પતંગિયાં

ઊડતાં પતંગિયાં, નાચે પતંગિયાં,
લહેરથી હવામાં ઝૂલે રે …

રંગબેરંગી સોહે રે, ચીતરેલા જાણે પીંછીએ
ટપકાંની ભાત એની ન્યારી રે …

નાનકડી પાંખ તોય દૂ-દૂર જાય, પોતીકું લાગે એને જ્યાં જ્યાં જાય,
પરાગની લહાણ એ કરતાં જાય….

ભીતિ વિના એને ભમવું ગમે, મોજથી ફૂલો પર ઝૂમવું ગમે,
ખેલદિલી સાથે ખેલવું ગમે…

અડવા જાઉં ત્યાં તો સરકી જાય, તોય પકડવા દોડી જાઉં,
કરવી છે મારે એની દોસ્તી રે…


કવિયત્રી: નિરૂપમા મારૂ ( જીવન પગથારેના સૌજન્યથી )

સંપાદક : કોકિલા રાવળ

સ્વાર્થ

“કેતુ… એ કેતુ…“

મીરામાસીની બુમ સંભળાઈ. અત્યારે જ પાછા આવ્યા હોવા જોઈએ. એમનુ કાયમ આવું જ. લાંબો સમય એમના એકાદ ભાઈને ત્યાં રહીને આવે. પાછા ફરે ત્યારે એમની જેવુ એકલવાયુ ઘર પણ ખાલીખમ હોય. પાણીનું ટીપુય ન મળે. આવે કે તરત મારા નામની કાગારોળ મચાવે. “એ આવી માસી…“

“પાણીનો જગ લેતી આવજે…“ 

“જગ નહિ, ઘડો જ ભરીને લાવું છું. જરા ઝંપો!“

મીરામાસી મારા પાડોશી. ખાલી ખોળે ચાંદલો ભુંસાયેલો એટલે સાસરેથી પાછા વળાવેલા. પરિવાર એમનો બહોળો, મા-બાપ, ચાર ભાઈ, બે બહેનો. મા-બાપ જીવ્યા ત્યાં સુધી બધુ ઠીકઠાક ચાલેલું. ધીમે ધીમે ભાઈઓ પોતાના સંસારમાં ગુંથાતા ગયા. એમણે કાયમ ટેકો આપવાનું વચન આપેલું તેટલે માસી બીજે ક્યાંય ગોઠવાયેલા નહિ. અઢી દાયકા વિત્યે વચનની અસર આછી તો પડે જ. પાછળ વધ્યા માસી એકલા. એમના સૌથી નાના ભાઈની કમાણી નાની, તોય એમના ટેકે માસીનું ગાડું રગડ્યા કરે. બીજા બધાના ઘરે સારો માઠો પ્રસંગ હોય, દવાખાને હોય કે  ઘરના કામની કંઈ મુશ્કેલી હોય કે તરત મીરામાસીને તેડાવે. માસી પણ મહિનો-દોઢ મહિનો એમનું કામ રોડવી દે. જરૂરિયાત પુરી થાય કે માસી વળતી ગાડીમા પરત. આજેય એમના એક ભાભી બિમાર પડેલા તે દોઢ મહિનો રોકાઈ, ચાકરી કરી પરત થયેલા.

માસીના ઘરનું બારણું અધખુલ્લું હતું. મેં રસોડામાં જઈ માટલુ વીછળી, ઘડામાંથી પાણી એમાં રેડ્યું. માસી પલંગ પર પગ લંબાવીને બેઠેલા. હું સામે જઈને બેઠી. 

