પત્ર (કુદરતને)

મારી વ્હાલી કુદરત,

તને અવારનવાર લાંબા ટૂંકા પત્રો તો લખતી જ રહી છું, પણ આજે તો ખાસ પત્ર લખવાનું મન થયું છે. મારાં જીવનની વિધવિધ પળોમાં મારી અનુભૂતિઓની અભિવ્યક્તિ કરતી વખતે મને એવી પ્રતીતિ થઈ છે કે તું, પ્રેમ અને ભગવાન ત્રણેય એકમેક સાથે મળેલા છો. જાણે સમકોણ ત્રિકોણની ત્રણ બાજુઓ! તમારા ત્રણેયનું મારા જીવનમાં એકસરખું સ્થાન છે. તમે સૌએ જુદાજુદા સ્વરૂપે આવીને મને ખુશી આપી છે, મારાં આંસુ લૂછ્યાં છે અને મને નિસ્વાર્થ પ્રેમની સતત અનુભૂતિ કરાવી છે. શ્રદ્ધા ભગવાન તરફ ખેંચે છે, પ્રેમ જીવન તરફ દોડાવે છે અને તું, વ્હાલી કુદરત, મને આખા બ્રહ્માંડમાં ફેરવે છે. તેં મને ખૂબ આનંદ આપ્યો છે, મારા દુ:ખમાં ભાગ લીધો છે અને મને જીવનનું સત્ય શીખવ્યું છે.

રડુ તો ઝાકળનાં બિંદુ ચાહું તો ઓછો પડે સિંધુ
પાંપણ નીચે રણ ને જળ, ક્યારેક તરસું, ક્યારેક વરસું
દરિયો ડૂબે એવું દિલ ને પહાડ ચડે એવા પગ, પછી તો જીવન ધન્ય ધન્ય!

તું, પ્રેમ અને ભગવાન મારા જીવનમાં કેવા એકતારથી વણાયેલા છો. એના કેટલાંય પ્રસંગો અને અનુભૂતિઓ આ લખતાં યાદ આવે છે. સડોનાના રંગબેરંગી પહાડો અને પત્થરોમાં અંકાયેલી ઈશવરની છબીની ઝાંખી થતાં કહેવાઈ ગયું હતું;

અવનવા ભાવોથી ભીંજાણી, રંગરંગમાં રંગોની પિચકારી વાગી
રાધા બનીને નંદનવનમાં ઘેલીઘેલી નાચી નાચી.

Bell rockમાંથી ઘંટનાદ સાથે ઉતરતી આરતી, Bride and Bridegroom rockમાંથી સંભળાતી સોગંદવાણી, coffee rockમાંથી અવિરત ઝરતી પૂજાની ધાર એકધારી, સડોનાની રાતી ધૂળથી મેં ફરી મારી સેંથ ભરી… ને એક પળમાં હું યુગયુગ જેટલું જીવી ગઈ.

watercolor: Kishor Raval

તારા આલ્પ્સને મળી ત્યારે તો જાણે હું ઘેલી ઘેલી થઈ ગઈ હતી! ઓવરપાસમાંથી પસાર થતાં ગાડી ઉભી રાખી હું આલ્પ્સને અડી અને થોડીક કાવ્યકણિકાઓથી એને ભેટવાની કોશિશ કરી. આજ સુધી તો હતો ઓસ્ટ્રિયા અને સ્વીઝરલેન્ડનો આલ્પ્સ, પણ કવિતા એને અડી તો થઈ ગયો એ મારો આલ્પ્સ!’ ને એવી રીતે નોર્વેના ‘ સોન્ફ્યોર્ડ’ ના પહાડો અને દરિયા વચ્ચેથી અમારી બોટ પસાર થતી હતી ત્યારે બોલાઈ ગયું;

દરિયો આજે તો એવો ગમ્યો કે થયું લાવને નદી થાઉં
અને દરિયાને પરણી જાઉં!

વળી જાપાનમાં ફૂજી પર્વત જોતાં થયું:

તું ભયંકર તોયે સુંદર, કર તાંડવ નાગરાજ
ભલે દર્શાવ રૌદ્ર પ્રતાપ અને હુંયે આખા જીવનનો નાચ
આજ કરી લઉં સાથોસાથ!

અમેરિકામાં પહેલી વાર બરફ વરસતો જોઈ થયું-

મનમાં મ્હાલે મતવાલો બરફ…
બરફના ‘ઠાકોરજી’ સામે પગે ટીંગાડી બર્ફિલા ઝાંઝર
બની અપસરા સાચું નાચું.’

