કિશોરની યાદમાં — કેવી હશે ને કેવી નૈ


મારા પતી કિશોર રાવળ મે ૧૧, ૨૦૧૩ માં ગુજરી ગયા. આજે મારા લગ્નને ૬૨ વર્ષ થયા હોત. લગ્ન પહેલા અમને ૬ વર્ષની ઓંળખાણ હતી. હજી મને રોજ સપનામાં આવે છે, અને મારી સવારની પ્રાર્થનામાં હોય છે. આજે હું જે છું તે તેમના થકી છું.

ગય કાલે અમેરિકામાં “મધર્સ ડે” ઉજવાણી, એટલે મને કિશોરની યાદમાં તેમની એક વાર્તા યાદ આવી ગઇ — કેવી હશે ને કેવી નૈ. આ વાર્તા તો “અમે ભાનવગરનાં”માં છપાયેલી, કિશોરનુ પહેલુ પુસ્તક.


કેવી હશે ને કેવી નૈ…

(દરેક મેમાં આવે “મધર્સ ડે” અને એવા એક દિને લખેલી આ વાર્તા બધી માને – પરણેલી કે અપરિણીત સૌને – અર્પણ કરું છું.)

આટલાં બધાં વર્ષોથી હું એક જ જગ્યાએ કામ કરું છું. અઠવાડિયામાં છ દિવસ અને દર મહિને એક રવિવારે કામે જઉં ત્યારે મને એક દિવસ એવો યાદ નથી કે કામે જતાં મેં દ્વિધા અનુભવી ન હોય. હૈયાનું એક અડધિયું મોરની જેમ થનગનાટ કરે કે, “હેય, ચાલ! ચાલ જલદી! ઉતાવળી થા.” અને બીજો ભાગ કહે કે, “ભૂંડી, તને કંઈ બીજું કામ મળતું નથી કે રોજ આ એક જ જગ્યાએ હૈયું નીચોવવા હાલી મળે છે?”

હું નિશાળમાં ભણતી હતી ત્યારનો એક કિસ્સો યાદ આવે છે. શિક્ષકે પાટિયા ઉપર થોડા શબ્દો લખેલા અને અમને તરજૂમો કરવા કહ્યું હતું. એમાંની એક લીટી હતી ‘લેડી ઓવ ધ લેઈક’. સૌએ તેનો તરજૂમો કર્યો ‘સરવરની સુંદરી’ પણ એક આબિદિયો લખીને લાવ્યો ‘તળાવની ઓરત’. અને અમે સૌ શું હસ્યા છીએ! ‘તળાવની ઓરત’માં કોઈ રણકાર જ ન મળે, કોઈ સંગીત નહિ કે ન કોઈ કવિતા!

એવા જ કોઈ માણસે અનાથાશ્રમને અનાથાશ્રમ કહ્યા હશે ને? હું કવિ નથી પણ ફૂલવાડી, બનફૂલ, પારેવડાં એવા શબ્દો તો મને પણ એક પલકમાં જ સ્ફુરે. વચનોમાં ય કેમ આટલી ગરીબાઈ? અંધાને અંધો ન કહેવો એમ શિખવાડે પણ અનાથને અનાથ કહેતાં કોઈને કચવાટ નહિ?

કોઈ માને પૂછેલું કે “તારાં બધાં બાળકોમાં તને સૌથી વહાલું કોણ?” તો જવાબ મળ્યો કે, “જે દૂર હોય, માંદું હોય કે દુખી હોય તે!” અનાથાશ્રમમાં કામ કરતાં મારા જેવાને પૂછો તો હું શું કહું ખબર છે? “અક્કલ વગરના પ્રશ્નોના જવાબ જ ન હોય!”