“ભાભીને સાજા કરી આવ્યા એમને?“

“હા બેટા, જાવું તો પડેને“

“માસી, બધાને તકલીફમાં જ તમે યાદ આવો છો. મફતમાં સેવા લે છે. તમે ખાટલે પડો ત્યારે કોઈ ભાવ પૂછતું નથી.“

“બેટા ઈ રહ્યાં બધાં સંસારી જીવ. એની માયામાં અટવાતા હોય.  તે હું રહી એકલો જીવ, તે મને બોલાવે.“

“તે તમારા એકલા જીવને કાંઈ તકલીફ નથી પડતી? હવે તો તમારી ઉંમર થઈ. કેમ એકે ભાઈ કાયમ માટે નથી સંઘરતા? કામ પડે ત્યારે તમે યાદ આવો ને અમથા ભારે પડો? બધાય સ્વાર્થના સગા છે, માસી, સ્વાર્થના સગા.“ 

“કેતુ, ગમે એમ તોય મારા. હવે આ જાતી જીંદગીએ હું ક્યાં કામ ગોતવા નિકળુ? ને નાનો એકલો કેટલુ વેંઢારે? બીજા બધા કામ પડ્યે મને તેડી જાય છે ને એવે ટાણે મારા મહિના-દોઢ મહિનાના રોટલા નીકળી જાય છે. ને કેતુ, સાચુ કહું તો આમા સ્વાર્થ તો મારેય છે જ ને, એ એકલા થોડા…“

એમના ચેહરા પરની કરચલીઓમાં મને એમની લાચારી લચી પડતી દેખાઈ. એ વધુ ઓગળે એ પહેલા એમને રોકી બહાર નિકળતાં મેં કહ્યું, 

“માસી, અત્યારે રસોઈ બનાવવાની માથાકુટ નહિ કરતા. હું થાળી આપી જઉં છુ.“


લેખિકા : નસીમ મહુવાકર — ભાવનગર. સંપાદન “ છાલક “ ના સૌજન્યથી

સંપાદક : કોકિલા રાવળ

બાર કલાક લંડન એરપોર્ટ ઉપર

અમેરિકાથી ભારત આવતા લંડનના એરપોર્ટ ઉપર બાર કલાકનુ રોકાણ હતુ. ત્યાર પછી બીજી કનેક્ટેડ ફ્લાઈટ લેવાની હતી. ઉતરતી વખતે પ્લેનમાં એનાઉન્સ થયુ કે જેને કનેકટેડ ફ્લાઈટ લેવાની હોય તેણે પર્પલ રંગના સાઈનને ફોલો કરવું. હું તો સાઈન જોતા જોતા ઉપડી.

હું વજન ઉંચકીને થાકી હતી, એટલે જ્યાં ઈન્ફોરમેશનની સાઈન જોઈ, ત્યાં મેં દોઢા થઇને પૂછ્યું… કેટલે દુર જવાનું છે? બોર્ડીંગ પાસ માગ્યો, તેણે કપ્યુટરમાં જોઈને કહ્યુ કે અહીં બેસો. તમને થોડીવારમાં લઈ જઈશુ.

હું તો બેઠી. દસ પંદર મીનિટ થઈ. પછી મને ચટપટાટી ઉપડી. અડધો કલાક પછી કલાક થયો. મારી ધીરજ ખૂટી. હું ઉંચી-નીચી થવા માંડી, એટલે પૂછવા ઉપડી. અને મેં ઉમેર્યું કે મારી પછી આવેલાને લઈ જાવ છો, તો મને ક્યારે લઈ જશો?

ત્યારે તેણે ફોડ પાડયો કે જેની પહેલી ફ્લાઈટ હોય તે પ્રમાણે લઈ જઈએ છીએ. હજી થોડીવાર બેસો. મેંતો દલીલ કરી કે મારી રાતની ફ્લાઈટ છે એટલે શું મને રાત સુધી બેસાડી રાખશો? મને મારુ બોર્ડીંગ પાસ પાછુ આપો અને મને ખાલી માર્ગદર્શન આપો. હું ચાલી શકુ છું, મારી મેળે પહોંચી જઈશ. મને કહે બહુ અટપટ્ટુ છે. કમ્પ્યુટરમાં એંટર કરેલુ છે એટલે અમારે જવાબ દેવો પડે. વ્હીલચેરવાળુ કોઈ જતુ હશે ત્યારે તેની સાથે મોકલુ છું. તમે વ્હીલચેરવાળી છોકરીની સંગાથે ચાલતા જજો.