અરે વ્હાલી કુદરત, તારો આનંદ માણતાં પ્રિયતમને ય કહેવાઈ ગયું’તું:

તારા ચમક્યા મારા પાનેતરે અને ચાંદલો જડાયો મારા જીવતરે!

અને વહાલાં બાળકો રૂપક રૈના માટેનું વ્હાલ પણ મેં તો તારલા/તારલીના જ આધારે કર્યું છે. અત્યારે મને શું યાદ આવે છે, કહું? રૂપક વખતે સગર્ભા બની ત્યારે ખરતા તારાને જોઈ મેં લખેલું ‘સિતારો’ કાવ્ય .

એક તારો આકાશથી ખર્યો
દશે દિશાએ ઝળહળ્યો
કેટકેટલો ખોળતાં ય ના મળ્યો દૈવ જાણે ક્યાં ખર્યો?
દિવસો ગણ્યા ને માસ ગણ્યા
ને અચાનક રૂદન નિનાદે
અબરખ શો સિતારો સળવળ્યો
મારો ખોળો ભર્યો !

જો ને વ્હાલીકુદરત, મારો તારા પ્રત્યેનો અગાધ પ્રેમ મને દરેક વખતે મારી લાગણી કે અનુભૂતિ વ્યક્ત કરવા તારી પાસે જ લાવે છે.  ‘સિતારો ‘ તો પ્રિય ચંદ્રેશભાઈને પણ ખૂબ ગમતું કાવ્ય! અહીં તારા વાદળાંઓને પણ કેમ ભૂલું? હવાઈ જહાજની બારી પાસે બેસી વાદળો સાથે ખૂબ રમી છું અને હજુ રમું છું, મારી આંખો અને કલમથી વાદળો ગરજે કે વરસે, મને તો તું અને ભગવાન જ એમાં દેખાય અને ત્યારે મારી રગરગમાં પરમાનંદ રેલાય.

અને મારા જન્મભૂમી પ્રત્યેના પક્ષપાતને તો તું સમજી જ શકશે. પહેલીવાર અમેરિકામાં પાનખર જોઈને હરખાઈ ગઈ હતી પણ પછી તો જન્મભૂમીના આંગણામાં આવકાર આપતાં ઉભેલા વૃક્ષોના લીલાં પાદડાંનો રંગ યાદ આવે ને મનને તો ચડે બસ એ જ લીલા રંગનો નશો. કન્યાકુમારીમાં જેમ ત્રણ સમુદ્રોનો સંગમ જોતા લાગ્યું હતું કે જાણે આ તો તારો, પ્રેમનો અને ઈશ્વરનો ત્રિવેણી સંગમ! તમે ત્રણે અકળ છો, અગમ્ય છો, અનેકાનેક સ્વરૂપ છો અને ખૂબ વ્હાલા છો. તમે બ્રહ્માંડમાં પ્રગટો છો ને પરમાનંદમાં પલટાઓ છો. હવે તો એટલું જ કહીશ કે-

હે કુદરત, તું જ્યાં હો ને જેવી હો
તેવી જ તું મને જોવી ગમે.
તને જોતા, માણતાં, તારી સાથે રમતા, જીવતાં
તારામાં જ ભળી જાઉં અને પછી
ઝરણામાં દેખાઉં, ધોધમાં સંભળાઉં, પર્વતે પછડાઉં ને ખીણમાં ખરડાઉં
નદીમાં ન્હાઉં ને દરિયામાં સમાઉં
બધું કુદરતી ને બધે બસ તું , તું ને હું!
તારી હંમેશની પ્રશંસક અને ચાહક શોભા.


લેખિકા: શોભા શાહ, સંપાદન: નંદિતા ઠાકોર ( અનુભૂતિના અક્ષર )

કલાનો પરિચય

ચિત્ર અને શિલ્પ જેવી મૂંગી કળા નેત્રો મારફત ચિત્તમાં સંચાર કરે છે. તેની વાત કે કદર શબ્દોમાં પૂરી કહેવાનું મુશ્કેલ જ રહેશે. સાહિત્યનું વાહન શબ્દ હોવાથી તે શબ્દસૃષ્ટિમાં પૂર્ણ વિકાસ કરી શકે છે.

ફલાદેશ – નિર્દેશ – રંગ અને રેખાનાં આંદોલનો સમજવા તેની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની થોડી સાધના થવી જ જોઈએ. કલાના પરિચયથી કોઈ વસ્તુમાંથી સત્ ચિત્ આનંદ લેવાની શક્તિ તમને પ્રાપ્ત થશે.