ગમે ત્યારે નાનાં બાળકોને મૂકી જતી માઓ તરફ લોકો એક કરડી દૃષ્ટિ રાખે છે. “આ મા તે કેવી!” “છોકરાને એક ટંક ધાવણ ન આપ્યું?” “મા એટલે લોકો માને કે પુણ્યસ્વરૂપ, પ્રેમની મૂતિર્ તો આમ તરછોડીને મૂકી જાય તેવી ક્રૂર માને શું કહેવું?” મને મૂકી જનાર મા કરતાં આવું બોલનારની દયા આવે. તમે કદી અનાથાશ્રમમાં મૂકી દીધેલા બાળકને જે સ્થિતિમાં મૂકી દીધું હોય તે જ સ્થિતિમાં કદી જોયું છે ખરું? એક વખત જોવા મળે તો જોજો. એક નેતરની ટોપલી હોય, લાકડાનું ખોખું હોય કે ઢાંકણા વગરની નાની પતરાની બૅગ કે સૂટકેઈસ હોય અને ક્યારેક તો ખાલી ગોદડીમાં વીંટેલું બાળક હોય. તેની અંદર પોતાની શક્તિ પ્રમાણે બાળકને આછાંપાતળાં કપડાં હોય. પણ તેમાં ય બે વસ્તુ તો અચૂક દેખાઈ આવે. એક, તેના રક્ષણ માટે થઈ શકે તેટલું કરી છૂટવાની પ્રબળ ઇચ્છા અને બીજું, બાળકને બની શકે તેવું રૂપાળું બનાવવાની તમન્ના. અંદર ક્યારેક દૂધની બાટલી હોય, પાંચ, પચીસ કે સો રૂપિયાની નોટ હોય, ગાલે કાળું ટીલું હોય કે કાન આગળ હનુમાનની રક્ષા હોય, ગળે કાળો દોરો હોય. જે સંજોગોમાં બાળકને છોડવું પડે તેનો વિચાર કરતાં સામાન્ય રીતે કોઈ સંદેશો કે ભલામણ ન હોય પણ ક્યારેક ક્યારેક સાથે એકાદી ચિઠ્ઠી વાંચવા મળે. તેમાં તે વખતનો વિષાદ તો જરૂર અનુભવી શકો.

“બાબલાને સંભાળજો.” એટલું જ કોઈની પાસે લખાવી નીચે અંગૂઠાની છાપ જોવા મળે. રામ જાણે શું ય કાયદેસર ખરડો લખવા બેઠી હોય તેમ!

watercolor – Kishor Raval

“એને કે’જો કે માને યાદ ન કરે, યાદ કરવા લાયક નહોતી.” મનમાં વિચારો તો ઊંધા જ હોય કે આ મને યાદ કરે કે મારી મા કેવી હશે તો સારું. ઊલટી થતી હોય ત્યારે મોઢું ડૂચાથી દાબી રાખવાનો અનુભવ થયો છે ખરો?

“તેનું નામ પ્રીતિ રાખજો અને એક દિન હું લેવા આવીશ…” અને મનમાં સળવળતી અમર આશાનું તમને ભાન કરાવે.

કોઈ વળી લાંબો કાગળ તેના બાળક ઉપર લખી બેસે અને સાથે વિનતિ હોય કે બાળક બાર વર્ષનું થાય ત્યારે તેને વંચાવશો. તમે કદી આપઘાતના વિચારો કર્યા છે ખરા? તો જ તમને તે માનું દુ:ખ સમજાશે. એમની માનો વાંક આસાનીથી નહિ કાઢતા. ગુનેગાર ઠરાવતાં પહેલાં થોડી સંદિગ્ધતા જરૂરી છે.

હું આ બધાં બાળકોને જોઉં અને મને તેમની માના વિચાર આવે. અને તેમણે સોંપેલી એક જવાબદારીનુ ભાન મને તેમના તરફ ખેંચે.

કહે છે ને એક બહોળું કુટુંબ હોય તેમાં બાળક ઉછેરવાનું સહેલું થઈ જાય. અહીં પણ એવું. મોટાંઓ નાનાનું ધ્યાન રાખે. સૌએ સૌનાં કામો કરવાની ટેવ પહેલેથી જ ગળથૂથીમાં પાય તેમ પ્રસરી ગઈ હોય. અભરાઈ ઉપર નિશ્ચિત કરેલી જગાએ પોતાનાં કપડાંની થપ્પીઓ હોય, નાનાં મોટાં ખોખાંમાં તેમની સંપત્તિ જુઓ તો તેમાં પાટી-પેન, કોઈ જતનથી જાળવેલું તૂટલું રમકડું , અપંગ ઢીંગલીઓ, સોય અને રંગીન દોરાઓ, લગ્ગા, કાચનાં મોતીની સેર, પ્લાસ્ટિકનો દાંતિયો… વગેરે વગેરે દેખાય. એમની પાસે જે આ મામૂલી સંપત્તિ છે તેના પ્રમાણમાં તેમનો અઢળક આનંદ જુઓ ત્યારે જ ખ્યાલ આવે કે એ બન્ને વચ્ચે કંઈ અનુસંધાન નથી.

