સંચાર છે ~ પ્રેમનો સંસાર ~ ૨ ગઝલ

સંચાર છે 🌷
કલ્પનાઓ    તર્કનો   શૃંગાર    છે.
સ્વપ્ન  દેખે જે  નયન,  ફનકાર છે.
એષણાં વિચલિત કરી ધબકે હૃદય
થનગને  મકસદ  બની  મલ્હાર  છે.
સાધના     છે   જ્ઞાનની   સંજીવની,
ચેતનામાં      જ્ઞાનનો    ભંડાર    છે.
સ્નેહબંધન    ચિત્તને    ચંદન    કરે,
લાગણીનો    રક્તમાં    સંચાર    છે.
મા,  પિતા,  સાથી,   ગુરૂની   પ્રેરણા
માનવીના   શ્રેષ્ઠ    સર્જનહાર     છે.

પ્રેમનો સંસાર 🌷
પ્રેમનો  સંસાર  નોખો  હોય છે.
લાગણીનો  ઠાર  નોખો  હોય છે.
જિંદગીભર સંગ છે માતા પિતા;
એમનો  સહકાર નોખો  હોય  છે.
ઘર સજે છે આત્મજાના વ્હાલથી;
જીદનો પણ ભાર નોખો હોય છે.
ભાગ્યશાળી છું મળી મૈત્રી ખરી;
બંધુતાનો  સાર  નોખો  હોય  છે.
ક્યાં નડે છે ક્રોધ પણ મનમીતનો;
સ્નેહનો સ્વીકાર નોખો  હોય  છે.
છો  મળે  એકાંત  કોઈ ડર નહીં;
મૌનનો પડકાર  નોખો  હોય છે.

પલ્લવી ગુપ્તા 🌷
Pallavi Gupta from Himmatnagar, Sabarkantha, pallavi.rimzim@gmail.com
introduced by Harish Mahuvakar, Bhavnagar
સંપાદક: કોકિલા રાવળ

જીવન પગથારે – પુસ્તક પરિચય

નિરૂપમાબેને “ જીવન પગથારે “ નામનુ પુસ્તક તેમના પિતાશ્રીને ૭૫મા વર્ષે ભાવાંજલિ અને પરિવારને સ્નેહાંજલિ રૂપે પ્રગટ કર્યું છે. તેમના જીવન દરમિયાન બંગલાદેશ, ભારત, ફિલિપીન્સ અને અમેરિકામાં તેમણે વસવાટ કરેલો હતો.

પુસ્તકમાં તેમના મોસાળની વાતો રસભરી રીતે વર્ણવી, અને મા-બાપના સંસ્કાર તેમના જીવન ઘડતરમાં ઘણો ભાગ ભજવ્યો હોવાથી તેમના માટે રૂણ અદા કરી.

નાનપણમાં કાકા કાલેકરના પુસ્તકોના વાંચનથી પ્રભાવિત થયા હોવાથી તેમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. તેમના પ્રોતસાહનથી લખતા થયા.

અમદાવાદમાં  શ્રેયસમાં શિક્ષણ ક્ષેત્રે લીનાબેન સાથે કામ કરી અનુભવ લીધો.

નિરૂપમાબેને પ્રેમ લગ્ન કર્યાં હતા. તેમના પતિનો સાથ પણ સારો રહ્યો તેથી લગ્ન પછી વધુ ભણી શક્યા.

જ્યોતિમાસી અને મનુમાસા ડોક્ટર હતા અને તેમના વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પ્રેમપૂર્વક, સમય ફાળવી જરૂર પડે સલાહ સુચન આપતા. તેની વાતો પણ પુસ્તકમાં વણી લીધી છે.

નિરૂપમાબેને ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનુ અનુવાદ કર્યું છે. તેમની સાથેના પત્રવ્યવહારનુ પુસ્તક ‘ વિદ્યાર્થીને પત્રો ‘ પણ પ્રકાશીત થયુ છે. 

અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી ભાષા પરના પ્રભુત્વ માટે તેમને દાદ આપવી ઘટે.  તેમના મુખે તેમના જીવનની વાતો સાંભળવી તે પણ  ળવી એક લ્હાવો છે.


પરિચયકાર : કોકિલા રાવળ

               

સફળતા જિંદગીની

સફળતા જિંદગીની,  હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે  ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે   આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયા નહીં તોયે  મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે,  ભ્રમળમાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં  જોઈને પૂછું છું,
અસર એનાથી ઉલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિંખાલસ છે,
છે એ એવી દશા જે  કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ  પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે  દુનિયામાં નથી હોતી.


ગઝલકાર — બરકત વીરાણી — “બેફામ”  ( માનસર પુસ્તક નાસૌજન્યથી  )

સંપાદક–  કોકિલા રાવળ

સહભાગી બગીચા

મહામારી ચાલતી હોવાથી દૂરથી આવતા શાકભાજી આવી શકતા નથી. સુપરમાર્કેટમાં પણ શાકની તાણ દેખાય અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

જેમ ૧૯૧૮ માં આજના જેવી હાલત થઈ ત્યારે સત્તાધારીઓએ જાહેર કર્યું હતું કે જ્યાં જમીન ખાલી દેખાય ત્યાં વાવો.  જમીન નહોય તો કુંડામાં વાવો. તેમ કરવાથી બધી પ્રજા સ્વાવલંબી થઈ હતી. તમે “વિક્ટરી ગાર્ડન” વીષે સાંભળ્યું હશે.  

હવે આપણો પણ તેવો સમય આવ્યો છે. આવો વિચાર મારી દીકરીના મિત્ર નેટને આવ્યો. તેણે તેના મિત્રો સાથે આ વાત વહેતી મૂકી. તેઓેએ અત્યારનાં સમયને અનુરૂપ નામ કો-ઓપ ગાર્ડન્ઝ રાખ્યું. આખા અમેરિકાથી ૨૦૦૦ લોકો જેટલાના તરત પ્રતિભાવ આવ્યા. મિત્રોનો સહકાર મળ્યો. હવે આ હીલચાલ શરૂ થઈ ગઈ છે…

  • જ્યાં પડતર જમીન હોય ત્યાં જઈને વાવણી કરવાની… 
  • જેની પાસે જમીન હોય, પણ બગીચાકામ નગમતુ હોય, કે શરીર ન ચાલતુ હોય, તેઓ પાડીશીને પોતાના બગીચામાં વાવવા દે. જે બગીચામાં ઉગે તે બધા માટે.
  • પડતર મકાનમાં વાવણી કરી હોય તો સ્થાનીક કોઈ પાણી પાવાની જવાબદારી લે. જેને ત્ત્યાંથી ખપ પૂરતુ જોઈતુ હોય તે લઈ જાય. તમને યાદ હશે નાનપણની દલા તરવાડીની વાર્તા —  કે ખેતરમાં રીંગણાં ઉતારવા ગયો ત્યારે રીંગણાંને પૂછે…રીંગણાં લઉ બેચાર? અને પોતેને પોતે જવાબ આપે…લેને દસબાર! તેવું પણ બને.