 

 • તમારો આત્મવૈભવ વધી જશે.
 • તમને જીવનનું વિશાળ દર્શન થશે.
 • અનેક સ્થળે છુપાયેલું સૌંદર્ય દષ્ટિગત બનશે.
 • સંસારના ભંડકિયામાં કલાની બારી સુંદર ઉજ્જવળ પ્રકાશ આપે છે, જીવનને સહન કરવાની તાકાત આપે છે.
 • નજીવા લાગતા પદાર્થોને મૂલ્યવાન બનાવે છે.
 • માટીના લચકામાંથી બનેલી પ્રતિમા કે પાત્ર, ઘાટ, રંગ કે અલંકાર પામવાથી સુવર્ણ મ્હોરોનું મૂલ્ય પામે છે.
 • જમવાનો પાટલો અને દેવનું સિંહાસન એકજ પદાર્થનું બનેલા છતાં કલાએ તેમાં ભેદ બતાવ્યા છે.
 • દિલ્હી, આગ્રા, બનારસ, આબુ વગેરે નગરો કલાના પ્રતીકો સમાં છે માટેજ દેશપરદેશમાં કીર્તિ પામે છે.
 • કલાસજ્જીત ગૃહની ઈચ્છા કોને થતી નથી?
 • ઇચ્છા પાછળ રુચિના જ ભેદ છે, ઇચ્છા તો સૌને હોય છે અને ભેદ જાણવા હોય તો કલાનો પરિચય કરવો જોઈએ.
 • જગતમાં ચિરંજીવ ગણાતી વસ્તુઓમાં કલાકૃતિઓનું સ્થાન આગળ પડતું છે.
 • ભારતની કલા પ્રાચીન કલાકેનદ્રે અંજતા, સાંચી, ઈલોરા, નાલંદા ને બીજાં હજારો વર્ષોનું ગૌરવ ટકાવી રહ્યાં છે.
 • ગ્રીસ અને ઇટલી તેની પૂર્વકાળની કલાથી જ પંકાયાં છે.
 • કલા સ્વભૂમીના સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની પ્રતીક બને છે અને સ્વદેશનું મમત્વ સરજે છે.
 • વ્યકતિ અને સમાજ ઉભયને કલા શણગારે છે, સંસ્કારે છે, સજીવ રાખે છે.

લેખક: સ્વ. રવિશંકર રાવળ, પુસ્તક: કલાચિંતન

મારૂં ગામ: ડુંગરની કેડ્ય પર

મારા ઘરની પાછળ ચાર ખેતરવા છેટે ડુંગર છે. નાનકડો પણ ઘાટીલો છે, માના ઊરોજ જેવો. ટેકરીથી ઊંચો ને થોડો વિસ્તરેલો… ઉપર જઈએ એમ વધુ સોહામણો લાગે છે… એની ટોચેથી ચારે બાજુના ગામડાં તથા ટેકરીઓ વચ્ચેના સીમવગડો વધારે રણિયામણાં લાગ્યાં છે. ઓતરાદી તરફ પૂર્વથી પશ્ચિમ વહી જતી મહીસાગર નદી બારેમાસ પાણીથી સભર હોવાથી નોખી તથા નરવી આબોહવા રચી આપે છે. પેલો ડુંગર કહ્યો તેનું નામ છે કોથળિયો ડુંગર….

લાખો વણઝારો ધનની ‘કોથળિયો’ દાટી ગયા હતા માટે કોથળિયો ડંગર… ડુંગર ઉપર એ ધન ખોદી કાઢવા માણસોએ ખોદેલા કૂવા જેવડા ખાડા હતા. અમે પણ શૈશવમાં એ ધન જોવા ખાડાઓમાં ઊંડે ઉતરતા હતા… હવે એ કૂવા-ખાડા ખાસ્સા પૂરાઈ ગયા છે. અત્યારે તો ડંગર માથે સાગ તથા ખાખરાની ઝાડી છે. બેસતા કારતકમાં હજી બધું લીલુંછમ છે, પણ ત્યારે વ્હેતું ઝરણું હવે તો વરસાદની સાથે અલોપ થઈ જાય છે. ‘કાળદેવતાએ બધું બદલી નાખ્યું.’ એમ આપણે કહીએ છીએ, પણ હકીકતે તો માણસજાતે લોભવશ ને સ્વાર્થ સારુ બધું લૂંટી લીધું… ઝાડવા કાપ્યાં, ને માટી પથ્થરો પણ ખોદી કાઢ્યાં…. વિલાયતી દવા-ખાતરોથી ખેતરોને ય ચૂસી લીધાં… પશુ પંખી જંતુઓ નીય ચિંતા ન કરી! માણસ આજે ધરતીને વેરાન કરીને ઉજ્જડ જીવન જીવે છે… બલકે જીવવા ફાંફાં મારે છે.

