પત્ર (બેનને)

પ્રિય બેલાબેન,

ખબર નહીં કે કેમ પણ આજે રોજ કરતા તમે વધારે યાદ આવ્યા. આજે મારા લગ્નનું આલ્બમ જોતી હતી. પાનેતર સાથે માથે ઓઢલો મારો ફોટો જોઈને મને આપણું બચપણ યાદ આવી ગયું.

યાદ છે… મમ્મી જ્યારે બહાર જાય ત્યારે આપણે બંને એમની સાડી પહેરીને માથે ઓઢીને નખરાં કરતાં હતાં? સાડીની પાટલી મમ્મીની જેમ ફટાફટ વાળવાની નાકામિયાબ કોશિશ પછી આખરે આપણે કંટાળીને ડૂચો વાળીને સાડી ચણિયામાં ખોસી દેતાં. પછી મોટું પેટ જોઈ હસી પડતાં. પલ્લુ માથે લઈ ને વિચારતાં કે કોણ પોતાના લગ્નમાં કેવું દેખાશે? કપાળ પર મોટો ચાંલ્લો અને બંધી કેવાં લાગશે? પછી તો એઝ યુઝવલ મારા જાડા કાચનાં ચશ્માં જોઈને હું મારા લગ્નમાં કેટલી ugli દેખાઈશ એ વિચારે મોઢું ચડાવીને બેસી જતી અને તમે મને કહેતાં:

“હું પણ મારા લગ્નમાં ચશ્માં પહેરીશ, બસ! ચલ, તંબુરાની જેમ મોઢું ના ફુલાવ, હસ હવે!”

તમને ખબર છે, મારા લગ્ન વખતે પાર્લરવાળા બહેન મને માથે બંધી પહેરાવીને પાનેતર ઓઢાડતા હતા ત્યારે મારું મન તમને બૂમો પાડીને બોલાવતું હતું કે- ‘હું બરાબર દેખાઉંછુંને? ને જુઓ, મેં તમારી જેમ ચશ્માં નથી પહેર્યા. હવે હું કોન્ટેક્ટ લેન્સ પહેરું છું!’

watercolor: Kishor Raval

સત્યાવીસ વર્ષ પહેલાંના મારા લગ્નના આલ્બમમાં દેખાતા ઘણાખરા વડીલો હવે ફોટામાં જ રહી ગયા. આપણા બા મારા લગ્ન વખતે કહે; “બેલા હોત તો તારા લગનમાં કેડે છોકરું તેડીને આઈ હોત!” કેટલું બધું પેઈન હતું એમનીવાતમાં ! બધું તમને ક્યાંથી ખબર હોય? તમે તો મને એકજ રાતમાં ચાર નાની બહેનોની મોટી બહેન બનાવીને ચુચાપ ચાલતી પકડી! તમે અંચય કરી મારી સાથે. તમને ખબર પણ છે કે કેટલી બધી બઘવાઈ ગઈ હતી હું? લોકો મને આવીને કહી જાય કે, “હવે તું મોટી છે, તારે રડવાનું નહીં. તારા મમ્મી-પપ્પાને સંભાળ , ચાર નાની બહેનોનેસંભાળ. બેલા કેટલી સમજદાર હતી….હવે તું પણ એની જેમજ સમજદાર બન!”

મારે પણ ત્યારે પોક મૂકીને રડવું હતું. મારે સમજદાર નહોતું બનવું. મને એ જ અડીયલ, જીદ્દી ધૃતિ થઈને, તમારી નાની બહેન થઈને જ રહેવું હતું. પણ મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું હતું. મારા મગજમાં એક જ ઢોલકી વાગતી હતી કે: હવે હું શું કરીશ? કોની સાથે સ્કુલમાં જઈશ? તમે તો મને એકલી મૂકીને ક્યાય નહોતા જતા, તો તમને આ શું થઈ ગયુ? તમે પાછા આવશોને? ભલે બધા કહે કે ભગવાનના ઘરેથી કોઈ પાછું ના આવે, પણ હું તો તમને મનમાં રિકવેસ્ટ કરતી જ રહી કે પ્લીઝ પાછા આવો… એક વાર! મને તો એમજ હતું કે તમે એકવાર આવીને, મને મળીને જશો. મેં નક્કીકર્યું હતું કે જેવા તમે આવશો એટલે તમારો હાથ જ નહીં છોડું એટલે તમારે રહી જ જવું પડશે. બાર વર્ષની થઈ ત્યાં સુધી તમારી જોડે રહીને મને તો કોઈ ફ્રેન્ડની ક્યારેય જરુર જ નહોતી પડી. તમને જ્યારે બધાં લઈ જતાહતા ત્યારે મેં મારા જાડા કાચવાળા ચશ્માં કાઢી નાખ્યા હતાં. ત્યારે પહેલીવાર મને મારી આંખો ગમી હતી. કારણકે મારે તમને ખુલ્લી આંખે પણ આમ જતા નહોતા જોવા.