આ રીતે આખા અમેરિકાને ઓનલાઈન જોડ્યા અને બધાં નજીક આવ્યા છે. એકબીજાને મદદ કરે અને જેની પાસે બિયા હોય તે ઓનલાઈન પર કહે કે મારી પાસે બિયા ઘણા છે. એટલે તેના ક્ષેત્રમાં જે રહેતા હોય તે જઈને લઈ આવે. જેની પાસે સાધનો હોય તે સાધનો આપે. આમ બધાંએ મળીને ઝુંબેશ ઉપાડી છે.

આ વિચાર આપણાં ગાંધીજીના સ્વાવલંબી થવાના, વિનાબા ભાવેના ‘સર્વોદય‘ અને ‘ખેડે તેની જમીન‘ ને મળતા આવે છે, અને કટોકટીના સમયે આવકારદાયક છે…


લેખક: કોકિલા રાવળ

કેસૂડા — લઘુકથા

મન ખેંચી રાખતા હતા આ કેસૂડાં. સ્મિત નીકળ્યો ત્યારે ગુલમહોર ઊભા હતા પોતાનો અસબાબ ઉનાળે ખુલ્લો કરી. શહેરમાં પોતાના ઘર પાસેના આ કેડેથી નીકળતા હૈયુ વાદળની માફક હળવું થઇ ગતિ કરી રહ્યું. પરિવારને લઇ એ નીકળી પડ્યો નજીકની ટેકરીઓ પર. 

શહેરની બહાર નીકળતા વૃક્ષસૃષ્ટિ નજરે આવવા લાગી. પાછોતરો શિયાળો એનું રૂપ ધરી ઊભો હતો કોઈ જુએ એના તરફ એમ ધારી. લીલા-સૂક્કા ખેતરોની વિવિધતા, ખૂલ્લા કે મજૂરી કરતા લોકોવાળા ખેતરો, ઢોર-ઢાંખર અને કોઇ કોઇ ઊડી જતા પંખીઓ અને લગભગ એકાંત એવો એ ટેકરીઓનો માર્ગ એના હૃદયમાં એવા ઉતરી પડ્યા કે થીજેલુ સઘળુ ઝરણા બની વહેવા લાગ્યું. 

ને એમાં આવ્યા આ કેસૂડા. ક્યારનો  મૂંગો મૂંગો જોઈ રહ્યો હતો કાર ચલાવતા ચલાવતા. એણે ઊભી રાખી મોટરને અને એના દીકરાનો હાથ પકડી કહે, ‘ચાલ, ખંજન. આ ટેકરી પર ચડીએ.’ નાના કોમળ ચંચળ પગને બીજું શું જોઈએ ? એ ચડવા માંડ્યા કેસૂડાથી લદાયેલી નાની ટેકરી પર. કેસૂડા ખરી પડેલા. હાથમાં લઇ તે ખંજનને દેખાડ્યા. એ હાથમાં લઇ જોવામાં મશગૂલ થઇ ગયો. ડિમ્પલ પણ પાછળ આવી. એણે તાજી ખીલતી કૂંપળો દેખાડી. ‘પપ્પા, મને એક ફૂલ તોડી આપોને ?’ ‘અને મારા માટે નહિ ?’ ડિમ્પલે કહ્યું.  

‘ઓ.કે.’ કહી એ ચડ્યો ઝાડવે. નજીકની ડાળીએથી કૂંપળને ચૂંટવા જાય કે ફસ્સ ડાળી નીચે. અને એય નીચે. એ બન્ને હસી પડ્યા. એ કહે, ‘  ધ્યાન રાખતા હો તો.’ 

કોલેજના છેલ્લા વરસની પીકનીકમાં આવેલા ત્યારે શિવાની સારુ કેસૂડા લેવામાં આમ જ થયું હતું ને ! કેસૂડા લઇ આવેલો. કૂંપળો ફૂટેલા નાના શા. પણ કૂંપળો કયારેય વિકસી નહિ. 

એ ખોવાઈ ગયો. ‘હવે આમ પડી રહેશો કે ઊભા થશો ?’ છોકરાને એક ફૂલ પણ નથી આપી શકતા ?’ હસીને એણે ટોણો માર્યો. 

‘અરે, હોય એમ કાંઇ ! એમ કાંઇ કેસૂડાની કૂંપળોને સ્પર્શ્યા વગર અહીંથી જઇશું ?’ ઝાડ પર જઈ, દીકરા અને એમની સામે જોઇને કહે, ‘અરે,  અહીં તો મોટા પૂરા ખીલેલા સરસ ફૂલો છે.’ બે ફૂલ ચૂંટી, એ હળવે હળવે ઉતરવા માંડ્યો. 


હરીશ મહુવાકર  //  ઈમેઈલ: harishmahuvakar@gmail.com  // મોબાઈલ: 9426 22 35 22
Harish Mahuvakar’s YouTube channel
‘અમે’,  3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર  364002 


      

 

મા! હું આવી…

મા માટેનો ખાસ દિવસ. અહીં આ દિવસે તેને બહુ માન અપાય છે. તેને અભિનંદન ઉપરાંત ફુલ નો ગુલદસ્તો ચોકલેટની ભેટ મળે છે. ધણા તેને કપડાલતા વગરેની ભેટ સોગાદ પણ આપે છે. ન આવી શકે કે દૂર રહેતા હોય તો પોસ્ટખાતાને કે UPSને ખટાવે છે. ફોન ઈ-મેઈલ પણ થાય છે. Happy Mother’s Day!


મહિયરને આંગણે પગ મેલું
ત્યાં તો ગહેકી ઊઠે મનના મોરલા!

