાએ કહ્યું: ‘વીનુએ બહુ વીચારીને નીર્ણય લીધો હશે. અમેય એમાં માથું મારતાં નથી.’ એ મુરબ્બીએ મારા પીતાજીની લાગણીનો વીચાર કર્યો નહોતો. એવા લોકો ક્યારેક અજાણતાં જ અન્ય વ્યક્તીનું અપમાન કરી બેસે છે.
સાદોસીધો વણલખ્યો નીયમ છે: ‘સલાહ માગવામાં આવી હોય, અને અનીવાર્યણ હોય તો જ આપવી જોઈએ.’ વણમાગી સલાહ આપનાર વ્યક્તી નીકટની સંબંધી હોય તો એની સલાહનો અમલ કરવામાં આવતો નથી, તે જોઈને એ હતાશ થાય છે. અંગત પરીવારમાં, મીત્રોમાં, સંબંધોના બૃહદ વર્તુળમાં આવા પ્રકારની લાગણીથી સંબંધ વણસે છે. એક બહેને કહ્યું છે — ‘આવા વખતે હું સ્મીત કરતી રહુ છું, દાંત દબાવી, માથું હલાવ્યા કરૂં છું, અને મનોમન ભગવાનને પ્રાર્થના કરૂ છું કે આ વ્યક્તી હવે બોલતી બંધ થાય તો સારૂં.’
કોઈએ વણમાગી સલાહ આપતા લોકોને જણાવયું છે: ‘મારી જીંદગીનું ચાલકબળ હું છું, તમે તો આગંતુક નીરીક્ષક છો. તમે મારા વીશે કશું જાણતા નથી, અધુરી માહીતીના આધારે અનુમાનો કરો છો, તમે મારી ચીંતા છોડી દો; તમારી ચીંતા કરો.’ વણમાગી સલાહકારોથી કંટાળેલા એક જણે કહ્યું: ‘તમે મને સલાહ આપવા ઉત્સુક હો તો હાથ ઉંચો કરો અને પછી એ હાથથી તમારં મોઢું બંધ કરો.’ જો કે ‘વણમાગી સલાહ ‘ન’ આપવાની ‘સલાહ’ આપવી એ પણ ‘એક જાતની ‘વણમાગી સલાહ’ જ છે ને?!’
લેખક — વીનેશ અંતાણી – VINESH ANTANI (vinesh_antani@hotmail.com) — વીનેશભાઈ પરીચયના મોહતાજ નથી. ‘દીવય ભાસ્કર’ દૈનીકની રવીવારીય પૂર્તી ‘રસરંગ’માં એમની કૉલમ ‘ડબૂકી’ શીર્ષકથી પ્રકાશીત થાય છે. આ લેખ તા. 02-12- 2018ની ‘રસરંગ’ પુર્તીના પાન બે પરથી લેખકશ્રીની પરવાનગીથી અને ‘દીવય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર.
સંપાદક — ઉત્તમ ગજ્જર (Surat) — સન્ડે ઈ.મહેફીલ — વષશ: સોળમું — અંક: 470- January 17, 2021 — uttamgajjar@gmail.com
કેસુડા સંપાદક — કોકિલા રાવળ
—