રઠિયાળી રાત — એક ઝવેરચંદ મેઘાણી એ સંપાદન કરેલુ પુસ્તક. તેમાંથી એક કવિતા — જૂઠડા સમ. ઝવેરચંદ મેઘાણીની યાદમાં — ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – ૯ માર્ચ ૧૯૪૭.
પતિના આચરણ પર સ્ત્રીને સંદેહ ઉપજી ચૂક્યો છે. બેવફા સ્વામી જૂઠા સોગંદ ખાઈ ‘તમે મને વ્હાલાની પ્રતીતિ કરાવવા મથે છે. એ કૂપંથે વળેલાને ચતુર ગૃહિણી નિર્મળ ગૃહજીવનની સાચી રસિક્તાની વ્હાલ આપીને – બન્ને જીવન વચ્ચેની વિરોધ બતાવીને પાછો વાળવા મથે છે’.
તમારા સમ જો તમે મને વા’લા!
જૂઠડા સમ શીદ ખાવ છો જી
તમારૂં મન માને ત્યાં જાવ છો.
આવા તે રૂડા ઓરડા મેલીને
છાપરામાં સૂવા જાવ છો જી. -તમારૂં મન
આવાં તે રૂડાં દાતણ મેલીને
આવળ બોરડી ચાવવા જાવ છો જી. -તમારૂં મન
આવાં તે રૂડાં નાવણ મેલીને
ખાડે ખાબોચીએ નાવછો જી. -તમારૂં મન
આવાં તે રૂડાં ભોજન મેલીને
ટાઢા ટુકડા ખાવા જાવ છો જી. -તમારૂં મન
આવાં તે રૂડાં પોઢણ મેલીને
ટૂટેલ ખાટલે સૂવા જાવછો જી. -તમારૂં મન
સંપાદક: ઝવેરચંદ મેઘાણી, રઢિયાળી રાત, ૧૯૨૫
સંપાદક: કોકિલા રાવળ, કેસુડા, માર્ચ ૨૦૨૧