હેતના આંસુની મા ! આછેરી છાંય ઓઢી,
“આવી ગઈ દીકરી!“ કહી તું કેટલું કહી દેતી!

ફોરે સ્મૃતિઓય, મારું અંગ-અંગ કિલ્લોલે,
ભીની-ભીની સુવાસ રેલે.

હું તો વાદળી કે ફૂલ પેલુ ના રે, સુગંધ તેની,
બની જાઉં શું-શું મા! તારી તે હુંફમાં!

હીંચુ હિંડોળે વળી ઘૂમું ચોમેર,
કરું ખૂણેખૂણાની સંગે વાત,
ઘૂઘવતા સુખની કંઇ કેટલીએ વાત,
માં ! કહેતાં-કહેતાંય ન હું થાકું.

ઘેઘૂર વડલાની મારી ઝાઝેરી છાંય,
તોય અદકેરી લાગે આ મીઠેરી છાંયડી,
મા! હું આવી…


કવિયત્રી: નિરૂપમા મારૂ ( જીવનના પગથારેના સૌજન્યથી )
સંપાદક: કોકિલા રાવળ.

કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ

કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા…


પંચમ જ્યોર્જ

ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની વાત નથી કરવી. સ્ટુઅર્ટ કે વિન્ડઝર ફેમિલીની વાતોમાં ક્યાં તમારું માથું ખાઈ કડવો થાઉં?

મારે તો સૌરાષ્ટ્રની ભોમમાં પાકેલા, પૂરા તળપદી, સો ટકા સ્વદેશી, ‘પંચમ જ્યોર્જ’ની વાત કરવી છે. પણ પૂર્વ ભૂમિકા માટે મારે પેલાં સ્ટેલાબાઈની વાત પહેલાં કરવી પડશે. એ અમારી બાજુમાં રહેતાં – ભલાં, જાજરમાન અને પિસ્તાલીશ વર્ષે પણ જોબન પૂરું જાળવી રાખેલું તેવાં.

ગમે તેટલાં આવરણો હોય તોપણ અનાદિ કાળથી સ્ત્રીદેહ આંખ ચમકાવતો મનાણો છે એમાં આ સ્ટેલાબાઈ નીકળે ત્યારે ખુલ્લું માથું, ઘૂમટે ઢંકાયું ન હોય તેવું મોં, ગાલે ટમેટાં કાપીને ઘસ્યાં હોય તેવા લાલ ગાલ, પાન ખાઈને લાલ કર્યા હોય તેવા ચણોઠી જેવા ચટ્ટક હોઠો, દેખાઉં દેખાઉં થાય તેવી છાતીના છજાં ઉપરનું તગતગતું કાઠું, ખુલ્લા ખભાઓ, આંગળીના નખથી તે લગભગ બગલ સુધી તદ્દન નગ્ન બન્ને હાથો વળી અડવાનું મન થાય તેવી ચામડી અને ખુલ્લી લથબથ થતી પીંડીઓ, ઉઘાડો વાન, અને પિસ્તાલીશ વર્ષે પણ મારકણી આંખો …અરે જવાદોને! સમજી ગયાને મારા મોટાભાઈ? જરા આમન્યા જાળવવા દોને! એ નીકળે એટલે ભાવનગરની ગલીઓમાં તો શું પણ ઊભી બજારે એક સનસનાટી ફેલાઈ જાય, સનસનાટી…

એ સ્ટેલાબાઈને તેમનાં જેવો જ એક બાંકે બિહારી મળી ગયો. નામે જ્યોર્જ, કામે એન્જિનડ્રાઇવર, અમારી ભાવનગર સ્ટેટ રેલવેમાં. ખૂબસૂરત, ગોરો, મલકાતો, ફાંકડી મૂછોવાળો. રેલવેમાં એન્જિનડ્રાઇવર તરીકે મોટે ભાગે ખ્રિસ્તી જ હોય કેમકે અંગ્રેજોને એક પાકો અભિપ્રાય બંધાઈ ગયેલો કે મશીનરીમાં હિંદુઓની ચાંચ ડૂબે નહીં. કંઈક ખરાબી થાય એટલે પહેલો ભૂવો બોલાવી દાણા નખાવે કે ગોરમહારજ પાસે ગ્રહશાંતિ કરાવી પૂજા કરાવે, કંકુ ચોખા ચોડી પરસાદ વહેંચે. પાનું લઈને બોલ્ટ ઢીલો હોય તો શોધવાનું કે ઘસાતા ભાગો પર કૂપ્પીમાંથી બે ટીપાં તેલ લગાડવાનું કામ તો ખ્રિસ્તીઓ જ કરી શકે. વળી અંગ્રેજી સરસ બોલે, ખાવાપીવામાં અંગ્રેજો સાથે એક ભાણે બેસી શકે, કોઈ બાધ નહીં, એટલે ગોરા સાહેબોને તેમની સંગત વધુ ફાવે. પરિણામે સારા પગારની એન્જિનડ્રાઇવરની નોકરી એમને જ મળે.

જ્યોર્જ કંઈ જેવો તેવો નહોતો, સ્ટેલાબાઈનો પાંચમો પતિ હતો અને આગલા ચારે પતિઓનાં નામ જ્યોર્જ જ હતાં. ભાવનગરમાં કોઈને ચૌંટે બેઠા વિચાર આવ્યો કે આને પણ પંચમ જ્યોર્જ જ કહેવાયને! એટલે હાલ્યું, તેનું નામ પંચમ જ્યોર્જ પડી ગયું – લેતું ખાય લંડન! ભાવનગર કંઈ લંડનથી ઓછું ઊતરે તે કેમ પરવડે?

તમે સળવળતા હશો કે એલા ભાઈ, આટલી ઉમ્મરે પાંચ પતિઓ ક્યાંથી પ્રાપ્ત કર્યા હશે અને એ બધા ય જ્યોર્જ? એનો ભેદ તે સમજાવો!! લો સમજાવું. બરોબર દીવાલને અડીને નિરાંતે બેસો. વાત જરા લાંબી છે.