આ કોથળિયા ડુંગરની ઉગમણી તળેટીમાં અમારાં કાકાબાપાનાં ભાઈઓનાં ખેતરો હારબદ્ધ શોભે છે. વળી, ખેતરના પડતરમા અમારા નવા ઘરોની લાઈન સોહી રહી છે. આંબા, લીમડાના ઝાડો તથા વાડામાં પપૈયાં અને બધી જાતનાં શાકભાજી ઋતુ પ્રમાણે વવાતાં ઉછરતાં ખવાતાં રહે છે. રજાઓમાં તથા પ્રસંગ-પર્વે બધાં ભેગાં થાય છે ને અસલનો જીવનરાગ તથા પ્રકૃતિનો લય અમને તરબતર ભીંજવી દે છે. અમારાં ઘર આમ પર્યટન સ્થળ જેવા લાગે છે, બારેમાસ! એ ઘરોના વાડામાં બેઠો છું. ટેકરીની કૂખમાં ગામ ઊભું છે, નવા વર્ષના દિવસો છે. હજી કારતક બેઠાને ચાર દિવસ થયા છે. લોકો હજી ‘સાલ મુબારક’ અને ‘જયશ્રી કૃષ્ણ’ના મૂડમાં દોદી રહ્યા છે. પણ હું તો પ્રકૃતિમાં ખોવાઈ ગયો છું. ખુશનુમા સવાર ફરફરે છે અને ગામ સીમને માથે ભૂરું સ્વચ્છ આકાશ કૃપા વરસાવી રહ્યું છે. ઓટલા પર ખાટલામાં હેમન્તનો તડકો પણ મારી સામે આવીને બેઠો છે. એનો ચહેરો તેજ તેજ છે. પાસે-ચોપાસે પડછાયા-છાયા ચીતરીને તડકાએ પોતાનાં રૂપો વધારી ઉજાગર કરી દીધાં છે. હવા શીતળતાનો સ્પર્શ કરાવવા સાથે સ્ફૂર્તી જગવે છે. હવે રાગ અને આગ બંને સેવવાની ઋતુ બેસી જશે.

દૂર દૂર સુધી ક્યારીઓમાં ડાંગર સોનાવરણી સોહાય છે. વધુ વરસાદે હજી સીમ ભીની ભીની છે. પાકવા આવેલી ડાંગરની મુઠ્ઠીફાટ કન્ટીઓ લચી પડેલી જોઉં છું… હરિતપીળી ક્યારીમાં તડકો પાલવ શો લહેરાય છે. ડાંગરની, પાકવા આવેલા ધાનની, વઢાતા ઘાસની અને હજી વ્હેતાં મટિયાળાં પાણીની સુગંધો છાતીની ધમણને મહેકથી ભરી દે છે… ક્યાંક ડાંગર કપાય છે. લાલ-લીલી ઓઢણીઓ હલચલ કરે છે ને ખેતરમાં ઉલ્લાસ ઊભરાઈ આવે છે. અળસિયા ખાવા બગલાઓ ઊતરી આવ્યા છે અને ખેતરમાં ભાતીગળ મુદ્રામાં ગોઠવાઈને ચાલે છે. પંક્તિ રચતી અને વંકાતી ગતીમાં સરતી કુંજડીઓની હાર આભમાં ઊડી જતી જોઉં છું… ઓ જાય, ડુંગરની પેલી પાર… વગડાની તળાવડીએ જઈને ઊતરશે કુંજડીઓ. દૂરની સ્તનાકાર ટેકરીઓ પર આકાશ ઝૂકી આવ્યું છે. પેલી વળાંક લઈને વ્હેતી મહીસાગરનાં પાણી પણ ઓટલેથી ય દેખાય છે. જાણે દિશા દરપણ ધરીને ઊભી છે ને સૃષ્ટિ એમાં પોતાનો નવો ચહેરો જૂવે છે. સીમવગડો હજી સોબત કરવાં જેવાં નર્યા ને નકરાં છે… ગામમાં મારા ઘરની પછીત સુધી સીમ અને વગડો બેઉ આવીને ઊભાં રહે છે. ખરેખર તો મને લેવા, બોલાવવા આવ્યાં છે… ને હું જાઉં છું…