એ જોઉં ત્યારે આપણા આથિર્ક અનુરોધો ગૂંગળાવતા લાગે અને વધુ પૈસો હોત તો કેવું સારું એમ થાય. પણ વધુ પૈસો હોત તો હું, હું જ રહી હોત ખરી?

આ બાળકો બીજાઓની જેમ ધીંગામસ્તી પણ કરે જ, માંદાં પડે, ઘવાય અને પાટાપિંડી કરી રુઝાય. બીજાં બાળકોની જેમ વાર્તાઓ સાંભળવી પણ ગમે. અનાથાશ્રમના ફંડ પ્રમાણે રોજ સાદું ભોજન હોય પણ પૂરા પ્રદીપ્ત જઠરાગ્નિથી માણે. તેમાં વારતહેવારે કંઈ ફરસાણ કે મીઠાઈ મળે એટલે ખુશખુશ.

વાર્તામાં ક્યારેક માની વાત આવે ત્યારે થોડી તકલીફ થઈ જાય. “મા એટલે શું?” પછી સમજાવીએ ત્યાં બીજો પ્રશ્ન આવે. “સૌને મા હોય?” “મારી મા ક્યાં છે?” રામાયણની વાત કરી ઘડ પાડીએ કે “પેલી સીતાને રાવણ ઉપાડી ગયો તેમ કેટલાક દુષ્ટો તમારી માને લઈ ગયા અને તમે સૌ અહીં અમારી દેખભાળ નીચે મુકાણાં.” માને વગોવવી તેના કરતાં સમાજને વગોવવો સારો નહીં?

“મારી મા ક્યારે આવશે?” “બેટા, એ તો મને ખબર નથી” અને ગોદમાં લઈને થોડાં બેસીએ એટલે જંપી જાય.

દત્તક લેવા લોકો આવે ત્યારે તો મારાં વહાલાં એવાં ડાહ્યાડમરાં થઈ જાય! બાબરીઓ ઓળે, મીંડલાં લે, ઘસીને મોં લૂછે અને મરકતાં મરકતાં બેસે. એમાં ક્યારેક પસંદ થાય તો એકાદ જ થાય. અને બાકીનાની આંખોમાં જે નિરાશાનાં વાદળો બે દિવસ જોવા મળે તે ભલભલાને ધ્રુજાવી નાખે.

એક દિવસ એક મંજુલાબેન આવ્યાં. કહે કે “હું લગભગ બે વર્ષની એક છોકરી શોધું છું.” એક કહેતાં ચાર હાજર. તેમને દૂરથી દેખાડી. રંજન લાંબા મોંની, ઢીચકી, બે મીંડલાંવાળી– વાસંતી ગોરી, ગોળમટોળ મોઢું – પારુ હસતી આંખો જ તેને તરત ઓળખાવી દે તેવી અને પારેવા જેવી, આંખોમાં થોડી બીક, થોડી શરમાળ, અને મનમાં મરકતી હોય તેવી લાગતી આરતી.

મંજુબહેન કહે કે એમની બીજી કોઈ વિગતો મળે ખરી? મને એમ કે તબિયત વિષે પૂછતાં હશે. “આ આરતીને વારંવાર શરદી થઈ આવે બાકી તો બધીઓની વછેરી જેવી તબિયત.”

“અહીં ક્યારે આવેલી, કેવી રીતે? તેનાં માબાપની કંઈ ખબર? તેમના તરફથી કંઈ શિફારસ કે ભલામણ?” કહી ને વાત કઢાવવા લાગ્યાં. મેં કહ્યું કે, “તેમની એ બાબતની જે કંઈ વિગતો હશે તે તો તમે નિર્ણય લેશો ત્યારે આપવામાં આવશે. એ પહેલાં કંઈ આપી ન શકીએ.”

“પણ તમે મને કયે દિવસે તે અહીં આવી તે કહી શકો કે નહિ?”

“તમારે પસંદગી કરવામાં તેનું શું પ્રયોજન છે તે મને નથી સમજાતું.”

મંજુબહેન મૂંઝાણાં. બેઠાં બેઠાં ચારે ફોટાઓ જોતાં રહ્યાં. ફરી પાછાં બહાર રમતાં છોકરાંઓને જોતાં વરંડામાં ઊભાં. પાછાં આવ્યાં.