સ્ટેલા ગરીબ માબાપની દીકરી હતી. માબાપે પ્રથમ જ્યોર્જ ગોતી કાઢ્યો, દીકરી પરણાવી અને જવાબદારીમાંથી મુક્ત થઈ એક હાશકારો કર્યો. જુવાન છોકરી હોય, ગજું કરી ગઈ હોય અને ડલાઈલા જેવી પ્રતિભા એટલે દહેશત ઘણી કે જો કોઈ સૅમસન મળી જાય તો બરબાદ થઈ જશે. પૂરા કોડથી બન્ને જણાં લગન માણતાં હતાં. પ્રથમ જ્યોર્જ રજવાડામાં કામ કરે, ગોરા સાહેબોની બરદાસ્ત કરવામાં અને દુભાષિયા તરીકે કામ કરે, મહેનતાણું અને બક્ષિશ સારાં મળે. પૈસાની સમજ તેને સારી એટલે લગન કરીને પહેલું કામ, પહેલું તો નહીં પણ બીજું કામ એ કર્યું કે સ્ટેલાની તરફેણમાં પોતાનો વીમો ઊતરાવી લીધો. પૂરા દસ હજાર રૂપિયાનો. પોતાને કંઈ થાય તો બિચારી, વહાલી સ્ટેલા લબડી ન પડે માટે. અને એવું સાચે જ કંઈ થયું. ગોરા સાહેબો સાથે ગીરમાં સાવજના શિકારે ગયો ત્યાં કોઈની ગોળી ત્રાંસી ગઈ અને હારોહાર પ્રથમ જ્યોર્જને લેતી ગઈ.

સ્ટેલાને પારાવાર દુ:ખ તો થયું પણ પ્રત્યેક કાળાં વાદળાંના ગોટામાં એક સોનેરી કિરણ હોય છે તેમ સ્ટેલાને દસ હજાર મળ્યા એટલે વીમાનો લાભ ગળે ઊતરી ગયો. ખાધાં ખૂટે નહીં તેટલા પૈસા મળી ગયા અને જ્યોર્જ તરફની કૂણી લાગણીને લીધે એ નામ એટલું તો એને હૈયે વસી ગયું કે નક્કી કર્યું કે પરણીશ તો હું જ્યોર્જને બીજા બધા ભાઈ-બાપ! અને બીજો જ્યોર્જ એક ડાક્ટર મળી ગયો, એક ઘોડા-ડાક્ટર! રાજાના તબેલા સામે જ તેનું દવાખાનું અને રાજા પાસે ઘોડા પાર વગરના એટલે કોઈને કોઈ ઘોડું તો રોજ માંદું પડ્યું જ હોય. હારોહાર ભાવનગરના પોપટ, મેના, ગાયું, ભેંશું, રાજાના શિકારી બાજ, પાળેલાં કૂતરાં, ઝૂનાં વાંદરાં, દીપડા એ બધાંનું પણ ધ્યાન રાખે. સ્ટેલાએ લગન પછી વીમો કઢાવરાવ્યો અને પૂરા વીસ હજારનો. એમનો રહેવાનો ખર્ચો મોટો અને ધીમે ધીમે મોંઘવારી વધતી જાય તેનો વિચાર કરવો રહ્યોને! બીજા જ્યોર્જે એક નાનું મકાન લીધું અને બંગલાવાળાં થયાં. ઘરની પાછળ એક વાડો કરી બે બતકાં અને ડઝન કૂકડા-કૂકડિયું રાખ્યાં એટલે આહાર સુધર્યો. ઘોડા-ડાક્ટરના ધંધામાં ઘણા ફાયદાઓ: રાતના કોઈ ઘોડો બારણું ખખડાવે નહીં, ઘોડા ન કદી ફરિયાદ કરે, ન કરે કોઈ ચૂંકારો, અને કોઈ ઘોડો મરી પણ જાય તો મોટો હરખશોક પણ નહીં – ઊલટાનું જ્યારે કેસ બગડ્યો લાગે એટલે ગોળીએ દેવાની પ્રથા અંગ્રેજોએ પ્રચલિત કરી હતી. પણ કરમની કઠણાઈ લખી હોય તેનું શું? એક ઘોડાએ બટકું ભર્યું અને એમાંથી ધનુર્વા લાગ્યો. વીમાના પૈસાએ ઘણી માનસિક રાહત પહોંચાડી.

દરમિયાનમાં પેદા થયેલાં બે બાળકો પણ સ્ટેલાનાં હૈયાને ઠારતાં અને મન પ્રવૃત્ત રાખતાં. પણ છોકરાંની જવાબદારી એકલે હાથે સંભાળવી આ સંસારમાં અઘરી છે. બાળોતિયાના સ્ટેઈજમાંથી બહાર નીકળેલાં બાળકો વહાલાં હોય તેવો જ્યોર્જ-ત્રણ પણ મળી ગયો. ભાવનગરના બારામાં વહાણોનો આવરોજાવરો ઘણો. પરદેશથી સ્ટીમરો આવે અને જાતજાતના માણસો ભાવનગરમાં જોવા મળે. ટગબોટના કપ્તાન જ્યોર્જ-ત્રણ કપ્તાની કરે, અને સાથોસાથ બહારની સ્ટીમરુંમાંથી દારૂની બાટલીઓ મેળવી પુરવઠો ભેગો કરતો અને ભાવનગરની કદરદાન વસ્તીમાં સસ્તી કિંમતે વેચી ગામની મસ્તીમાં પોતાનો ફાળો આપતો હતો. તેમનો છ વર્ષનો બાબો તો ક્રિકેટમાં પણ રસ લેતો થયો હતો એટલે સાંજે સાંજે ક્રિકેટ રમવામાં અને શિખવાડવામાં દિવસો મજેના જતા હતા.

ઘરની ઉપર મેડી લીધી જેથી છોકરાંઓને અને માબાપને થોડી છૂટ રહે. આગળ એક ફસ્ક્લાસ ગોંદરી સજાવી. એક ડિ. કે. ડબલ્યૂની મોટરસાઇકલ લીધી તે લઈને બહાર નીકળે. ગામ વચ્ચે પદાવતો જાય અને આખું ગામ ગજવી મૂકે. નવો વીમો લીધો અને સ્ટેલાબાઈ ટાઢે કલેજે ફરી જીવન માણવા લાગ્યાં. ઈશ્વર દયાળુ તો છે જ પણ ક્યારે ઈર્ષાળુ પણ થઈ જાય છે. એક દિવસ દારૂ ચડિયાતી કક્ષાનો હશે કે પ્યાલામાં દારૂની ઊંડાઈ માપતી બે આંગળીનો ગાળો જરા વધી ગયો હશે તે સાંજે બંદરેથી આવતાં મોટરસાઈકલ એક ઝાડને ભેટી અને જ્યોર્જ-ત્રણને માંડ માંડ ફાટેલી ખોપરીએ હોસ્પિટલ ભેગો કર્યો. રાત આખી રિબાણો હશે – સવાર ન જોઈ તે ન જોઈ.