ખબર છે… આપણે છેલ્લે તપસ્યા મુવી સાથે જોવા ગયાં હતાં અને તમે કહ્યું કે: જીવનમાં ક્યારેય આવો વખત આવે તો હું રાખીની જેમ તમારા બધાંની સંભાળ રાખીશ.’ સાલી આ વાત મગજમાં ક્યાંક ફસાઈને અટકી ગઈ હતી. તમારી જેમ મેં તો કોઈને આવું કશું કહ્યું નહોતું પણ જ્યારે અમુક ટફ નિર્ણયો લેવાના આવ્યા ત્યારે તમે હોત તો એ જગ્યાએ શું કર્યું હોત એ વિચારીને નિર્ણય લીધા હતા. સાચા કે ખોટા, નથી ખબર. ક્યારેક ડરી જતી અને ક્યારેક રડી પડતી. કાયમ ભગવાન સામે ઊભી રહીને મનમાં જ એમની સાથે ઝગડતી. બહુ એકલી પડી ગઈ હતી ત્યારે, એમ થતુંકે કોઈ મને સમજતું જ નથી. બાર થી અઢાર વર્ષની થઈ ત્યાં સુધી ડાયરી નાં દરેક પાનાંએ મારી વાત તમે બનીને સાંભળી. ત્યાર પછી તો સગાઈ થઈ અને લગ્ન થઈ ગયા. જીવનમાં ઘણું બદલાઈ ગયું. સગા, વ્હાલા, દેશ, રહેણીકરણી અને બીજું ઘણુંય! અમેરિકામાં આવીને જવાબદારી વધી અને ડાયરીમાં લખવાની આદત છૂટતી ગઈ. મનનું બધું ય મનમાં જ ધરબાઈને પડ્યું રહ્યું.

હમણાં ગુજરાત ગઈ હતી. આપણી તો બધી જ યાદો એની સાથે જોડાયેલી છે. આપણે સાથે સોમનાથ ગયાં હતાં, યાદ છે ને? હું તમને જ્યારે પણ યાદ કરું ત્યારે મને એ મંદિર આગળ દરિયા કિનારે એક બાંકડા પર બેઠેલા આપણે બંને દેખાઈએ. વર્ષોથી મને ત્યાં પાછાં જવું હતું. ખબર નથી કેમ. આટલા વર્ષોમાં હું કોઈક ને કોઈક કારણસર ન જઈ શકી. આ વખતે ત્યાં જવાનો મોકો મળ્યો. ફરી એજ દરિયા સામે ઉભી રહી ત્યારે તમને મળી હોઉં એવું લાગ્યુ.

આપણે જ્યાં રહેતાં હતાં ત્યાં પણ જઈ આવી. ઘણું બધું બદલાઈ ગયુ હવે તો. કોઈ જુના પાડોશી છે જ નહીં ત્યાં. એકદમ ભરચક એરિયા. બધે વાહનો પાર્ક કરેલાં જ દેખાય. આપણે ત્યાં હતાં ત્યારે કાર તો એક જહતી- પેલા બંગાળી અંકલની, યાદ છે? ને આપણે બધાં બહાર સતોડિયું કે કૈંક રમતાં ત્યારે બંગાળી આંટી હંમેશા બારી પાસે બેસી રહેતા ને ધ્યાન રાખતા કે એમની ગાડીને આપણે અડફેટે ના લઈ લઈએ! જબરું હસતાં આપણે.

આપણી બધી બહેનો પરણીને પોતપોતાને ઘરે સુખેથી રહેછે. જો કે તો ય હું તો એકલી જ રહી ગઈ. બે બહેનોએ એક જ ઘરમાં લગ્ન કર્યાં અને સાથે જ રહે છે. બીજી બે એ લગ્ન કરીને બાજુબાજુમાં જ ઘર બંધાવ્યા. હું બધાથી દૂર જ રહી ગઈ. ક્યારેક મને પણ વિચાર આવે છે કે તમે હોત તો આપણે સાથે નહીં તો ય આજુબાજુમાં તો રહેતાં જ હોત. આપણા મમ્મી-પપ્પા હવે નિવૃત્ત જીવનની મજા માણે છે. જો કે એક વાત છે… સ્કુલના કોઈ ટીચર ક્યારેય મળે તો પૂછે- ‘બેલાની બહેન… કેમ છે ?’ અને નડીયાદ જાઉં તો કોઈ જુનું ઓળખીતું અચૂક બોલે જ …’ધૃતિ બેલા…ધૃતિબેલા…’ અને ત્યારે તમે આસપાસ જ છો એવું લાગે!

વર્ષો વીતી ગયાં … હવે તો મારી ત્રણ દીકરીઓમાં કોઈ ને કોઈ વાતે તમે દેખાવ છો. ત્યારે સંજીવ મને હંમેશા કહે કે; ‘જો તેં એક બેલા પાછી માંગી હતી, તને વ્યાજ સાથે ત્રણ ત્રણ મળી, એટલે હવે ખુશ રહે!’

બસ, આટલુંજ કહેવું હતું કે: હવે હું ખુશ છું.

એ. જ. ધૃતિ.


લેખિકા: ધૃતિકા સંજીવ
સંપાદન: નંદિતા ઠાકોર (અનુભૂતિના અક્ષર)