મારૂ બાળપણ ભાવનગરમાં વીત્યુ હોવાથી હું મેઘાણી કુટુંબમાં સૌને ઓળખું છું. ખાસ કરીને અમેરિકા આવેલા દરેક સભ્ય સાથે પાછળથી વધારે પરિચય થયો. તેની દીકરી પદ્મલા મારા વર્ગમાં ભણતી. અને જયંતભાઈ મારા કરતા એક વર્ષ આગળ ભણતા. ભાવનગરના ઘરશાળામાં ભણી એટલે અમે ઝવેરચંદ મેઘાણીના ઘણાં ગીતો ગાયા છે. રવિન્દ્ર સંગીતમાં પ્રહલાદ પારેખ અને મેઘાણીના બંગાળી ભાષાના તરજુમાના એકે ગીતો ભુલાયા નથી. મારા શરીરમાં ધરબાયેલા છે. હજી આજે પણ તેને ગણગણતી હોઉં છું.
૨૮ ઓગષ્ટના દિવસે મેઘાણીને યાદ કર્યા વગર ન રહી શકાયન — જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ – મરણ ૯ માર્ચ ૧૯૪૭. તેમના જ શબ્દોમાં પોતાનુ વર્ણન:
“હું પહાડનું બાળક છું…
પહાડના મારા સંસ્કાર થોડા થોડાએ પોષાતા રહ્યા તેનું કારણ એ હતું કે… લગભગ એ તમામ થાણાં… કાં કોઈ ગીરમાં, કાં કોઈ પહાડમાં ભયંકર નદી નેરાંવાળી વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. એ પહાડને ભેદન્તી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીની ભેખડ પરના અમારા નિવાસોની નાની બારીઓમાં થઈને ‘હૂ હૂ! હૂહૂ! ભૂતનાદ કરતા પવન- સુસવાટાએ મારી નીંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પૂનેમના હુતાશણીના ભડકા ફરતા ગોવાળીડા જુવાનો— અરે,ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ— સામસામા દુહા-સંગ્રામ માંડતા, તેનો હું બાલભોકતા હતો. પહાડનો હું બાળજીવડો, પહાડનાં ટેટારીંબરું અને ગુંદાં વગેરે મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહા-સોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. તે પછી તો ઘણાં વર્ષોનો ગાળો પડ્યો. ભિન્ન ભિન્ન જાતના સંસ્કાર પડ્યા અને ભીતરની ભોંયમાં જૂના રસનાં ઝરણાં વહ્યા કરતાં હશે તેની જાણ પણ ક્યાં હતી?”
લેખક: ઝવેરચંદ મેઘાણી
સંપાદક: મહેન્દ્ર મેઘાણી (મેઘાણી : સ્મરણમૂર્તિ)
સહ સંપાદક: કોકિલા રાવળ