એ એક રાતમાં ચોકટ-જ્યોર્જનો પરિચય થયો. એ ત્યાં ડાક્ટર હતો. દર્દી કરતાં સ્ટેલાને અનુકંપાની જરૂર વધુ હતી અને તે તેણે પૂરતી પહોંચાડી અને અસ્તવ્યસ્ત મનને વ્યવસ્થ કરવા માટે દવા-દારૂ (કે દવા અને દારૂ) સમયસર, ચાંપતી નજરે આપ્યાં અને હૈયાની હૂંફ આપી. આવરોજાવરો વધ્યો તે લગન કર્યાં ત્યાં સુધી ચાલ્યો. ચોકટ-જ્યોર્જને મોટું ઘર હતું એટલે જૂના ઘરનો બતકવાડો, ફળિયામાંનો હીંચકો અને બે ડુક્કર, તેનાં આઠદસ ગુલગુલાબી બચ્ચાંઓની લંગાર અને પોતાનાં બે રમકડાં જેવાં બાળકોને નવા ઘરે પુનર્વસવાટ કરી જૂનું ઘર વેચી દીધું. સ્ટેલાએ ઘરના અને વીમાના પૈસા બેંકના પોતાના ખાતામાં નખાવ્યા.

ચાળીશ-પચાસ હજારની માલિકણ સ્ટેલા આ રીતે મારા બાપાજીના પરિચયમાં આવી. મારા બાપાજી બેંક મૅનેજર હતા એટલે “May I come in, મિ. રટિલાલભાઈ?” કહીને બાપાજીની ઓફિસમાં ટપકી પડે અને સસલાંની જેમ પૈસો પૈસાને જણી રહ્યો છે તેની ખાતરી કરી લે. મિ. રટિલાલ ચોપડો મગાવી દેખાડે કે પ્રગતિ કેમ છે અને બાલબચ્ચાંના અને ડો. ચોકટ-જ્યોર્જના ખબરો પૂછે. પોતે શીઘ્ર કવિ ખરાને એટલે રમૂજ કરે.

“An apple a day keeps doctor away, પણ હઝબન્ડ જ ડોક્ટર હોય તો બીજી ફોર્મ્યૂલા મારી પાસે છે,” થોડું રોકાઈ પંચ-લાઈન રજૂ કરી. “Five mangoes with soonth is the healthiest way.” પછી ખબરઅંતર પૂછ્યાં, “How is the family?”

સ્ટેલાબાઈ ગર્વથી કુટુંબની વાત કરે. “મારો સન એઇટ સાલનો ઓલ્ડ છે અને મૅથમાં બ્રેઈન છે. ડોટર તો મારી આઈની એપલ જેવી છે-પટ પટ ગુજરાટી પન બોલે છે. ગોડને ખબર વ્હેર તે બધું લર્ન કરે છે. અમે તો હાઉસમાં ઇંગલિશમાં જ ટોક કરીએ છીએ.”
પછી પેલીએ જરા હૈયું ખોલી વાત કાઢી. મારા બાપાજી બેંક મૅનેજર તો હતા પણ માણસો એમને વહાલાં એટલે સૌ આવીને તેમના દિલની વાત કરે અને બાપાજીને સૂઝ પડી જાય કે આવનારને કયો જવાબ પસંદ આવશે એટલે ગામને એક મફત સાઈકોલોજિસ્ટ મળ્યા. સ્ટેલાબાઈ કહે કે હવે પરણી પરણીને થાકી. એના એકેએક હઝબંડોથી સંતોષ પૂરો હતો પણ તેનું ટેંડર હાર્ટ વધુ ઝટકા ખાવા રેડી નહોતું. બાપાજીએ એને થોડી ગીતા સમજાવી અને તેના આદેશથી પરિચિત કરાવી. “અમે માનીએ છીએ કે પ્રેયર વખતે કેરી સિવાય બીજાં ફ્રૂટની આશા રાખવી સારી નથી. પ્રેયરના બદલામાં આશા રાખીએ તો ગોડને એક લાંચ આપવા સમાન છે અને આપણે વીમો ઊતરાવીએ તેમાં ગોડને ચેલેન્જ, આપી કહેવાય. પરિણામે એ કહે લે લેતી ખા, હું પણ તને દેખાડી આપું. અને એ તો ઓલ-પાવરફુલ છે ને! એટલે વીમો ઊતરાવતાં એ બાબત જરા ડીપ વિચાર કરજે.

Bible says covet not thy neighbor’s wife.
Geeta says covet not any fruit in your life.

“ફ્રુટને બદલે મોહનથાળ, દૂધીનો હલવો એવું ચાલે…હા હા હા!’’ પછી ગરમ ગરમ ચા પાઈ સ્ટેલાબાઈની ઉદાસી ઉડાડી ઘરે મોકલી આપી.

એમાં ચોકટ જ્યોર્જને કંઈ જોરદાર શરદી થઈ ગઈ. ન્યૂમોનિયા થઉં થઉં થાતો હતો. પણ ડોક્ટર જ્યોર્જે સ્ટેલાબાઈને કહ્યું કે હવે કાંઈ બીવાની જરૂર નથી. યુરોપમાં કોઈએ તિલસ્માતી દવા પૅનિસિલિન બનાવી હતી એ ચપટીમાં આ દર્દને હાંકી કાઢે છે અને હવે તો એ પૅનિસિલિન ભાવનગરમાં પણ પહોંચી ગયું હતું. ચોકટ-જ્યોર્જે જાતે એક શોટ બાવડે લગાડ્યો, શ્વાસ રૂંધાઈ ગયો અને કોઈને કંઈ ખબર પડે એ પહેલાં તો જીસસ-શરણ પહોંચી ગયો. ડાક્ટર જેવા ડાક્ટરને ભરખી જાય એવી તે કેવી આ દવા? ભાવનગરમાં પૅનિસિલિનની ઘરાકી તદ્દન બંધ થઈ ગઈ. સાવ એના નામનો સોપો પડી ગયો તે વર્ષો સુધી રહ્યો. દેશમાં બીજે વેચાય પણ ભાવનગરમાં પાણીના મૂલેય નો વેચાય!