સારૂ; કહી હું તો પાછી બેઠી. તેની વ્યવસ્થા થઈ એટલે હું ઉપડી. પછી બીજી જગ્યાએ બધાંને ભેગા કરતા હતા. ત્યાં બેસાડી. ત્યાં પણ ફ્લાઈટ પ્રમાણે લઈ જતા હતા, એટલે મેં શાંતિ ધરી. અને મનમાં વિચાર કર્યો કે મારે તો ગમે ત્યાં બાર કલાક પસાર કરવાના છે તો અહીં બેસુ કે ડિપાર્ચર લાઉંજમાં બેસુ બધું સરખુ જ છે. અહીં શાંતિ છે. મશીનમાંથી ચા લીધી, જે મફત હતી. આજુ બાજુ બેઠેલાઓ સાથે પરિચય કર્યો. રૂમ મોટો હતો. બાજુમાં બાથરૂમ હતો. તે પણ મોટો હતો. 

મારી પાસે પુસ્તક હતુ તે થોડીવાર વાંચ્યું. મારી બાજુ બેઠેલા ભાઈ સેક્રેટરીની હેલ્પર સાથે ચર્ચા કરી રહ્યા હતા તેમાં ભાગ લીધો. ભાઈનુ કહેવુ એમ હતું કે તેમને અને તેમની પત્નીને સાથે કેમ ન લાવ્યા? તેને ચિંતા થતી હતી. મેં તેને સાથ આપ્યો કે ઉમરવાળાને શું શું થઈ શકે. તેના લગ્નને સાંઈઠ વર્ષ થયા હતા, હવે એકબીજા વગર ન રહી શકીએ, વગેરે…આમ ગુસ્સે થયા વગર દલીલ કરતા હતા.

બીજી વાર કોફી લીધી. સાથે થોડો નાસ્તો ફાક્યો. ઉતર હિંદુસ્તાની બહેને મને પુરી અથાણું અને અળવીનુ શાક નો નાસ્તો કરાવ્યો. પેલા ભાઈ બ્રેઈનની બુક વાંચતા હતા, તેની સાથે થોડી વાતો કરી. અને તેની પત્ની પાસે સુડોકુ શીખી. આમ રંગે ચંગે સમય વીતાવ્યો. પછી છેક બે જણાં રહ્યા હતા ત્યારે  મારો વારો આવ્યો. અમને બંનેને બગીમાં લઈ જવામાં આવ્યા. મારી સંગાથીને બીજા ટર્મીનલ ઉપર પહેલા ઉતારવા ગયા. અમને અંડરગ્રાઉંડ રસ્તેથી લઈજવામાં આવ્યા. તેને ઉતારી ત્યાં બીજા બે જ્ણાંને લીધાં અને આમ ઉપર નીચે  કરતાં મોટી રૂમ જેવડી લીફ્ટમાં આખી બગી સાથે અમારી સફારી જઈ રહી હતી. છેલ્લે અમે બે રહ્યા અને અમે જ્યારે અમારી ટર્મીનલ ઉપર પહોંચ્યા ત્યારે એનાઉન્સ થયું કે દસ મીનીટમાં ફ્લાઈટ ઉપડશે અને દરવાજો બંધ કરવામાં આવશે.

હું તો મોટા મોટા લાંઘા ભરતી પહોંચી ગઈ, અને મેં કહ્યુ કે એક બેન લાકડીના ટેકે ધીરે ધીરે આવે છે. મારી મજાની આઈલ સીટ ઉપર જઈ ગોઠવાઈ ગઈ. ઉપર ક્યાંય સામાન મૂકવાની જગ્યા નહોતી રહી. ફ્લાઈટ એટેન્ડે આવી મારો સામાન ગોઠવી આપ્યો. અને મને કહેવામાં આવ્યુ કે દવા કે બીજી એકદમ જરૂરી ચીજો હોય તે કાઢી લ્યો. મેં તેના કહયા પ્રમાણે કર્યું . બાકીની મુસાફરી ખાતા પીતા અને ઝોલા ખાતા પૂરી કરી…


લેખક: કોકિલા રાવળ, જાન્યુઅરી ૨૦૨૦

રામ કથા

વાંદરાએ બાળી મૂકેલી લંકાથી
ચોરી લાવેલા અગ્નિમાં પરીક્ષા પાસ કર્યા પછી,
બારીમાં અથડાયેલા ચંન્દ્રના અવાજથી ચોંકેલી
દાદરા નીચે
બળેલા ખંડેરોમાં ધુમાડાથી સજ્જડ ભરાઈ
ભારે થયેલા મૌનના ઢગલા જેવી એ બેઠી હતી.

