હું જ એનો ગેરસપ્પા છું!


image credit Wikipedia

સને 1926ની વાત છે.  રાજાજીની ગોઠવણ મુજબ બાપુ દક્ષિણમાં ખાદી-યાત્રા કરતા હતા. ફરતા ફરતા અમે શિમોગા પાસે પહોંચ્યા. ત્યાંથી ગેરસપ્પાનો ધોધ નજીકમાં છે. ત્યાં જવા માટે રાજાજીએ મોટર વગેરેનો પૂરેપૂરો બંદોબસ્ત કર્યો હતો. રાજાજી, હું, મણીબેન પટેલ એમ ઘણાં જણ તૈયાર થયાં. મેં બાપુને પણ સાથે આવવા વિનંતી કરી. તેમનું મન ન જોયું એટલે મેં કહ્યું, “લોર્ડ કરઝન હિદુસ્તાન આવ્યો ત્યારે પહેલી તકે ગેરસપ્પા જોવા આવેલો. આ ધોધ આખી દુનિયામાં ઊંચામાં ઊંચો છે.” બાપુએ પૂછ્યું, “નાયગરા કરતાં પણ ઊંચો?” મેં મારું જ્ઞાન બતાવતાં જવાબ આપ્યો, “નાયગરામાં પડતા પાણીનું ઘનમાપ સૌથી વધારે છે, પણ ઊંચાઈમાં તો તેનાથી ચડતા સેંકડો ધોધ આપણે ત્યાં તથા બીજા દેશોમાં છે. ગેરસપ્પાનું પાણી 960 ફૂટની ઊંચાઈએથી સીધું નીચે પડે છે. દુનિયામાં ક્યાંયે એટલો ઊંચો ધોધ નથી.”

મારા મનમાં એમ કે આ બધું જાણીને બાપુને પણ પાણી ચડે. પરંતુ તેમણે મારા પર ઊલટું ટાઢું પાણી રેડ્યું! ધીમેથી પૂછ્યું, “અને આકાશમાંથી વરસાદ પડે છે તે કેટલી ઊંચાઈઈએથી પડે છે?” એટલે બાપુને પટાવવાનું છોડી મેં બીજી દરખાસ્ત મૂકી: “ઠીક, આપ ન આવો તો ભલે; પણ મહાદેવભાઈને મોકલો. આપના કહ્યા વિના તે નહીં આવે.” બાપુએ જરાયે અચકાયા વગર કહ્યું, “મહાદેવ નહીં આવે, હું જ એનો ગેરસપ્પા છું.” મને ખ્યાલ નહીં કે તે દિવસે એમનો ‘યંગ ઈન્ડિયા’નો દિવસ હતો. એ વંટોળિયા જેવા પ્રવાસમાં પણ ‘યંગ ઈન્ડિયા’ ને ‘નવજજીવન’ એ બે પત્રો ચલાવવાનો ભાર તેમણે બંનેએ પોતાને માથે રાખ્યો હતો. તે દિવસે તેઓ ન લખે તો નિશ્ચિત દિવસે છાપું નીકળે નહીં. હું ચિડાઈને બોલ્યો, “નથી તમે આવતા, નથી મહાદેવને મોકલતા; ત્યારે હું પણ શું કામ જાઉં? મારે પણ નથી જવું!” બાપુ કોમળતાથી સમજાવવા લાગ્યા, “ગેરસપ્પા જોવા જવાનો તમારો ધર્મ છે, તમે શિક્ષક છો ને? તમે જોશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એક સારો પાઠ શીખવી શકશો. તમારે જવું જોઈએ.”

જે ગેરસપ્પાની નાનપણથી વાતો સાંભળતો આવ્યો હતો અને જે જોવાનો સંકલ્પ કરતો કરતો હું નાનેથી મોટો થયો હતો તે જોવા જવાને માટે આથી વધારે આગ્રહની મારે જરૂર નહોતી. ત્યાં જવા હું તલપી રહ્યો હતો, પણ બાપુનો આદેશ થયો એટલે હવે ત્યાં જવાનું કર્તવ્યરૂપ થઈ ગયું. હું ખુશીથી તૈયાર થયો ને ‘ગેરસપ્પાનું દર્શન’* કરી કૃતાર્થ થયો.

* જ્યાં ધોધ પડે છે ત્યાં નીચે એક ગામ છે. તેનું નામ ગેરસપ્પા છે. તે ગામના નામ પરથી અંગ્રેજોએ ધોધનું નામ ‘ગેરસપ્પા ફોલ્સ’ પાડ્યું. તેનું અસલ નામ જોગ છે. જૂની કાનડી ભાષામાં ધોધને જ જોગ કહે છે. શરાવતી નદીનો આ જોગ છે.


કાકા કાલેલકર — ગાંધી ગંગા, ભાગ ૨ — પાનું ૩૫ અને ૩૬ — સંપાદક મહેંદ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ
કેસુડા સંપાદક કોકિલા રાવળ

One thought on “હું જ એનો ગેરસપ્પા છું!

  1. Very important information about
    “જોગ” ધોધ.
    મને આ હકીકતની જાણ હવે જ થઇ.
    ડોલરબેન

    Like

Leave a comment