ક્યા ચિત્રકારે વૃક્ષોને સુંદર આકોરોમાં વધતાં વિકસતાં શીખવ્યું હશે?! આ સામેનો લીમડો વર્તુળ જેવો જ અને ઘટાદાર છે. પાસેનાં સાગ વનો પણ છટાદાર ઊભા છે. આજે સવારથી જ અહીં કાગડાઓ બબ્બે ત્રણ-ત્રણના જૂથમાં ઊડી આવ્યા છે. જરા ચિંતાભર્યું અને ક્રંદન કરતા હોય એવું કેમ બોલે છે? આજે આ કાગડાઓ જાણે બીજા કોઈ મૃત કાગડાની કાણે આવ્યા હશે?! ત્યારે દાદા કહેતા હતા કે મૃત કાગડો શોધીને બતાવતા અને પછી એને અગ્નિદાહ દઈને શાંતિ પામતા. હા, દાદાને મેં પશુપંખીઓને સમજતા અને ચાહતા ભેરુ રૂપે પણ જોયા હતા. વારંવારે એ વગડે વહી જતાં! હું કાગડાઓના અવાજોની ઉદાસીમાં ભીંજાતો ચૂપ બેઠો છું!

આથમવા જતા સૂરજે કોથળિયા ડુંગરને કેસરી રંગથી રંગી નાખ્યો છે… સીમકન્યા મોટી થાળીમાં ગુલાલ લઈને ઊરાડતી જાય છે. ઋતુ ભૂલ્યા હોય એમ બેચાર મોર ટહુકી ઊઠ્યા છે. ખરેલા પીંછાવાળા બાંડા મોરલા હવે પીછાં ઉગાડશે. રાતના રંગો સાથે એમાં સીમના રંગો ભેળવશે. ઘાસમાં રમતો પવન હવે પાછો તરુવરોની ડાળે ડાળે જંપી જશે. ત્યારની જેમ હવે ગાયો ભેંસોના ધણ નથી રહ્યાં. બધું તબેલામાં બંધાઈ ગયું છે. હા, હજી થોડી ગાયો ચરીને પાછી આવતી દેખાય છે… થોડાં બકરાં ય છે. રસ્તાની ધારે ધારે પાણી ભર્યા ચરણોમાં પોયણાં ખીલ્યાં છે. ઘરે ઘરે ઈલેક્ટ્રિક દીવાઓવાળાં ઝબુકિયાં પ્રગટી ઊઠ્યાં છે… અંધારું વર્તાય છે ખરું, પણ કાળી રાત હવે રહી નથી, પશ્ચિમાકાશે ચોથપાંચમના ચન્દ્રનું ચાંદરણું ફિક્કી સક્કરટેટીની પીળી ચીરી જેવું દેખાય છે. સૃષ્ટિમાં કશીક પીડાની ફડક પેસી ગયેલી અનુભવું છું. હા, ઢળતી રાત સ્વસ્થ નથી… જાણે બધાના ચહેરા પર કશીક અજાણી વ્યથાની પાતળી છાયા પડી ગઈ ન હોય!! ક્યાંક એકબે આગિયા ઊડે છે. ને કંસારીનો ચિકચિક અવાજ છાતીમાં ઘસરકા પાડે છે, જાણે! ધીમે ધીમે ભેદી રાતે ગામને પોતાની આગોશમાં લઈ લીધું હતું!

લેખક: મણિલાલ હ. પટેલ

પુસ્તક: તોરણમાળ

બાળકોનું ચિપકો આંદોલન

લાર્જેસ્ટ ટ્રી હગનો રેકોર્ડ હવે ભારતને નામે થઈ ગયો છે. જામનગરના મીઠાપુરમાં ટાટા કેમીકલ્સમાં આવેલી ડી.એ.વી. પબ્લિક સ્કૂલ (દ્વારકા) ના ૧૩૧૬ બાળકોએ ઝાડને આલિંગન આપીને ભારતના નામે આ રેકોર્ડ કરી દીધો છે. અગાઉ, આ રેકોર્ડ કોરિયાના નામે હતો. સ્કુલના બાળકો ઉપરાંત શિક્ષક અને સ્ટાફ કર્મી સહિત ૧૪૫૦થી વધુ લોકોએ આ વિક્રમી આયોજનમાં ભાગ લીધો હતો. સ્કુલના પ્રિન્સિપાલ આર. કે. શર્માએ જણાવ્યું કે, લાર્જેસ્ટ ટ્રી હગને ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ તરફથી માન્યતા મળી ગઈ છે. કુદરતી સ્ત્રોત અને સુંદરતાને બચાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

દિવ્યભાસ્કર
ગુજરાત અમદાવાદ, શનિવાર, ૧૧ માર્ચ, ૨૦૧૭ (પાનુ ૭)

વૃક્ષનું વસિયતનામું

સુકા પાંદડે લખાયેલું વૃક્ષ નું વસીયત નામું :

watercolor: Kishor Raval

આજ રોજ મારી સંપૂર્ણ લીલી-છમ અવસ્થા માં મારું આખરી વસિયતનામું લખી આપી સર્વ ને જણાવું છું કે; આમ તો મારી ઉંમર ખુબ લાંબી હોય છે પણ વિકાસ નાં ઓઠા હેઠળ ક્યારે મારી ઉપર કુહાડી વીંઝાય એ ડર હોવા થી હું આ વિલ કરું છું;