રાત્રે જ્યારે પગલાના અવાજ વગર ચાલેલી –
ઊંદરના રાહડા, કરોળિયાની લહરક લહરક પગના ઘસારા
અને મગજમાં શબ્દોની અથડામણથી ધસેલી
ગતીના ઊહાપોહ -અવાજ શોધવા ?

એની સામે બધાએ જોયું.

એણે આંખ પરથી પાંપણ ઊંચી કરી.

કશી કબુલાત કરી નહી.

પેલા માણસની હાર તો એ જ હતી :
એણે આદેશ આપ્યો હતો કસોટીની શુદ્ધતા પારખવાનો.


કવિ : હિમાંશુ પટેલ ( કવિતા : જવનચિત્રોનું અક્ષયપાત્ર )

સંપાદક : કોકિલા રાવળ

હાં રે અમે ગ્યાતા મશરૂમના ઓવારે

એક શનિવારની બપોરે અમે મશરૂમ ઉગાડવાના ગોડાઉનમાં ગોઠવેલી ટુરમાં ઉપડ્યા.

ગોડાઉનમાં ધીરે ધીરે પંદર વીસ  માણસો ભેગા થયા. ત્યાં બેસવા માટે સોફા અને ટેબલ ઉપર નાસ્તા ગોઠવાયેલા હતા. અમે સૌ નાસ્તો અને પીણાઓને માણતા એકબીજા સાથે ઓળખાણ કરી. ત્યાં તો એક ભાઈએ આવીને બેલ વગાડી. અમે સૌ તેને સાંભળવા તેની આજુબાજુ અમારી નાસ્તાની રકાબીઓ સાથે ગોઠવાઈ ગયા. સૌ પહેલા તેણે મશરૂમ કેવી રીતે ઉગાડે છે તેની ઉપર ભાષણ  આપ્યું.

એક જગ્યાએ ગેસના ચુલા ઉપર મશરૂમનો સુપ ઉકળી રહ્યો હતો. તે અમને સૌને ચખાડ્યો. 

છેલ્લે જેને  જોઈએ તે વેરાઈટી વજન પ્રમાણે વેચતા હતા. અને જેને  બગીચામાં મશરૂમ ઉગાડવા હોય તેને માટે મફત મશરૂમના માટી અને લાકડાના છોલ સાથે વળગેલા પેકીંગ આપતા હતા. માટીને શુદ્ધ કરવામાં પણ વાપરી શકાય.

આ ગોડાઉનમાં ( વેરહાઉસ ) જાત જાતના મશરૂમ ઉગાડવામાં આવ્યા હતા.

મશરૂમ લાકડાના છોલ અને માટી ઉપર ઉગાડ્યા હતા અને તે અંધારા અને ભેજવાળા વાતાવરણમાં હતાં. અમે ટુરના  સમયે થોડા થોડા  સમયના અંતરે તેની ઉપર છાંટા પડતા જોયા. જુદા જુદા ઝાડની છોલ પ્રમાણે જુદી જુદી જાતના મશરૂમ ઉગાડી શકાય. આતો થઈ ગોડાઉનની વાત.

પરંતુ કુદરતમાં ઝાડની નીચે અને તેની આસપાસ દટાયેલા સાઠીકડા ઉપર જો તેને અંધારૂ અને ભેજ મળે તો ઉગી નીકળે તેથી જંગલોમાં જોવા મળે છે. જમીન નીચે તેની શાખાઓ પથરાયેલી હોય છે. તે અંદર અંદર જોડાયેલી મશરૂમની શાખા જમીનને શુદ્ધીકરણ કરતુ હોવાથી તેની દ્વારા ઝાડને પોષણ તરીકે તેને ઘણું પ્રોટીન મળે છે.