પેલી સ્ટેલાબાઈને વીમાના પૈસા તો મળ્યા પણ બાપાજીએ કહેલી વાત મનમાં એક બીક ઘાલી ગઈ. મનમાં ગાંઠ વાળી કે પાંચમા પતિ વખતે પોતે વીમો નહીં ઊતરાવે. પાંચમો જ્યોર્જ મળ્યો, લગન નિરધાર્યાં અને ભાવનગરે નવા વરને ‘પંચમ-જ્યોર્જ’નું બિરુદ આપી દીધું અને સ્ટેલાબાઈને લોકો હવે દ્રૌપદી કહેતાં થયાં.

સ્ટેલાબાઈ એક વખત બાપાજી પાસે પહોંચ્યાં. “બે વાતે હું અપ્સેટ છું!” બાપાજીને થયું કે વળી શું લફરું થયું. “લોકો મને ડ્રૌપડી કહે છે. પન મેં તેની જેમ ઓલ-એટ-વન-ટાઇમ પાંચ હઝ્બંડ કીધા હતા? ખાલી વન-એટ-એ-ટાઇમ! તેનો કોઈ બૅનિફિટ ન આપે?” બાપાજીએ સમજાવ્યું કે “ભાવનગરમાં બે મહિનાથી કોઈ સારાં સિનેમા પડ્યાં નથી એટલે લોકો અકળાયેલાં છે. તો આ મનોરંજન માટે તું મળી ગઈ. એક સારું સિનેમા આવશે કે બધું ભુલાઈ જશે. થોડું ખમી જા.”

પેલીએ થોડો શ્વાસ ખાઈ બીજી અને વધુ અંગત તકલીફ વ્યક્ત કરી. “તમે એડ્વાઇસ આપી. એકોડિર્ન્ગલી, મેં આ વખતે વીમો નહીં ઊતરાવ્યો. પન યસ્ટરડે જ્યોર્જ કહે કે તે મારો વીમો ઊતરાવવાનો વિચાર કરે છે. મારું હવે શું થશે?” ટેબલ પર માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

બાપાજીએ પટાવાળા પાસે પાણીનો પ્યાલો મંગાવ્યો. બે કપ ગરમ ચાનો ઓર્ડર આપ્યો. ચા સાથે ખ્રિસ્તી લોકોમાં ગળ્યું ખાવાનો રિવાજ એ બાપાજીને ખબર એટલે અચ્છેર દૂધીનો હલવો મંગાવ્યો. બે પ્લેટમાં બે ભાગ કરી ચમચી ખોસી પીરસાયો. દરમિયાનમાં ભેજું ચલાવી તરકીબ શોધી. “માવડી, તું મૂંઝાતી નહીં. વીમા માટે તબીબી તપાસ કરવી પડે. ખારગેટનો પેલો ડો. હરિહર મારો દોસ્ત છે. તું એની પાસે જજે. હું એના કાનમાં ફૂંક મારીશ એટલે કોઈ તને વીમો જ નહીં આપે…”

સ્ટેલાબાઈ દાક્તરી તપાસ માટે ગઈ ત્યારે પેલા ડો. હરિહરે કોઈ ‘ફલાણોફિલિયા’ કે એવું લાંબું, મોં ભરાઈ જાય તેવું લૅટિન નામ લખી આપ્યું અને વીમાવાળા અને પંચમ-જ્યોર્જનાં હાડકાં ધ્રૂજાવી નાખ્યાં. સ્ટેલાબાઈને વીમો તો ન જ મળ્યો પણ પાંચમો બિચારો કાચના રાચની જેમ સ્ટેલાને સાચવતો થયો. લંડનવાળો પંચમ જ્યોર્જ ગયો અને બ્રિટિશ સલ્તનતનું પણ ઊઠમણું થયું. પણ અમારા પંચમ જ્યોર્જે સ્ટેલાબાઈ સાથે લાંબું અને સુખી જીવન ગાળ્યું.

સાંભળ્યું છે કે સ્ટેલાબાઈ એક ઊંચી અભરાઈએ એક જૂના બાઇબલનાં પૂંઠાં વચ્ચે ગીતા રાખતાં થયાં – પણ એ તો અફવા છે અને એવી તો ઘણી ભાવનગરમાં રોજ હાલી આવે! કોઈ પર મદાર નો બંધાય!


લેખક: કિશોર રાવળ, અમે ભાનવગરનાં ૧
સંપાદક: કોકિલા રાવળ

સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે.

પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું ઘડતર દિનરાતની અવિરત વેદનાના હથોડાના ઘાએ આત્માની એરણ પર થયું છે. હું ચાંદનીમાં ને ફૂલોમાં, દરિયાની લહરીઓ જોડે કે ઝરણાંની સાથે મહોબ્બત કરવા બેઠો છું, ત્યારે પણ એ મહોબ્બત ઉપર મારી સુખસગવડોની દુનિયાઓ ફના કરી છે. ચાંદનીમાં પણ હું સળગતો રહ્યો છું. અને દુનિયાને પ્રકમ્પોના આંચકા લેવરાવવા જેટલું કૌવત મારી કલમમાં, મારી સમવેદના અનુભવવાની ઊર્મિએ જ મૂકેલ છે.


લેખક : ઝવેરચંદ મેઘાણી ( કલમ અને કિતાબ ) ના સૌજન્યથી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

સંપાદક : કોકિલા રાવળ

ફરી ગોવાની મુલાકાત

અમે ટ્રેનથી મુસાફરી કરવાનુ નક્કી કર્યું. વડોદરાથી બપોરે ત્રણ વાગે ઉપડવાનો સમય હોવાથી અમે સ્ટેશને લગભગ સવા બે વાગે પહોંચ્યા.

આ ભાવનગરથી શરૂ થતી ફાસ્ટ ટ્રેન હતી. અમને નોન એ.સી.નુ બુકીંગ મળ્યુ હતું. અમે ટ્રેનમાં ચડ્યા ત્યારે બે બહેનો લાંબા થઈને સુતા હતા. ટીકિટ બતાવીને અમે અમારા સ્થાને બેસી ગયા. બપોરની ઉંઘમાં તેમનો ભંગ પડ્યો હોવાથી તેમના મોઢા ચડેલા હતા.