 • મારા મૃત્યુ પછી મારા તમામ અંગો નું દાન કરું છું.
 • મારા થડ માંથી વૃદ્ધાશ્રમ ની બેન્ચીસ બનાવવાની અને સંગીત નાં સાધનો તથા સુંદર મઝા ની હોડી બનાવવાની રેહશે.
 • મારી મજબૂત ડાળીઓ માંથી ભૂલકાઓ નાં ઘોડિયા તથા રમત ગમત ના સાધનો  તથા હિંચકાઓ બનાવવાના રેહશે.
 • મારી ઉપર દિલ થી કોતરેલા નામો છે એ ભાગ જે દીવાનાઓએ લખી છે તેને આપી દેવાના રેહશે.
 • આ વિલ ની સહુથી મહત્વ ની શરત એ છે કે કોઈ પણ કાળે મારા અંગ માંથી કુહાડી કે કરવત નાં હાથ બનાવવાના નથી કારણ કે એના થકી મારા ભાઈબંધો ઉપર કુહાડી નાં ઘા કે કરવત ફરી વળે તે મને મંજૂર નથી .

આ વિલ ના એક્ઝીક્યુટર તરીકે કુદરત ને નીમવા માં આવેલ છે અને પવન તથા માટી ને સાક્ષી ઓ તરીકે લેવા માં આવેલ છે.

આ મારું આખરી વિલ છે અને આ અગાઉ નું કોઈ લખાણ નીકળી આવે તો એ રદબાતલ ગણવું .

આ વિલ મેં મારી સંપૂર્ણ લીલી છમ અને મજબૂત અવસ્થા માં લખી આપ્યું છે જે તમામ માનવ જાતી ને બંધન કર્તા રહેશે!


લેખક આસીમ, ભાવનગરના રાજુ મહેતા તરફથી

સાર્થક સંવાદ

વિવેકાનંદ અને ટાટા વચ્ચે સાર્થક સંવાદ

photo: https://en.wikipedia.org/wiki/Bibliography_of_Swami_Vivekananda

શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદનો મત એકદમ ક્રાંતિકારી હતો. તેવો માનતા હતા કે ભારતના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ તો આપવું જ જોઈએ,પણ સૌથી વધુ જરૂરી છે, તેમને વૈજ્ઞાનિક અને ટેકનિકલ શિક્ષણ આપવું તે. અમેરિકા અને યુરોપિયન પહોંચ્યા એ અગાઉ પણ સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુર્જાગૃતિ શક્ય નથી. શિક્ષણમાં વિજ્ઞાન અને ઉદ્યોગના અધ્યયન ઉપર તેમણે વધુ ભાર મૂક્યો. ભારતના સુપ્રસિધ્દ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વ ના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે. જમશેદજી ટાટા સવામીજીના આવા વિચારોથી ઘણા જ પ્રભાવિત થયા હતા.

જમશેદજીએ 23 નવેંબર, 1898 એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો. સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં સહભાગી થવા ભારતથી અમેરિકા જવા નીકળ્યા ત્યારે એ જ વહાણમાં ભારતના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ હતા. જમશેદજી જાપાન જઈ રહ્યા હતા. એ પ્રવાસમાં સ્વામીજી અને જમશેદજી વચ્ચે ભારતમાં ઉદ્યોગ-વિજ્ઞાનની સ્થિતિ તેમજ અધ્યાત્મ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હશે, એ આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

સ્વામી વિવેકાનંદની સ્પષ્ટ માન્યતા હતી કે ફક્ત પુરુષોએ જ શિક્ષિત થવાનું નથી, પરંતુ મહિલાઓએ પણ શિક્ષિત થવાનું છે. સ્વામીજીએ કહ્યું કે જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહી થાય ત્યાં સુધી દેશકલ્યાણની સંભાવના નથી. સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તતા અને કુપ્રથાઓ ત્યાગીને ભારતમાતાને દેવી સ્વરૂપ જાણીને ફક્ત તેની જ આરાધના કરવાનો આગ્રહ કર્યો.

તેમણે કહ્યું: ‘આગામી પચાસ વર્ષ માટેનો જગદ્જનની જન્મભૂમિ ભારતમાતાને જ આરાધ્યદેવી માનો. આપણો દેશ જ આપણા જાગ્રત દેવતા છે. જે વિરાટ દેવતાને આપણી ચારે બાજુ જોઈ રહ્યા છીએ, તેમની જ પૂજા આપણે કરીએ!’