સુથારીકામ પછી છોલને ફેંકી દેવામા આવતો હોય છે. તેને બદલે તેને માટી સાથે મેળવીને તેને અંધારી અને ભેજવાળી જગ્યામાં રાખીએ તો તેની ઉપર મશરૂમ ઉગાડી શકાય.

ફિલાડેલ્ફિયા મશરૂમની ખેતી માટે પ્રખ્યાત છે. મશરૂમની જાતોમાં શીટાકે  મશરૂમમાં વધારે પ્રોટીન હોય છે. જાપાનના શીટાકે મશરૂમ વધારે વખણાય છે. ચાઈનીઝ લોકો પણ મશરૂમનો વધારે ઉપયોગ કરે છે. 

કોઈ જાત ઝેરી હોવાને કારણે આપણે મેળે વીણવાનેબદલે જાણકાર સાથે હોય તો જ જંગલના મશરૂમ વીણવા જવા. આ બીકના કારણે ભારતમાં કોઈ ખાતુ નથી.

મશરૂમ પર્યાવરણને ઉપર જતા કાર્બનને પણ શુદ્ધ કરે છે.

This slideshow requires JavaScript.


લેખક — કોકિલા રાવળ

સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે.

પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું ઘડતર દિનરાતની અવિરત વેદનાના હથોડાના ઘાએ આત્માની એરણ પર થયું છે. હું ચાંદનીમાં ને ફૂલોમાં, દરિયાની લહરીઓ જોડે કે ઝરણાંની સાથે મહોબ્બત કરવા બેઠો છું, ત્યારે પણ એ મહોબ્બત ઉપર મારી સુખસગવડોની દુનિયાઓ ફના કરી છે. ચાંદનીમાં પણ હું સળગતો રહ્યો છું. અને દુનિયાને પ્રકમ્પોના આંચકા લેવરાવવા જેટલું કૌવત મારી કલમમાં, મારી સમવેદના અનુભવવાની ઊર્મિએ જ મૂકેલ છે.


લેખક : ઝવેરચંદ મેઘાણી ( કલમ અને કિતાબ ) ના સૌજન્યથી

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

સંપાદક : કોકિલા રાવળ

થોડે થોડે પિયો!

અજરા કાંઈ જર્યા નહિ જાય.
એ જી વીરા મારા  ! અજરા કાંઈ જર્યા નહિ જાય.
થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર,
તમે જરણાંનાં જીન ધરો જી.

શીલ બરછી સત હથિયાર,
તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળિયુગ કાંટા કેરી વાડ્ય,
તમે જોઈ જોઈને પાઉં ધરોને હાં.

ચડવું મેર અસમાન,
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં. 

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં.


સંપાદક : ઝવેરચંદ મેઘાણી ( સોરઠી સંતવાણી ) ના સૌજન્યથી

સંપાદક: કોકિલા રાવળ

કહેવતો

  • સોનુ જાણી સંઘર્યું — નીકળ્યું કથીર.
  • સોનું જોઈએ કસી ને માણસ જોઈએ વસી. 
  • સોય પછવાડે દોરો.
  • સોળે સાન વીસે વાન વળ્યાં તો વળ્યાં નહિ તો પથ્થર પહાણ.
  • સૌ ગયાં સગેવગે, વહુ રહ્યાં ઊભે પગે.
  • સૌનુ થશે તે વહુનું થશે.
  • હક્કનું પચે; હરામનું ન પચે.
  • હજાર કામ મૂકીને ના’વું ને સો કામ મૂકીને ખાવું.
  • હમ બી રાણી તુમ બી રાણી કોણ ભરે બેડે પાણી ?
  • હરામનો માલ પચે નહિ.

સંપાદક — કોકિલા રાવળ
પુસ્તક — મોટા કોશ, રતિલાલ નાયક, અક્ષરા પ્રકાશન, અમદાવાદ

મારી દષ્ટિએ

મારી દષ્ટિએ આ ગુજરાતી ભાષાની છેલ્લી પેઢી છે. જે અહીં જન્મ્યા, ઊછર્યા એ બીજી-ત્રીજી પેઢીએ અહીં ગુજરાતી ભાષાનુ પૂર્ણવિરામ હશે.