“અહીં કોઈ મૂકી જાય અને તમને કહે કે આનું નામ આ પાડજો તો તમે તમારે ચોપડે તેનું નામ શું રાખો?” “એનો જવાબ તો સીધો જ છે. એ નામ રાખીએ તો કોઈને પણ તેનો તાળો મળી જાય એટલે એ નામ તો અમે કદી ન રાખીએ.”

મંજુબહેન ઊંડા વિચારમાં પડી ગયાં. થોડી વારે ઊભાં થઈ “ફરી આવીશ.” કહી ચાલતાં થયાં.

બે દિવસે પાછાં આવ્યાં. અમે ઓફિસમાં જઈને બેઠાં. થોડી વાર મૂંગાં બેઠાં. પછી બોલ્યાં, “એક વાત કહું? આપણા બે વચ્ચે જ?” હું તેમની આંખોમાં આંખ પરોવી જોઈ રહી. “જરૂર.”

“કોઈને નહીં કહોને?” આંખો ભીની થઈ, અવાજમાં ઝાંખું ડૂસકું હતું. મેં માથું હલાવી કહ્યું, “કદી નહીં.”

“વચન?”

“વચન.”

થોડી પળો બાદ કહે, “હું 27 જૂને અહીં એક-બેબી મૂકી ગઈ હતી. સાથે ચિઠ્ઠી મૂકી હતી કે નામ પ્રીતિ પાડજો. આજે હું પરણેલી છું. અને કોઈ કારણોસર અમે એવાં નિર્ણય ઉપર આવ્યાં છીએ કે એક-બે વરસની બેબીને દત્તક લેવી એટલે હું આવી છું. તમે મને મદદ કરી શકો તો મને મારી દીકરી ફરી સાંપડે.” આશાભરી આંખે મારી સામે એ એકીટશે જોઈ રહ્યાં.

“27 જૂન? હં… બેસો, હું જરા જોઈ આવું. પણ આ બધું આપણાં બે વચ્ચે જ હોં? કોઈને ખબર પડે તો મારે પણ તકલીફ થઈ જાય હોં!” તે કબૂલ થયાં.

ફાઈલો ઊથલાવી પેલો કાગળ શોધી કાઢ્યો. લઈને હું મંજુબહેન પાસે ગઈ અને તેમના હાથમાં મૂક્યો. વાંચી મંજુબહેનની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. આંખો લૂછી સ્વસ્થ થયે પૂછ્યું, “આ ચારમાં પ્રીતિ કોણ?”

મેં કહ્યું, “પેલી આરતી રહીને તે.”

આરતીને બોલાવી. ખૂબ જ નિરાંતે ટીકીટીકીને જોઈ. આરતી થોડી અકળાઈ. તેના ગયા પછી મંજુબહેન કહે કે, “આરતી બિલકુલ મારા જેવી નથી લાગતી? એનો અણસાર, એનું સ્મિત…” માને દીકરી મળી ગઈ, દીકરીને મા.

મંજુબહેન કહે કે, “એક જ વસ્તુ કહેવાની. આ કાગળ કે એની સાથેની કોઈ વસ્તુઓ અમને આપતાં નહીં. ખાલી કહેજો કે બીજી કશી વિગતો હાથવગી નથી.”

મંજુબહેન અને તેમના વર આવી, કાગળિયાં કરી બધો વિધિ પતાવી, આરતીને લઈને ઊપડી ગયાં. જતાં પહેલાં આવજો કરતાં મેં મંજુબહેનને કહ્યું કે અવારનવાર બને તો આરતીના ખબર મોકલતાં રહેશો તો ખુશ થઈશ.

મારા દિલનો એક ટુકડો જુદો થયો.

હું ઓફિસમાં ગઈ. પેલો કાગળ પ્રીતિની ફાઈલમાં મૂકી દીધો અને તેમાંથી એક ભૂખરું ફોર્મ કાઢી ફરી વાંચ્યું. એક-બે મહિનાની બાળકી મેલેરિયામાં પટકાઈ મૃત્યુ પામી હતી તેનું પ્રમાણપત્ર હતું. હું વાંચીને ધીમેથી બોલી, “માફ કરજે પ્રીતિ. તારી મા બીજીને આપી દીધી.”


સંપાદક — કોકિલા રાવળ — kokila.raval22@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s