આ રાષ્ટ્ર જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને તેમની પૂજાનો અર્થ છે તેમની સેવા.


પ્રિય સ્વામી વિવેકાનંદ,

આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.

આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઈ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઈ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જયા ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કંઈ હોઈ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુધ્દની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. 

એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગ્રણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ.

સસન્માન, આપનો
જમશેદ એન. ટાટા. 


દિવ્યભાસ્કરના સૌજન્યથી, socialnetwork.kishormakvana@gmail.com

વૃક્ષો ઓછા થતા ગયા છે

વૃક્ષો ઓછા થતા ગયા છે.
વાતાવરણમાં અંગારવાયુના પ્રમાણમાં વધારો થતો રહે છે.
તાપમાનનો વધારો અટકાવવની જવાબદારી આપણીજ.

ઊર્જાના રખેવાળો, હા, તમે પણ પરિવર્તન આણી શકો છો.

watercolor by Kishor Raval
watercolor by Kishor Raval
 • BEE સ્ટાર લેબલ ધરાવતા સાધનો વાપરો.
 • જરૂર ના હોય ત્યારે પંખો, ટીવી જેવા વીજ ઉપકરણોની સ્વીચ બંધ રાખો.
 • તમામ વીજ ઉપકરણો સ્વચ્છ રાખો.
 • ફ્રિજનું બારણું ખોલતા પહેલાં શું શું તેમાંથી બહાર કાઢવાનું છે તે વિચારી રાખો.
 • કાગળ, પ્લાસ્ટિક, કાચની વસ્તુઓને પુન: ઉપયોગમાં લો.
 • કાગળની બંને બાજુ વાપરો.
 • કચરો જ્યાં ત્યાં ના નાંખો.
 • બ્રશ કરતી વખતે નળ ચાલુ ના રાખો.
 • ટપકતા નળનું સમારકામ કરાવો.
 • વ્યક્તિગત ધોરણે જીવનશૈલી બદલીને હવામાનના બદલાવને અટકાવવા પ્રયત્નનશીલ લોકોના પ્રયત્નને નજરઅંદાજ ના કરો.
 • પુન: પ્રાપ્ય ઊર્જાના વપરાશ વધારો.
 • વીજ- સંચાલિત સાધનોનો વપરાશ ઘટાડો.
 • ઊર્જા કાર્યદક્ષતા સુધારો. ગૃહક્ષેત્રે ઊર્જાબચત માટે સભાન રહો.
 • સતત જાજરુમાં વહેતા પાણીનું સમારકામ કરાવો.

પોપકોર્નનું ૬ હજાર વર્ષ જૂનું કનેક્શન

્બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી માઈક શોટ્ટોન નામનો શખ્સ ખૂબ જ ચર્ચામાં છે. વાત એમ છે કે માઇક શોટ્ટોને એવી પિટિશન દાખલ કરી છે કે બ્રિટનના દરેકે દરેક થિયેટરમાં પોપકોર્ન પર પ્રતિબંધ લાદી દેવામાં આવે. શોટ્ટોનની દલીલ એવી છે કે લોકોના મૂવી દરમિયાન પોપકોર્ન ખાવાથી તેને ખૂબ જ ખલેલ પહોંચે છે અને તે એક ચિત્તે મૂવી જોઇ શકતો નથી. શોટ્ટોનની ‘પોપકોર્ન હટાવો’ ની ઝુંબેશને ખાસ પ્રતિસાદ મળ્યો નથી અને છેલ્લા ૧૦ દિવસમાં તેની પિટિશનમાં માત્ર ૧૩૦ લોકોએ જ હસ્તાક્ષર કર્યા છે.

અલબત્ત,શોટ્ટોનની આ ઝુંબેશ સામે દાખલ કરવામાં આવેલી કાઉન્ટર પિટિશનમાં પોપકોર્ન પ્રેમીઓએ એવી દલીલ કરી છે કે પોપકોર્ન વિના તેમને ફિલ્મ જોવાની મજા જ આવતી નથી.

પિટિશન-કાઉન્ટર પિટિશનનો આ ‘ખેલ’ ભલે નિરર્થક હોય પરંતુ આપણે ત્યાં પણ એવા ઘણા લોકો છે જેમને પોપકોર્નના સ્વાદ વિના ફિલ્મ ફિક્કી જ લાગે છે.