અહીંની નવી પેઢીને ગુજરાતી શીખવવાના જે પ્રયત્નો થયા છે તે ગેરમાર્ગે છે. વિદ્વાનનું માર્ગ-દર્શન લઈને પછી ગુજરાતી ભાષા શીખવવી જોઈએ.

લંડનમાં ગુજરાતી શીખવવા પરીક્ષા વગેરે વ્યવસ્થા થઈ, પણ એ પ્રયત્નો કોલેપ્સ થયા. કારણ કે ગુજરાતી પરીક્ષા પાસ, પણ ગુજરાતી આવડે નહીં એવું બન્યું. શીખવનારા ગુજરાતી માટે અભિરુચિ કેળવી ન શક્યા.

અમેરિકામાં BAPS સંસ્થા ગુજરાતીની પરીક્ષા લે છે, ટેક્સબુક પણ પ્રકાશિત કરી છે.

ભાષા એટલે વાણી, લિપિ નહીં. લિપિ તો સેકન્ડરી છે.

ગુજરાતી શીખનારા ગુજરાતી બોલી-ગાઈ શકે તેવું કરવું જોઈએ. બાળ-ગીતો ગાઈ શકે તેવું કરવું જોઈએ. અર્થ ભલે ન સમજે – જો ગાઈ શકે. જે ગાશે, ને એમને રસ પડશે, તે ભવિષ્યમાં ગુજરાતી ભાષા શીખવા પ્રેરાશે. બાળકોને પહેલાં લિપિ (મૂળાક્ષર) નહીં, એમને ગાતાં શીખવો.

ઈંગ્લેંડ- અમેરિકામા ગુજરાતી શીખવવાના પ્રયત્નો ભાષાવિજ્ઞાનીઓની સલાહ વિના ખોટી દિશામાં થયા છે. ૨૫-૩૦ વર્ષની નિષ્ફળ મહેનત થઈ. 

આજે પણ ગુજરાતી કોઈને શીખવવું હોય તો મારી પાસે ચમત્કારિક ઉપાય છે. મારી દોહિત્રી મીરાં ૭ વર્ષની હશે ત્યારે ડિઝનીની ફિલ્મ — ‘ફ્રોઝન’ — ઈંગ્લિશ- સ્પેનિશમાં મળી. તે બતાવવા આવી. સ્કુલમાં ગીતો ગાઈને સ્પેનીિશ શીખવાય છે. 

‘ફ્રોઝન’ અંગ્રેજી જોતાં સ્પેનિશમાં મૂકે છે. જોતાં જાેતાં મીરાં અચાનક કહે છે કે ‘ફ્રોઝન’ ને ગુજરાતીમાં મૂકોને! મનમાં અચાનક ઉઘાડ થયો. મિયાંફૂસ્કી, જીવરામ ભટ્ટની ફિલ્મો બનાવવી જોઈએ. પહેલાં સંગીત અને પછી ગીત લખાય તે થવું જોઈએ. અંગ્રેજી બાળગીતોને ગુજરાતીમાં રૂપાંરિત કરી DVD બનાવો, ડબ કરો. એ રીતે નવીપેઢીને શીખવો.


લેખક : મધુસૂદન કાપડિયા

પુસ્તક: અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા, સંપાદક: ઉષા ઉપાધ્યાય

સંપાદક: કોકિલા રાવળ

પ્રેમની પ્રતીક્ષા

પચાસ વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે સ્વીડનના એક ગામમાં એક જુવાને ભવિષ્યમાં પોતાની થનાર પ્રિયતમાને આલંગીને ચુંબન આપી કહેલુ કે  “હવે થોડા દિવસમાં જ પાદરીના આશીર્વાદથી આપણે એક થશું અને આપણો ઘરસંસાર શરૂ કરશું.“

તેની પ્રિયાંએ સ્મીત સાથે કહેલુ કે “આપણા સંસારમાં શાંતિનુ સામ્રાજય હશે, કારણકે હું તમારા સિવાય જીવી નહીં શકુ.“