થોડીકવાર પછી મેં બહેનો સાથે ઔપચારીક વાતો શરૂ કરી. ભાવનગરમાં તેઓ અને અમે ક્યાં રહીએ છીએ તેની આપ લે કરી. આમ મેં મિત્રતાની શરૂઆત કરી. અમે ચોકલેટ ખાતા હતા તે તેઓને ધરી. ચોકલેટ તો નાના મોટા સૌને ભાવે. થોડી વાર પછી ચાનો સમય થયો. ચાવાળો ટ્રેનમાં ચડ્યો. “ચાય વાલે!” કરીને ઘાંટા પાડી આંટા મારવા લાગ્યો. અમે સેવ મમરા અને ગ્લુકોઝ બીસ્કીટ લીધેલા તે ચા સાથે ખાધાં. અમારા નવા મિત્રોને ધર્યા પણ તેઓએ ન ખાધાં.

લંડન અમેરિકાની વાતો કરતા સમય જલ્દી પસાર થઈ ગયો. અમારા સ-મુસાફરોનો સંગાથ સુરત સુધીનો હતો. આમ અમે મિત્ર ભાવે છૂટા પડ્યાં…

તેઓના ગયા પછી સુરતથી આખી લગ્ન પાર્ટી ચડી. લગભગ સવાસોથી દોઢસો માણસો હતા. શરૂઆતમાં તો કોણ ક્યા બેસસે તેની વ્યવસ્થા કરવામાં પડ્યા. અમે અમારી જગ્યામાં બેસી રહ્યા. બીજા બે જણા અમારી સામે બેઠા હતા તેઓ લગ્નવાળી પાર્ટીમાં નહોતા. તેઓ એકજ સ્ટેશન માટે બેઠા હતા. ટીકિટ ચેકરને આવતા જોઈ તેઓ સામાન મૂકી બીજી સીટમાં જતા રહ્યા. ટીકિટ ચેકરે બધાના રીઝરવેશનના કાગળિયા તપાસ્યા. બધાં ઠરીઠામ થયા. પેલી જોડી પણ ત્યાં આવીને ગોઠવાઈ ગઈ. હું સમજી ગઈ કે આ લોકો ટીકીટ વગરના છે. મને નવી પેઢીની લુચાઈ ઉપર ખરાબ લાગ્યુ. આ દેશના યુવાનોની મનોદશા આવી હોય તો પછીની પેઢી કેવી થશે? તેઓના કપડા કે દેખાવ ઉપરથી ગરીબ પણ ન લાગ્યા. કોલેજમાં જતા છોકરાઓ જેવડા હતા. મારી ફરજ ટીકિટ ચેકરને કહેવાની હતી કે સામાન મૂકીને બે જણા ક્યાંક બીજે ગયા છે. પણ મને બત્તી જરા મોડી થઈ.

જ્યાં રાત પડી એટલે સૌ સૂવાની વ્યવસ્થા કરવા લાગ્યા. અમે ઘેરથી બટેટા-પૌઆ લાવેલા. તેનુ વાળુ કર્યું. અમે નીચેના બર્થનુ સીનિયર બુકીંગ કરાવેલુ. હું તો લાંબી થઈ ગઈ, પણ સાથે બેઠા બેનને બર્થ આપીને મારા સાથીદાર તો ઉપરની બર્થમાં ચડ્યા!

ટ્રેનમાં બહુ ઉંઘ ન થઈ. આંતકવાદી ચડ્યા તેવી શંકા હોવાથી ફાસ્ટ ટ્રેન ધીરી પડી હતી. જાહેરાત થઈ કે “આપકી સુરક્ષા કે લિયે જાંચ કી જા રહી હૈ”. હિંદી ગુજરાતી અને ઈંગલીશમાં આવી જાહેરાત થઈ. બધાંનુ થશે તે આપણું થશે. તેમ વિચાર કરી હું પડી રહી. મોટા ભાગના બધાં ઘોરતા હતા…

અમારી ટ્રેન લગભગ દોઢેક કલાક મોડી પહોંચી. અમારી હોટેલ મડગાંવ (મારગોવા)થી છ કિલોમીટર દૂર હતી એટલે અમે ટેક્ષી કરી. બસો રૂપિયા ટેક્ષી ભાડુ હતું. અમે હોટેલ ઉપર સાડા આઠે પહોંચ્યા કે તરત સમાચાર મળ્યા કે સાડા નવ વાગે બસ ટુર જોવા લાયક સ્થળોએ લઈ જશે. અમે જલ્દી ડિપોઝીટ ચૂકવી રૂમ ઉપર જઈ હાથ મોઢુ ધોઈ તૈયાર થઈ ગયા. સાથે વધેલો થોડો નાસ્તો અને પાણી લીધા. અમારા પાસપોર્ટ અને પૈસા પણ લઈ લીધાં.

ગાઈડ બહુ સારો હતો. વિગતવાર ચાલુ બસે બધી માહિતી આપી રહ્યો હતો. મુંબઈથી ગોવા માટે નવો બ્રીજ બંધાઈ રહ્યો હતો તે બતાવ્યો. ચારેક જગયાએ અમને ઉતાર્યા. લંચ બ્રેક, શોપીંગ,બાથરૂમ બ્રેક અને ચા બ્રેક વગેરે કરાવ્યા. મને સખત તડકો લાગી ગયો હતો. વજન ઉંચકીને ચાલવાનુ ફાવતુ નહોતુ. બે જગ્યાએ અમે જોવા જવાને બદલે સોડા-લેમન પીતા બેસી રહ્યા. સાંજે અમને બોટ આગળ છોડી દીધા. “ત્રેવીસ જણા પાછા ફરવાના હોય તો અમે તમને પાછા લઈ જશુ. નહીંતર તમારી મેળે હોટેલ ઉપર પહોંચી જજો”, તેમ બસમાં ઘોષણા થઈ. ઘણા ત્યાં રાત રહી પડવાના હતા એટલે ત્રેવીસ જણા પૂરા ન થયા. બે ગુજરાતી અને બે મરાઠી કપલની સાથે બસમાં ઓળખાણ થઈ ગઈ હતી. એક ક્રીશચન બેન પણ હતા. એટલે ટેક્ષી કરીને પહોંચી જશુ, તેમ નક્કી કરીને અમે બોટમાં ચડ્યા. આહલાદક હવા આખા દિવસના તાપ પછી સારી લાગી. સાંજ ઢળવા આવી હતી. સૂર્યાસ્ત અને ચંદ્રોદય નીહાળ્યા. હવાની લહેરોથી મન તરબત્તર હતુ. બધાંને ડેક ઉપર બેસવાની ખુરશીઓ હતી. બોટ-રાઈડની ટીકિટ વસુલ થઇ!