આજે પોપકોર્નની વાત એટલા માટે કેમકે અમેરિકામાં ૧૯૫૮ના વર્ષથી ૧૯ જાન્યુઆરીના દિવસને ‘નેશનલ ‘ પોપકોર્ન ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

એ વાત જાણીને નવાઈ લાગશે કે પોપકોર્નનો ઈતિહાસ ૬ હજાર વર્ષ પુરાણો છે. મેક્સિકોની બેટ ગુફામાંથી વર્ષ ૧૯૪૮-૧૯૫૦ દરમિયાન સંશોધકોને કેટલાક સેમ્પલ્સ મળી આવ્યા હતા. જેમાં એક કડી પોપકોર્નની પણ મળી હતી, એ મુજબ ઇ. સ. પૂર્વે ૩૬૦૦ની આસપાસ બેટ ગુફામાં રહેતો માનવી પોપકોર્ન ખાતો હતો.

એશિયા સાથે પણ પોપકોર્નનો ઘણો જૂનો નાતો છે. ૧૫મી સદીના અંતિમ તબક્કા દરમિયાન ભારત, ચીન, સુમાત્રાના લોકો પોપકોર્ન ખાતા હોવાના આધારભૂત પુરાવા મળ્યા છે.

photo credit: https://popcornplaza.com/media/wysiwyg/health-issues-with-movie-popcorn.jpg
photo credit: https://popcornplaza.com/media/wysiwyg/health-issues-with-movie-popcorn.jpg

પરંતુ પોપકોર્નને ખરી લોકપ્રિયતા ૧૯૩૦ના દાયકામાં આવેલા ગ્રેટ ડિપ્રેશન દરમિયાન મળી હતી. આ સમયગાળા દરમિયાન સસ્તા ફૂડની વાત આવે તો તેમના માટે પોપકોર્નનો વિકલ્પ સૌ પ્રથમ રહેતો. કેમકે, પાંચ – સાત સેન્ટ્સમાં ત્રણ-ચાર લોકો ખાઈ શકે તેટલી મોટી પોપકોર્ન બેગ આસાનીથી મળી રહેતી. ૧૮મી સદીના અંત સુધી હાથબનાવટના પોપકોર્ન મળતા હતા. આજે એક અંદાજ અનુસાર અમેરિકન ૧૮૮૫ના વર્ષના ચાર્લસ ક્રેટર્સે પોપકોર્ન બનાવી શકે તેવું મોબાઇલ મશીન બનાવ્યું હતું. આમ, આજે પોપકોર્નના મશિન જોવા મળે છે તેનું શ્રેય અમેરિકાના ચાલર્સ ક્રેટર્સને જાય છે.

ભારતમાં પોપકોર્ને ખાસ કરીને ૧૯૮૦ ના દાયકા બાદ પોતાનું સ્થાન જમાવવાનું શરુ કરી દીધું. ભારતના મલ્ટિપ્લેક્સ માટે પણ પોપકોર્ન ‘કમાઉ દીકરા’ સમાન છે. કેમકે, મલ્ટિપ્લેક્સ તેમની ૭૦ ટકા આવક પોપકોર્ન – soft drinksના વેચાણ દ્વારા રળી લે છે. બેંગલોરના આઈનોક્સ થિયેટરની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રાજપન પસંદ માત્ર પોપકોર્નના વેચાણથી વાર્ષિક રૂપિયા ૧૫ લાખની કમાણી કરે છે. રાજપન પસંદના મતે દરરોજ સરેરાશ ૧૫૦૦ લોકો મૂવી જોવા માટે આવે છે અને તેમાંથી ૧૪૦૦ જેટલા લોકો પોપકોર્ન – soft drinkનું કોમ્બો ખરીદે છે. જેના લીધે અમારી દૈનિક આવક જ રૂપિયા ૩.૫૦ લાખ થઈ જાય છે. લાઈટ બીલ-સ્ટાફના પગાર મેન્ટેનન્સને બાદ કરવામાં આવે તો પણ હું પ્રતિ માસ રૂપિયા ૧.૫૦ લાખ કમાઈ લઉં છું. રહી વાત ફિલ્મ અને પોપકોર્નના કનેક્શનની કરવામાં આવે તો તે વિષે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ લેજન્ડ આલફ્રેડ હિચકોકની સસ્પેન્સ ફિલ્મો સાથે આ નાતો બન્યો હોવાનું પણ કહેવાય છે. જેનું કારણ એ છે કે લોકો રોમાંચ અનુભવે ત્યારે પોતાના નખ ચાવવાનું શરૂ કરી દેશે. આલફ્રેડ હિચકોકની ફિલ્મ દરમિયાન લોકો નખ ચાવવાને સ્થાને પોપકોર્ન ખાય તેવું ગતકડું અમેરિકામાં શરૂ કરાયું અને તે કારગત નીવડ્યું.