આ જુવાન પાસેની ખાણમા જ કામ કરતો હતો. જ્યારે અવારનવાર તેઓ ચર્ચમાં સાથે જતા ત્યારે પાદરી હંમેશા કહેતો કે ”આ જોડી તો મરતા સુધી જુદા નહીં પડી શકે.“ પરંતુ, મૃત્યુ તો તાબડતોબ આવી પહોંચ્યું…

રોજની માફક જુવાન મજુરનો ગણવેશ પહેરી પ્રિયાની ખડકીએ ગુડ-મોર્નીગ કહી કામે ગયો તે ગયો. તે કારમા દિવસે તેને ગુડ-નાઈટ કહેવા પાછો ન ફર્યો…

તેની પ્રિયાએ જુવાનને ભેટ આપવા માટે કાળા રંગના રુમાલ ઉપર લાલ કિનાર હોંશેથી ગુંથી રાખેલી. તેણે રુમાલને સાચવીને એક ડબામાં યાદગીરી તરીકે મૂકી પછી ખૂબ રડી. તે તેને કદી ભૂલી ન શકી. તેની પાછળ  આખી જિંદગી આંસુ સારતી રહી…

ત્યાર પછી તો દુનિયામાં કેટકેટલી ઘટનાઓ બની. યુધ્ધો થયા. રાજા શાહીઓ બદલાણી. ઘણા રાજ્યો સ્વતંત્ર થયા. ખાણોમાંથી મુલ્યવાન ધાતુઓ ખોદાતી રહી. ખેતીઓ થતી રહી. આમ પચાસ વર્ષ વીતિ ગયા.

એક દિવસ ખાણમાં છસો ફુટનીચે રસ્તો ખોદાતો હતો ત્યારે જુવાન સીસા અને સલફેટથી જડિત મળી આવ્યો. જાણે આરામ કરવા જરા લાંબો થયો છે ને થોડીવારમાં કામે લાગશે…

તે મૃત્યુ દેહને ઓળખવા માટે તેના મા બાપ કે મિત્રો જીવતા નહોતા. અંતમાં પેલી પ્રિયા જે બુઢ્ઢી થઈ ગયેલી તે લાકડીના ટેકે જોવા આવી. જોતાંવેત તેને ઓળખી ગ. મૃતદેહને વળગીને રોતી જાયને ભગવાનનો પહાડ માનતી જાય કે તેને આખરે છેલ્લી વાર દર્શન કરવા મળ્યા. પછી તેણે સૌને પચાસ વર્ષ પહેલા થયેલા પ્રેમ પ્રસંગની વાત કરીને જણાવ્યુ કે લગનને અઠવાડિયાની જ વાર હતી. આ સાંભળી આજુબાજુ ઉભેલા લોકોની આંખ ભીની થઈ. સુંદર જુવાનને જોઈ લોકો કલ્પના કરવા લાગ્યા કે આ બુઢ્ઢી જુવાન હશે ત્યારે કેવી સુંદર લાગતી હશે. બુઢ્ઢી તેના જુના સ્વપનોમાં ગરકાવ થઈ ગઈ. તેના અરમાનો પૂરા થયા નહોતા. ન તો જુવાનના હોટ હલ્યા કે આંખો ખૂલી…

બીજે દિવસે બુઢ્ઢીએ લગન કરવા જતી હોય તેવા કપડા પહેર્યા અને ડબ્બામાંથી લાલ કિનારવાળો કાળો રૂમાલ કાઢી કબ્રસ્તાન ઉપર પહોંચી ગઈ. યુવાનના ગળે રૂમાલ લપેટ્યો અને બોલી, “મારા વ્હાલા; આરામ કરો. થોડા વખતમાં હું તમને મળીશ. ભગવાનની કૃપાથી આપણે આખરે મળી શક્યા તેમ પાછી જરૂર ભગવાન આપણી ઉપર ઉદાર થઈ કૃપા કરશે.” જતા પહેલા એક વાર દર્શન કરી ત્યાંથી નીકળી ગઈ.


ભાવાનુવાદ — કોકિલા રાવળ

વાર્તા — પ્રેમની પ્રતીક્ષા, પુસ્તક — विश्व की 50 संवेदनशील कहानियॉं, रुपानतरकार — ब्रह्मदेव, લેખક — અનામી