બોટ ઉપર મનોરંજન કાર્યક્રમ પણ હતો, જેથી ઓર મજા પડી ગઈ. શરૂઆતમાં કોંકણ અને ગોવાનીઝ નૃત્ય બતાવ્યા. ત્યારબાદ વાજીંત્ર અને ગાન પણ હતા. પછી ડેક ઉપર બેઠેલા અબાલવૃધ સૌને વારાફરતી સ્ટેજ ઉપર આવવાનુ આમંત્રણ મળ્યું. પહેલા બાળકોને નોતર્યા તેઓ પાસે ડાન્સ કરાવ્યો. બહુ નાના બાળકો સાથે તેના મા કે બાપ પણ ગયા હતા. બેક-ગ્રાઉંડમાં મ્યુઝીક વગાડતા હતા. ત્યાર બાદ કપલને બોલાવ્યા. તેને અનુરૂપ ફીલ્મી સંગીત પીરસાતુ હતું. એકલા પુરૂષો અને એકલી બહેનોને પણ સ્ટેજ ઉપર આમંત્રણ મળ્યુ. આમ કોઈને છોડ્યા નહીં. ફોટા વિડિયો પણ લેવાઈ રહ્યા હતા. સૌને મજા પડી ગઈ. ગોવાની દિવાબત્તી અને બીજી બોટની લાઈટો નીરખતા સમય જલ્દી પસાર થઈ ગયો. અમે સૌ એકત્રીત થઈ ઉબર બોલાવી. મજલ ઘણી લાંબી હતી. ઝોલા ખાતા અને વાતો કરતા સૌ સૌની હોટેલ આવી તેમ ઉતરતા ગયા. અમે હોટેલ ઉપર પહોંચ્યા ત્યારે સાડા દસ થઈ ગયા હતા.

અમારૂ સામૈયુ કરવા હોટેલ સેક્રેટરી ત્યાં ઊભો હતો. તેણે અમને જણાવ્યું કે તેના હિસાબમાં ભૂલ હતી. તેણે અમને સાડાપાંચ હજારની પહોંચ આપી હતી અને અમે તેને અઢી હજાર જ આપ્યા હતા. અમે કહ્યુ રૂમ ઉપર જઈ હિસાબ કરી લેણા હશે તો આપી દેશું. તે બહુ કરગર્યો. અને અમને કહ્યુ કે તેને ગાંઠના પૈસા ભરવા પડશે. તેણે ઓફર પણ કરી કે તે મેનેજર સાથે વાટાઘાટ કરી અમને દસ ટકા ઓછા કરી આપશે. અમે રૂમ સુધી પહોંચ્યા અને અંદર જતા પહેલા જ મેં નક્કી કર્યું કે તેને પૈસા રૂમ ખોલતા પહેલા જ ચૂકવી દેવા. તેને પૈસા ચૂકવ્યાં. અંદર જઈ પહેલા મેં હિસાબ કર્યો. તો તે સાચો ઠર્યો. તેણે તેના બોસ સુધી સમાચાર પહોંચડ્યા. છેલ્લે બીલ ચુકવ્યુ ત્યારે અમને દસ ટકા ઓછા કરી આપ્યા હતા, જે અમે છૂટથી કામ કરતા લોકોને આપ્યા. તે દિવસે અમે નાહ્યા વગરના રહ્યા. બહુ થાકેલા હતા એટલે પથારી ભેગા થયા.

બાકીના બે દિવસમાં અમે એકે ટ્રીપ લીધી નહીં. અમે ઘણીવાર આ પહેલા ગોવા આવેલા હતા. એટલે અમારૂ બધું જોયેલુ હતું. અમે સવારે બુફે બ્રેકફાસ્ટ લેતા. લંચ માં ફ્રુટ કે કોરો નાસ્તો કરતા. સાંજે બહાર ડીનર લેતા. એક દિવસ “સાંઈ સાગર”માં સાઉથ-ઈંડિયન ખાધું. બીજે દિવસે હોટલના બગીચામાં જ ખાધું. ત્યાં કેરીઓકી મ્યુઝીક વાગતુ હતું. અમે અમારી ફરમાઈશ આપી તે તેણે વગાડી. બોસે આવીને અમારા ફોટા પાડ્યા. તે તેની જાહેરાતમાં વાપરવાનો હતો.

અમે છેલા બે દિવસ દરિયા કિનારે ખૂબ ચાલ્યા. સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને જોતા કુદરત ઉપર ઓવારી ગયા…


લેખક: કોકિલા રાવળ, ફેબ્રુઆરી ૨૦૨૦

સુવર્ણ પ્રકાશ

image credit: sriaurobindosaction.org

સુવર્ણ પ્રકાશ
સુવર્ણ પ્રકાશ મસ્તકે ઊતર્યો,
તિમિરમાં સૂર્ય તેજ પ્રકાશ્યું,
સુશુપ્ત ડહાપણ ઉજાગર થયું,
નિરવ રોશની અને જ્યોત પ્રગટયાં.

પછી પ્રકાશ કંઠે ઉદઘાટીટ થયો,
વક્તવ્યને દિવ્યતા બક્ષી,
સંગીતનો નાદ રણક્યો,
શબ્દ અમૃત પામ્યો.

સુવર્ણ પ્રકાશ હૃદયે ઉતર્યો,
શાશ્વતીનું સાન્નિધ્ય પ્રગટ્યું,
પ્રભુનું મંદિર બન્યું,
લાગણીના સૂર ગૂંજ્યાં.

સુવર્ણ પ્રકાશ પગ સુધી પહોંચ્યો,
સ્થાયી થઈને રમમાણ બન્યો.
પગરવને દિવ્યતા બક્ષી.


મહર્ષિ શ્રી અરવિન્દના The Golden Light કાવ્યનો ભાવાનુવાદ
(સૂર્યકાંત વૈષ્ણવ, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત)
વધુ માહિતિ માટે — Sri Aurobindo Chair of Integral Studies, Sardar Patel University in Vallabh Vidyanagar